ક્રિકેટનું સૌથી લાંબુ અને પડકારજનક ફોર્મેટ, ટેસ્ટ ક્રિકેટને 146 વર્ષ થઈ ગયા છે. 15 માર્ચ 1877ના રોજ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ટકરાયા હતા. ત્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પણ શરૂઆત થઈ. ભારતે 1932માં પહેલી વખત ટેસ્ટ મેચ રમી હતી અને તેની પહેલી જીત મેળવવામાં 20 વર્ષ લાગ્યા હતા.
1877થી 2023 સુધી, વિશ્વભરમાં 12 દેશોએ ટેસ્ટ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું, જેમણે અત્યાર સુધીમાં કુલ 2499 મેચ રમી છે. 1971માં ODI અને T20 ક્રિકેટનું ફોર્મેટ પણ 2004માં આવ્યું હતું. જેણે ટેસ્ટને વધુ રસપ્રદ બનાવી છે. ટેસ્ટ ક્રિકેટના 146 વર્ષ થવા પર આ સ્ટોરીમાં આજે આપણે આ ફોર્મેટના ટોચના બેટર્સ, બોલર્સ અને ઓલરાઉન્ડર્સને જાણીશું. આ સાથે જ, આપણે કેટલાક એવા રેકોર્ડ અને ફેક્ટ્સ વિશે પણ જાણીશું... જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ઇંગ્લેન્ડે સૌથી વધુ મેચ રમી
ટેસ્ટમાં અત્યારસુધીમાં 2,499 મેચ રમાઈ છે, જેમાંથી 1,711 મેચના રિઝલ્ટ આવ્યા છે. 2 મેચ ટાઈ રહી છે અને 786 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. ઇંગ્લેન્ડે સૌથી વધુ 1,060 મેચ રમી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 405 મેચ જીતી છે. ઇંગ્લેન્ડ સૌથી વધુ 318 મેચ હારી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ મેચ (2) ટાઈ કરી છે. પહેલી મેચ 1960માં વેસ્ટઈન્ડિઝ સામે બ્રિસ્બેનમાં ટાઈ થઈ હતી અને બીજી મેચ 1986માં ભારત સામે ચેન્નાઈમાં ટાઈ થઈ હતી.
ભારતે 55 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટની શરૂઆત કરી
ટીમ ઈન્ડિયાએ 24 જૂન 1932ના રોજ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે મેચ રમી હતી, જેમાં આપણે હારી ગયા હતા. 1952માં ટીમ ઈન્ડિયાને આ ફોર્મેટમાં પહેલી જીત મળી હતી. ટીમે ઇંગ્લેન્ડને એક ઇનિંગ અને 8 રનથી હરાવ્યું હતું.
ભારત આ ફોર્મેટમાં અત્યારસુધીમાં 569 મેચ રમ્યું છે. જેમાં ટીમને 172 જીત અને 175 હાર મળી છે. આ ઉપરાંત એક મેચ ટાઈ અને 221 ટેસ્ટ ડ્રો રહી છે. ભારતે સૌથી વધુ 32 વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. બીજી તરફ ઇંગ્લેન્ડે સૌથી વધુ 50 ટેસ્ટમાં હરાવ્યું છે. ટેસ્ટમાં ભારતનો ટોપ સ્કોર 759 રન છે, જે ટીમે ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. તો, ટીમ ઈન્ડિયાનો સૌથી નાનકડો સ્કોર 36 રન છે, જે ઓસ્ટ્રેલિયા સામે બન્યો હતો.
અહીં જુઓ ટેસ્ટની ટોચની ટીમ...
2500મી મેચ 17 માર્ચે રમાશે
આવતીકાલે, એટલે કે શુક્રવારે, 17 માર્ચે, ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ વેલિંગ્ટનમાં રમાશે. જે ટેસ્ટ ક્રિકેટની 2500મી મેચ હશે. ન્યૂઝીલેન્ડે પહેલી ટેસ્ટ છેલ્લા બોલ પર 2 વિકેટે જીતી લીધી હતી.
ન્યૂઝીલેન્ડે થોડા દિવસ પહેલા જ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે 2 ટેસ્ટ સિરીઝ 1-1થી ડ્રો કરી હતી. ન્યૂઝીલેન્ડે આ સિરીઝની છેલ્લી મેચ ફોલોઓન કર્યા બાદ માત્ર એક રનથી જીતી લીધી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે સૌથી નાની જીતનો રેકોર્ડ પણ છે.
અહીં જુઓ ટેસ્ટમાં સૌથી મોટી અને સૌથી નાની જીતનો રેકોર્ડ...
જ્યારે ટીમ ઈન્ડિયાએ 271 ઓવર બોલિંગ કરી હતી
6 ઓગસ્ટ, 1997ના રોજ કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ભારત સામે 271 ઓવરમાં બેટિંગ કરીને 6 વિકેટના નુકસાને 952 રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ અત્યારસુધીનો સૌથી વધુ સ્કોર છે. આ મેચમાં શ્રીલંકાના સનથ જયસૂર્યાએ 340 અને રોશન મહાનમાએ 225 રન બનાવ્યા હતા. આ ટેસ્ટમાં 3 ભારતીય બોલર્સે 70થી વધુ ઓવર ફેંકી હતી.
શ્રીલંકાએ બીજી ઇનિંગમાં આ સ્કોર બનાવ્યો હતો, જ્યારે ભારતે તેની પહેલી ઇનિંગ 537/8ના સ્કોર પર ડિકલેર કરી હતી.
આગળના ગ્રાફિકમાં જુઓ ટેસ્ટની ચારેય ઇનિંગ્સમાં અત્યારસુધીનો સૌથી મોટો સ્કોર...
હવે ટીમના કેટલાક રસપ્રદ રેકોર્ડ્સ પર એક નજર...
ફોલોઓન બાદ 4 ટીમે મેચ જીતી
ટેસ્ટ ક્રિકેટ ચાર ઇનિંગમાં રમાય છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમ ત્રીજી ઇનિંગમાં ફરી બેટિંગ કરે છે અને બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ ચોથી ઇનિંગમાં ફરીથી બેટિંગ કરે છે. 5 દિવસની રમતમાં ફોલોઓનનો નિયમ પણ હોય છે. આ મુજબ, જો બીજી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમ પહેલી બેટિંગ કરનારી ટીમના સ્કોરથી 200 કે તેથી વધુ રન પાછળ રહી જાય, તો પહેલી બેટિંગ કરનારી ટીમ ત્રીજી ઇનિંગમાં તેમને ફોલોઓન કરી શકે છે અને ફરીથી બેટિંગ માટે બોલાવી શકે છે. એટલે કે, એક ટીમને સતત 2 વખત બેટિંગ કરવી પડે છે.
ફોલોઓનની સ્થિતિમાં બેટિંગ કરનારી ટીમ મોટા માર્જિનથી પાછળ રહે છે. આવી સ્થિતિમાં જીતવું ઘણું મુશ્કેલ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં 4 મેચ એવી બની છે જ્યારે ફોલોઓનનો સામનો કરીને પણ ટીમે મેચ જીતી લીધી છે. ઇંગ્લેન્ડે 1894 અને 1981માં બે વખત ઓસ્ટ્રેલિયાને 10 અને 18 રનના માર્જિનથી હરાવ્યું હતું.
ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાને 171 રને અને ન્યુઝીલેન્ડે 20 દિવસ પહેલા 24 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડને એક રનથી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે સૌથી ઓછા માર્જિનથી જીતના વેસ્ટઈન્ડિઝના રેકોર્ડની પણ બરાબરી કરી હતી. વિન્ડીઝે 1993માં ઓસ્ટ્રેલિયાને એક રનથી હરાવ્યું હતું.
ટેસ્ટ ક્રિકેટની સૌથી મોટી રાઇવલરી
ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 1877માં, બન્ને ટીમ વચ્ચેની મેચથી થઈ હતી. આ ફોર્મેટની સૌથી મોટી અને લાંબી રાઇવલરી પણ તે બન્ને ટીમ વચ્ચે ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ રાઇવલરીનું નામ છે 'ધ એશિઝ' સિરીઝ. દર દોઢ વર્ષે બન્ને ટીમ એકબીજાના ઘરે જાય છે અને 5 ટેસ્ટ મેચોની સિરીઝ રમે છે.
30 ડિસેમ્બર 1882ના રોજ, બન્નેમાં પ્રથમ વખત 3 ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. ત્યારથી લઈને અત્યારસુધીમાં કુલ 144 સિરીઝ થઈ છે. એકંદરે, બન્ને વચ્ચે એશિઝમાં 340 મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયા 140 અને ઇંગ્લેન્ડ 108 મેચમાં જીત્યું છે. બન્ને વચ્ચે 92 ટેસ્ટ ડ્રો પણ થઈ છે. હવે જુલાઈમાં ફરી એકવાર બન્ને વચ્ચે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ રમાશે, જે 145મી એશિઝ હશે.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન છે
2020 સુધી, 146 વર્ષ પહેલા શરૂ થયેલી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં માત્ર બાઇલેટરલ સિરીઝ જ રમાતી હતી. એક ટીમ બીજા દેશમાં જઈને સિરીઝ રમતી અને માર્ચ-એપ્રિલ સુધીમાં જે ટીમ ICC રેન્કિંગમાં નંબર-1 હતી, તેને એવોર્ડ તરીકે ટેસ્ટ ગદા આપવામાં આવતી હતી. પરંતુ 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં આ પ્રથાને તોડી અને વિશ્વને આ ફોર્મેટનો પ્રથમ વર્લ્ડ ચેમ્પિયન અપાવ્યો હતો.
WTC ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં 18થી 23 જૂન દરમિયાન રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે આ મેચ 8 વિકેટે જીતી લીધી અને ટેસ્ટમાં પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. હવે 7થી 11 જૂન દરમિયાન WTCની ફાઈનલ બીજી વખત ઇંગ્લેન્ડમાં રમાશે. આ વખતે ઓસ્ટ્રેલિયાનો પડકાર અગાઉની ફાઈનલિસ્ટ ટીમ ઇન્ડિયા સામે હશે. જેને ભારતે છેલ્લી સતત 4 ટેસ્ટ સિરીઝમાં 2-1ના માર્જીનથી હરાવ્યું છે. આવી સ્થિતિમાં આ મેચ પણ રસપ્રદ બની રહેવાની આશા છે.
હવે જાણો ટેસ્ટના ટોચના ખેલાડીઓ વિશે...
સોબર્સ-કાલિસ ટોચના ઓલરાઉન્ડર
ગેરી સોબર્સ ટેસ્ટમાં ટોચના ઓલરાઉન્ડર છે. તેમણે વેસ્ટઈન્ડિઝ માટે 93 ટેસ્ટમાં 8032 રન બનાવીને 235 વિકેટ લીધી છે. તે પછી 166 ટેસ્ટમાં 13,289 રન અને 292 વિકેટ સાથે સાઉથ આફ્રિકાના જેક્સ કાલિસનો નંબર આવે છે, જે ટેસ્ટ ઓલરાઉન્ડરને નવી ઊંચાઈએ લઈ જાય છે.
ટેસ્ટમાં અન્ય કેટલાક ટોચના ઓલરાઉન્ડર પણ છે, જેમાં ઇંગ્લેન્ડના ઈયાન બોથમ 102 ટેસ્ટમાં 5200 રન અને 383 વિકેટ, ન્યૂઝીલેન્ડના રિચર્ડ હેડલી 86 ટેસ્ટમાં 3125 રન અને 431 વિકેટ, ભારતના કપિલ દેવે 131 ટેસ્ટમાં 5248 રન બનાવ્યા છે. 431 વિકેટ સાથે અને પાકિસ્તાનના ઈમરાન ખાને 88 ટેસ્ટમાં 3807 રન બનાવીને 362 વિકેટ લીધી છે.
ટેસ્ટના ટોપ બેટર...
ટેસ્ટના ટોચના બોલર...
આ પર્સનલ રેકોર્ડ પર પણ એક નજર...
ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય જોખમમાં
T20 અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટના આવ્યા પછી ટેસ્ટ ક્રિકેટના અસ્તિત્વને લઈને સવાલો ઉભા થવા લાગ્યા છે. કહેવા માટે કે હવે 12 દેશો તેને રમે છે, પરંતુ હવે માત્ર પસંદગીના દેશોની ટીમ જ આ ફોર્મેટમાં ટોપ લેવલ પરફોર્મન્સ આપી શકે છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનની પસંદગીની ટીમ છે.
પસંદગીના દેશોમાં પણ ઘણા દેશો વર્ષમાં માત્ર 5-6 ટેસ્ટ જ રમે છે. ઘણા દેશોના ખેલાડીઓનું ધ્યાન હવે માત્ર ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પર જ કેન્દ્રિત થઈ ગયું છે, જેના કારણે આ ફોર્મેટમાં નવા ખેલાડીઓ આવવાના પણ ઘટી ગયા છે. પરંતુ WTC, ધ એશિઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ જેવી કેટલીક સિરીઝ હજુ પણ આ ફોર્મેટને રસપ્રદ બનાવવી રહી છે. આવી સ્થિતિમાં ક્રિકેટના સૌથી પડકારજનક ફોર્મેટનું ભવિષ્ય કેવું રહેશે તે જોવું અગત્યનું રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.