• Gujarati News
  • Dvb original
  • Studied Engineering, Worked In 4 Companies, And Now Left For Sri Lanka On The Path Of Lord Rama, Thus Found A Reliable Route To Exile.

ભાસ્કર એક્સક્લૂસિવપાક્કું, આવો રામભક્ત તમે જોયો નહીં હોય!:એન્જિનિયરિંગ ભણ્યો, 4 કંપનીમાં નોકરી કરી ને હવે ભગવાન રામના માર્ગે શ્રીલંકા જવા નીકળી પડ્યો, આવી રીતે મળ્યો વનવાસનો ભરોસાપાત્ર રૂટ

2 મહિનો પહેલાલેખક: કમલ પરમાર
  • કૉપી લિંક

એનું નામ રોહિત કુમાર સિંહ છે, 27 વર્ષનો યુવાન, આજથી લગભગ સવાસો દિવસ પહેલાં તેણે ખભે થેલો ઉપાડ્યો અને ઘરેથી નીકળી પડ્યો. અયોધ્યાથી પગપાળા શ્રીલંકા પહોંચવાનો સંકલ્પ લીધો છે. હજારો વર્ષો પહેલાં જે પથ પર ભગવાન રામ ચાલ્યા હતા, કળિયુગમાં એ જ રૂટ પર રોહિત કુમાર યાત્રા કરી રહ્યો છે.

મિકેનિકલ એન્જિનિયરિંગ ભણેલા રોહિતે દેશની કેટલીક નામાંકિત કંપનીમાં નોકરી પણ કરી છે. ટેબલ ટેનિસ રમવામાં એવી પકડ હતી, જેના કારણે જિલ્લા સ્તરે તેની પસંદગી થઈ, પરંતુ કોરોનાને કારણે રાજ્ય સ્તરની મેચમાં ભાગ ન લઈ શક્યો. હવે ભગવાન રામનું નામ લેતાં-લેતાં ત્રણ રાજ્યના 30થી વધુ જિલ્લામાં 2800 કિલોમીટર પગપાળા ચાલી ચૂક્યા છે.

આજે રામનવમીના તહેવાર પર દિવ્ય ભાસ્કર વાચકો માટે લાવ્યું છે આ અનોખા રામભક્ત યુવાનના જીવન સાથે જોડાયેલી રોચક કહાની.

દિવ્ય ભાસ્કરે રોહિત કુમાર સિંહ સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે અચાનક શું થયું કે તેણે નામાંકિત કંપનીમાંથી નોકરી છોડીને પગપાળા અયોધ્યાથી શ્રીલંકા જવાનો નિર્ણય કર્યો?, ભગવાન રામ વનવાસ સમયે જે સ્થળે રોકાયા, જ્યાંથી તેઓ પસાર થયા એ રૂટ વિશેની ભરોસાપાત્ર માહિતી ક્યાંથી મળી?, સવાસો દિવસની યાત્રામાં કેવા-કેવા અનુભવો થયા?, તામિલનાડુ પહોંચ્યા બાદ શ્રીલંકા સુધીની દરિયાઈ સફર કેવી રીતે કરશે?, કોઈને સાથે લીધા વગર યાત્રા કરી રહેલા રોહિતની દિનચર્યા કેવી હોય છે?, ભોજન, રાત્રિ રોકાણ તેમજ અન્ય ખર્ચ માટે રૂપિયા ક્યાંથી મળે છે? અને સૌથી મોટો સવાલ- પગપાળા શ્રીલંકા જવા મુદ્દે રોહિત પર પબ્લિસિટી સ્ટંટના આરોપ લાગ્યા છે, એ મુદ્દે શું કહેવું છે?

રોહિતે અયોધ્યાથી પગપાળા યાત્રા શરૂ કરી એ દિવસની તસવીર.
રોહિતે અયોધ્યાથી પગપાળા યાત્રા શરૂ કરી એ દિવસની તસવીર.

અયોધ્યાથી શ્રીલંકા પગપાળા જઈ રહેલો યુવાન કોણ છે?
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે તેમનો પરિવાર મૂળ બિહારનો છે, પરંતુ તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો. પિતા કુરિયર કંપનીમાં કામ કરતા હતા. કેટલાંક વર્ષ પહેલાં પિતાના પગમાં અર્થરાઈટિસની બીમારી થઈ, એટલે કામ કરવાની સ્થિતિમાં ન રહ્યા. પરિણામે, ઘર પર આર્થિક મુશ્કેલી આવી પડી. એટલે રોહિત તેમના પરિવાર સાથે લખનઉમાં પોતાના મોસાળમાં આવી ગયા હતા. જ્યાં તેમનો ઉછેર થયો. ધોરણ 12 સુધીના અભ્યાસ બાદ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. અને ત્યાર બાદ ત્રણથી ચાર કંપનીમાં નોકરી પણ કરી.

અયોધ્યાથી શ્રીલંકા જવાનો વિચાર કેવી રીતે આવ્યો?
રોહિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે 'કોરોના સમયે રોહિતની નોકરી જતી રહી હતી. લોકડાઉન બાદ 17 રાજ્યનો પ્રવાસ કર્યો, એ સમયે વિચાર્યું કે ભગવાન રામ જે રસ્તે અયોધ્યાથી શ્રીલંકા પહોંચ્યા હતા એ રૂટ પર મારે પણ પ્રવાસ કરવો જોઈએ. લોકડાઉન સમયે જ્યારે ટીવી પર રામાયણ જોઈ ત્યારે તો આ વિચાર નહોતો આવ્યો, પરંતુ ભગવાન રામના પગલે ચાલવાનો વિચાર આવ્યા બાદ ફરીથી આખી રામાયણ જોઈ. ત્યાર બાદ 15 નવેમ્બર 2022ના રોજ હું ટ્રેન મારફત દિલ્હીથી અયોધ્યા પહોંચ્યો અને ત્યાંથી મેં મારી પગપાળા યાત્રા શરૂ કરી. શરૂઆતના તબક્કે તો મને જાણીતી હોય એવી જગ્યા વિશે જ થોડીઘણી જાણકારી હતી, પરંતુ થોડા દિવસોમાં હું ઉત્તરપ્રદેશમાં આવેલા રાજાપુરમાં પહોંચ્યો. આ સ્થળે તુલસીદાસ દ્વારા લિખિત અયોધ્યાકાંડ લખેલું છે. આ જગ્યાએ તુલસીદાસના વંશજો સેવા કરી રહ્યા છે. તેમણે મને ભગવાન રામના વનવાસ અને તેમની સાથે જોડાયેલાં સ્થળો વિશે ખૂબ ઊંડાણપૂર્વક જાણકારી આપી. ત્યારે મને અહેસાસ થયો કે મારા જેવા કરોડો લોકો ભગવાન રામના વનવાસ વિશે કેટલું ઓછું જાણે છે! મારે આ બધી માહિતી લોકો સુધી પહોંચાડવી જ જોઈએ.'

તુલસીદાસ લિખિત અયોધ્યાકાંડ તેમના વંશજોએ સાચવી રાખ્યો છે.
તુલસીદાસ લિખિત અયોધ્યાકાંડ તેમના વંશજોએ સાચવી રાખ્યો છે.

ભગવાન રામ વનવાસ સમયે કયા વિસ્તારમાં વધારે રહ્યા?
તુલસીદાસના વંશજોમાંથી એક સભ્યએ રોહિતને જાણકારી આપતાં કહ્યું હતું, 'ભગવાન રામ વનવાસ દરમિયાન સૌથી વધુ આજના છત્તીસગઢ જિલ્લામાં રહ્યા, જ્યાં વિવિધ વિસ્તારોમાં થઈને તેમણે 2200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું.' રોહિત કહે છે, 'હવે જે પણ લોકો મને મળે છે તેમને હું આ વિશે જાણકારી આપું છું, સાથે જ જાતિ વ્યવસ્થામાં વહેંચાઈ ન જવા અંગે પણ સમજાવું છું.'

હજારો વર્ષો બાદ કેવી રીતે ખ્યાલ આવે કે ભગવાન રામ આ જ સ્થળે આવ્યા હતા?
રોહિતે આ સવાલનો જવાબ આપતાં કહ્યું, 'જો તમે રામાયણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો તો એમાં કેટલીક નદીઓનાં નામ લખવામાં આવ્યાં છે, જેમ કે રાપા નદી, મહા નદી, વાલ્મીકિ નદી, મેવન નદી. આવી નદીઓ વિશે આપણે હાલના સમયે ખૂબ ઓછું જાણીએ છીએ, પરંતુ એને ભરોસાપાત્ર પુરાવા માની શકાય. કેટલીક જગ્યાએ ભારતીય પુરાતત્ત્વ વિભાગે ખોદકામ કર્યું હોય ત્યારે સદીઓનો જૂની મૂર્તિ કે અન્ય અવશેષો મળ્યા હોવાની પણ ઘટના છે. એટલે વર્ષો પહેલાંના રાજા-મહારાજા પાસે પણ એવી જાણકારી હશે તો જ ત્યાં મંદિર બનાવ્યાં હશે. આ ઉપરાંત કેટલાંક મંદિરો એવાં છે, જ્યાં ભગવાન રામ રોકાયા હોવાની માહિતી છે, ત્યાં લાલ રંગના બોર્ડ મારવામાં આવ્યાં છે, જેના પર લખ્યું છે શ્રીરામવનગમન માર્ગ. આ સિવાય પણ ભારતનો એક નકશો છે, જેમાં 256 જગ્યા અંકિત કરવામાં આવી છે, જ્યાં ભગવાન રામ ગયા હતા.'

વનવાસ સમયે જે સ્થળેથી ભગવાન રામ પસાર થયા કે રોકાયા એમાંની કેટલીક જગ્યાએ હાલમાં શ્રીરામવનગમન માર્ગના બોર્ડ લગાવેલાં છે.
વનવાસ સમયે જે સ્થળેથી ભગવાન રામ પસાર થયા કે રોકાયા એમાંની કેટલીક જગ્યાએ હાલમાં શ્રીરામવનગમન માર્ગના બોર્ડ લગાવેલાં છે.

રોહિત સાથે કેટલા લોકોની ટીમ છે?
રોહિતે જણાવ્યું હતું કે 'હું અયોધ્યાથી જે દિવસે હું નીકળ્યો તેને સવાસો દિવસ કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો છે, પરંતુ આટલા સમય સુધી હું એકલો જ રહ્યો છું. મારી સાથે કોઈ જ નથી. હા, ક્યારેક એવું થાય છે કે કોઈ ગામ કે શહેરમાં પહોંચું તો લોકો મારી સાથે કેટલાક કિલોમીટર સુધી ચાલે, પરંતુ સંપૂર્ણ યાત્રા માટે કોઈ સાથીદાર નથી.'

રોહિત બેગમાં આટલી વસ્તુ લઈને હજારો કિલોમીટર ચાલ્યો
રોહિત જે બે નાનકડી બેગ લઈને પગપાળા પ્રવાસ ખેડી રહ્યો છે, જેમાં એક ટેન્ટ, આ સિવાય કેટલાંક કપડાં છે, રસ્તા પણ તેમને ઘણા લોકોએ કપડાં, શાલ, ચાદર વગેરે ભેટમાં આપ્યા છે. આ ઉપરાંત પાવર બેંક, ચણા, બદામ, ગોળ અને ખારેક સાથે રાખે છે, રોહિતે કહ્યું, 'નવલકથા પણ સાથે રાખું છું, જેથી હિન્દી કે અંગ્રેજી ભાષા પર સારી પકડ રહે'.

લાંબા પ્રવાસમાં રોહિતની દિનચર્યા આવી છે!
રોહિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું, 'હું દરરોજ 6થી 7 વાગ્યાની આસપાસ ઊઠી જાઉં છું. રાત્રે ચણા પલાળીને રાખું છું. સવારમાં તેને ગોળ અને ખારેક સાથે ખાઉં છું. થોડું બપોર માટે પણ બચાવીને રાખું છું, જેથી જો બપોરના સમયે રસ્તામાં મને ક્યાંક ભોજન ન મળે તો આ બધી વસ્તુથી મારું પેટ ભરી શકું, કારણ કે હું બિસ્કિટ અને નમકિન યાત્રા દરમિયાન ખાતો નથી. સવારના સાડાઆઠ વાગતા સુધીમાં હું મારી યાત્રા શરૂ કરી દઉં છું. બપોરના સમયે 12થી 1 વાગ્યાની આસપાસ ક્યાંક ભોજન અને સારી જગ્યા મળે તો રોકાઉં છું. જો જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોઉં તો સાંજના 5 વાગતા સુધીમાં સલામત જગ્યા જોઈને રોકાઈ જાઉં છું. જ્યારે શહેર હોય તો 7થી 8 વાગ્યા સુધી ચાલુ છું.

લોકો કેવી રીતે મદદ કરે છે?
રોહિતે તેમની યાત્રાના વીડિયો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તેમજ યુટ્યૂબ પર શેર કર્યા છે, એટલે જે પણ લોકોએ આ વીડિયો જોયા હોય અને રોહિત તેમની આસપાસના વિસ્તારમાં પહોંચે તો તેઓ મળવા માટે આવે છે. કેટલાક લોકો નાણાકીય મદદ કરે છે, કેટલાક લોકો રોહિતને રાત્રિ રોકાણ તેમજ જમવા માટે પણ પોતાના ઘરે લઈ જાય છે. રોહિતે એક આશ્ચર્યજનક વાત એ કહી કે 'હું અયોધ્યાથી નીકળ્યો ત્યારે મારા ખિસ્સામાં 8 હજાર રૂપિયા હતા અને આજે પણ એટલા જ રૂપિયા મારી પાસે છે. આ સિવાય પણ ડોનેશન તરીકે મારી પાસે 20થી 25 હજાર રૂપિયા આવ્યા છે.'

રોહિતને જોઈને એક ટ્રકડ્રાઈવરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ડ્રાઈવર, ક્લિનર અને રોહિતે ટ્રકમાં બેસીને જ ભોજન લીધું હતું.
રોહિતને જોઈને એક ટ્રકડ્રાઈવરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. ડ્રાઈવર, ક્લિનર અને રોહિતે ટ્રકમાં બેસીને જ ભોજન લીધું હતું.

યાત્રા દરમિયાનનો એ પ્રસંગ, જ્યારે રોહિતની આંખમાં આંસુ આવી ગયાં
દિવ્ય ભાસ્કરને યાત્રા સમયનો એક ભાવુક કિસ્સો જણાવતાં રોહિતે કહ્યું, 'હું મધ્યપ્રદેશના સતના જિલ્લામાં હતો. મારી પાસે એક ટેન્ટ છે, જે રાત્રે બાંધીને હું સૂઈ જાઉં છું, પરંતુ શેરડીનો રસ વેચનાર એક પતિ-પત્નીએ મારી બેગ પર લખેલું બોર્ડ વાચ્યું તો મારો હાથ પકડીને ઘરે લઈ જવાની જીદ કરવા લાગ્યાં, પરંતુ મેં તેમની આર્થિક સ્થિતિને જોતાં તેમના ઘરે જવાનો ઈનકાર કર્યો. જોકે આખરે હું તેમની જીદ સામે ઝૂકીને તેમના ઘરે મહેમાન બન્યો. રાત્રે હું જ્યારે જમવા બેઠો તો પરિવારના તમામ સભ્યો મારી આસપાસ ગોઠવાઈ ગયા અને મને પ્રેમથી જમાડ્યો. ત્યારે ખરેખર મારી આંખમાં આંસુ આવી ગયાં હતાં.'

રોહિતને ઘણા લોકો એવા મળે છે, જે તેમને ચા, પાણી, નાસ્તો આપીને પ્રોત્સાહન પૂરું પાડે છે.
રોહિતને ઘણા લોકો એવા મળે છે, જે તેમને ચા, પાણી, નાસ્તો આપીને પ્રોત્સાહન પૂરું પાડે છે.

વીડિયો એડિટિંગ અને અપલોડની કામગીરી માટે આવી છે સ્ટ્રેટેજી
રોહિત જ્યાં પણ જાય છે ત્યાંના વીડિયો બનાવે છે. તેમની મુસાફરીમાં વીડિયો રેકોર્ડ કરવા, એને એડિટ કરીને વિવિધ સોશિયલ મીડિયા સાઈટ્સ પર નાખવા એ પણ એક ઉદ્દેશ રહ્યો છે. આ જ વાતને સ્વીકારતા રોહિતે પોતાની સ્ટ્રેટેજી જાહેર કરતાં કહ્યું, 'જ્યાં પણ રાત્રિ રોકાણ કરું છું એ સમયે હું અગિયાર વાગતા સુધીમાં વીડિયોને એડિટ કરી લઉ છું. કેટલીક વખત રોજેરોજના વીડિયો એડિટ કરવા પડે છે, પરંતુ ક્યારેક નેટવર્કની મુશ્કેલીની સંભાવના હોય તો અગાઉથી જ ત્રણ-ચાર વીડિયોને શેડ્યૂલ કરીને પબ્લિશ કરી દઉં છું, જેથી હું નેટવર્કમાં ન હોઉં તોપણ નવા વીડિયો અપલોડ થતા રહે.'

રોહિતે કહ્યું, 'આ કારણે હું ગૂગલ મેપ વાપરતો જ નથી'
રોહિતે યાત્રા સમયની એક મુશ્કેલી અને એના સમાધાન વિશે વાત કરતાં કહ્યું, 'ભગવાન રામ જ્યાંથી પસાર થયા ત્યાં કેટલીક જગ્યાએ હાલના સમયે રોડ બની ચૂક્યા છે, એટલે વાંધો નથી આવતો, પરંતુ ઘણો વિસ્તાર હજુ પણ જંગલમાં જ છે, એટલે હું મારી સલામતી માટે ક્યારેક કિલોમીટર જૂના પથ પર ચાલવાને બદલે મુખ્ય રોડ પર ચાલુ છે. મેં અયોધ્યાથી નીકળ્યો ત્યાંથી અત્યારસુધીમાં ગૂગલ મેપનો ઉપયોગ કર્યો નથી, કારણકે ગૂગલ મેપ કેટલીક વખત લાંબો રૂટ બતાવે છે, જ્યારે સ્થાનિક લોકોને શોર્ટકટની ખબર હોય છે, એટલે હું રસ્તે જાણવા માટે સ્થાનિક લોકોની જ મદદ લેતો હોઉં છે. જોકે ક્યારેક એવું પણ થાય છે કે હું ત્રણ-ચાર દિવસ સુધી મોબાઈલ નેટવર્કમાં રહેતો પણ નથી.'

રોહિત સાથે ઘણી વખત સ્થાનિકો કેટલાક કિલોમીટર ચાલે છે, ફોટો પડાવે છે અને રોહિતને સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવે છે.
રોહિત સાથે ઘણી વખત સ્થાનિકો કેટલાક કિલોમીટર ચાલે છે, ફોટો પડાવે છે અને રોહિતને સફળ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવે છે.

અત્યારસુધીમાં કેટલાં રાજ્ય, કેટલા જિલ્લામાં પ્રવાસ કર્યો?
દિવ્ય ભાસ્કર સાથે રોહિતે વાત કરી એ સમયે તે છત્તીસગઢમાં હતો. યાત્રા દરમિયાન રાજ્યની દૃષ્ટિએ આ તેનો ત્રીજો પડાવ છે. અગાઉ તે ઉત્તરપ્રદેશ, ત્યાર બાદ મધ્યપ્રદેશમાં પ્રવાસ કરી ચૂક્યો છે. રોહિતે કહ્યું, 'હું ઉત્તરપ્રદેશના 5 જિલ્લા, મધ્યપ્રદેશના 7થી 8 જિલ્લા, જ્યારે છત્તીસગઢના 11 જિલ્લા થઈને 23થી વધુ જિલ્લાઓમાં 2800 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યો છું. જોકે મારા કુલ પ્રવાસનો આ માત્ર 20થી 30 ટકા હિસ્સો છે. પ્રવાસની કુલ લંબાઈ તો 10 હજાર કિલોમીટર કરતાં પણ વધુની છે.'

પરિવારને જાણ કર્યા વગર જ પગપાળા યાત્રા શરૂ કરી
રોહિતે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હું અયોધ્યાથી પગપાળા શ્રીલંકા જઈ રહ્યો છું એ વાતની જાણ મેં મારાં માતા-પિતાને નહોતી કરી, કારણ કે હું દિલ્હી રહેતો હતો અને તેઓ લખનઉમાં રહે છે. મારા ભાઈને જાણ હતી કે હું આવી રીતે યાત્રા પર નીકળી પડ્યો છું. મારા ભાઈએ MBA કર્યું છે અને હાલમાં તે દિલ્હીમાં એક મોટી કંપનીમાં સારાએવા હોદ્દા પર છે. મારી યાત્રાને એક મહિનો થયો એટલે યુટ્યૂબના માધ્યમથી જ માતા-પિતાને મારી યાત્રા વિશે જાણ થઈ. તેઓ આ વાત જાણીને સ્તબ્ધ થઈ ગયાં હતાં. તેમણે થોડા દિવસ સુધી મારી સાથે વાત ન કરી, કારણ કે તેમને મારી સલામતી અંગે ચિંતા થવા લાગી હતી, પરંતુ થોડા સમય બાદ તેમને મેં મનાવી લીધાં. ત્યારે માતા-પિતાએ બસ એટલું જ કહ્યું, 'તને જે પણ સારું લાગે એ તું કરી શકે છે, પરંતુ તારી સલામતી અને ભવિષ્યનું પણ ધ્યાન રાખજે.'

રોહિતનાં ભાઈ, પિતા, માતા અને બહેનની તસવીર.
રોહિતનાં ભાઈ, પિતા, માતા અને બહેનની તસવીર.

છત્તીસગઢ બાદ રોહિતનો આગળનો રૂટ કેવો રહેશે?
રોહિત કુમાર સિંહ છત્તીસગઢમાં છેલ્લાં બે-અઢી મહિનાથી છે. કેટલાક દિવસો બાદ તે તેલંગાણા જશે. પછી મહારાષ્ટ્રમાં દોઢથી બે મહિનાની યાત્રા રહેશે. આમ કરતાં એક વર્ષ બે મહિના બાદ શ્રીલંકા પહોંચવાનું આયોજન છે. રોહિત 20 કિલો વજન સાથે દરરોજ 25 કિલોમીટર પગપાળા પ્રવાસ કરી રહ્યાો છે.

શું સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યાત્રા રૂપે પબ્લિસિટી સ્ટંટ કર્યો?
યાત્રા દરમિયાન રોહિત ક્યારેક યુટ્યૂબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવે છે. એ સમયે કેટલાક લોકો તેમની આ યાત્રાને પબ્લિસિટી સ્ટંટ ગણાવે છે. આ વિશે દિવ્ય ભાસ્કરે કરેલા સવાલના જવાબમાં રોહિતે કહ્યું, 'મારા માટે ભગવાન રામ જ્યાં ગયા એ વિશે લોકોને જાણકારી મળે એ મારી પ્રાથમિકતા છે. એટલે હું ટૂરિઝમને પણ પ્રોત્સાહન આપી રહ્યો છું, જેથી ભવિષ્યમાં પણ અન્ય કોઈ વ્યક્તિ સરળતાથી આ પ્રવાસ કરી શકે. બીજું કામ મારું સોશિયલ મીડિયાથી કમાણીનું છું, જેનાથી મારો ખર્ચ નીકળી રહ્યો છે. યાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં સોશિયલ મીડિયાથી આવક થવા લાગશે તો મારે ભવિષ્ય વિશે બીજું કાંઈ વિચારવું નહિ પડે.'

અત્યારસુધીમાં ઘણા પરિવાર રોહિતને પોતાના ઘરે પ્રેમથી આવકારી ચૂક્યા છે.
અત્યારસુધીમાં ઘણા પરિવાર રોહિતને પોતાના ઘરે પ્રેમથી આવકારી ચૂક્યા છે.

તામિલનાડુથી શ્રીલંકા કેવી રીતે પહોંચશે?
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર તો ભગવાન રામ જ્યારે લંકા જઈ રહ્યા હતા ત્યારે તેમના નામના પથ્થર પાણીમાં તરી ગયા હતા, પરંતુ આજના સમયે રોહિત માટે તો આ વાત શક્ય નથી, એટલે તેણે જણાવ્યું, તામિલનાડુથી શ્રીલંકા સુધીનો પ્રવાસ તે બોટ મારફત કરશે. જો એ શક્ય નહીં બને તો વિમાન મારફત કોલંબો પહોંચશે અને ત્યાર બાદ ભગવાન રામ શ્રીલંકામાં જે પણ સ્થળે ગયા હશે ત્યાંનો પ્રવાસ કરશે. શ્રીલંકામાં પણ પગપાળા જ યાત્રા કરવાનો રોહિતનો ઈરાદો છે, પરંતુ શ્રીલંકાની સરકાર કેટલા દિવસના વિઝા આપશે એના પર આ યાત્રા આધાર રાખે છે.

સમયસર અને સલામત રીતે અયોધ્યા પહોંચી ગયા બાદ શું?
ભગવાન રામ પુષ્પક વિમાન મારફત લંકાથી અયોધ્યા પરત ફર્યા હતા, પરંતુ રોહિત કહે છે કે 'શ્રીલંકા પહોંચ્યા બાદ જો આ પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થશે, લોકો દ્વારા નોંધ લેવાશે તો હું પગપાળા જ અયોધ્યા સુધીનો પ્રવાસ કરીશ, પરંતુ બીજો વિકલ્પ એ પણ છે કે ફ્લાઈટ મારફત અયોધ્યા પહોંચીને રામ મંદિરમાં દર્શન કરીને યાત્રા પૂર્ણ કરીશ.'

ભગવાન રામનું નામ શરીર પર છૂંદાવતા લોકોની અજાણી વાતો
રોહિતે દિવ્ય ભાસ્કરને એક ખૂબ ઓછો ચર્ચાતો કિસ્સો યાદ કરતાં જણાવ્યું હતું કે 'એક દિવસ મને હૈદરાબાદથી કોઈકનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું, તમારે છત્તીસગઢમાં ભિલાઈગઢ જવું જોઈએ, જ્યાં ભગવાન રામના એવા ભક્ત છે, જેઓ શરીર પર સેંકડો વખત રામ નામ છૂંદાવતા હોય છે.' આટલી જાણકારી મળતાં રોહિતે આ સમુદાય સાથે મુલાકાત કરી.. રોહિતે જણાવ્યું, 'મેં તેમની મુલાકાત પહેલાં ઈન્ટરનેટના માધ્યમથી જાણ્યું હતું કે જ્યારે સદીઓ પહેલાં બાબરે અયોધ્યામાં રામ મંદિર તોડ્યું ત્યારે આ સમુદાયે વિરોધ રૂપે ભગવાન રામનું નામ પોતાના શરીર પર લખાવી લીધું હતું અને ત્યારથી બધી જ પેઢી રામનું નામ લખાવતી આવી છે, પરંતુ આ સમુદાય સાથેની મુલાકાત દરમિયાન મારો ભ્રમ તૂટી ગયો.'

રોહિતે છત્તીસગઢમાં પોતાના શરીર પર સેંકડો વખત ભગવાન રામનું નામ છૂંદાવતા સમુદાય સાથે મુલાકાત કરી હતી અને ભગવાન રામ વિશે તેમની શ્રદ્ધા અંગે ચર્ચા કરી હતી.
રોહિતે છત્તીસગઢમાં પોતાના શરીર પર સેંકડો વખત ભગવાન રામનું નામ છૂંદાવતા સમુદાય સાથે મુલાકાત કરી હતી અને ભગવાન રામ વિશે તેમની શ્રદ્ધા અંગે ચર્ચા કરી હતી.

રોહિતે કહ્યું, 'લોકોના શરીર પર જ નહીં, તેમનાં કપડા, ઘરની દીવાલો તેમજ અન્ય સામાન પર પણ ભગવાન નામ તેઓ લખે છે. આ પાછળનું કારણ જાતિવાદ છે.' રોહિતના આ સમુદાયના આગેવાને જણાવ્યું, 'અમારા પૂર્વજોને કેટલાક લોકો ભગવાન રામનું નામ લેવા, રામાયણનું પઠન કરવા તેમજ મંદિરમાં પ્રવેશ કરવાથી રોકતા હતા. એટલે આવા અપમાનથી કંટાળીને પૂર્વજોએ શરીર પર જ રામનું નામ લખાવી લીધું.' આ લોકો દારૂ કે માસનું સેવન પણ નથી કરતા. વર્ષો પહેલાં તેઓ સોઈની મદદથી શરીર પર ભગવાન રામનું નામ લખતા હતા. રોહિતે કહ્યું, 'જરા વિચારો... એ સમયે કેટલી પીડા થતી હશે! હું તેમની સાથે ચાર દિવસ રહ્યો. મારી યાત્રા વિશે જાણીને તેઓ પણ ખૂબ ખુશ થયા હતા.'

છત્તીસગઢમાં રહેતો આ સમુદાય પીંછી વડે જ ભગવાન રામનું નામ લખેલાં કપડાં પહેરે છે.
છત્તીસગઢમાં રહેતો આ સમુદાય પીંછી વડે જ ભગવાન રામનું નામ લખેલાં કપડાં પહેરે છે.

આ સમુદાયના લોકો ભગવત ગીતા, રામાયણનું પઠન કરે છે, પરંતુ તેમના ઘરમાં એકપણ મૂર્તિ કે ભગવાનની તસવીર નથી. તેઓ દીપક પ્રજ્વલિત કરીને પૂજા કરે છે, અગરબત્તીનો ઉપયોગ નથી કરતા. કારણકે તેઓ તેને કુદરતના સ્વભાવની વિરુદ્ધ માને છે.

ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો રોચક કિસ્સો
રોહિત કુમારે દિવ્ય ભાસ્કરને આપેલી જાણકારી મુજબ દિલ્હીમાં કેટલાંક વર્ષો રહ્યા બાદ પરિવાર લખનઉ જતો રહ્યો. પિતાની તબિયત સારી રહેતી ન હોવાના કારણે નાનાએ જ ભણતરનો ખર્ચો ઉપાડ્યો. ધોરણ 12 સુધી પહોંચતાં રોહિત કુમારને એક મિત્રએ સલાહ આપી કે 'જો બોર્ડની પરીક્ષામાં તારા સારા માક્સ આવશે તો તું સરકારી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકીશ. જેથી પરિવારને ખર્ચો નહીં થાય.' આ જ વાતને રોહિતે ગાંઠે બાંધી લીધી અને થયું પણ એવું જ. રોહિતે મુજફ્ફરનગરથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું અને ઉત્તરાખંડ સ્થિત એક કંપનીમાં નોકરી પણ મળી ગઈ. રોહિતે જણાવ્યું, 'જ્યારે વર્ષ 2017માં મારી પહેલી નોકરી હતી ત્યારે હું ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને જ નીકળ્યો હતો. આટલા રૂપિયા મેં એક અઠવાડિયા સુધી ચલાવ્યા હતા, એ સમયે હું એક જ ટંક ભોજન લેતો હતો. ત્યાર બાદ મારા નાનાને આ વાતની જાણ થઈ તો તેમણે કેટલાક રૂપિયા મળે મોકલી આપ્યા. આ ઘટના બાદ અત્યારસુધીમાં મેં મારા પરિવારના કોઈપણ સભ્ય પાસેથી એકપણ રૂપિયો લીધો નથી.'

રાતના સમયે જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણી અને ઠંડીથી રક્ષણ માટે રોહિતને તાપણાનો સહારો લેવો પડે છે.
રાતના સમયે જંગલ વિસ્તારમાં જંગલી પ્રાણી અને ઠંડીથી રક્ષણ માટે રોહિતને તાપણાનો સહારો લેવો પડે છે.

રોહિતને તો મેડલ લાવવો હતો, પણ કિસ્મતમાં કાંઈ બીજું જ લખ્યું હતું!
રોહિત કુમારે અલગ-અલગ સમયે ચારેક કંપનીમાં નોકરી કરી. છેલ્લે જ્યારે હરિયાણામાં એક કંપનીમાં કામ કર્યું. આ સમયે તે નવરાશના સમયે ટેબલ ટેનિસ રમતો હતો. અચાનક એક દિવસ તેની મુલાકાત એક કોચ સાથે થઈ. આ કોચ રોહિતના ટેબલ ટેનિસની ટેલન્ટથી એટલા પ્રભાવિત થયા, જેથી તેમણે મફતમાં કોચિંગ આપવાનું નક્કી કર્યું. રોહિતે આ ઘટના અંગે જણાવતાં કહ્યું, 'નોકરીની સાથે-સાથે ટેબલ ટેનિસની આઠ-આઠ કલાક પ્રેક્ટિસ કરવી શક્ય ન હતી, એટલે મેં ઘરે જાણ કર્યા વગર જ નોકરી છોડી દીધી. હું CCTV લગાવવાનું કામ કરવા લાગ્યો, જેથી મારું ગુજરાન ચાલી જતું હતું. હરિયાણામાં ટેબલ ટેનિસમાં મારું સિલેક્શન જિલ્લા સ્તરની મેચ માટે થયું. આગલાં વર્ષે હું સ્ટેટ લેવલની મેચમાં રમવાનો હતો અને લોકડાઉન આવી ગયું. ત્યાર બાદ તો આખી જિંદગી જ બદલાઈ ગઈ.'

રોહિત ટેબલ ટેનિસ માટે જે એકેડમીમાં જતો હતો ત્યાં અભિનેતા સૌરભ શુક્લાએ મુલાકાત લીધી હતી. જમણી તરફ રોહિતના કોચની તસવીર છે.
રોહિત ટેબલ ટેનિસ માટે જે એકેડમીમાં જતો હતો ત્યાં અભિનેતા સૌરભ શુક્લાએ મુલાકાત લીધી હતી. જમણી તરફ રોહિતના કોચની તસવીર છે.

'17 રાજ્યમાં ફર્યો ત્યારે પગપાળા ચાલવાની હિંમત આવી'
લોકડાઉન હટી ગયા બાદ પણ રોહિત પાસે નોકરી હતી નહીં અને ટેબલ ટેનિસની પ્રેક્ટિસ પણ છૂટી ગઈ. એટલે તે કાંઈપણ લાંબું વિચાર્યા વગર દિલ્હી એક મિત્ર પાસે પહોંચ્યો અને થોડા સમય બાદ ત્યાંથી સાઇકલ લઈને જયપુર તરફ નીકળી પડ્યો. તેણે જણાવ્યું- 'રાજસ્થાનમાં સાઇકલ લઈને ગયો ત્યારે મને અહેસાસ થયો કે હું જે જોઈ રહ્યો છું એના વીડિયો બનાવવા જોઈએ, જેથી યુટ્યૂબ પર કમાણી પણ થાય અને લોકો એવી જગ્યા તથા વિષયો અંગે જાણે, જેની તેમને ખબર નથી.' રાજસ્થાનથી દિલ્હી આવ્યા બાદ રોહિત લિફ્ટ લેતાં-લેતાં હિમાચલ પ્રદેશ પહોંચ્યો, જ્યાં એક મંદિરમાં સાફ-સફાઈ કરવાની નોકરી કરી. ત્યાર બાદ પંજાબ, મધ્યપ્રદેશ તેમજ દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં પ્રવાસ કર્યો.

એક પરિવારના તમામ સભ્યોએ રોહિતને મહેમાન તરીકે આવકાર્યા એ સમયની તસવીર
એક પરિવારના તમામ સભ્યોએ રોહિતને મહેમાન તરીકે આવકાર્યા એ સમયની તસવીર

'ગાઢ જંગલમાં રીંછથી બચી ગયો'
યાત્રા દરમિયાન એક ઘટના એવી બની, જ્યારે રોહિતને ફફડાટ છૂટી ગયો. રોહિત જણાવે છે, 'છત્તીસગઢના બરેલથી કેલારી વચ્ચે છ કિલોમીટર લાંબું એક જગંલ છે. આ જંગલમાં હું હતો ત્યારે માઈનસ એકથી બે ડીગ્રી સેલ્સિયસ તાપમાન હતું. ચારેક કિલોમીટર ચાલ્યા બાદ બાઈક લઈને એક શખસ મને મળ્યો, તેણે કહ્યું, પાછળની તરફ થોડે દૂર એક રીંછ હતો, એ તમે નથી જોયો?, મેં કહ્યું, ના, મને તો રીંછ નથી દેખાયો. જોકે સલામતી ખાતર બે કિલોમીટર સુધી હું તેમની બાઈક પર બેસી ગયો. રીંછથી તો બચી ગયો તોપણ એ અનુભવ એકદમ ભયંકર હતો.'