અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલાં ફૂટ ઓવરબ્રિજનું 95%થી વધુ કામ હવે પુરું થઈ ચૂક્યું છે. અત્યારે બ્રિજ પર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આગામાથી થોડાક જ મહિનામાં અમદાવાદને એક નવું નજરાણું મળશે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલ સૌથી પહેલા આ બ્રિજની અંદરના ખૂણેખૂણાનો નજારો બતાવી રહ્યું છે.
ફૂટ ઓવરબ્રિજની વિશેષતા
આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ અંદાજે 300 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે, જેનો વચ્ચેનો સ્પાન પણ 100 મીટર છે. આખો ફૂટ ઓવરબ્રિજ RCCના પાઇલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ પર ઊભો છે. આ બ્રિજના બાંધકામમાં લગભગ 2,100 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે. ફૂટ ઓવરબ્રિજ પર RCC ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ પમ લગાડવામાં આવી છે. બ્રિજના ઉપર છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પ્ચર પણ મૂકવામાં આવ્યા છે. તો આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ પણ લગાવાઈ છે, જેને લીધે રાતના અંધકારમાં પણ બ્રિજ શહેરની શોભા વધારે છે.
બ્રિજ પર મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા હશે
ફૂટ ઓવરબ્રિજની વચ્ચેના ભાગે 10 મીટરની પહોળાઈના 14 બાકડા પ્રવાસીઓ માટે મૂકવામાં આવ્યા છે. એ બેઠક વ્યવસ્થા આસપાસ ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાશે. અહીંથી નદી અને કાંઠાના વિસ્તારોનો મનોરમ્ય નજારો પણ માણી શકાશે, સાથે સાથે અહીં આર્ટ કલ્ચર ગેલરી પણ બનાવવામાં આવશે. એટલું જ નહીં, બ્રિજ પર ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે. ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વના છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના બન્ને છેડેથી મુલાકાતીઓ અને સાઈક્લિસ્ટો પણ આવનજાવન કરી શકશે.
બ્રિજની ડેકોરેટિવ થીમ એક મોટી ચેલેન્જ હતી
ફૂટ ઓવરબ્રિજને રિવરફ્રન્ટની બંને બાજુએ વોક-વેના બે લેવલ સાથે જોડવામાં આવ્યો છે, જેની ઉપર અને નીચે એમ બંને તરફ આસાનીથી જઈ શકાય છે. પતંગની ડિઝાઈનવાળી બ્રિજની ડેકોરેટિવ થીમ એટલી આસાન ન હતી. આમ છતાં એન્જિનિયર્સની કમાલને કારણે આ શક્ય બન્યું છે.
90 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, એટલે કે SRFDCL દ્વારા 21 માર્ચ 2018ના રોજ આ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. એ સમયે રૂ. 74 કરોડના ખર્ચનો અંદાજ હતો. જોકે બ્રિજ તૈયાર થતો ખર્ચ રૂ. 90 કરોડને પાર કરી જાય એવી શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપનિંગ કરે એવી શક્યતા
300 મીટર લાંબા આ ઓવરબ્રિજમાં અત્યારે ફિનિશિંગનું કામ પૂરું થવાને આરે છે. આગામી મહિનામાં જ આ કામ પૂર્ણ થઈ જશે. જે બાદ વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફૂટ ઓવરબ્રિજનું ઓપનિંગ કરી શહેરીજનોને ભેટ આપે એવી શક્યતા છે.
ગત 7-12-2021ના રોજ દિવ્ય ભાસ્કર ડિજિટલે સૌપ્રથમ ફૂટ ઓવરબ્રિજની અંદરનો નજારો બતાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.