Exclusive:અંદાજે રૂ. 6000 કરોડની વેલ્યુએશનવાળી અમદાવાદની ઇન્ફીબીમ એવન્યુઝને રિલાયન્સ ખરીદશે, જિયો સાથે થઈ શકે છે ડીલ

અમદાવાદ4 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કૉપી લિંક
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા. - Divya Bhaskar
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા.
  • જિયો પ્લેટફોર્મ્સ અને ઇન્ફીબીમ એવન્યુઝ વચ્ચે ચાલતી વાતચીત
  • બંને કંપની વચ્ચે અગાઉ યુનિફાઇડ પેમેન્ટ માટે કરાર થયા છે
  • પેમેન્ટ ગેટવે તરીકે ઇન્ફીબીમ ફિનટેક ઈન્ડસ્ટ્રીમાં ઘણું આગળ છે

અમદાવાદની ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની ઇન્ફીબીમ એવન્યુઝમાં મેજોરિટી સ્ટેક ખરીદવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રસ દાખવ્યો છે. આ બાબતના જાણકારના જણાવ્યા પ્રમાણે, બંને કંપની વચ્ચે રિટેલ પેમેન્ટ સિસ્ટમ ઊભી કરવા માટે અગાઉ કરાર થયેલા છે અને હવે રિલાયન્સ તેની સબસિડfયરી જિયો પ્લેટફોર્મ્સ મારફત ઇન્ફીબીમ એવન્યુઝની મેજોરિટી હિસ્સેદારી​​​ ખરીદી શકે છે. જોકે ઇન્ફીબીમ એવન્યુઝે આ બાબતને નકારી હતી અને આ બાબતને બજારમાં ચાલતી એક વાત તરીકે જણાવી હતી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, હાલના તબક્કે ઇન્ફીબીમ એવન્યુઝનું અત્યારનું વેલ્યુએશન અંદાજે રૂ. 6000 કરોડથી પણ વધારેનું હોવાનું મનાય છે.

ઇન્ફીબીમ આ બાબતે કઈ કહેવા માગતી નથી
ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા સાથે દિવ્ય ભાસ્કરે આ અંગે જાણકારી મેળવવા વાત કરી હતી. વિશાલ મહેતાએ કહ્યું હતું કે માર્કેટમાં આવી વાતો થતી રહે છે. અમે રિલાયન્સ માટે ઘણું કામ કરી રહ્યા છીએ. અમે પબ્લિક લિસ્ટેડ કંપની છીએ, એટલે એના પર કોમેન્ટ ન કરી શકીએ. આ તબક્કે અમારે જાહેર કરવા જેવું કઈ નથી.

ઇન્ફીબીમ સાથે 30 લાખથી વધુ મર્ચન્ટ જોડાયેલા છે
ઇન્ફીબીમ એવન્યુઝની વાત કરીએ તો ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની તરીકે ઇન્ફીબીમ સાથે આજની તારીખમાં 30 લાખથી વધુ મર્ચન્ટ જોડાયેલા છે. નાણાકીય વર્ષ 2020-21માં કંપનીના પેમેન્ટ ગેટવે મારફત અંદાજે 1.40 લાખ કરોડનાં ટ્રાન્ઝેક્શન થયાં હતાં. એ વર્ષમાં કંપનીની ગ્રોસ રેવન્યુ રૂ. 676 કરોડ રહી હતી.

જિયો-ઇન્ફીબીમે પેમેન્ટ નેટવર્ક બનાવવા જોડાણ કરેલું છે
થોડા સમય પહેલાં રિલાયન્સ પ્લેટફોર્મ્સ અને ઇન્ફીબીમ એવન્યુઝ પેમેન્ટ નેટવર્ક ઊભું કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે ન્યૂ અમ્બ્રેલા એન્ટિટી (NUE) માટે લાઇસન્સ મેળવવા અપ્લાઇ કરેલું છે. ભારતમાં વધી રહેલા ડિજિટલ પેમેન્ટ સ્પેસને કેપિટલાઇઝ્ડ કરવા અને એને આગળ વધારવા માટે ગૂગલ, ફેસબુક, રિલાયન્સ જિયો અને ઇન્ફીબીમ વચ્ચે જોડાણ થયું છે.

ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા (ફાઇલ ફોટો).
ઇન્ફીબીમ એવન્યુઝના મેનેજિંગ ડિરેક્ટર વિશાલ મહેતા (ફાઇલ ફોટો).

ઓક્ટોબરમાં ઇન્ફીબીમનો શેર 11% જેવો વધ્યો
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જના આંકડા પ્રમાણે, ઇન્ફીબીમ એવન્યુઝનો શેર ઓકટોબર મહિનામાં 7 ટ્રેડિંગ સેશન દરમિયાન 11% જેવો વધ્યો છે. 1 ઓકટોબરના રોજ આ શેર રૂ. 41.75 પર બંધ આવ્યો હતો, જે 11 ઓક્ટોબરે વધીને રૂ. 46.35 પર બંધ થયો હતો. જોકે ગત વર્ષના ઓક્ટોબરની તુલનાએ અત્યારે ઇન્ફીબીમ એવન્યુઝના શેરનો ભાવ અત્યારે લગભગ અડધો છે, જ્યારે કંપનીનું માર્કેટ કેપ રૂ. 6,174.02 કરોડ પર પહોંચ્યું છે.

ઇન્ફીબીમ એવન્યુઝના શેરની મૂવમેન્ટ​​​​​

તારીખભાવ (રૂ./શેર)
1 ઓકટોબર41.75
4 ઓકટોબર43.55
5 ઓકટોબર43.45
6 ઓકટોબર46.4
7 ઓકટોબર47.5
8 ઓકટોબર45.9
11 ઓકટોબર46.35

સંદર્ભ: BSE

રિલાયન્સ અત્યારે કંપનીઓ ખરીદવાના મૂડમાં
તાજેતરમાં 10 ઓક્ટોબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે રૂ. 5,792 કરોડમાં નોર્વેની REC ગ્રુપનું અધિગ્રહણ કર્યું હતું. એવી જ રીતે શાપૂરજી પલોનજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ (SPCPL), ખુરશેદ દારૂવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલર લિમિટેડ (SWSL)માં અંદાજે રૂ. 2,845 કરોડમાં 40% હિસ્સેદારી ખરીદી છે. એક જ દિવસમાં આ બંને ડીલ કરવામાં આવી હતી. જાણકારોના મતે રિલાયન્સ ગ્રુપ આગામી દિવસોમાં અન્ય કંપનીઓમાં પણ હિસ્સેદારી ખરીદી શકે છે.

અન્ય સમાચારો પણ છે...