દુનિયાભરની વિચિત્ર પરંપરાઓ:ક્યાંક મૃતદેહોની રાખથી બનેલો સૂપ પીવાની પરંપરા, તો ક્યાંક નવપરિણિત યુગલને ત્રણ દિવસ સુધી બાથરુમ જતા રોકવામાં આવે છે

13 દિવસ પહેલાલેખક: સુનિતા સિંહ
  • કૉપી લિંક

વિશ્વમાં વિવિધ દેશો, ધર્મો અને જનજાતિઓ સાથે સંબંધિત ઘણી પરંપરાઓ છે. તેમાંથી કેટલીક ખૂબ રસપ્રદ છે, જ્યારે ઘણી પરંપરાઓ છે જે તમને આશ્ચર્યચકિત કરશે. ડેનમાર્કના ફેરો ટાપુ પર તાજેતરમાં 1400થી વધુ ડોલ્ફિનની હત્યાએ સમાન પરંપરાનો ભાગ હતી જેનો વિશ્વભરના લોકોએ સખત વિરોધ કર્યો હતો.

જોકે, ડેનમાર્ક જ નહીં, પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં ધર્મો અને પરંપરાઓના નામે વિચિત્ર રિવાજોનો નિભાવવામાં આવે છે. લગ્ન બાદ 3 દિવસ સુધી વર-વધૂને બાથરૂમમાં જવાની પરવાનગી નથી ત્યારે એક ટ્રાઈબ પણ છે જ્યાં પરિવારના સભ્યોના મોત બાદ ઘરમાં મહિલાઓની આંગળીનો કેટલોક ભાગ કાપવો પડે છે.

આવો જાણીએ દુનિયાની કેટલીક એવી કમ્યુનિટી વિશે,જેમની અજીબો-ગરીબ પરંપરાઓ તમને વિચારવા પર મજબૂર કરી દેશે.....

1. ગ્રિંડ- હજારોની સંખ્યામાં ડોલ્ફિનનો શિકાર

ડેનમાર્કના ફેરો આઈલેન્ડ પર સપ્ટેમ્બરમાં 'ગ્રિંન્ડ' નામનો એક ટ્રેડિશનલ હન્ટિંગ ઈવેન્ટ મનાવવાનો રિવાજ છે. આ પરંપરા માટે હજારો લોકો સમુદ્રના કિનારે એટલે કે બીચ પર એકઠા થાય છે. મોટી સંખ્યામાં ડોલ્ફિનને સમુદ્રના કિનારા પર લાવવામાં આવે છે, પછી તેમને મારી નાખવામાં આવે છે. ગ્રિન્ડને સેકન્ડો વર્ષો અગાઉ શરુ કરવામાં આવી હતી. ક્રૂરતાથી ભરેલી આ ઈવેન્ટ ડેનમાર્કમાં કાયદાકીય રીતે માન્ય છે. એટલી મોટી સંખ્યામાં ડોલ્ફિન્સને મારવામાં આવે છે કે સમુદ્રનું પાણી લાલ થઈ જાય છે.

2. 'એન્ડોકેનિબેલિઝ્મ' મૃતકોની રાખનો સૂપ

યાનોમામી ટ્રાઈબ જે વેનેઝુએલા અને બ્રાઝિલના કેટલાક ભાગોમાં જોવા મળે છે. આધુનિકીકરણથી દૂર, આ લોકો તેમની જૂની પરંપરાઓને આગળ વધારવામાં માને છે. આ જનજાતિમાં જે રીતે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે ખૂબ જ વિચિત્ર છે. આ લોકો એન્ડોકેનિબેલિઝમની પ્રથાને અનુસરે છે જેમાં પરિવારના સભ્યોના મૃત્યુ પછી તેઓ બળેલા શરીરની રાખ એકત્રિત કરે છે. આ રાખને સૂપ બનાવવા માટે કેળાસાથે ભેળવવામાં આવે છે, જે પરિવારના દરેક સભ્ય દ્વારા પીવામાં આવે છે. તેઓ માને છે કે આમ કરવાથી પરિવારના આત્માને શાંતિ મળે છે.

3. મૃતકની આત્માની શાંતિ માટે આંગળી કાપવી

ઈન્ડોનેશિયાની દાની ટ્રાઈબમાં પરિવારના સભ્યની મૃત્યુ બાદ એક વિચિત્ર પરંપરા નિભાવવાનો રિવાજ છે. દાની ટ્રાઈબની મહિલાઓના પરિજનની મોત બાદ ભાવનાત્મક દુખ સાથે શારિરીક કષ્ટ પણ સહન કરવું પડે છે.

શ્રદ્ધાંજલિ અને શોક આપવા માટે મહિલાઓ આંગળીનો છેડો કાપી નાખશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ પરંપરાને અનુસરવા માટે સ્ત્રીઓએ એક વાર નહીં પણ ઘણીવાર આંગળીઓ કાપવી પડે છે. પરંપરા મુજબ સ્ત્રી-પુરુષ બંનેએ આ વિધિ કરવી જોઈએ, પરંતુ માત્ર સ્ત્રીઓ જ તે કરી રહી છે.

એવું માનવામાં આવે છે કે પરિવારની તમામ મહિલાઓ પરિવારના મૃત્યુ પર આંગળીઓ કાપી નાખે તો મૃતકની આત્માને શાંતિ મળે છે. આંગળીને કાપતા પહેલા 30 મિનિટ સુધી દોરા સાથે બાંધવામાં આવે છે. બીજી તરફ કાપેલી આંગળીને આગમાં બાળી નાખવામાં આવે છે. જોકે આ પરંપરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, કેટલાક લોકો હજી પણ તેને નિભાવી રહ્યા છે.

4. બોમેના- પ્રેમ અને લગ્ન માટે છોકરીઓની શોધમાં છોકરાઓ નાઈટ હન્ટિંગ કરે છે

ભૂતાનના કેટલાક ભાગોમાં પ્રેમ અને લગ્નની શોધમાં અપરિણિત યુવકો રાત્રે એક અલગ પ્રકારની શોધમાં નીકળે છે જેને બોમેના અથવા નાઈટ હંન્ટિંગ કહેવામાં આવે છે. તેઓ છપાઈને એક અપરિણિત મહિલાના ઘરમાં તેની સાથે રાત વિતાવવા માટે પ્રવેશ કરે છે. જો તેઓ છોકરી સાથે પકડાઈ જાય તો, તેમને લગ્ન કરવા પડે છે અને સજા પ્રમાણે છોકરીના પિતાના ખેતરમાં કામ કરવું પડે છે. સૌથી પહેલા ભૂતાનના પૂર્વી ભાગોમાં આ પરંપરા શરુ થઈ, જે બાદમાં દેશભરમાં મનાવવામાં આવી. આ પરંપરા પ્રમાણે છોકરા બારી તોડીને બીજાના ઘરમાં ઘૂસી જાય છે. ત્યાં અજાણી તથા ઓળખાણવાળી છોકરી સાથે રિલેશન બનાવાનો પ્રયત્ન કરે છે. જણાવી દઈએ કે અન્ય દેશોમાં આવું કરવું અપરાધ છે અને તેના માટે કડક સજા પણ છે.

5. 'હાઉસ અરેસ્ટ' લગ્ન બાદ 3 દિવસ સુધી બાથરુમ જવાની મનાઈ

લગ્ન કોઈ પણ ધર્મ કે સંસ્કૃતિના લોકો માટે ખૂબ મહત્વ ધરાવે છે, તેથી તેને વિશેષ બનાવવા માટે વિશ્વભરમાં વિવિધ રિવાજો અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં ટિડોંગ સમુદાયની રીત થોડી વિચિત્ર છે. લગ્ન પછી 3 દિવસ સુધી નવા પરણેલા યુગલોને ટોયલેટ જવા પર પ્રતિબંધ છે. યુગલોને ત્રણ દિવસ સુધી ખૂબ ઓછું ખાવા-પીવાની મંજૂરી છે, જે પછી તેમને સ્નાન કરાવવામાં આવે છે. અહીંથી જ દાંપત્યજીવનની શરૂઆત થાય છે.

એવું માનવામાં આવે છે કે લગ્ન એક પવિત્ર વિધિ છે જો વર-કન્યા શૌચાલય જાય તો તેમની શુદ્ધતા માં ખલેલ પડે છે અને તેઓ અશુદ્ધ થઈ જાય છે, તેથી લગ્ન પછી ત્રણ દિવસ સુધી વર-કન્યાને શૌચાલય જવાની મનાઈ છે. જો કોઈ આવું ન કરે તો તેને અપશુકન માનવામાં આવે છે.

6. બુલેટ કીડીવાળા ગ્લવ્સ પહેરીને વોરિયર ટેસ્ટ

અમેઝોનના જંગલોમાં સટેરે-માવે નામની જનજાતિમાં છોકરાઓએ કિશોર વયના છે તે સાબિત કરવા માટે વોરિયર ટેસ્ટ પાસ કરવી પડે છે. જે ખૂબ જ પીડાદાયક છે. આ ભયંકર પરંપરા હેઠળ છોકરાઓ જંગલમાંથી બુલેટ કીડીઓ ઉપાડીને તેમની પાસેથી ગ્લોવ્ઝ બનાવે છે. યુવાન છોકરાઓએ ટેસ્ટ માટે બુલેટ કીડીઓ સાથે ગ્લોવ્ઝ પહેરવા પડે છે. બુલેટ કીડીઓની કસોટી ખૂબ જ પીડાદાયક છે. છોકરાઓએ 10 મિનિટ સુધી ગ્લોવ્ઝ પહેરીને ડાન્સ કરવો પડે છે અને કીડીઓ સતત ગ્લોવ્ઝની અંદર ડંખ મારે છે. તેઓએ લગભગ 20 વખત આ કરવું પડે છે.

આ પરંપરાનો હેતુ છોકરાઓને જીવનના મુશ્કેલ સંઘર્ષો માટે તૈયાર કરવાનો છે. આ લોકો માને છે કે, દુઃખ કે પ્રયાસ વિના જીવવામાં કોઈ મૂલ્ય નથી. આ પરંપરા છોકરાઓને માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ મજબૂત બનાવે છે.

7. 'ફામાડિહાના'- પૂર્વજોના મૃતદેહ સાથે મનાવામાં આવતો મહોત્સવ

દક્ષિણ આફ્રિકાના મડાગાસ્કર ટાપુમાં મેલેગસી જનજાતિમાં મૃત્યુ બાદ શોક વ્યક્ત કરવાનો માર્ગ ખૂબ જ અનોખો છે. જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં દર સાત વર્ષે ફામાડિહાના ફેસ્ટિવલ ઉજવવાની પરંપરા છે. આમાં પરિવારના સભ્યો મૃતકના મૃતદેહને કબરમાંથી કાઢીને સાફ કરીને નવા કપડામાં મૃતદેહને તૈયાર કરે છે. ત્યારબાદ તેઓ શરીર સાથે નૃત્ય કરે છે અને ગામની આસપાસ જાય છે અને તે જ સ્થળે મૃતદેહને પાછો દફનાવે છે.

અહીંના લોકો માને છે કે મૃત શરીર જેટલું જલદી હાડપિંજર બનશે તેટલું જ તેનો આત્મા મુક્ત થઈ જશે. મેલાગસી લોકોના મતે, જ્યાં સુધી શરીર પર માંસ હોય ત્યાં સુધી આત્મા બીજુ શરીર ધારણ કરી શકતો નથી. આથી અહીંના લોકો આ તહેવારને તેમના પ્રિયજનોના આત્માની શાંતિ માટે ઉજવે છે.

8. 'હાકા'- ન્યુઝીલેન્ડમાં ગુસ્સાભર્યો ડાન્સ

ન્યૂઝીલેન્ડમાં માઓરી સંસ્કૃતિ છે જે એક અલગ અને અદ્ભુત હાકા ડાન્સની લીધે ઓળખાય છે. માઓરી કલ્ચરમાં એક અજીબ ડાન્સ કરવામાં આવે છે, જેને હાકા કહે છે. જ્યારે વિરોધીઓમાં કોઈ પણ પ્રકારનો ભય પેદા કરવો હોય ત્યારે આ લોકો જોરથી પગ પછાડે છે, ડરામણા ચહેરા બનાવે છે, જોર-જોરથી અવાજો કાઢે છે. અહીં હાકા ડાન્સ ઘણા વર્ષોથી પુરુષો અને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. હાકા માઓરી લોકોના સત્કાર કરવા માટેની એક અનોખી પરંપરા છે, જેને પેઢી દર પેઢી અહીના લોકો આગળ વધારી રહ્યા છે.

ન્યુઝીલેન્ડની સ્પોર્ટ્સ ટીમ હાકા ડાન્સ વિશે વિશ્વભરના લોકોને જણાવવા માટે આંતરરાષ્ટ્રીય રમતોમાં પણ તેનું પ્રદર્શન કરે છે. જેના કારણે હાકા દુનિયાભરમાં જાણીતી થાય. ન્યુઝીલેન્ડની ફૂટબોલ ટીમે 1888-89માં આંતરરાષ્ટ્રીય રમતમાં હાકા ડાન્સની શરૂઆત કરી હતી.

9. 'ઊંટ યુદ્ધ'- બે નર ઉંટોને લડાવવામાં આવે છે

તમે સ્પેનના બુલ ફાઈટ વિશે સાંભળ્યું હશે અને તેને ઘણી ફિલ્મોમાં જોયું હશે. એ જ રીતે તુર્કીમાં દર વર્ષે કેમલ રેસલિંગ નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આમાં બે નર ઊંટો અંદરોઅંદર લડે છે. તુર્કીમાં ઊંટકુસ્તી ખૂબ લોકપ્રિય છે. જોકે મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાના કેટલાક ભાગોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે.

તેની શરૂઆત લગભગ 1,000 વર્ષ પહેલાં પ્રાચીન તુર્કીની જનજાતિઓમાં થઈ હતી. બાદમાં 1920માં, તુર્કીની નેશનલ એવિએશન લીગે તુર્કીની સરકાર માટે વિમાન ખરીદવા માટે ફંડ રેઝર તરીકે ઊંટ રેસિંગનું આયોજન કર્યું હતું. ઘણા એનિમલ એસોસિએશન આ પ્રથાની ટીકા કરે છે. ઊંટનો મેટિંગના સમયે આ તહેવાર યોજાય છે. જ્યારે ઊંટમાં અન્ય નર સામે લડવાની કુદરતી વૃત્તિ હોય છે.

10. 'ટૂથ ફાઈલિંગ'- લગ્ન પહેલા દુલ્હા- દુલ્હનના દાંતોની સફાઈ

લગ્નની અનેક પરંપરાઓ દુનિયાના દરેક ભાગમાં જોવા મળે છે. તેમાંથી એક ઇન્ડોનેશિયાનું ટૂથ ફાઇલિંગ છે. ઇન્ડોનેશિયાના બાલીમાં લગ્ન પહેલા વર-કન્યા બંનેએ બે દાંત ફાઇલ કરાવવા પડે છે. એવું માનવામાં આવે છે કે વર-કન્યાના ટૂથ ફાઈલિંગથી દુષ્ટ શક્તિઓ મૂળમાંથી દૂર થાય છે. આ ઉપરાંત લોભ, ક્રોધ, મૂર્ખતા, મૂંઝવણ, ઈર્ષ્યા અને નશા જેવી બદીઓ પણ દૂર થાય છે. ટૂથ ફાઈલિંગ પછી, વર અને કન્યા તેમની લાળ નાના નાળિયેરના ટુકડા પર લગાવે છે. સમારોહના ત્રણ દિવસ પછી નાળિયેર સમુદ્ર અથવા નદીમાં ફેંકવામાં આવે છે.

11. 'મંકી બુફે'- વાંદરાઓ માટે તાજા ફળોની ભવ્ય દાવત

દુનિયાના ઘણા દેશોમાં તમે માણસો માટે રેસ્ટોરન્ટ ફૂડ બફેટની સુવિધા જોઈ હશે, પરંતુ એક એવો દેશ પણ છે જ્યાં વાંદરાઓ માટે બુફેની સુવિધા છે. થાઇલેન્ડના લોપબુરીમાં દર વર્ષે મંકી બુફેને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર વાંદરાઓ માટે એક ભવ્ય મિજબાની તૈયાર કરે છે, જેમાં તાજા ફળો, સલાડ અને થાઇ મીઠાઈઓનો સમાવેશ થાય છે.

આ તહેવાર પાછળનો હેતુ વાંદરાઓનું સન્માન કરવાનો છે. વાસ્તવમાં થાઇલેન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય 'રામકિયન' છે, જે ભારતના હિન્દુ સંસ્કૃત 'રામાયણ'નું ભાષાંતર છે. રામકિયન અને રામાયણના કારણે આજે પણ થાઇલેન્ડ અને ભારતમાં ભગવાન હનુમાનની પૂજા કરવામાં આવે છે. કારણ કે વાંદરાને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ થાઇલેન્ડના લોકો મંકી બફેટ ફેસ્ટિવલની ઉજવણી કરીને વાંદરાઓનું સન્માન કરે છે.

12. 'પોલ્ટ્રાબેન્ડ'- લગ્ન કરનાર યુગલ પાસે સફાઈ કરાવવી​​​​​​​

છોકરા અને છોકરીના મિત્રો અને સંબંધીઓ જર્મનીમાં લગ્નના થોડા દિવસો પહેલા મળે છે. ત્યારબાદ તમામ મહેમાનોને વિનંતી કરવામાં આવે છે કે કાચ સિવાય બધું તોડી નાખો જેમ કે વાસણો, ફૂલોના ગુલદસ્તા અને ઘણી વસ્તુઓ. ઘર કે અન્ય સભા સ્થળ ગંદુ અને અસ્તવ્યસ્ત બને છે. યુગલોને તે સ્થળોની સફાઈ કરવાનું કહેવામાં આવે છે.

જર્મનીના લોકોના મતે આ પરંપરા પાછળનું કારણ દંપતીને એકસાથે આવીને મુશ્કેલ સમયમાં સખત મહેનત કરવાનું શીખવવાનું છે. આ એ પાઠ છે જે કોઈપણ લગ્નને સફળ બનાવે છે.

13. બ્લેકેનિંગ ધ બ્રાઈડ- લગ્ન પહેલા દુલ્હનને કાળી કરવી​​​​​​​​​​​​​​

લગ્ન પહેલા વર-કન્યા તેમજ સંબંધીઓ માટે અનેક પ્રકારની વિધિઓ છે. સ્કોટલેન્ડમાં પણ એક પ્રકારની પરંપરા ઉજવવામાં આવે છે, પરંતુ કન્યા માટે આ રિવાજમાં સહેજ પણ મજા નથી. અહીં દુલ્હનને સડેલા ઇંડા, ખરાબ દૂધથી કાળી કરવાની અને લગ્ન પહેલાં કન્યા પર ઘણી ગંદી વસ્તુઓ ફેંકવાની પ્રથા છે. ત્યારબાદ કાળી કન્યાને આખા શહેરમાં ફેરવવામાં આવે છે.

આ વિધિ પાછળનો હેતુ કન્યાને જીવનના નવા અધ્યાય માટે તૈયાર કરવાનો છે જેથી તે લગ્ન પછી આવતા પડકારોનો સામનો કરી શકે.

14. ગર્ભવતી પત્નીની સામાન્ય ડિલિવરી માટે પતિને સળગતા કોલસા પર ચાલવું

ચીનમાં ગર્ભાવસ્થા સાથે સંકળાયેલો એક રસપ્રદ રિવાજ છે, જોકે આ રિવાજો પુરુષો માટે પીડાદાયક છે. અહીં પતિ તેની ગર્ભવતી પત્નીને ઉપાડે છે અને સળગતા કોલસા પર ખુલ્લા પગે ચાલે છે. માનવામાં આવે છે કે જો પતિ તેની ગર્ભવતી પત્નીને સળગતા કોલસા પર ખુલ્લા પગે લઈ જાય તો પત્નીની ડિલિવરી સરળ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે આ વિધિ પિતા હોય તેવા બાળક અને પત્ની પ્રત્યેનો પોતાનો અનોખો પ્રેમ દર્શાવે છે.

15. 'જિરાફ નેક'- સુંદર ગળા માટે મહિલાઓ ગળામાં રિંગ પહેરે છે

થાઇલેન્ડની કરેન ટ્રાઇબની મહિલાઓ તેમની લાંબી ગરદન માટે જાણીતી છે. ત્યાંની મહિલાઓ મોટી ગરદન મેળવવા માટે તેમના ગળામાં પિત્તળની રિંગ પહેરે છે. ત્યાં તેને સુંદરતા અને મહિમાનું પ્રતીક માનવામાં આવે છે. આ રિંગ્સમાં લૂપ્સ છે જે ગળામાં ફેરવી-ફેરવીને પહેરાવવામાં આવે છે.

16. થાઈપુસમ- ભગવાન મુરુગનના પ્રતિ સમર્પણ માટે શરીરના ઘણા ભાગોને કાપવા​​​​​​​​​​​​​

ભારતમાં પણ વિવિધ સમુદાયોમાં એવા ઘણા રિવાજો છે જે સાંભળીને આશ્ચર્ય થાય છે. તેમાંથી એક થાઇપુસમ છે જે દક્ષિણ ભારતમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ તહેવાર એક દુષ્ટ આત્મા પર ભગવાન મુરુગનની જીતની યાદમાં ઉજવવામાં આવે છે. સંપૂર્ણ સમાધિ પર જતી વખતે ભક્તો તેમના શરીરના વિવિધ ભાગોને અણીદાર વસ્તુઓથી વીંધી નાખે છે. કેટલાક તો એવા પણ લોકો છે જે પોતાની પીઠમાં કેટલાક કાણાં કરી તેમાં હુક લગાવી વાહનો ખેંચે છે. મલેશિયા, ઇન્ડોનેશિયા અને શ્રીલંકા જેવા અન્ય ઘણા દેશોમાં થાઇપુસમ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...