1,039 કરોડ 79 લાખ રૂપિયાના પાત્રા ચોલ પુનઃવિકાસ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવ્યા પછી હાલ શિવસેનાના સાંસદ સંજય રાઉત 4 ઓગસ્ટ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે. ED દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી રિમાન્ડ એપ્લિકેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ આ કૌભાંડમાં સક્રિય ષડયંત્રકાર હતા. આ કૌભાંડમાં અગાઉથી ધરપકડ કરવામાં આવેલા પ્રવીણ રાઉતને સંજય રાઉતના ફ્રન્ટમેન કરાર આપવામાં આવ્યો છે. આજે પ્રવીણ અને સંજય રાઉતની સામસામે બેસાડીને પૂછપરછ થઈ શકે છે. આ મામલામાં EDએ મુંબઈમાં બે સ્થળ પર રેડ કરી છે.
શિવસેના સાંસદ સંજય રાઉતના ખાસ હોવાને કારણે પ્રવીણને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી(MHADA) પાસેથી જરૂરી મંજૂરી મળી હતી. EDનો દાવો છે કે અત્યારસુધીની તપાસમાં એ વાતનો ખ્યાલ આવ્યો છે કે મની લોન્ડરિંગના મામલામાં પ્રવીણ દ્વારા ગેરકાયદે રીતે પ્રાપ્ત 112 કરોડ રૂપિયામાંથી 1 કરોડ 6 લાખ રૂપિયા સીધા જ સંજય રાઉત અને તેમના પરિવારને આપવામાં આવ્યા હતા. EDએ એવો દાવો પણ કર્યો છે કે આ રકમ હજી વધુ હોઈ શકે છે.
EDએ કોર્ટમાં દાખલ રિમાન્ડ એપ્લિકેશનમાં એવો દાવો કર્યો છે કે પ્રવીણ રાઉતે ઘણી વખત સંજય રાઉતના પરિવારનો દેશ અને વિદેશમાં પ્રવાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. જોકે સંજય રાઉતે કોર્ટમાં કહ્યું છે કે તેમની વિરુદ્ધ કરવામાં આવેલી આ કાર્યવાહી રાજકીય બદલો છે. કોર્ટમાં EDએ 8 દિવસની કસ્ટડીની માગ કરી હતી. તેને કોર્ટે ફગાવતાં રાઉતને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલ્યા છે.
પ્રવીણની કંપનીએ 16 બિલ્ડર્સને વેચી જમીન
EDની તપાસમાં બહાર આવ્યું છે કે MHADAની જમીનની FSI ગેરકાયદે રીતે લીધા પછી ગુરુ આશિષ કંપનીએ ઝડપથી એને 16 અન્ય બિલ્ડર્સને વેચી દીધી હતી. પ્રવીણ રાઉત આ કંપનીમાં એક ડાયરેક્ટર હતા. એનાથી ગુરુ આશિષ કંપનીને એક મોટો આર્થિક ફાયદો થયો. જોકે આ પ્રોજેક્ટ અત્યારસુધીમાં માત્ર 10 ટકા જ તૈયાર થયો છે. એને પૂરો કરવા માટે ગુરુ આશિષ કંપનીને એક મોટી રકમ જોઈએ છે. જોકે એ હાલ બેન્કરપ્ટ જાહેર થવાની પ્રક્રિયામાં છે.
અનધિકૃત રીતે જમીન વેચવાના બદલામાં મળ્યા 112 કરોડ
EDના જણાવ્યા મુજબ, પાત્રા ચોલમાં રહેનારાઓએ MHADA અને ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપની સાથે ટ્રિપલ એગ્રીમેન્ટ કર્યો હતો. આ એગ્રીમેન્ટમાં ગુરુ આશિષ કંપનીના ડાયરેક્ટર પ્રવીણ રાઉતની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. ઓરિજિનલ એગ્રીમેન્ટ કહે છે કે ગુરુ આશિષ કંપની MHADAની કોઈપણ જમીનને કોઈ થર્ડ પાર્ટીને વેચી શકે નહિ. તેમ છતાં જમીનને છેતરપિંડી કરીને વેચવામાં આવી હતી. એના બદલામાં HDIL(હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) પાસેથી પ્રવીણ રાઉતને 2010-2011માં 112 કરોડ રૂપિયા મળ્યા. EDના જણાવ્યા મુજબ, ગેરકાયદે રીતે પૈસા લીધા પછી એને પાત્રા ચોલ પરિયોજનામાં રોકાણ કરવાની જગ્યાએ, મેસર્સ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડે પૈસા કાઢી લીધા. ખાસ વાત એ છે કે પ્રવીણ રાઉતે પરિયોજનામાં કોઈ જ પૈસાનું રોકાણ કર્યું નહોતું.
સંજય રાઉતની સાથે મળીને રચ્યું ષડયંત્ર
EDએ આગળ દાવો કર્યો છે કે PMLA મામલાની તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે સંજય રાઉત, પ્રવીણ રાઉત, રાકેશ કુમાર વધાવન અને સારંગ વધાવને મળીને ષડયંત્ર રચ્યું. ચારેયે આ પરિયોજનાને પૂરી કર્યા વગર જ 672 પરિવારના ભવિષ્યને ખતરામાં મૂક્યું અને પૈસા નિકાળવાનું ષડયંત્ર રચ્યું. ઉલ્લેખનીય છે કે સંજય રાઉત સિવાય ત્રણ અન્ય લોકોની પણ EDએ પહેલેથી જ ધરપકડ કરી છે.
પૈસા ડ્રાઈવર્ટ કરવા પર જપ્ત થઈ 11 કરોડની પ્રોપર્ટી
EDના જણાવ્યા મુજબ 112 કરોડને આગળ અલગ-અલગ ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એમાંથી કેટલાક પૈસાને ડાઇવર્ટ કરીને ઘણી પ્રોપર્ટી ખરીદવામાં આવી. આ મામલામાં 5 એપ્રિલ 2022એ પ્રવીણ રાઉત, વર્ષા રાઉત, સ્વપ્રા પાટકરનાં નામ પર નોંધાયેલી 11 કરોડ 51 લાખ 56 હજાર 573 રૂપિયાની સંપત્તિને જપ્ત કરવામાં આવી હતી. આ તમામે ભાડૂઆતો, MHADA અને બિલ્ડરો(જેમણે FSIને ખરીદી હતી)ને મોટો દગો કર્યો હતો.
રાઉત અને તેમની પત્નીને મળ્યા 1 કરોડ રૂપિયાથી વધુ
EDએ તેની તપાસના આધારે કોર્ટને કહ્યું છે કે 112 કરોડમાંથી અત્યારસુધીમાં સંજય રાઉત અને તેમની પત્નીના બેન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવેલા 1 કરોડ 6 લાખ 44 હજાર 375 રૂપિયાની ભાળ મેળવવામાં આવી છે.
સંજયની નજીક હોવાને કારણે પ્રવીણને મળ્યું એપ્રૂવલ
તપાસમાં એ જાણવા મળ્યું છે કે પ્રવીણ રાઉત, સંજય રાઉતની નજીકના વિશ્વાસપાત્ર અને સહયોગી છે. સાક્ષીઓનાં નિવેદનોથી એ સ્પષ્ટ થાય છે કે ફ્રન્ટમેન હોવાને કારણે તેમણે સંજય રાઉતની સાથેની પોતાની નજીકતાનો ઉપયોગ MHADAમાંથી એપ્રૂવલ મેળવવા અને બીજા લાભો માટે કર્યો.
પ્રવીણની પત્ની સાથે હતી સંજય રાઉતની પત્નીની ઓળખાણ
EDના જણાવ્યા મુજબ, સંજય રાઉતે PMLAની કલમ 50 અંતર્ગત નોંધાયેલા પોતાના નિવેદનમાં ચોલ પરિયોજનામાં પ્રવીણ રાઉતના સામેલ હોવાની માહિતીથી ઈન્કાર કર્યો. તેમણે કહ્યું હતું કે તે પ્રવીણના સંપર્કમાં 2012-13માં આવ્યા હતા. તેમની પત્ની અને પ્રવીણ રાઉતની પત્ની એકબીજાને ઓળખતી હતી. એને કારણે તે પ્રવીણ રાઉતને મળ્યા હતા.
2010માં સંજય રાઉતની પત્નીના નામે ખરીદવામાં આવી 10 જમીન
રિમાન્ડ કોપીના જણાવ્યા મુજબ, તપાસમાં એ બહાર આવ્યું છે કે પાત્રા ચોલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન સંજય રાઉતની પત્નીની કંપની અવની ઈન્ફ્રાસ્ટ્રક્ચરે 2010-11માં અલીબાગના કિહિમ બીચ પર 8 કોન્ટ્રેક્ટ અંતર્ગત 10 લેન્ડ પાર્સલ ખરીદ્યા. આ કોન્ટ્રેક્ટ સ્વપ્રા પાટકર અને વર્ષા રાઉતના નામથી કરવામાં આવ્યો હતો. પાટકરે તેમના નિવેદનમાં કહ્યું છે કે આ જમીનોને ખરીદવાના બદલામાં વિક્રેતાઓને કેશમાં ચુકવણી કરવામાં આવી હતી અને આ કેશની ચુકવણીનો સોર્સ પ્રવીણ રાઉત છે.
સંજય રાઉતને પ્રવીણ 2 લાખ રૂપિયા પ્રતિ માસ આપતા હતા
ED તરફથી દાવો કરવામાં આવ્યો છે કે પ્રવીણ રાઉત તરફથી સંજય રાઉતને દર મહિને 2 લાખ રૂપિયા કેશ મળ્યા છે. સંજય રાઉતે વિક્રેતાઓને અલીબાગના કિહિમ બીચ ખાતે આવેલી પોતાની જમીનને વેચવાની ધમકી આપી હતી. આ સિવાય તેમણે ED સમક્ષ જુબાની આપનારાઓને પણ ધમકી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.