DB ઈમ્પેક્ટ:ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ શરૂ, દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું

4 મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારના નિયમોમાં ફેરફારોના કારણે પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ નહોતી
  • વર્ષે ગુજરાતની 9 હજાર પોસ્ટ ઓફિસમાં 5 કરોડથી વધુની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું થાય છે વેચાણ

ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં છેલ્લાં એક સપ્તાહથી રેવન્યુ સ્ટેમ્પની કુત્રિમ અછત સર્જાઇ હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરે 23 મે ના રોજ કર્યો હતો. આ અહેવાલના પગલે તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાબડતોબ પગલાં ભર્યા હતા. પરિણામ સ્વરૂપે પોસ્ટ ઓફીસોમાં રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવા નાણાંકીય વર્ષથી કેન્દ્ર સરકારના નિયમોમાં આવેલાં ફેરફારોના કારણે ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં રેવન્યુ સ્ટેમ્પ ઉપલબ્ધ ન હતી. જેના કારણે ઘણાં લોકોના ટ્રાન્ઝેકશન અટકી ગયા હતા. પરિણામ સ્વરુપે નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

ગુજરાતની અંદાજે 9 હજાર પોસ્ટ ઓફીસોમાં સ્ટેમ્પનું વેચાણ
ગુજરાતની અંદાજે 9 હજાર પોસ્ટ ઓફીસોમાંથી સ્ટેમ્પનું વેચાણ થાય છે. તે જ રીતે એક રૂપિયાની રેવન્યુ સ્ટેમ્પનું પણ રેગ્યુલર વેચાણ થાય છે. સરકારી નિયમ મુજબ 5 હજાર કે તેથી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ લગાવવી જરૂરી છે. જો કે ઓનલાઇન ટ્રાન્ઝેકશનમાં રેવન્યુ સ્ટેમ્પની જરૂરિયાત પડતી નથી. અને કંપની તેમ જ સરકારી કચેરીઓમાં પણ પગાર ડાયરેકટ બેંકમાં જમા થતો હોવાથી આ માથાકૂટમાંથી તેમનો છૂટકારો થયો છે.

પરંતુ કંપની અને કોન્ટ્રાકટર વચ્ચેના ટ્રાન્ઝેકશન અથવા તો પછી એલ.આઇ.સી.માં પાકતી મુદતે ભરવામાં આવતાં વાઉચરમાં તેમ જ કંપનીઓમાં વાઉચર પર કામ કરતાં તેમ જ નાની પેઢીઓમાં કામ કરતાં કર્મચારીઓનો 5 હજારથી વધુ પગાર હોય તો વાઉચર પર રેવન્યુ સ્ટેમ્પ પર સહીઓ કરીને જ રકમ ચુકવવામાં આવે છે. એલ.આઇ.સી.માં ચેકથી કે રોકડથી પ્રિમિયમ ચુકવો તો પણ એલ.આઇ.સી. તરફથી રેવન્યુ સ્ટેમ્પ મારેલી પહોંચ આપવામાં આવે છે.

રેવન્યુ સ્ટેમ્પની અછતની ભાસ્કરે તપાસ કરી
રેવન્યુ સ્ટેમ્પની અછત સર્જાઇ જેના કારણે ગ્રાહકોને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સ્ટેમ્પ મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. આ પરિસ્થિતિ છેલ્લાં એક સપ્તાહથી ચાલી રહી હોવાની માહિતી દિવ્ય ભાસ્કરને મળી હતી. જેથી ભાસ્કરે આ અંગે તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવેલી 9 હજાર જેટલી પોસ્ટ ઓફીસોમાંથી દર વર્ષે 5 કરોડની કિંમતની રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ થાય છે. આમ તો પોસ્ટ ઓફીસ તરફથી અન્ય સ્ટેમ્પો પોતે જ બહાર પાડે છે. અને છાપે છે તેમ જ વેચાણ કરે છે. પરંતુ રેવન્યુ સ્ટેમ્પ તેઓ રાજય સરકાર પાસેથી ખરીદે છે. તે બદલ તેમને કમિશન ચુકવવામાં આવે છે.

કેન્દ્ર સરકારના નિયમોમાં આવેલાં ફેરફારોના કારણે અછત સર્જાઈ હતી
તાજેતરમાં જ એટલે કે 1લી એપ્રિલ-2022થી કેન્દ્ર સરકારમાં બજેટરી જોગવાઇમાં થોડાંક ફેરફાર કરવામાં આવ્યા છે. એટલે કે જે તે બજેટ હેડ હેઠળ જ વસ્તુની ખરીદી કરવાનો નિયમ લાદવામાં આવ્યો છે. તે બજેટ હેડ હેઠળ જ સરકાર તરફથી બજેટની ફાળવણી કરવામાં આવશે. પરિણામે પોસ્ટ ઓફિસોમાં આ કામગીરી હાલ ચાલુ હોવાથી બજેટની ફાળવણી નહીં થઇ શકી હોવાથી રેવન્યુ સ્ટેમ્પ ખરીદી કરી શકી નહી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ અંગે ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલના ડાયરેકટર મેજર એસ.એન. દવેએ જણાવ્યું છે કે, રેવન્યુ સ્ટેમ્પના વેચાણ અંગેની ફરિયાદો અમને મળી છે. રેવન્યુ સ્ટેમ્પની સીસ્ટમમાં થોડી ભૂલ છે. તેમાં ટેકનીકલ કારણોસર અપડેટ થઇ રહ્યું નથી. તે અંગે અમે ઉચ્ચ સત્તાતંત્ર સુધી રજૂઆત કરી છે. તેના પર પગલાં લેવામાં આવી રહ્યાં છે. બહુ જલ્દી સમસ્યાનો નિકાલ આવી જશે. અને લોકોને રેવન્યુ ટીકીટ રાબેતા મુજબ મળવાનું ચાલુ થઇ જશે.

એસ.એન. દવેએ જણાવ્યા પ્રમાણે પોતાના તાબાના અધિકારીઓને તાતકાલિક સૂચના આપીને પ્રશ્નનો નિકાલ કરવાની તાકીદ કરી હતી. જેના ભાગરૂપે રેવન્યુ સ્ટેમ્પના પ્રશ્નનો ઉકેલ લાવી દીધો છે. અને ગુજરાતની પોસ્ટ ઓફિસમાં રેવન્યુ સ્ટેમ્પનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે.

રેવન્યુ સ્ટેમ્પનો શેમાં થાય છે ઉપયોગ ?

  • રેવન્યુ સ્ટેમ્પનો ઉપયોગ ક્યા ક્યા થાય છે તે નીચે મુજબ છે.
  • 5000થી વધુ રકમના વ્યવહારમાં રેવન્યુ સ્ટેમ્પ મારવી ફરજિયાત છે.
  • કોન્ટ્રાકટર અને સરકારી કચેરી કે કંપની વચ્ચે નાણાંકીય વ્યવહારમાં
  • કોન્ટ્રાકટર તરફથી સ્ટાફને કે અન્ય જગ્યાએ થતી રકમ ચૂકવતા સમયે
  • એલ. આઈ.સી.માં 5000થી વધુ રકમનું પ્રીમિયમ ભરતી વખતે એલ. આઈ.સી. તરફથી રેવન્યુ સ્ટેમ્પ લગાવેલી પહોંચ આપે છે.
  • એલ. આઈ.સી.માં પોલિસી પાકતી હોય ત્યારે વીમા ધારકે વાઉચરમાં રેવન્યુ સ્ટેમ્પ પર સહી કરીને વાઉચર જમાં કરાવવાનું રહે છે.
અન્ય સમાચારો પણ છે...