કોરોના ઇમ્પેક્ટ:લોકો ઇમ્યુનિટી બૂસ્ટર દવા ખાતા થઈ ગયા તેમાં આયુર્વેદિક કંપનીઓનું વેચાણ 100% જેટલું વધ્યું

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: વિમુક્ત દવે
  • ઘણી આયુર્વેદિક કંપનીઓ માટે પ્રતિકારક શક્તિની દવા અત્યારે કોર બિઝનેસ બન્યો
  • આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓએ ઇમ્યુનિટી બુસ્ટ કરતી અનેક પ્રોડક્ટ લોન્ચ કરી

દેશ અને દુનિયામાં કોરોનાએ જે પ્રકારે કહેર વર્તાવ્યો છે તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ડરના કારણે લોકો હવે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ તેમજ તેવા ઉત્પાદનોનો વપરાશ વધારી દીધો છે. ખાસ કરીને આયુર્વેદિક ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ્સનો વપરાશ બમણો થયો છે. આયુર્વેદિક દવા બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે પ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું વેચાણ 50-70% જેટલું વધી ગયું છે.

કોરોના બાદ ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓની માંગ વધી
બાન લેબ્સ રાજકોટના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશ ઉકાણી દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવે છે કે, ભારતમાં જ્યારે કોરોના આવ્યું ત્યારે તેનો કોઈ ઈલાજ કે દવા ઉપલબ્ધ ન હતી. તેનાથી બચવા બધા ઇમ્યુનિટી વધારવાની વાતો કરતાં હતા. આપણાં ઘરમાં હળદર સહિતના દાદીમાના નુસખા વપરાતા હતા એટલે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ તરફ વળ્યા હતા. આનો ફાયદો દવા બનાવતી કંપનીઓને પણ થયો છે. આવી દવાઓનું વેચાણ 100% જેટલું વધ્યું છે અને હવે અમારા ડિસ્ટ્રિબ્યુટર્સ સામેથી આવી દવાઓ માંગવી રહ્યા છે.

ઘણી કંપનીઓએ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી

બાન લેબ્સના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશ ઉકાણી.
બાન લેબ્સના મેનેજિંગ ડિરેક્ટર મૌલેશ ઉકાણી.

મૌલેશ ઉકાણીએ જણાવ્યું કે, પહેલા કરતાં અત્યારની પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અગાઉ અમારા સહિત ઘણી આયુર્વેદિક દવા બનાવટી કંપનીઓનુ ફોકસ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણ કે પ્રોડક્શન પર રહેતું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષમાં ઘણી કંપનીઓએ નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. અમે પણ આ અરસામાં ગ્રીન ટી, ચ્યવનપ્રાશ સહિત પાંચ જેટલી પ્રોડક્ટ લોન્ચ કરી છે અને બીજી પ્રોડક્ટ્સ પણ ભવિષ્યમાં લોન્ચ કરીશું.

દવા બનાવતી કોમ્પનીઓ માટે કોર બિઝનેસ
આયુર્વેદક દવા બનાવતી કંપની ભાવનગરની શેઠ બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર દેવેન શેઠે જણાવ્યું કે, ઇમ્યુનિટીને લગતી દવાઓ પહેલા પણ હતી પણ લોકોનું ધ્યાન તેના પર ગયું ન હતું. કોરોના આવવાથી કંપનીઓનું ફોકસ પણ તેના પર ગયું છે અને આજે ઘણી કંપનીઓ માટે પ્રતિકારક શક્તિનો બિઝનેસ તેમના માટે કોર બિઝનેસ બન્યો છે. અમે પણ ઇમ્યુનિટી બૂસ્ટર દવા અને ઉકાળા પાવડર લોન્ચ કર્યા છે. અમે આવી બીજી દવાઓ પર પણ કામ કરી રહ્યા છીએ જેને ટૂંક સમયમાં બજારમાં મૂકવામાં આવશે.

આયુર્વેદ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ બદલાયો

આયુશક્તિના કો-ફાઉન્ડર સ્મિતા નરમ.
આયુશક્તિના કો-ફાઉન્ડર સ્મિતા નરમ.

હેલ્થ કન્સલ્ટન્ટ અને આયુશક્તિના કો-ફાઉન્ડર સ્મિતા નરમે જણાવ્યું કે, આયુર્વેદ પર લોકોને વિશ્વાસ તો હતો પણ કોરોના આવ્યા બાદ જે લોકો આયુર્વેદમાં ઓછો વિશ્વાસ રાખતા હતા તેઓ પણ હવે આયુર્વેદિક ઉત્પાદનો વાપરતા થયા છે. આયુશક્તિની ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓનું વેચાણ છેલ્લા એક વર્ષમાં બમણું થયું છે.

અન્ય સમાચારો પણ છે...