• Gujarati News
  • Dvb original
  • Rajkot Woman Who Decided To Commit Suicide With Her Son Is Now Serving As The Mother Of 200 Mentally Handicapped Children

આજની પોઝિટિવ સ્ટોરી:પુત્ર સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી રાજકોટની મહિલા આજે 200 માનસિક દિવ્યાંગ બાળકોની માતા બની સેવા કરે છે

રાજકોટએક વર્ષ પહેલાલેખક: શૈલેષ રાદડિયા
પોતાના સંતાનની જેવા અન્ય સંતાનોને પણ પૂજા પટેલ સાચવી રહી છે.
  • રાજસ્થાનના જયપુરથી ગુજરાતમાં પોતાના જેવી માતાના બાળકો માટે ખાસ સંસ્થામાં સેવા શરૂ કરી
  • ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલીમબદ્ધ કરે છે

રાજકોટની એક માતા 200 દિવ્યાંગ બાળકોની યશોદા છે. રાજકોટમાં રહેતી પૂજા પટેલ નામની યુવતીના લગ્ન 2004માં જયપુર રહેતા સુરેશભાઇ સાથે થયા હતાં. 2010માં તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ છ માસ બાદ પુત્ર કોઇ રિસ્પોન્સ આપતો નહોતો અને રડ્યા કરતો. આથી ડોક્ટર પાસે લઇ જતા પુત્રને ઓટીઝમ હોવાનું જાણવા મળ્યું હતું. પૂજાના બધા જ સપના ભાંગીને ભુક્કો થઇ જતા પુત્ર સાથે જ આત્મહત્યા કરવાનું નક્કી કર્યુ હતું. પરંતુ બાદમાં ડોક્ટરના એક ફોને તેની જિંદગી બદલી નાંખી અને પતિ સાથે રાજકોટ આવ્યાં. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સંસ્થા સાથે જોડાયા. આજે આ સંસ્થામાં 200 દિવ્યાંગ બાળકોની હોંશે હોંશે જવાબદારી નિભાવી પૂજા પટેલ 'યશોદા' બની ગઇ છે.

બાળકો સાથે ધૂળેટી સહિતના તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે.
બાળકો સાથે ધૂળેટી સહિતના તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે.

200 બાળકોની માં બનીને સેવા કરે છે
પૂજા પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું આ સંસ્થામાં જોડાઇ ત્યારે 4થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતાં. અત્યારે 200 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યા છે. જે પૂજા પટેલ એક વખતે દીકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત 200 બાળકોની માં બનીને સેવા કરી રહી છે. દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજા જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યાં છે. 200 દિવ્યાંગ બાળકોને પુજા ફ્રીમાં જ વિવિધ પ્રવૃતિ શીખવી રહી છે.

બાળકો સાથે નૃત્ય સંગીત પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે.
બાળકો સાથે નૃત્ય સંગીત પાર્ટીનું પણ આયોજન કરવામાં આવે છે.

વિવિધ પ્રવૃતિઓ શિખવાડવામાં આવે છે
પ્રયાસ પેરેન્ટ એસોસિએશન સંસ્થા દિવ્યાંગ બાળકોના માતા-પિતા દ્વારા ચલાવવામાં આવે છે. પૂજાએ જણાવ્યું હતું કે, મારા જેવા અનેક અનેક વાલી અહીં કામ કરે છે. બીએડ પછી મે આર્ટ બેઝડ થેરાપીનો કોર્સ કર્યો છે. હાલમાં જ મેં એમએડ પુરૂ કર્યુ અને પીએચડી કરી રહી છું. સંસ્થામાં હું આ બાળકોને સંગીત-ચિત્ર વગેરે જેવી કળાઓની મદદથી તાલિમ આપું છું. અહીં અમે ડાઉ સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, મલ્ટીપલ ડિસેબિલિટી અને ઓટીઝમગ્રસ્ત બાળકોને તાલિમ બધ્ધ કરીએ છીએ. અમારો પ્રથમ ઉદેશ બાળકોને પોતાનું રોજીંદુ કાર્ય જાતે કરતા શીખવવાનો છે. આ ઉપરાંત અમે તેમને રિડિંગ, રાઇટિંગ, ડાન્સ અને કૂકિંગ શીખવીએ છીએ.

બાળકો સાથે સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.
બાળકો સાથે સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.

પૂજા 200 દિવ્યાંગ બાળકોની માતા બની
રાજસ્થાનમાં પતિ સાથે રહેતી પૂજા ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. પરંતુ પૂજાનો માનસિક દિવ્યાંગ દીકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન સમજી શકે. જયપુરમાં સીબીસીના હેડ ડો. એસ.જે. સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી. એક વખત વિદેશી ડોક્ટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડો.સીતારામને પૂજાને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાંત ડોક્ટરોની ટીમને બતાવવા માટે સુચન કર્યુ. વાસુને તપાસીને વિદેશી ડોક્ટરોએ જ્યારે પૂજાને સમજાવ્યું કે આ બાળક આજીવન આવુ જ રહેશે. ત્યારે પૂજા સાવ પડી ભાંગી હતી.

પૂજા પટેલ દરેક બાળકને લાગણી અને હૂંફથી તાલિમ આપવાનું કામ કરે છે.
પૂજા પટેલ દરેક બાળકને લાગણી અને હૂંફથી તાલિમ આપવાનું કામ કરે છે.

પુત્ર સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો
હોસ્પિટલેથી ઘરે આવીને પૂજા વાસુને લઇ રૂમમાં જતા રહ્યાં. રૂમને અંદરથી લોક કરી દીધો. દીકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતા મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દીકરા વાસુ માટે. પોતાની સાથે દિકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળીયો નાંખે એ પહેલા મોબાઇલ રણક્યો. મોબાઇલ સામે જોયું તો ડો.સીતારામનનો ફોન હતો. મરતા પહેલા ડોક્ટર સાથે છેલ્લી વાત કરતી જાવ એમ વિચારીને ફોન ઉપાડ્યો.

પૂજા તેમની જેવી માતાઓના સાથથી સંસ્થાને આગળ વધારી રહી છે.
પૂજા તેમની જેવી માતાઓના સાથથી સંસ્થાને આગળ વધારી રહી છે.

આત્મહત્યા ટાળી દીકરાને ઉછેરવાનો સંકલ્પ
પૂજાના ભારે અવાજ અને રડવા પરથી જ ડોક્ટર વાત સમજી ગયા. પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોકટરને વાત કરી. ડોકટરે કહ્યું, ‘બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દીકરાના સોગંદ આપુ છું મને મળવા અત્યારે જ દીકરાને સાથે લઇને મારા ઘરે આવ.’પૂજા દીકરા વાસુને લઇને ડો. સીતારામનના ઘરે પહોંચી. ડોક્ટરે બીજી કોઇ સલાહ સુચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઇ લીધો પછી પૂજાને કહ્યું આજથી આ દીકરો મારો છે. આ દીકરાને કારણે જ તું મરવાની હતી ને, આજથી હું તને આ છોકરાની જવાબદારીમાંથી મુક્ત કરુ છું હવે તારે જે કરવું હોય તે કર. ડો.સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો, “તે શ્રીમદ ભગવતગીતા વાંચી છે? પૂજાએ હા પાડી એટલે ડોક્ટરે ખૂબ સરસ વાત કરી ‘ તેં માત્ર ગીતા વાંચી છે, હજુ સમજી નથી. તારો આ દીકરો તારા જ કોઇ પૂર્વ જન્મના ફળરૂપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ? પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી. એણે રડવાનું બંધ કર્યુ અને દીકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો.

બાળકો પોતાની ક્રિયાઓ જાતે કરતાં થાય તે પ્રકારની સમજ આપવામાં આવે છે.
બાળકો પોતાની ક્રિયાઓ જાતે કરતાં થાય તે પ્રકારની સમજ આપવામાં આવે છે.

દીકરો બે વર્ષનો થયો ને ચાલવા લાગ્યો
પૂજાએ ડો. સીતારામનને કહ્યુ, “સર, હવે હું મારુ માં તરીકેનું કાર્ય એવી રીતે કરીશ. એ પ્રભુએ કૃપા કરવી જ પડશે. મારા દીકરાને ચાલતો અને બોલતો કરવો પડશે. પૂજાને ત્યારબાદ વાસુના ઉછેરમાં પ્રેમની સાથે સાથે હકારાત્મતા પણ ઉમેરી. વાસુ 2 વર્ષનો થયો અને ચાલતો પણ થયો. એક નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં આ છોકરાને દાખલ કર્યો. પણ શાળાએ એને એડમીશન આપવાની ના પાડી. જયપુરની એક ખાસ શાળામાં વાસુને દાખલ કર્યો. પૂજાએ જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે એને સમજાણું કે, મારે એકને જ નહીં ઘણી બધી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતા પણ વધુ તકલીફવાળા બાળકો છે. આ સંસ્થાની પ્રવૃતિ જોઇને પૂજાએ સંકલ્પ કર્યો કે, મારે પણ ગુજરાતના માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઇક કરવું છે. ત્યારબાદ પૂજા પતિ સુરેશભાઇ સાથે રાજકોટ આવ્યા. 2012માં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા પ્રયાસ પેરેન્ટસ એસોસિએશન સાથે જોડાયા.

દિવ્યાંગ બાળકોને સમયાંતરે બહાર ફરવા પણ લઈ જવામાં આવે છે.
દિવ્યાંગ બાળકોને સમયાંતરે બહાર ફરવા પણ લઈ જવામાં આવે છે.

પાંચ વર્ષથી હું કોઇના લગ્નમાં ગઇ નથી-પૂજા
પૂજાએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થા માટે કોર્પોરેશને પણ મોટું બિલ્ડીંગ બનાવી દીધું છે. જેમાંથી બે માળ અમારી સંસ્થાને આપવાના છે. એક પણ બાળક પાસેથી ફી લેવામાં આવતી નથી. હવે તો ચૂંટણી પંચ પણ દિવ્યાંગ બાળકોને આઇકોન તરીકે લે છે. મારા દીકરાની વાસુની ઉંમર હાલ 16 વર્ષની છે. હું બાળકો માટે પાંચ વર્ષથી એક પણ લગ્નમાં ગઇ નથી. મારો મુખ્ય ઉદેશ હવે દિવ્યાંગ બાળકોની દેખરેખ રાખવી છે. મારે હવે બાળકો માટે સ્વર્ગ બનાવવું છે. તેમજ 10 દિવ્યાંગ બાળકને સંસ્થામાં જ નોકરી અપાવી પગભર કર્યા છે. કોરોનાકાળમાં મારા પૈસાથી દિવ્યાંગ બાળકોના ઘરે ઘરે જઇ રાશન કિટ, દવા, ગેસના સિલિન્ડર આપી રહી છું. તેમજ નબળા વિચાર ધરાવતા દિવ્યાંગ બાળકોના માતા-પિતાને મોટીવેશન પણ કરૂ છું.

અન્ય સમાચારો પણ છે...