• Gujarati News
  • Dvb original
  • Retired Teacher From Deesa Tries To Save Environment With Social Service, Draws Pictures On Waste Plastic Bottles

પોઝિટિવ સ્ટોરી:ડીસાના નિવૃત્ત શિક્ષકનો સમાજસેવા સાથે પર્યાવરણ બચાવવાનો પ્રયાસ, વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ પર ચિત્રો દોરી કુંડાં તૈયાર કર્યાં

પાલનપુરએક મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
શિક્ષક ઘરની શોભા વધારે એ પ્રકારના પ્લાન્ટ સાથેનાં કુંડાં બનાવી ભેટમાં પણ આપે છે.
  • વ્યસનોથી દૂર રહો, બેટી બચાવો, વૃક્ષો વાવો સહિતના સ્લોગન કુંડા પર લખાય છે

કહેવાય છે કે નિવૃત્તિ એટલે મનગમતી પ્રવૃત્તિ કરવાનો સમય.. પરંતુ નોકરીમાંથી વય નિવૃત્ત થયા બાદ મોટા ભાગના નોકરિયાતો આરામ ફરમાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે નિવૃત્તિમાં સમાજસેવા અને પર્યાવરણ બચાવવા માટે એક નિવૃત્ત શિક્ષક આગળ આવ્યા છે. પોતાના કાર્યકાળમાં રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા એવા નિવૃત્ત શિક્ષક સી.ડી. મોદી હાલ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલમાં પોતાની કળાનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કરી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલ પર્યાવરણને નુકસાનકારક ન બને અને ઉપયોગી બને એ માટે તેઓ એની બોટલમાંથી અલગ અલગ પ્રકારનાં કુંડાં તૈયાર કરે છે. એના પર સામાજિક જાગૃતિ લાવતાં સ્લોગન લખીને એમાં વેલ-છોડ સહિતના પ્લાન્ટ રોપીને લોકોને ભેટમાં આપે છે, સાથે જ જાહેર જગ્યા પર મૂકીને અદકેરી પ્રવૃત્તિ કરી રહ્યા છે.

શિક્ષક વિદ્યાર્થીઓને પણ આ કામ શીખવે છે.
શિક્ષક વિદ્યાર્થીઓને પણ આ કામ શીખવે છે.

રસ્તા પરથી બોટલો એકઠી કરે છે
ડીસાના રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા નિવૃત્ત શિક્ષક સી. ડી મોદી. રસ્તામાં પડેલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલને ઉઠાવી લેતા હોય છે. બાદમાં આ એને ઘરે લઈ આવીને એની સાઈઝ અને એમાં થયેલા નુકસાનીના ભાગને દૂર કરીને કુંડા માટેની અવનવી ડિઝાઈન તૈયાર કરે છે. આ ડિઝાઈન તૈયાર થયા બાદ એના પર ઓઈલ પેઈન્ટથી ચિત્રો દોરીને અલગ અલગ કલર પૂરવામાં આવે છે, જેથી એક આકર્ષક કુંડું તૈયાર થાય. આ કુંડુ તૈયાર થયા બાદમાં તેને જાહેર જગ્યા પર મૂકવામાં આવે અથવા તો કોઈને ભેટમાં પણ આપવામાં આવે છે.

સામાજિક જાગૃતિનાં સ્લોગન લખાય છે
રસ્તા પર ફેંકી દેવાયેલી નકામી બોટલ અને પ્લાસ્ટિકના ડબ્બાનો સદુપયોગ કરતા નિવૃત્ત શિક્ષક સી. ડી. મોદી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. બોટલ પર કલરથી રંગ રોગાન કરી તેના પર સરસ મજાનાં ચિત્રો દોરી અને ''બેટી બચાવો, બેટી પઢાઓ," વધુ વૃક્ષો વાવો, " પાણી બચાવો " વ્યસનોથી દૂર રહો," નાનો પરિવાર સુખી પરિવાર " એવા અલગ અલગ સામાજિક સંદેશા આપતાં કુંડાં તૈયાર કર્યાં છે.

બોટલ પર પેઈન્ટિંગ કરીને કુંડાંને આકર્ષક બનાવી એના પર જનજાગૃતિના સ્લોગન લખાય છે.
બોટલ પર પેઈન્ટિંગ કરીને કુંડાંને આકર્ષક બનાવી એના પર જનજાગૃતિના સ્લોગન લખાય છે.

ગિફ્ટમાં પણ કુંડાં આપી શકાય છે
નિષ્ઠા અને લગનથી તથા એક ધ્યેય સાથે કામ કરતા નિવૃત્ત શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલાં કુંડાં સાથેના છોડ તેઓ વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાય એ માટે તૈયાર કરી રહ્યા છે, સાથે જ વિદ્યાર્થીઓની આસપાસના લોકોમાં પણ વ્યસનની બદીઓ ન ફેલાય એ માટે પણ તેઓ વ્યસનથી દૂર રહો જેવા સ્લોગન સાથેનાં કુંડાં તૈયાર કરીને લોકોને ગિફ્ટ પણ કરે છે.

ઘરની શોભા વધારે છે
શિક્ષકે નકામી વસ્તુઓને એ રીતે તૈયાર કરી છે કે તે ઘરની શોભા વધારે એ પ્રકારના પ્લાન્ટ સાથેનાં કુંડાં બની જાય છે. લોકો આ કુંડાંને પોતાના પ્રવેશ દ્વાર કે પછી દીવાલ પર સજાવીને રોજ પાણી આપતા હોય છે. બોટલ પ્લાસ્ટિકની હોવાથી કુંડું આકર્ષક લાગે છે. વળી, એના પર રંગ પણ એવા રંગવામાં આવે છે, જે પાણીને કારણે પણ ખરાબ ન થાય. લોકો પણ શિક્ષકના કાર્યને બિરદાવતા હોય છે.

નુકસાન કરતી પ્લાસ્ટિકની બોટલથી પર્યાવરણને બચાવવાની પહેલ થઈ છે.
નુકસાન કરતી પ્લાસ્ટિકની બોટલથી પર્યાવરણને બચાવવાની પહેલ થઈ છે.

એકસાથે બે કામ થાય છે
આ અનોખા અભિયાન અંગે નિવૃત્ત શિક્ષક સી. ડી. મોદીએ જણાવ્યું હતું કે હું બહુ લાંબા સમયથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ કેવી રીતે બનાવવી એ મારા વિદ્યાર્થીઓને પણ શીખવતો હતો, પરંતુ પર્યાવરણ અને સામાજિક જાગૃતિ બન્ને થઈ શકે એ માટે મેં આ અનોખી પ્રવૃત્તિ શરૂ કરી છે. નિવૃત્તિ બાદ ખાસ્સો સમય પણ આ પ્રવૃત્તિ માટે મળી રહે છે, જેથી સરકારની વિવિધ યોજનાઓ જેમ સ્વચ્છતા અભિયાન હોય કે અન્ય અભિયાન તમામને ચિત્રો સાથે સાંકળીને પ્લાસ્ટિકની બોટલને કુંડાનું સ્વરૂપ આપીને રોપા-વેલ-ફૂલ-છોડનો વિકાસ કરીએ છીએ. બર્થ ડે પાર્ટી હોય કે કોઈ પ્રસંગ હોય કે ઘરે કોઈ મહેમાન આવે તો આપણે તેમને આ કુંડાની ગિફ્ટ આપી શકીએ છીએ. લોકોને આ પ્રયોગ પસંદ આવે છે, જેથી સારું કાર્ય કર્યાનો સંતોષ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...