પ્રોપર્ટી માર્કેટ:રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી પાછી ફરી; અમદાવાદમાં નવા ઘરોનું વેચાણ 37% વધ્યું પણ મકાનના ભાવમાં કોઈ વધારો નહીં

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં ઘરના ભાડાંમાં 5% જેવો ઘટાડો નોંધાયો
  • દેશમાં રૂ. 50 લાખથી 1 કરોડ સુધીનાં ઘરનું વેચાણ વધ્યું

દેશમાં નવા મકાનની ડિમાન્ડ ફરી પ્રિ-કોવિડ સ્તરે પહોંચી છે. પ્રોપર્ટી કન્લસ્ટન્ટ નાઇટ ફ્રેન્કના તાજા અહેવાલ મુજબ 2021ના જુલાઇ-સપ્ટેમ્બરમાં (Q3) ઘરના વેચાણમાં 37% નો વધારો થયો છે. જુલાઇ-સપ્ટેમ્બર 2020માં 1,175 યુનિટનું વેચાણ થયું હતું જેની સામે 2021માં આ ત્રણ મહિનામાં 1,607 યુનિટનું વેચાણ થયું છે. રિપોર્ટ મુજબ અમદાવાદમાં નવા પ્રોજેક્ટ્સના લૉન્ચિંગમાં 138% જેવો વધારો નોંધાયો છે.

છેલ્લા એક વર્ષથી ભાવમાં કોઈ ફેરફાર નહીં
નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ અમદાવાદમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ઘરના ભાવમાં કોઈ ફેરફાર થયા નથી. અમદાવાદમાં નવા ઘરનો ભાવ એવરેજ રૂ. 2800 પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવ પર સ્થિર રહ્યો છે. આ સાથે જ ઘરના ભાડાંમાં 5% જેવો ઘટાડો નોંધાયો છે. રિયલ એસ્ટેટમાં દેશના અન્ય મહત્વના બજારોની તુલનામાં અમદાવાદ સૌથી સસ્તું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને પૂણેમાં મકાનના ભાવ પ્રતિ સ્ક્વેર ફૂટ રૂ. 4000-4500 છે. જ્યારે મુંબઈમાં રૂ. 6700થી વધુ ભાવ છે.

નવા પ્રોજેક્ટ્સનું પ્રમાણ બમણું થયું
રિપોર્ટ પ્રમાણે અમદાવાદના આંકડા જોઈએ તો નવા પ્રોજેક્ટ્સનું લૉન્ચિંગ લગભગ બમણું થયું છે. જુલાઇ-સપ્ટેમ્બર 2021માં 4257 યુનિટ્સ માટે પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા. જે 2020ના સમાનગાળા કરતાં 193% વધારે છે. નવા પ્રોજેક્ટના લોન્ચિંગ મામલે ગુજરાત દેશમાં બીજા સ્થાને છે. 650%ના ગ્રોથ સાથે હૈદરાબાદ પહેલા અને 119% સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે.

50 લાખથી વધુ કિંમતના મકાનોનું વેચાણ વધ્યું
રિયલ એસ્ટેટ માર્કેટમાં સેમી પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ વધતું જોવા મળ્યું છે. જુલાઇ સપ્ટેમ્બરના ગાળામાં જે વેચાણ થયું છે તેમાંથી 35% વેચાણ રૂ. 50 લાખથી લઈને રૂ. 1 કરોડ સુધીના મકાનનું છે. ગત વર્ષે સેમી પ્રીમિયમ કેટેગરીનો શેર 32% હતો. બીજી તરફ એફોર્ડેબલ કેટેગરીમાં ટકાવારી પ્રમાણે વેચાણ 45%થી ઘટીને 43% થયું છે. જ્યારે લક્ઝુરિયસ કેટેગરીમાં ગ્રોથ 22% પર સ્થિર છે.

મકાનોનું વેચાણ બમણા કરતા વધારે થયું
નાઇટ ફ્રેન્ક દ્વારા સોમવારે ત્રીજા ક્વાર્ટર (જુલાઇ-સપ્ટેમ્બર)નો ઇન્ડિયા રિયલ એસ્ટેટ અપડેટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ દેશમાં જુલાઇ-સપ્ટેમ્બર 2020માં 33,404 યુનિટના વેચાણની સામે 2021માં ત્રીજા ક્વાર્ટરમાં 64,010 યુનિટનું વેચાણ થયું છે. એપ્રિલ-જૂનના અગાઉના ક્વાર્ટરમાં 27,453 યુનિટનું વેચાણ નોંધાયું હતું. રિપોર્ટમાં એમપણ જણાવાયું છે કે 2019ની ક્વાર્ટરલી એવરેજની તુલનામાં 2021માં મકાનોનું વેચાણ 104 ટકા થઈ ગયું છે. રિપોર્ટ મુજબ મુંબઈમાં 2020ના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 2021માં મકાનોનું વેચાણ બમણા કરતા વધારે થયું છે.

અન્ય સમાચારો પણ છે...