અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગુરુવારે (ચાર ઓગસ્ટ) સાંજે લૂંટ થઈ હતી. આ ઘટનામાં સૌથી પહેલા એક કોન્સ્ટેબલ ફક્ત લાઠી લઈને પાંચ બંદૂકધારી લૂંટારુઓને પડકાર્યા હતા, જેને કારણે આ લૂંટારાઓને રૂપિયા ભરેલી એક બેગ મૂકી દેવી પડી હતી. બાદમાં આ લૂંટ અંગે પોલીસને જાણ થતાં સામસામે ફાયરિંગની ઘટના પણ બની હતી અને એક લૂંટારો પકડાઈ જતાં બીજા ચારને પણ ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયા હતા. ત્યારે દિવ્ય ભાસ્કરે લૂંટારાઓનો સૌપ્રથમ ફક્ત એક લાઠીના સહારે જ સામનો કરી બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડનારા કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે વાત કરી હતી, જેમાં તેમણે સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. ધર્મેન્દ્રસિંહ અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હતા અને હાલમાં જ તેમની બદલી અંક્લેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
કોરોના વગર માસ્ક પહેરેલા જોઈ શંકા જાગી
કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે 'હું સામેની તરફ દુકાનમાં વસ્તુ લેવા ગયો હતો. એ લોકો મને શકમંદ લાગ્યા. તે લોકો માસ્કમાં હતા.. તો મને થયું કોરોનાનો ટાઈમ નથી તો આ માસ્ક પહેરીને કેમ જાય છે? મને થયું કે આ વ્યક્તિ બરોબર નથી લાગતી. અંદરથી ફીલિંગ ખરાબ આવતી હતી, એટલે મને થયું કે ચેક કરવું જોઈએ. હું રોડની પેલી તરફ હતો ત્યાંથી આ લૂંટારાઓને જોતો હતો. મારી સામે જ એ બધા બેંકમાં ઘૂસ્યા હતા. હું સીધો બેંક તરફ ગયો. જ્યાં બહાર એક એક્ટિવાવાળો ઊભો હતો. એ બાઇક પર દંડો જોઈ ગયો તો મને કહ્યું કે સાહેબ જલદી અંદર બેંકમાં જાઓ. અંદર ચોર ઘૂસેલા છે. એક્ટિવાચાલકને કદાચ ખ્યાલ આવી ગયો હશે. એ બધાને ફોન કરતો જ હતો, પણ હું સૌથી પહેલા પહોંચી ગયો, કારણ કે હું ત્યાં જ હતો. મેં બાઇકસવારને જવાબ આપ્યો હતો, 'હું એટલે જ આવ્યો છું.'
બેંકમાં ઘૂસવા જતા હતા અને લૂંટારા બહાર નીકળ્યા
કોન્સ્ટેબલે વધુમાં કહ્યું હતું, 'હું બેંકમાં અંદર ઘૂસવા જ જતો હતો ત્યાં એ લોકો બહાર નીકળ્યા. ત્યારે મેં લાઠી કાઢી તો તેણે કટ્ટો કાઢ્યો અને મારી સામે મૂકી દીધો. ધમકી આપવા લાગ્યો કે 'માર દૂંગા.' મેં કહ્યું. 'તુમ લોગ ભાગ નહીં શકતે પુલીસને ઘેર લિયા હૈ, યે છોડ દે ઔર સરન્ડર હો જા.' મારી પાછળ બીજા બે જણ હતા એ મને ખ્યાલ નહોતો. તેમણે મને કટ્ટો માર્યો અને પાડવાનો પ્રયત્ન કર્યો. પછી એ ભાગવા ગયા તો એક ગાડી વચ્ચે આવી ગઈ. તેમનું બાઇક અથડાઇ ગયું અને બીજું બાઇક નીકળી ગયું. એક થેલો નીચો પડી ગયો. એ ફાયરિંગ કરતો હતો. મારી પર પણ ફાયરિંગ કર્યું, પણ મિસ થઈ ગયું. બીજું ક્યાં કર્યું એ ખબર નથી, ફૂટ્યું કે નહીં એ પણ ખબર નથી. જે થેલો પડી ગયો, એ મે બેંકમાં મૂકી દીધો.'
કોઈ બીક ન લાગી; સાહજિકતાથી જ થઈ ગયું
તમને કટ્ટો જોઈને બીક ન લાગી એ વાતે તેમણે કહ્યું, '3.55 વાગ્યે એ લોકો અંદર ગયા હતા. 4 વાગ્યાની આસપાસ ચોરી થઈ ગઈ હતી. બસ, થોડી જ વારમાં હું ત્યાં ધસી ગયો અને તેમનો સામનો થયો. બધું ઝડપથી બની ગયું. બીક લાગવાની કોઈ ફીલિંગ જ ના આવી, કારણ કે એ મારી સામે બંદૂક લઈને ઊભો રહી ગયો હતો. મારી પાસે લાઠી હતી. મારે ગમે તેમ કરીને તેને ડરાવી દેવાનો હતો. હું ડરી જાત તો પછી કંઈ ન થાત. મારે તેનો ટાઈમ પાસ કરવાનો હતો અને બીજી પોલીસને બોલાવવાની હતી, પણ મને સમય જ ના મળ્યો. મે કંઈ પ્લાન કર્યો નહોતો.. આ બધું કુદરતી રીતે જ થઈ ગયું.'
લૂંટારા ધમકી આપતા રહ્યા અને એ સામે ઊભા રહી ગયા
કોન્સ્ટેબલે વાત આગળ કરતાં કહ્યું હતું, 'મેં લૂંટારુને રોક્યો તો એ ગાળો દેવા લાગ્યો. પેન્ટના આગળના ભાગેથી એણે કટ્ટો કાઢ્યો. મને ડરાવવાની કોશિશ કરી 'માર દૂંગા'ની ધમકી આપી હતી. મારું તો સમજ્યા પણ મારી બાજુમાં ક્લાર્ક પણ બહાર નીકળ્યા હતા. તેમને જોઈને એ કહેતો હતો કે 'ઇસ કો માર દૂંગા. ઉસકો માર દૂંગા.' મેં કહ્યું કે 'ઐસા નહીં કરના. તું યે સબ ગલત કર રહા હૈ. તુઝ કો સિર્ફ સરન્ડર હી કરના હૈ ઔર કુછ નહીં કરના. તેરા કુછ નહીં હો સકતા.' આગળ મને ત્રણ લૂંટારા દેખાયા હતા અને મને ખબર નહોતી કે મારી પાછળ પણ બીજા બે ઊભા હશે, એટલે વાતચીત દરમિયાન પાછળ રહેલા એકે મને માથામાં પાછળ ઊંધો કટ્ટો માર્યો હતો. મને ઘડીક તમ્મર આવ્યા તો નીચે પડી ગયો, પરંતુ પાછો ઊભો થઈને લાઠી લઈને તેમની પાછળ ભાગ્યો. ત્યારે થેલો પડી ગયો હતો . એ થેલો હું લેવા જતાં એ ફાયર કરતા હતા. એ ફાયર થયું કે નહીં એ ખબર નથી, પણ હું એક ગાડી પાછળ સંતાઈ ગયો. પછી મને જેવો ટાઈમ મળ્યો એટલે રૂપિયા ભરેલી બેગ પકડી લીધી. મને થયું કે જો આ બેગ અહીં રહેશે તો આ લૂંટારો પાછા બધાને ગન દેખાડીને રોડ પરથી પાછા બેગ લઈને ભાગી જશે, એટલે મેં બેગને પહેલા સેફ જગ્યાએ મૂકવાનું વિચાર્યું અને બેગ બેંકમાં મૂકી. પછી પાછો લૂંટારાની પાછળ ભાગવા ગયો, પરતું ત્યાં સુધીમાં તેઓ જતા રહ્યા હતા.'
'પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી. બેંકમાં બેગ મૂકવા ગયો ત્યારે અંદર બધા ડરી ગયેલા હતા. કોઈ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતું. એ વખતે અંદર મોટા ભાગે બેન્કનો સ્ટાફ જ હતો, કારણ કે બેંક બંધ થવાનો ટાઈમ હતો અને લૂંટારાઓ અંદર ઘૂસ્યા હતા.'
વિચાર હતો લૂંટારાને બેંકમાં બંધ કરી દઉં પણ...
'મેં જ્યારે તેમને જોયા ત્યારે જ પોલીસને જાણ કરવી હતી. મારો પ્લાન હતો કે હું બેંકનું શટર બંધ કરી દઉં અને પોલીસ સ્ટેશનમાં જાણ કરું, પણ એ તરત જ બહાર આવી ગયા, એટલે એ સમય મને ના મળ્યો. જે મારો વિચાર હતો એ ના થયું. મારે બીજી ફોર્સ એકસ્ટ્રા બોલાવી લેવાની હતી, પણ એવા સમય-સંજોગો ભેગા જ ના થયાં. પછી હું બેંકે જ હતો.'
'સાંજે 4.04 વાગ્યે મેં પોલીસ સ્ટેશન ફોન કરી દીધો હતો, એટલે એ પોણાચારથી ચાર વાગ્યા સુધીનો બનાવ છે. એ વખતે હું ઓન ડ્યૂટી હતો. થોડા દિવસો અગાઉ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના નોંધાઈ હતી. હું એના CCTV લેવા જવાનો હતો. એના અનુસંધાને જ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ), SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિત તમામ પોલીસ અંકલેશ્વર સિટીમાં જ હતી, એટલે સારું કામ થઈ ગયું, જેથી લૂંટારા ભાગવામાં સફળ ના રહ્યા અને પકડાઈ ગયા, એના મોબાઈલમાંથી ડિટેલ કાઢીને બાકીના લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.'
કોણ છે કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા?
મૂળ લખતર, સુરેન્દ્રનગરના ધર્મેન્દ્રસિંહના નાનાભાઈ દીપેન્દ્રસિંહ પણ પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ રાજકોટમાં ફરજ બજાવે છે. નાનાભાઈની સાથે માતાપિતા રહે છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ પત્ની ને દીકરી સાથે હાલમાં અંકલેશ્વરમાં રહે છે. તેઓ 27 ફેબ્રુઆરી 2016થી કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે અને LCB પોલીસ તથા સાયબર સેલમાં ફરજ બજાવી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.