તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘેરી રક્ષા:આ વર્ષે બહેનોને ભાઈઓ માટે રાખડી ખરીદવી મોંઘી પડશે, કાચા માલમાં ભાવવધારાથી રાખડી 10-15% મોંઘી થશે

અમદાવાદ22 દિવસ પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • કોરોના વચ્ચે ગત વર્ષ કરતાં આ વખતે રાખડીનો વેપાર 50-60% સારો થવાની આશા
  • ત્રીજી લહેરના ભય વચ્ચે રિટેલ વેપારીઓ માલ ખરીદવામાં જોખમ અનુભવી રહ્યા છે

કોરોનાની બીજી લહેર પૂરી થવા પર છે અને ઓગસ્ટમાં તહેવારો શરૂ થશે. ભાઈ-બહેનોનું પર્વ રક્ષાબંધન પણ આ જ મહિનામાં આવશે અને રાખડીના વેપારીઓ આના માટે અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. રાખડીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, કોવિડને કારણે દોર, સ્ટોન, પેકેજિંગ મટીરિયલ સહિતના કાચા માલમાં ભાવ વધી જવાથી આ વર્ષે રાખડીની કિમતમાં 10-15% જેવો વધારો થવાની સંભાવના છે. 2020માં કોરોનાએ રક્ષાબંધન પર રાખડીના વેપારને મોટી અસર કરી હતી, પણ વેપારીઓને આશા છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિઝનેસ 50% જેવો વધશે.

રિટેલ વેપાર માટે રાખડીની ખરીદી કરી રહેલા વેપારીઓ.
રિટેલ વેપાર માટે રાખડીની ખરીદી કરી રહેલા વેપારીઓ.

રો-મટીરિયલના ભાવમાં 15-20% જેવો વધારો થયો
ગણેશ રાખડીના મનીષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે રાખડી બનાવવા માટે વપરાતા કાચા માલના ભાવમાં વધારો થયો છે. રાખડી તૈયાર કરવા માટેના દોરા, સ્ટોન, મોતી, ઉપરાંત પેકિંગ કરવા માટેના બોક્સના ભાવમાં 15-20% જેવો ભાવવધારો થયો છે, જેની અસર રાખડીના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. આ વર્ષે 60-70% રાખડીનું ઉત્પાદન થયુ છે. પરિણામે, નવા કાચા માલથી તૈયાર થયેલી રાખડીના ભાવમાં 10-15% ભાવ વધી શકે છે, જેની સામે મોટા ભાગના વેપારીઓ પાસે ગયા વર્ષનો કાચો માલ અને તૈયાર રાખડીઓનો જથ્થો હતો. જૂનો માલ પડ્યો હોવાથી ઉત્પાદકોને થોડી રાહત મળી છે, પણ તેની સામે ટ્રાન્સપોર્ટ સહિતની અન્ય કોસ્ટ વધી છે, એટલે બહુ ખાસ ફરક નહીં પડે.

અમદાવાદના સારંગપુર ખાતે રાખડીની હોલસેલ દુકાન.
અમદાવાદના સારંગપુર ખાતે રાખડીની હોલસેલ દુકાન.

ગત વર્ષ કરતાં વેપાર વધવાની હોલસેલ વેપારીઓને આશા
અમદાવાદ હોલસેલ રાખડી વેપારી એસોસિયેશનના પ્રમુખ પ્રદીપ જૈનનું કહેવું છે કે અમદાવાદમાં 22 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે, જ્યારે રાજ્યભરમાં અંદાજે 100 જેટલા મોટા હોલસેલ રાખડીના વેપારી છે. કોરોનાને કારણે આ તમામ વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. ગત વર્ષે અંદાજે 50-60% રાખડીનું ઉત્પાદન થયું, જ્યારે રૂ. 10 કરોડનું ટર્નઓવર હતું. ગત વર્ષ કરતાં આ વર્ષે સ્થિતિ થોડી સુધારી છે, એને જોતાં આ વર્ષે વેપાર રૂ. 15 કરોડ સુધી પહોંચે તેવી આશા છે. સામાન્ય વર્ષોમાં રાખડીના ઉત્પાદનના આધારે ટર્નઓવર થતું હોય છે, જેમાં સરેરાશ 20-25 કરોડનું ટર્નઓવર થતું હોય છે. જોકે હાલ કોવિડને કારણે થોડો ડરનો માહોલ છે, જેથી બજારમાં 45-50%નો વેપાર છે. જોકે પ્રવીણ રાખડીના પ્રિયાંક ઠક્કરનું કહેવું છે કે આ વર્ષે ટાર્ગેટ પૂરો થઇ શકે છે.

હોલસેલ દુકાનોમાં મર્યાદિત જથ્થો જોવા મળી રહ્યો છે.
હોલસેલ દુકાનોમાં મર્યાદિત જથ્થો જોવા મળી રહ્યો છે.

તહેવારોમાં સરકારે થોડી છૂટછાટ આપવાની જરૂર
અમદાવાદના MR રાખડીના જિગ્નેશ ઠક્કરે જણાવ્યું હતું કે રક્ષાબંધનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેથી અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને અગવડતા ન પડે અને રાખડીનો સીઝનલ ધંધો યોગ્ય ચાલે એ માટે રાત્રિ દરમિયાન વેપાર માટેનો સમય લંબાવવો જોઇએ. રાખડી બનાવનારા અંદાજે 50 હજારથી વધુ લોકોને રોજગારી મળી રહે છે. સામાન્ય રીતે માર્ચથી રાખડીનો હોલસેલ વેપાર શરૂ થતો હોય છે, જોકે કોરોનાની બીજી લહેરને કારણે લોકડાઉથી વેપારને મોટો ફટકો પડ્યો. જોકે જૂન મહિનાથી અનલોક થતા વેપાર શરૂ થયો છે, જે જળવાય એ માટે સમય મળવો જોઇએ.

રાખડી તૈયાર કરી રહેલી બહેન.
રાખડી તૈયાર કરી રહેલી બહેન.

રિટેલ વેપારીઓમાં કોરોના અને નિયંત્રણોનો ડર
વડોદરામાં રાખડીના વેપાર સાથે જોડાયેલા પાર્વતી ટ્રેડર્સના ગોવિંદભાઇ પૌહાણીનું કહેવું છે કે લોકોમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર છે, જેથી રિટેલ વેપારીઓ માલ ખરીદવામાં જોખમ અનુભવી રહ્યા છે. ઉપરાંત ગુજરાત અને તેમાંય અમદાવાદ દેશભરમાં રાખડી બજારનું હબ માનવામાં આવે છે. માત્ર ગુજરાત જ નહિ, પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ રાખડીઓ મોકલવામાં આવે છે, પરંતુ આ વર્ષે પણ કોરોનાને કારણે ધંધા પર મોટી અસર પડી છે અને પ્રત્યક્ષ રીતે ખરીદી માટે આવી નથી રહ્યા. એટલુ જ નહિ, પરંતુ જે રિટેલ વેપારીઓ જે માલ ખરીદતા એમાં પણ સરેરાશ 40-50%નો ઘટાડો જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...