તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • An Exclusive Report On What Are The Preparations Of Gujarat's 5 Universities Regarding Admission In B.com, BA, B.Sc At College Level

મિશન એડમિશન:કેવી રીતે કોલેજમાં મળશે પ્રવેશ? ચિંતા ન કરો, વાંચો પ્રવેશ કાર્યવાહી અંગે રાજ્યની પાંચ યુનિવર્સિટીના કુલપતિનું આયોજન

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પ્રવેશથી વંચિત નહિ રહેઃ કુલપતિ હિમાંશુ પંડ્યા
  • ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ. 30 હજાર બેઠક વધારશેઃ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ

ધોરણ 12 બોર્ડ પરીક્ષા રદ થયા બાદ સૌના મનમાં સવાલ છે કે કોલેજ સ્તરે પ્રવેશ કાર્યવાહી કેવી રીતે થશે? આ પ્રશ્ન મુખ્યત્વે વિદ્યાર્થીઓ-વાલીઓની સાથે-સાથે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા લોકોને પણ સતાવી રહ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બોર્ડની પરીક્ષા માટે 5 લાખ 42 હજાર અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થીની નોંધણી થઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહ બાદ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BBA,BCA વગેરે કોર્સમાં પ્રવેશને લઇને રાજ્યની મુખ્ય યુનિવર્સિટીઓની શું છે તૈયારી? એ અંગે દિવ્ય ભાસ્કરે પાંચ યુનિવર્સિટીના કુલપતિ સાથે વાત કરી પ્રવેશ કાર્યવાહીને લઇને તેમના આયોજન અંગે જાણવા પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓ-વાલીઓના મનમાં સતાવતા સવાલ અંગેની માહિતી માટે વિગતે વાંચો દિવ્ય ભાસ્કરનો ખાસ અહેવાલ...

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશથી કોઈ વંચિત નહિ રહે
રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાનું કહેવું છે કે યુનિવર્સિટીનો પ્રયાસ રહેશે કે કોઈ વિદ્યાર્થી પ્રવેશ વિના બાકી નહિ રહે, જો વધુ વિદ્યાર્થીઓ સમાવવાની જરૂર પડશે તોપણ તૈયારી છે. યુનિવર્સિટીમાં ધોરણ 12 પછીના અભ્યાસક્રમ માટે 65,221 વિદ્યાર્થીનો ઇનટેક છે, જેની સામે પાછલા વર્ષે અંદાજે 15 હજાર બેઠક ખાલી રહી હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલ BComમાં 3,11,950, BAમાં 15,971, BScમાં 12,350, BBAમાં 2,200, BCAમાં 2,710 બેઠકનો સમાવેશ થાય છે.

વડોદરાની MSUમાં માર્ગદર્શિકા અનુસાર થશે કાર્યવાહી
વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્યવાહી અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં રજિસ્ટ્રાર કે.એમ. ચૂડાસમાએ જણાવ્યું હતું કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું પરિણામ ચોક્કસ ફોર્મ્યુલાના આધારે બનશે, જેથી એ પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે. મોટો પ્રશ્ન એ છે કે જો વિદ્યાર્થીની સંખ્યા વધશે તો શું? જે અંગે શિક્ષણ વિભાગની ગાઇડલાઇન્સ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટી 30 હજાર સીટ વધારશે
મધ્ય ગુજરાતમાં ગોધરાસ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ધોરણ 12ની પરીક્ષા ન યોજાવાથી પ્રવેશમાં ઊભી થનારી સ્થિતિને લઈને આગોતરું આયોજન કરી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે વાતમાં જણાવ્યું હતું કે પહેલા વર્ષ માટે 35 હજાર વિદ્યાર્થીનો ઇનટેક છે. અમે હાલના ઇનટેકની સામે વધારાના 30 હજાર વિદ્યાર્થીને સમાવી શકાય એ માટેની કાર્યવાહી પણ શરૂ કરી છે. યુનિવર્સિટીમાં 5 જિલ્લાની 171 કોલેજ કાર્યરત છે, જેમાં મોટા ભાગની સરકારી અને ગ્રાન્ટેડ છે. આ કોલેજનું ઇન્ક્રાસ્ટ્રકચર મોટું હોવાથી ત્યાં વધારાના વિદ્યાર્થીઓનો સામાવેશ થઈ શકશે.

પીજીના વિદ્યાર્થીઓની લેવાશે મદદ, લેકચર માટે ચૂકવાશે મહેનતાણું
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વધારાના ઇનટેકની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સ્ટાફની અછતને પહોંચી વળવા માટે પણ આગોતરું આયોજન કરાયું છે, જે સંદર્ભે યુનિવર્સિટીએ PG કરતા વિદ્યાર્થીઓને મહેનાતાણું ચૂકવી તેમને કોલેજમાં લેકચર લેવાની પરવાનગી પણ આપશે, જેથી હાલના સ્ટાફ પર ભારણ ન વધે. યુનિવર્સિટીમાં BAમાં 15000, B.Comમાં 4000, BCAમાં 3000, LLBમાં 5000 વિદ્યાર્થીના ઇનટેકની સુવિધા છે. પ્રવેશ કાર્યવાહીને સરળ બનાવવા માટે આ વર્ષે ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે, જેથી ઝડપથી કાર્યવાહી થઈ શકે.

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે મેળવી રહી છે માહિતી
માત્ર વાલીઓ અને વિદ્યાર્થીઓ જ નહિ, પરંતુ યુનિવર્સિટી સત્તાધીશો અને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા લોકોની નજર પરિણામ કેવી રીતે તૈયાર થશે એના પર મંડાઈ રહી છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હાલ કોલેજો પાસે ઇનટેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની વિગતો એકત્ર કરી રહ્યા છે. હાલના તબક્કે VNSGU 5 હજાર બેઠક વધારવાની તૈયારી દર્શાવી છે.

સૌરાષ્ટ્ર યુનિ.માં સ્થિતિ જોઈને લેવાશે નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધોરણ 12 પછી પહેલા વર્ષમાં પ્રવેશ માટે અંદાજે 42 હજાર જેટલી બેઠકો છે, જે પૈકી અંદાજે 5 હજાર જેટલી બેઠકો ખાલી રહેતી હોય છે. યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષના અનુભવના આધારે પ્રવેશપ્રક્રિયામાં વાંધો નહિ આવે, કેમ કે અગાઉનાં વર્ષોમાં ખાલી રહેતી બેઠકો સામે આ વખતે વિદ્યાર્થીઓ મળી રહેશે, સાથે-સાથે જરૂર પડ્યે કોલેજોમાં બેઠક પણ વધારવામાં આવશે.

પ્રો. જસવંત ઠક્કર અને પ્રો.વસંત જોષી.
પ્રો. જસવંત ઠક્કર અને પ્રો.વસંત જોષી.

ગ્રાન્ટેડ-સરકારી કોલેજ પહેલી પસંદ રહેશે
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને પ્રવેશ સમિતિના પૂર્વ કન્વીનર જસવંત ઠક્કરના કહેવા પ્રમાણે, હાલ વિકટ સ્થિતિમાં લોકોની આર્થિક સ્થિતિ નબળી છે. એવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજમાં પ્રવેશ મેળવવાનો આગ્રહ રાખશે. ઉપરાંત પસંદગીની કોલેજમાં પ્રવેશ લેવા માટે પણ આ વર્ષે ગળાકાપ સ્પર્ધા રહેશે. પ્રવેશ સમિતિના પૂર્વ સભ્ય અને ગુજ. યુનિ. શૈક્ષિક સંઘના મહામંત્રી વસંત જોષીનું કહેવું છે કે પ્રવેશ કાર્યવાહી ચોક્કસ પડકાર બની રહેશે. વળી, 10 ટકા અન્ય બોર્ડ અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ માટે બેઠકો રિઝર્વ હોય છે, જેથી અન્ય રાજ્ય કે બોર્ડના વિદ્યાર્થીઓએ પણ રાજ્યમાં પ્રવેશ માટે રાહ જોવી પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...