''સર અમે એટલી હદ સુધી ત્રાસી ગયા છીએ કે અહીંયાથી બીમાર બાળક લઈને રોડ પર ચડીએ અને ત્યાં સુધીમાં તે મરી જાય છે, એનાથી મોટું દુ:ખ બીજું શું હોઈ શકે? હે સર તમારું બાળક તમારા ખોળામાં રમતું હોય અને હોસ્પિટલ પહોંચે એ પહેલા તેની આંખો મિંચાઈ જાય તો? તમે કાંઈક તો વિચાર કરો યાર.'' આટલું બોલતા જ ગુજરાતના સરપંચનો ડૂમો ભરાઈ આવે છે.
સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ગામના સરપંચ કંપનીના અધિકારીઓ સામે પોતાના ગામની લાચારી વ્યક્ત કરતાં કરતાં રડી પડે છે. સરપંચ વીડિયોમાં અધિકારીઓને કહે છે, ''કંપનીએથી ઘરે જવાનો રસ્તો તમે એક કલાકના બદલે ચાર કલાકમાં કાપીને જાવ તો? તમે પોતે હૃદય પર હાથ રાખીને કહો તમારે શું કરવાનું? તમારે પણ બાળકોને મોઢું બતાવવાનું હોય, પરિવાર હોય. તમે ટાઈમસર ના પહોંચો તો તમારી શું પોઝીસન હોય? તમે બીમાર હો બધા ઉપર ટેન્શન હોય તો શું કરો? મારે કોઈ શોખ નથી કે અમે તમને અને સરકારને હેરાન કરીએ, પોલીસને હેરાન કરીએ. અમારો આ પ્રશ્ન છે. સરકારનો આમાં કોઈ ગુનો નથી. તમે ત્રણ કંપનીઓ થઈને શું ચાર-ચાર કિલોમિટરનો રસ્તો ના બનાવી શકો?''
સરપંચ જબ્બરભાઈ મોરચો માંડ્યો અને...
દિવ્ય ભાસ્કરે તપાસ કરતાં આ વીડિયો કચ્છના નખત્રાણાના લુડબાય ગામના સરપંચ જબ્બરભાઈ જતનો હોવાનું સામે આવ્યું હતું. વાત એમ છે કે દેશલપુરથી હાજીપીર ફાટક સુધીનો 16 કિમીનો રસ્તો સાવ જ તૂટી ગયો હતો. આ કારણે 15 ગામના 16 હજાર લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. લોકોની લાચારી જોઈને સરપંચ જબ્બરભાઈ જત રીતસરના જંગે ચડ્યા હતા. સરકારી તંત્ર ઉપરાંત ત્યાં ધમધમતી કંપનીઓ સામે તેમણે મોરચો માંડ્યો હતો. જોકે સરપંચની મહેનત રંગ લાવી અને અંતે આ રોડ બનવાનું શરૂ થઈ ગયું છે.
15 કિમીનો રસ્તો કાપતા લાગતા 2.30 કલાક
દિવ્ય ભાસ્કરે સરપંચ જબ્બરભાઈ જત સાથે વિગતવાર વાત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે ''આ રોડ પરથી હાજીપીર વિસ્તારમાં મીઠું ઉત્પાદન કરતી કંપનીઓની દરરોજ 1200થી 1500 મોટી ગાડીઓ અને મોટાં ટ્રેલરો અવરજવર કરે છે. આ કારણે રસ્તા ઉપર 2 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. આ ખાડાઓના કારણે લુડબાય ગ્રામ પંચાયત હેઠળના તથા લૂણા ગ્રામ પંચાયત હેઠળના થઈ કુલ 15 ગામોના લોકોને તકલીફ પડે છે. નખત્રાણા અહીંયા મુખ્ય મથક છે, જ્યાં હોસ્પિટલ, વેપાર તથા અન્ય કામધંધા માટે લોકોની અવરજવર રહે છે. બીમાર માણસોને પણ પહોંચાડવામાં તકલીફ થઈ રહી છે અને 15 કિમીનો રસ્તો કાપતા 2 થી 2.30 કલાક થઈ જાય છે, જેને પગલે સ્થાનિક લોકોને અતિ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.''
કંપનીઓને રિક્વેસ્ટ કરી પણ ના માની
સરપંચ જબ્બરભાઈ આગળ કહ્યું, ''આ જ કારણે અમે લોકોએ કંપનીઓને રિક્વેસ્ટ કરી કે તમે આ રસ્તેથી જ અવરજવર કરો છો અને તમારા વાહનોના ઓવરલોડના કારણે જ રસ્તો તૂટી જાય છે તો તમે રસ્તો બનાવી આપો,પરંતુ તેમણે હા કે નામાં કોઈ જવાબ ના આપતા અમે નાછૂટકે 26 જુલાઈએ ગામલોકો સાથે મળીને રસ્તા પર ચક્કાજામ કર્યું હતું,, પરંતુ અમે ફક્ત કંપનીઓની જ ટ્રકને રોકી હતી. જ્યારે અન્ય વાહનો અને 108 જેવી ગાડીઓને જવા માટે રસ્તો કરી આપ્યો હતો.''
અંતે કંપનીઓ ઝૂકી, કહ્યું- 2 દિવસમાં ખાડા પૂરી દઈશું
એ વખતે પોલીસ પણ આવી હતી અને સરપંચને ત્યાંથી જવા સમજાવ્યા હતા. જોકે સરપંચે પોલીસને પોતાની સમસ્યા જણાવી વચ્ચે પડવા કહ્યું હતું. ત્યારે કંપનીઓએ આશ્વાસન આપ્યું હતું કે અમે 2 દિવસની અંદર રોડ પરના ખાડા પૂરી દઇશું. એના કારણે અવરજવરમાં સવલત રહે. તે પ્રમાણે અમને બાંહેધરી આપી હતી.
ખરાબ રોડના કારણે 16 હજાર લોકોને પરેશાની
આ ગામોમાં ગરીબ અને માલધારી વર્ગ રહે છે, જે ગાય, ભેંસ અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને બજાર જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને મજૂરીનો છે. એ લોકોને બૅંક, હોસ્પિટલ કે અન્ય કામ જેવાં કે ઘરનો સામાન ખરીદવો હોય તો પણ તમામ લોકોએ નખત્રાણા જવું પડે છે. આ જ રસ્તેથી તમામ લોકોની અવરજવર રહે છે.
સરપંચ ઉમેર્યું હતું કે દેશલપુરથી હાજીપીર ફાટક સુધી રોડ 32 કિમી છે. 32માંથી 16 કિમીનો રોડ સરકારે 23 કરોડના ખર્ચે બનાવ્યો છે. 16 કિમી રોડની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે, જેના કારણે સરકાર હવે રોડ બનાવી શકે તેમ નથી. સરકારમાં આ અંગે અવારનવાર રજૂઆતો કરી હતી. ત્યારે રસ્તો મંજૂર પણ કરવામાં આવ્યો હતો પણ તેની ટેન્ડર પ્રક્રિયામાં હોવાના કારણે સરકાર આનું સમારકામ કરી શકે એમ નથી, એમ અમને નખત્રાણાના નાયબ કાર્ય પાલક એન્જિનિયરે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.