કામ કર્યા વિના ઓવરટાઈમ ચૂકવાયો!:ગુજરાત STમાં 8 કરોડનું મસમોટું ઓવરટાઈમ કૌભાંડ, તપાસ કમિટિએ રિપોર્ટ આપ્યો છતાં રિકવરી કરાતી નથી

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ

ગુજરાત રાજય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં (ST) હવે 8 કરોડનું ઓવરટાઈમ કૌભાંડ બહાર આવ્યું છે. આર્થિક સ્થિતિ ડામાડોળ હોવા છતાં નિગમમાં કર્મચારીઓને ઓવરટાઇમ પેટે કરોડો રૂપિયા ચૂકવાયું છે. મઝાની વાત એ છે કે જેનું પેમેન્ટ કરાયું છે તે ઓવરટાઈમમાં જે-તે કર્મચારીએ કોઈ કામ કર્યું જ નથી. ખુદ ST મધ્યસ્થ યંત્રાલયની કમિટીનો અહેવાલ છે છતાં આ રકમ વસૂલવા કોઈને કોઇ રસ જ નથી. એસટીની કમિટીએ આ અહેવાલ રજૂ કર્યાને આજે એક વર્ષ થવા આવ્યું છે. જોકે આ કૌભાંડમાં તત્કાલીન વર્ક્સ મેનેજર કમલ હસનને સસ્પેન્ડ કરાયા છે.

વિગત મુજબ ST નિગમના વર્કશોપના કર્મચારીઓએ ઓવરટાઇમ નહીં કર્યો હોવા છતાં તેમને એની રકમ ચૂકવવામાં આવી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ ST ઓફિસર્સ એસોસિયેશનના પ્રમુખે કરી આવી હતી. આ ફરિયાદના આધારે ST મધ્યસ્થ યંત્રાલય, નરોડાના યંત્રાલય વ્યવસ્થાપક એન.બી. સિસોદિયાના અધ્યક્ષપણા હેઠળ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ કમિટીએ 30-6-2021ના રોજ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મુખ્ય મહેકમ અધિકારીને અહેવાલ સુપરત કર્યો હતો, જેમાં નરોડા વર્કશોપના કામદારોને ઓવરટાઇમ પેટે 7,87, 92,422ની રકમ ખોટી રીતે ચૂકવાઈ હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. એના માટે તત્કાલીન નાયબ મંત્રાલય વ્યવસ્થાપક કમલ એમ. હસનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જોકે આ અહેવાલના ઘણા સમય બાદ તાજેતરમાં જ સરકાર તરફથી કમલ હસનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે, પરંતુ ઓવરટાઇમના નામે ખોટી રીતે ચૂકવાઇ ગયેલી 7.87 કરોડથી વધુ રકમમાંથી એકપણ રૂપિયો રિકવર કરવામાં આવ્યો નથી.

શું કરી હતી ફરિયાદ
ST ઓફિસર્સ એસોસિયેશનના પ્રમુખે કરેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ST નિગમના વર્કશોપ ખાતે અંદાજિત 571થી 735 જેટલા કામદારો મે-2017થી ડિસેમ્બર-2020 દરમિયાન નોકરી ઉપર સવારે 8 કલાકે આવીને સાંજે 4 કલાકે જતા રહ્યા હતા, એટલે કે આઠ કલાકની નિયત સમયે જ નોકરી કરી છે અને વધારાનો ઓવરટાઇમ મેળવવા માટે સાંજે 4 વાગ્યા પછી રોકાઇને તેમણે નોકરી ના કરી હોવા છતાં મે 2017થી ડિસેમ્બર 2018 સુધીમાં 45,75,636 રૂપિયા અને જાન્યુઆરી-2019થી ડિસેમ્બર -2020 સુધીના મળીને કુલ 7,12,68,972ની રકમ ખોટી રીતે ઓવરટાઇમની ચૂકવવામાં આવી છે. આમ, અધિકારીઓ દ્વારા સરકાર સાથે ખોટા દસ્તાવેજો ઊભા કરીને રીતસરની છેતરામણી અને ઠગાઇ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. STના વર્કશોપ ખાતે હાજરી પૂરવા માટેનું કમ્પ્યુટરાઇઝ પંચિગ મશીન હોવા છતાં તેના આધારે ઓવરટાઇમ ચૂકવવાના બદલે મેન્યુઅલી મસ્ટર રોલ ઊભા કરીને રકમ ચૂકવવામાં આવી હતી. આ બાબત ગંભીર હોવાથી CID ક્રાઇમને તપાસ સોંપવા માટેની વિનંતી કરી હતી.

કોને તપાસ સોંપાઈ?
ST ઓફિસર્સ એસોસિયેશનના પ્રમુખની ફરિયાદના આધારે નિગમના સત્તાધીશો દ્વારા યંત્રાલય વ્યવસ્થાપક એન.બી. સિસોદિયાના અધ્યક્ષપણા હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ (એલ.પી.), આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પ્લાનિંગ, વહીવટી અધિકારી તથા હિસાબી અધિકારીનો સમાવેશ થાય છે.

કમિટીએ તપાસમાં શું શું કર્યું?
સત્યશોધક કમિટીએ મોનિટરિંગ સાથે સંકળાયેલા અધિકારીઓ, સુપરવાઇઝર્સ, કર્મચારીઓ મળીને કુલ 17 લોકોનાં નિવેદન લીધાં હતાં, જેમાં અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે તત્કાલીન વર્ક્સ મેનેજર કે.એમ. હસન દ્રારા જે-તે સમયે ઓપન હાઉસના માધ્યમ દ્વારા નરોડાના તમામ કર્મચારીઓની મીટિંગ કરીને અઠવાડિક આઠ વાહનો પ્રતિ એસેમ્બ્લી લાઇન મુજબ પ્રોડકશન કાર્ય હાથ ધરવાનું રહેશે. તેમને બે કલાક ઓવરટાઇમ પ્રતિદિન ચૂકવવામાં આવશે એવું જાહેર કર્યું હતું. ત્યાર બાદ પચિંગ બાબતે અધિકારીઓએ મૌખિક જણાવ્યું હતું કે તમામ કર્મચારીઓ 4થી 4-30 વાગ્યે ફરજનું સ્થળ છોડીને જતાં રહે છે તેમ જ ઓવરટાઇમની વિગતો અને પંચિંગ કાર્ડની વિગતો મેચ થતી નથી. ત્યારે કે.એમ. હસને જણાવ્યું હતું, 'અઠવાડિક 8 વાહન પ્રતિ એસેમ્બ્લી લાઇન પ્રોડકશન કામગીરી કરે છે કે નહીં તેની દેખરેખ રાખો અને ઓવરટાઇમની ચિંતા તમે મારા પર છોડી દો એવું રજૂઆત કરવા ગયેલા અધિકારીઓને જણાવીને ચૂપ કરી દીધા હતા.' જોકે અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે હિસાબી શાખા જાતે કોઇ દસ્તાવેજો ઊભા કરીને ચુકવણું કરતી નથી અને હિસાબી શાખા દ્વારા વર્કશોપ ખાતેની વિવિધ શાખાઓના સર્ટિફાઇડ દસ્તાવેજો મેળવ્યા બાદ એના પર કાર્યવાહી હાથ ધરે છે.

કે. એમ. હસનને વારંવાર નિવેદન આપવા જાણ કરાઇ હતી
તપાસ કમિટીએ આક્ષેપિત અધિકારી તત્કાલીન વર્ક્સ મેનેજર કે.એમ. હસનને તપાસના કામે નિવેદન આપવા અર્થે બે વખત પત્રો લખ્યા હતા છતાં તેઓ હાજર થયા નહોતા, જેથી તેમને પુનઃ લેખિત નિવેદન આપવા 15-12-2020ના રોજ તપાસના અધ્યક્ષની ચેમ્બરમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. ત્યાર બાદ તેમણે 21-12-2020ના રોજ રજૂ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, 'અમારા કાર્યકાળ દરમિયાન ઓવરટાઇમના કલાકોમાં કોઇ વિસંગતતા બાબતે એકપણ લેખિત રજૂઆત મળી નહોતી. નિગમમાં ક્યાંય પગાર બિલ ચુકવણાં બાબતે વિભાગના વડાની જવાબદારી હોતી નથી. આ કામગીરી એકાઉન્ટ મેન્યુઅલ મુજબ હિસાબી શાખા દ્વારા થતી હોય છે. સમયસર પગાર થાય એ માટે ફંડ બાબતે વિભાગીય નિયામકે જોવાનું હોય છે. આમ, આ બાબતે કોઇપણ પ્રકારની વિસંગતતા કે વિવાદ બાબતે અમે જવાબદાર રહેતા નથી.' કમલ હસનના નિવેદન અંગે તપાસ કમિટીએ આપેલા અહેવાલમાં નોંધ કરી છે કે કમલ હસન દ્વારા તપાસના વિષયના અનુસંધાને તેમના બચાવ અન્વયે જરૂરી પુરાવા રજૂ કર્યા સિવાય જુદા જુદા આક્ષેપો કરીને તપાસને ભ્રમિત અને વિક્ષેપિત કરી છે.

ખરેખર કેટલો ઓવરટાઇમ ચૂકવવાનો હતો?
તપાસ કમિટીએ રજૂ કરેલા અહેવાલમાં નોંધ્યું છે કે નિગમના મધ્યસ્થ યંત્રાલય ખાતે 1-1-2018થી 31-12-2019 સુધીમાં કુલ 8.77 કરોડ ઓવરટાઇમની રકમ ચૂકવવામાં આવી છે. ટાઇમ કીપરના ડેટા બૅઝ ફેસ સ્કેનર મશીનના સોફ્ટવેર આધારિત ઓવરટાઇમ ડેટા રેકર્ડ મુજબ ખરેખર ચૂકવવા પાત્ર ઓવરટાઇમના કલાકો 34,177 તથા નિગમના જે-તે વખતના પ્રવર્તમાન ઓવર ટાઇમ મુજબ ફક્ત 89,37,619 ની રકમ જ ચૂકવવા પાત્ર બનતી હતી, પરંતુ મેન્યુઅલ દસ્તાવેજો તૈયાર કરાવીને ઓવરટાઇમના કલાકો 3,65,861 ગણીને ઓવરટાઇમની રકમ 8,77,30,041ની ચૂકવાઈ છે. ખરેખર ચૂકવાયેલી ઓવરટાઇમની રકમમાં કુલ 7,87,92,422ની ખૂબ જ મોટા પ્રમાણમાં વિસંગતતા હોય તેવું જણાવ્યું છે.

તપાસ કમિટીનું અહેવાલમાં શું છે તારણ?
નરોડા વર્કશોપના કામદારોને મે-2017થી ડિસેમ્બર-2019 દરમિયાન ચૂકવાયેલી ઓવરટાઇમની રકમ બાબતે તપાસ કામે રજૂ થયેલા પુરાવા જોતાં ઓવરટાઇમ ચૂકવવા માટે ટાઇમ કીપિંગ મશીનના સોફ્ટવેર આધારિત દસ્તાવેજોને ધ્યાનમાં ના લઇ ખોટા મેન્યુઅલ દસ્તાવેજો ઊભા કરાવીને અને તે આધારિત ફેક્ટરી એક્ટ 1948ની કલમ 51ની જોગવાઇનો ભંગ કરીને કામદારોને ખોટી રીતે ઓવર ટાઇમની 7,87,92,422 ચૂકવવામાં આવેલી હોવાની હકીકત પ્રસ્થાપિત થાય છે. એ અંગેનો રજૂ થયેલો કમિટીનો અહેવાલ માન્ય સંગઠનના નિવેદન તથા રેકોર્ડ આધારિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા તત્કાલીન નાયબ યંત્રાલય વ્યવસ્થાપક કમલભાઇ એમ. હસન સંપૂર્ણ રીતે ઓવરટાઇમની 7,87,92,422 વધુ રકમ ચૂકવવા અંગે જવાબદાર હોવાનું જણાઇ આવે છે.

આરટીઆઇમાં થયો ઘટસ્ફોટ
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ RTIમાં થયો હતો. આ અંગે RTI કરનાર ST નિગમના ભૂતપૂર્વ અધિકારી પી.ડી. પટેલ દ્વારા કરવામાં આવી હોવાની હકીકત જાણવા મળતાં દિવ્ય ભાસ્કરે આ અંગે પી.ડી. પટેલનો સંપર્ક કર્યો હતો. હાલ વિદેશમાં રહેલા પી.ડી. પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'બનાવટી અને ખોટા દસ્તાવેજો ઊભા કરીને 7 કરોડ 87 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. આ અંગે આજદિન સુધી કોઇ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ માહિતી મને RTI મારફત જાણવા મળી હતી.'

મે રિપોર્ટ ફાઇલ કરી દીધો છે, પછી મને કાંઇ ખ્યાલ નથી- એન.વી. સિસોદિયા, તપાસ કરનાર અધિકારી
સમગ્ર કૌભાંડની તપાસ કરનારા તત્કાલીન યંત્રાલય વ્યવસ્થાપક એન.વી. સિસોદિયા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું, 'એકશન માટે મેં રિપોર્ટ સેન્ટ્રલ ઓફિસમાં સબ્મિટ કરી દીધો છે. પછી એમાં શું થયું એ મને ખ્યાલ નથી. કમલ હસન અત્યારે સસ્પેન્ડ છે, પરંતુ કયા કેસમાં છે, તેની મારી પાસે કોઇ ડિટેઇલ નથી. એ મારે તપાસ કરીને કહેવું પડે.'

સરકારના આદેશથી કમલ હસનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે - MD- GSRTC
ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમના મેનેજિંગ ડિરેક્ટર જે. એ. ગાંધી સાથે દિવ્ય ભાસ્કરે આ અંગે કરેલા સવાલ-જવાબની વિગતો અહીં રજૂ કરી છે.

સવાલ - એક વર્ષ પહેલાં કમલ હસન વર્ક્સ મેનેજર હતા. તેમણે ઓવરટાઇમમાં 7 કરોડ કરતાં વધુ રકમ ચૂકવી દીધી છે એનો રિપોર્ટ ફાઇલ કરી દીધો છે, એમાં શું કાર્યવાહી થઇ ?
જવાબ - સરકારશ્રીના આદેશથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સવાલ - એ કેસમાં જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?
જવાબ - હા હા

સવાલ - છેલ્લે પાલનપુર હતા ત્યારે સસ્પેન્ડ કર્યા હતા?
જવાબ - જૂનાગઢ છે. સસ્પેન્શન હેડ ક્વાર્ટર જૂનાગઢ છે.

સવાલ - કર્મચારીઓ પાસેથી રિકવરી કરાઇ?
જવાબ - રિકવરી માટે કોઇ પ્રોસેસ કરી નથી.

સવાલ - સસ્પેન્ડ ક્યારે કર્યા હશે ?
જવાબ - ઘણો સમય થયો.

સવાલ - મારી પાસે એવી માહિતી છે કે કોઇ કાર્યવાહી કરાઈ નથી ?
જવાબ - ના ના, સસ્પેન્ડ કર્યાને ઘણો વખત થયો.

સવાલ - તો પછી અત્યારે તેઓ પાછા ફરજ પર જોઇન્ટ થઇ ગયા હશે ને ?
જવાબ - ના.. ના..હજુ સસ્પેન્શનમાં જ છે. એ તો હુકમ સરકાર કક્ષાએથી થયો છે, એટલે હજુ સસ્પેન્શનમાં જ છે.

સવાલ - રિકવરી અંગે કાંઈ થયું નથી ?
જવાબ - ના. રિકવરી અંગે હજુ કાંઈ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...