ભાસ્કર એક્સક્લૂસિવએ ગોજારા દિવસે અમદાવાદ ધણધણી ઉઠ્યું:કોર્ટના હુકમ છતાં મૃતકનાં પરિવારજનોને હજુ સહાય મળી નથી, ઈજાગ્રસ્ત મનુભાઈના હાથમાં હાલ પણ છરા છે

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • બોમ્બ બ્લાસ્ટમાં મૃતકના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તોને કોર્ટના હુકમ મુજબ 1.34 કરોડ વળતર ચૂકવવાનું થાય, પણ હજુ મળ્યુ નથી

26 જુલાઇ 2008ના રોજ અમદાવાદ શહેરમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા. આ ઘટનાને 26 જુલાઇ 2022ના રોજ 14 વર્ષ પૂરા થશે. મંગળવારે આ ઘટનાની 15મી વરસી બેસશે. તેને લઇને અસારવા યુથ સર્કલ દ્રારા રવિવારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અસારવા ખાતે આવેલી મહાપ્રભુજી કો.ઓ. હા. સોસાયટીમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી, જેમાં મૃતકોને તેમના સગાં- સ્વજનો દ્રારા પુષ્પ અર્પણ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે હાજર સ્વજનોએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજથી છ મહિના પહેલાં ફ્રેબુઆરી-2022ના રોજ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં મૃતકના સ્વજનોને એક લાખ તથા ગંભીર ઈજાગ્રસ્તોને 50 હજાર તેમ જ સામાન્ય ઇજા પામેલાઓને 25 હજાર ચુકવવાનો હુકમ કર્યો હતો. આ હુકમને આજે છ મહિનાનો સમય વીતી જવા છતાં મૃતકના પરિવારને કે ઈજાગ્રસ્તોને વળતરની રકમ મળી નહીં હોવાનું તેમણે જણાવ્યું છે.

અસારવા મહાપ્રભુજી કો.ઓ. હા. સોસાયટીમાં બોમ્બ બ્લાસ્ટના મૃતકોને સ્વજનોએ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.
અસારવા મહાપ્રભુજી કો.ઓ. હા. સોસાયટીમાં બોમ્બ બ્લાસ્ટના મૃતકોને સ્વજનોએ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.

આજથી 14 વર્ષ પહેલાં સમીસાંજે અમદાવાદ શહેરના મણિનગર, નારોલ, ઇસનપુર, બાપુનગર, ખાડિયા, સિવિલ હોસ્પિટલ તેમ જ સરખેજ વિસ્તાર સહિત 22 સ્થળોએ બોંબ ધડાકાથી શહેરની ધરતી ધણધણી ઊઠી હતી. આ બોમ્બ ધડાકાથી સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે વિશ્વમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બોમ્બ ધડાકામાં 56 લોકોના મૃત્યુ થયા હતા. તો હાલના કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર સહિત 246 લોકો ઈજા પામ્યા હતા. ત્યાં સુધી કે એક બળદનું પણ મૃત્યુ થયું હતું. આ ગુનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 80 જેટલાં આરોપીઓને પકડીને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી, તેમાંથી બે વ્યક્તિ મૃત્યુ પામી હોવાથી તેમની સામેના કેસ પડતાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે આરોપી ડો. અબુ ફૈસલે કેસ અલગ કરવાની અરજીમાં 1-8-2014ના રોજ હુકમ થયો હોવાથી અલગ કેસ ચાલ્યો હતો, જેથી બાકીના આરોપીઓ સામેનો કેસ ચાલ્યો હતો.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ તથા સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસોની સંયુક્ત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસોના આરોપીઓ સામેનો કેસ ચાલી જતાં સ્પેશ્યલ ડેઝીગ્નેટેડ જજ ફોર સ્પીડી ટ્રાયલ ઓફ સીરીયલ બોંબ બ્લાસ્ટ કેસીસના એડીશનલ સેશન્સ જજ એ.આર. પટેલે 18 ફ્રેબુઆરી-2022ના રોજ ચુકાદો આપ્યો હતો. 13 વર્ષ 14 દિવસ બાદ 7015 પાનાના આપેલા ચુકાદામાં આરોપીઓને સજાની સાથે દંડ ફટકારવામાં આવ્યો હતો. આરોપી નંબર-7 સિવાયના દરેક આરોપીને તમામ ગુનાના કામે ફરમાવવામાં આવેલી દંડની કુલ રકમ 2.85 લાખ ભરવાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી નંબર-7ને 2.88 લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓએ ભરેલ દંડની રકમમાંથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને એક લાખ રૂપિયા તથા આ બનાવમાં ગંભીર ઇજા પામેલી વ્યક્તિને 50 હજાર રૂપિયા તેમ જ સામાન્ય ઈજા પામેલી વ્યક્તિને 25 હજાર રૂપિયા વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં પેરા નં. 73માં મૃતકોની યાદી દર્શાવવામાં આવી છે. જ્યારે પેરા નં.73 .1માં મૃતકોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં 56 જણાંના નામો દર્શાવવામાં આવ્યા છે. તે જ રીતે પેરા નં 73-2મમાં ગંભીર તેમ જ સાદી (સામાન્ય) ઈજાગ્રસ્તોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 246 જણાંના નામો દર્શાવવામાં આવ્યા છે.

કોર્ટે કરેલા હુકમ મુજબ 56 મૃતક પરિવારજનોને એક લાખ રૂપિયા લેખે રકમ ચુકવવામાં આવે તો 56 લાખ ચુકવવાના થાય. જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને 50 હજાર લેખે રકમ ચુકવવામાં આવે તો 34 લાખ ચુકવવાના થાય અને 178 સામાન્ય (સાદી) ઈજા પામેલાં વ્યક્તિઓને 25 હજાર લેખે રકમ ચુકવવામાં આવે તો તેમને 44 લાખ રકમ ચુકવવાની થાય. સરવાળે મૃતકના પરિવારજનો, ગંભીર તેમ જ સામાન્ય ઈજાગ્રસ્તોને કોર્ટના હુકમ મુજબ કુલ 1 કરોડ 34 લાખ રૂપિયાની રકમ વળતર પેટે ચૂકવવાની થાય.

કોર્ટે ચુકાદો આપ્યો પણ હજુ સુધી વળતર મળ્યું નથી - ગીતાબેન વ્યાસ
અસારવામાં જ રહેતાં ગીતાબેન વ્યાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, '26 જુલાઇ 2008ના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં મારા ઘરવાળા દુષ્યંતભાઇ મોતીલાલ વ્યાસ તથા મારો બાબો રોહન દુષ્યંતભાઇ વ્યાસ મૃત્યુ પામ્યા હતા. તો મારો નાનો બાબો યશ સીરીયસ હતો પણ અત્યારે તેને સારું છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો. વળતર ચુકવવાનો પણ હજુ સુધી અમને કાંઇ મળ્યું નથી.'

સરકાર કાંઇ સહાય કરે: ભાલચંદ્રગીરી ગોસ્વામી
ભાલચંદ્રગીરી શંકરગીરી ગોસ્વામીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'આજથી 13 વર્ષ પહેલાં સિવિલ હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટમાં મારો દીકરો ચંદનગીરી મૃત્યુ પામ્યો હતો. કોર્ટે છ મહિના પહેલાં ફ્રેબુઆરીમાં હુકમ કર્યો હતો કે મૃતકના પરિવારને અને વાગેલાને પૈસા આપવા, પરંતુ હજુ સુધી કાંઇ મળ્યું નથી. તો તેમાં સરકાર કાંઇ સહાય કરે.'

મૃતકના પરિવારને સહાય મળશે પણ હજુ સુધી મળી નથી: મનીષા ચૌહાણ
મનીષાબેન રજનીકાન્ત ચૌહાણે જણાવ્યું હતું '13 વર્ષ પહેલાં બોમ્બ બ્લાસ્ટમાં મારો ભાઇ અજય રજનીકાન્ત ચૌહાણ મૃત્યુ પામ્યા હતા. કોર્ટે ફેબ્રુઆરીમાં ચુકાદો આપ્યો હતો, તેમાં મૃતકના પરિવારને સહાય મળશે પણ હજુ સુધી મળી નથી.'

... તો શું કરવાનુ અમારે ?
રેખાબેન રમેશભાઇ ગજેરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, '13 વર્ષ પહેલાં મારો દીકરો સુમિત ગજેરા બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો હતો. કોર્ટે નિર્ણય કર્યો હતો કે આ લોકોને 1 લાખ સહાય આપવાની પણ હજુ સુધી કાંઇ સમાચાર આવ્યા નથી, તો શું કરવાનું અમારે?'

અમને કોઇ સહાય હજુ મળી નથી: શારદાબેન સાલેરિયા
શારદાબેન સાલેરિયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, '13 વર્ષ પહેલાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તેમાં મારા ભત્રીજાનું મૃત્યુ થયું હતું. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સહાય મળશે પણ અમને હજુ સુધી સહાય મળી નથી.'

સહાયની મદદ કરવાના હતા પણ હજુ મળી નથી: નિરવ પટેલ
નિરવભાઇ જશવંતભાઇ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, 'મારા પિતા જશવંતભાઇ પટેલ સિવિલ હોસ્પિટલ બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યા હતા. છ મહિના પહેલાં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સહાય કરવાના હતા પણ અમને મદદ મળી નથી.'

હું ગંભીર રીતે ઘાયલ થયો હતો: યશ વ્યાસ (ઈજાગ્રસ્ત)
યશ વ્યાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું, '26 જુલાઇ 2008ના રોજ બોમ્બ બ્લાસ્ટમાં મારા પિતા તથા મારા ભાઇનું મૃત્યુ થયું હતું અને હું ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોર્ટે છ મહિના પહેલાં ચુકાદો આપ્યો હતો, પરંતુ અમને હજુ સહાય મળી નથી.'

અત્યારે હાલ પણ મારા હાથમાં છરા છે: ચૌહાણ મનુભાઇ (ઈજાગ્રસ્ત )
મનુભાઇ વેલજીભાઇ ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, 'સિવિલ હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટમાં હું અતિશય ગંભીર રીતે ઘાયલ થયો હતો. નવ છરાં વાગ્યા હતા. અત્યારે હાલમાં પણ મારા હાથમાં છરા છે. આ વાતને 13 વર્ષ થઇ ગયા છે. કોર્ટે 50 હજાર સહાય કરવાનો ચુકાદો આપ્યો છે, પરંતુ હજુ સુધી કોઇ સહાય મળી નથી.'

કોર્ટના હુકમનું સરકારે સત્વરે પાલન કરીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવી જોઇએ: સંજય પટેલ- પ્રમુખ, અસારવા યુથ સર્કલ
અસારવા યુથ સર્કલના પ્રમુખ તથા સ્થાનિક આગેવાન ગુમાનસિંહ રાજપૂતે જણાવ્યું હતું, 'અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓ વિરુદ્ધ ગત તા.18-2-2022ના રોજ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાની સાથે કોર્ટે બ્લાસ્ટમાં માર્યા ગયેલાના સ્વજનોને 1 લાખ રૂપિયા તેમ જ ઘાયલ થયેલ વ્યક્તિને 50 હજાર રૂપિયા ચુકવવાનો હુકમ કર્યો હતો, પરંતુ ચુકાદો આવ્યા ને છ મહિના જેટલો સયમ વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્તોને એક પણ રૂપિયાની વધારાની સહાય ચુકવવામાં આવી નથી. રાજ્ય સરકારે કોર્ટના હુકમનું સત્વરે પાલન કરી અસરગ્રસ્તોને સત્વરે સહાય ચૂકવવી જોઇએ.'
તેમણે વધુમાં જણાવ્યું હતું, 'આ કેસના આરોપીઓને સજા તો થઇ. બ્લાસ્ટની ધ્રુજારી પણ શમી ગઇ, પરંતુ મૃતકોના પરિવારની યાતનાના ઘા હજુ રૂઝાયાં નથી. આજે પણ અમદાવાદીઓને તેમ જ ભોગ બનેલાઓના સ્વજનોને તેની યાદ સતાવે છે.'

અન્ય સમાચારો પણ છે...