• Gujarati News
  • Dvb original
  • The Gourmands Were Eagerly Waiting For The Mangoes And Wondered, When Will The Heaps Of Mangoes Hit The Market? A Shocking Fact Emerged From Amreli

સન્ડે બિગ સ્ટોરીઆ વખતે કેસર કેરીનો ભાવ શું રહેશે?:સ્વાદરસિકો કેરીની કાગડોળે રાહ જોતા હતા અને માવઠું ત્રાટક્યું, માર્કેટમાં ઢગલાબંધ કેરી ક્યારે આવશે? અમરેલીથી સામે આવી ચોંકાવનારી હકીકત

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • કૉપી લિંક

ગુજરાતની સ્વાદરસિક પ્રજાને કેસર કેરી હંમેશાં આકર્ષે છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ બજારમાં કેસર કેરીની બોલબાલા શરૂ થઈ જતી હોય છે. વર્ષ 2020માં કોરોના, બે વર્ષ પહેલાં આવેલાં તૌકતે વાવાઝોડા અને ગયા વર્ષે થયેલાં માવઠાંના કારણે બજારમાં કેસર કેરી ઓછી જોવા મળી અને ભાવ પણ ખૂબ વધારે હતા. આ વખતે કેસર કેરીનો ફાલ સારો હોવાના કારણે ચર્ચા હતી કે કેસર કેરીનું ઉત્પાદન વધશે અને બજારમાં ભાવ પણ ઓછા રહેશે. પરંતુ 7મી માર્ચે વાતાવરણમાં પલટો આવ્યો અને કેસર કેરી પર ફરી એકવાર મોટો ખતરો આવી પડ્યો.

અગાઉનાં માવઠાં કરતાં માર્ચનું માવઠું કેમ અલગ છે?
ગુજરાતમાં માવઠું આવવું એ કાંઈ નવી વાત નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી આવું થઈ રહ્યું છે. પરંતુ આ વખતે ગ્લોબલ વોર્મિંગના જ્ઞાનને થોડીવાર માટે એકબાજુએ મૂકીને સરળ રીતે માવઠાંની પેટન્ટને જોઈએ તો કપરી પરિસ્થિતિનો સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. કેમ કે, આ વખતે એવું નથી થયું કે એક ઝાપટું આવ્યું અને પછી આકાશ ખૂલી ગયું. માર્ચનાં માવઠાંમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ ફરી કરા સાથે વરસાદ પડ્યો. ભારે વંટોળ આવ્યા. ત્રણથી ચાર વખત આ જ રીતે હવામાને બદલેલા મિજાજે કેરી, એરંડા, ઘઉં, જીરુના ખેડૂતોને રીતસર રડાવી દીધા.

દિવ્ય ભાસ્કરે કેસર કેરીના હબ ગણાતા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો. કેરી પકવતા ખેડૂતોથી લઈને માર્કેટયાર્ડના કમિશન એજન્ટ સાથે વાતચીત કરી. આ ઉપરાંત જથ્થાબંધ તેમજ છૂટક વેપારી પાસેથી માવઠાંના કારણે કેસર કેરીના કરોડોના વેપાર પર થનારી આડઅસરને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કેરી પકવતા ખેડૂત આખું વર્ષ આંબાની કેવી માવજત કરે છે? તૌકતે વાવાઝોડા બાદ છેલ્લાં ત્રણ વર્ષમાં કેરીના બજારની સ્થિતિ કેવી રહી? આ વખતે બજારમાં કેસર કેરી ક્યારે આવશે, તેનો ભાવ શું હોઈ શકે છે? શું કેસર કેરીની સિઝન માત્ર બેથી ત્રણ અઠવાડિયા સુધીની જ રહેશે? આ સવાલોનો સચોટ જવાબ મેળવ્યો હતો.

અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ થયેલાં માવઠાંના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.
અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ થયેલાં માવઠાંના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે.

ક્યાંક મોર ખરી પડ્યા, તો ક્યાંક આખે-આખા બગીચાને નુકસાન
છેલ્લા એક પખવાડિયાથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. જેમાં કમોસમી વરસાદની સૌથી માઠી અસર જ્યાં પડી હોય તો એ છે અમરેલી જિલ્લો. દિવ્ય ભાસ્કરે કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે હકીકત સામે આવી છે, તે ખરેખર ચિંતાજનક અને દુ:ખદ છે. એક તરફ ઉનાળાના પ્રારંભ સાથે જ આંબા પર મોર આવ્યા બાદ કેરી લાગવાની શરૂઆત થઇ ચૂકી હતી. આવા સમયે અમરેલી, ધારી, બગસરામાં કરા અને જોરદાર પવન સાથે વરસાદ થયો. આ વરસાદે એક જ કલાકમાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. કારણ કે કેરીનો ફાલ માંડ બેઠો હતો, એવામાં કમોસમી વરસાદે આખે-આખા બગીચાને નુકસાન પહોંચાડ્યું છે.

માવઠાંની સૌથી માઠી અસર અમરેલીમાં થઈ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના ખેડૂત સબીરભાઈ હિરાણીએ દિવ્ય ભાસ્કર સમક્ષ માવઠાંએ વેરેલા વિનાશ અંગે જણાવ્યું કે, 'અમે કેરીની ખેતી કરીએ છીએ. પરંતુ સતત ત્રીજા વર્ષે અમારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. 2021ના વર્ષમાં તૌકતે વાવાઝોડું આવ્યું, ત્યારે અમારા બગીચામાં 70 ટકા જેટલા આંબા પડી ગયા હતા. જે પછી ગયા વર્ષે પણ માવઠાના કારણે 20 ટકા જેટલું નુકસાન થવા પામ્યું હતું. આ વખતે ફેબ્રુઆરી મહિના સુધી તો અમે આંબા જોઈને ખરેખર હરખાતા હતા. અમને આ વર્ષે સારા ઉત્પાદનની આશા હતી, પણ હવે તો એના પર પાણી ફરી વળ્યું છે.'

ભારે પવનના કારણે કેરીના ઘણા બગીચાઓમાં આંબા ધરાશાયી થઈ ગયા છે.
ભારે પવનના કારણે કેરીના ઘણા બગીચાઓમાં આંબા ધરાશાયી થઈ ગયા છે.

7મી માર્ચની સાંજ સપના છીનવી ગઈ
ગત 7 માર્ચના રોજ સતત એક કલાક સુધી કરા સાથે વરસાદ પડ્યો એ પછી 15 દિવસ સુધી સતત છૂટોછવાયો વરસાદ અને પવન ફૂંકાતો જ રહ્યો. જેના કારણે ધારી તાલુકામાં કેરીના પાકમાં 50 ટકા નુકસાની જોવા મળી રહી છે. એક પણ આંબા પર સારું ફળ જોવા મળી રહ્યું નથી. ખેડૂત સબીરભાઈએ વેદના ઠાલવતાં કહ્યું, 'તાલાલા ગીરની જેમ અમારી ધારીની કેરી પણ એક્સપોર્ટ થાય છે. પણ આ વર્ષે એક પણ કેરી એક્સપર્ટ થાય તેવું લાગતું નથી.'

સામાન્ય રીતે કેરીની ચર્ચા ઉનાળા સમયે જ થતી હોય. ત્યારે સિઝન આવે અને બજારમાં કેરી જોવા મળે. પરંતુ ગુજરાતમાં એવા ઘણા ખેડૂત છે, જેઓ એક સિઝન સારી લેવાય એ માટે આખું વર્ષ આંબાની માવજત કરતા હોય છે. આખા વર્ષની મહેનતનો ઉદ્દેશ માત્ર એટલો જ હોય કે સિઝન આવે ત્યારે આંબાથી એવી કમાણી થાય, જેથી આખું વર્ષ સુધરી જાય.

જે આંબા પર આગોતરી કેરી આવી હતી, ત્યાં ભારે પવનના કારણે ફળ નીચે પડી ગયા હતાં.
જે આંબા પર આગોતરી કેરી આવી હતી, ત્યાં ભારે પવનના કારણે ફળ નીચે પડી ગયા હતાં.

'નફાની વાત તો દૂર, ખિસ્સા ખાલી કરવાનો વખત આવ્યો'
દિવ્ય ભાસ્કરે કેસર કેરી પકવતા ખેડૂત પર માવઠાના કારણે વધેલા આર્થિક બોજા અંગે અમરેલીના ખેડૂત જયસુખભાઈ ડોબરિયાને આ અંગે સવાલ કર્યો. તો તેમણે વરવી વાસ્તવિકતાનું આખું ચિત્ર અમને સમજાવી દીધું. જયસુખભાઈએ કહ્યું, 'છેલ્લાં ત્રણ વર્ષથી કેરીના પાકમાં ઢંગ આવ્યો નથી. સતત ત્રીજા વર્ષે અમને પડ્યા પર પાટું વાગ્યું છે. આ વર્ષે બે-બે, ચાર-ચાર વખત આંબા પર મોંઘી દવા છાંટી હતી, જેથી પાક ખરાબ ન થાય. સમયાંતરે આંબાની વાડીમાં પાણી પણ ફેરવ્યું, આંબાની માવજત કરી હતી. જેના કારણે સારા ઉત્પાદનની અમને આશા બંધાઈ હતી. આખું વર્ષ મહેનત કરવાથી એક વીઘાના વાવેતરમાં ખેડૂતને 25 હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અમને આશા હતી કે 25 હજારના ખર્ચ સામે સારું ઉત્પાદન થશે, તો એક વીઘા દીઠ 50 હજાર રૂપિયા મળશે. પણ કુદરત અમારાથી રૂઠી જતાં હવે તો આવકની વાત તો દૂર રહી, અમારે અમારા ખિસ્સામાંથી 10થી 15 હજારની નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. સરકાર સહાય આપી મદદ કરે તેવી અમારી માગ છે.'

અમરેલીમાં કેરી પકવતા ખેડૂતો માટે માવઠું ઘણાં સપનાં પર પાણી ફેરવતું ગયું.
અમરેલીમાં કેરી પકવતા ખેડૂતો માટે માવઠું ઘણાં સપનાં પર પાણી ફેરવતું ગયું.

...તો ગણતરીના દિવસોમાં જ કેરીની સિઝન પૂરી થઈ જશે!
મુશ્કેલી માત્ર અમરેલીમાં કેસર કેરીનું ઓછું ઉત્પાદન થશે તેની નથી. કેસર કેરીનો પાક સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતમાં આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે માવઠાંના કારણે મોટાભાગનો મોર અને કેરી ખરી પડતાં સારી કેરી મે મહિનાના અંતમાં આવશે. જૂન મહિનામાં 20 તારીખની આસપાસ સત્તાવાર ચોમાસુ બેસી જશે. એટલે વરસાદ શરૂ થઈ જતો હોવાથી સારી કેરીના વેચાણનો સમય પણ ખૂબ ઓછો રહેશે. આમ, કેરીની એક આખી સિઝન માત્ર ગણતરીના દિવસોમાં જ પૂરી થઈ જશે.

ખેડૂત સબીરભાઈ હિરાણી, જયસુખભાઈ ડોબરિયા અને હરેશભાઈ મકવાણા
ખેડૂત સબીરભાઈ હિરાણી, જયસુખભાઈ ડોબરિયા અને હરેશભાઈ મકવાણા

કેસર કેરીના 10 કરોડ રૂપિયાના વેપાર પર ખતરો
ધારી માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા રાજુભાઈ હુદાણીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં 25 વર્ષથી કેરીના વેપાર સાથે જોડાયેલા છે. અમરેલીના ધારી તાલુકામાં મુખ્યત્વે મીઠાપુર, દલખાણિયા, ગોવિંદપુર, સુખપુર, દુધાળા, ધારગણી, હુડલી, ડિટલા, મોરજર ગામમાંથી દર વર્ષે અંદાજિત 10 કરોડ રૂપિયાની કેરીનું ઉત્પાદન થાય છે. આ વર્ષે પણ સારા ઉત્પાદનની આશા હતી. પરંતુ માર્ચ મહિનાની શરૂઆતથી પડેલા કરા અને પવન સાથેના વરસાદના કારણે ધારી તાલુકામાં મોટા ભાગના ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. આ વર્ષે ધારી તાલુકામાંથી કેરીના પાકની આશા નહિવત્ છે. છૂટાછવાયા ગણીને વધુમાં વધુ એકાદ કરોડની કિંમતની કેરી થાય તો પણ સારું કહેવાય.

માવઠાંએ એક જ ગામના 1200 વીઘામાં 'કેસર'નો સફાયો કરી નાખ્યો
ધારી માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની વાતને ખેડૂત હરેશભાઇ મકવાણાએ સમર્થન આપ્યું હતું, દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું,'મીઠાપુર ગામમાં લગભગ 1200 વીઘામાં આંબાના ઝાડ આવેલા છે. અમારા ગામના મોટાભાગના ખેડૂત બાગાયતી ખેતી પર નિર્ભર છે. અમારે છેલ્લાં 20 વર્ષથી આંબાનો બગીચો છે. પણ માવઠું થતાં મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ ગયો છે. સરકાર સહાય આપે તો સારું, બાકી ખેડૂત મરી જવા જેવી પરિસ્થિતિમાં આવી ગયો છે.

અમરેલી કરતાં તાલાલામાં કેસર કેરીને ઓછું નુકસાન
કેસર કેરીનો ગઢ ગણાતા તાલાલા ગીરના મેંગો માર્કેટમાં એપ્રિલ મહિનાના અંતમાં કેસર કેરીની હરાજી શરૂ થતી હોય છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે આંબા સમયસર ન પાકતા હરાજી મોડી શરૂ થશે. સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને મેંગો માર્કેટના અધિકારીઓના મતે દર વર્ષે તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીના સરેરાશ 6થી 8 લાખ બોક્સ આવતાં હોય છે. પરંતુ આ વખતે માત્ર 4થી 5 લાખ બોક્સ આવવાની સંભાવના છે. એટલે અમરેલીમાં પડેલા માવઠાંના મારને કારણે તાલાળાની કેસર કેરીની માગ વધશે, પરિણામે ભાવ ઊંચે જવાની સંભાવના છે.

અમરેલીની તુલનામાં તાલાલામાં આંબાને માવઠાની ઘણી ઓછી અસર થઈ છે. જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમરેલીની તુલનામાં તાલાલામાં આંબાને માવઠાની ઘણી ઓછી અસર થઈ છે. જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ વખતે તાલાલાના ખેડૂતોના માથેથી મોટી ઘાત ટળી!
સમગ્ર રાજ્યભરમાં માવઠાની આગાહી વચ્ચે તાલાલામાં વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીનો આબાદ બચાવ થયો છે. કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર પંથકમાં કમોસમી માવઠાની અસર નહીંવત્ થતાં કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ વર્ષે ત્રણ તબક્કામાં મોર આવ્યો છે. પ્રતિ વર્ષ કરતાં આ વર્ષે ભારે માત્રામાં મોર આવતાં ત્રણ તબક્કામાં કેરીનો પાક ઊતરશે. કેરીની ખેતી કરનાર નિષ્ણાત ખેડૂતોના મતે એક માસમાં સારી કેરી બજારમાં જોવા મળશે. જો હવે આગામી સમયમાં માવઠું ન આવે તો ચોમાસા સુધી કેસર કેરી લોકોને ખાવા મળશે.

કેરીના ભાવ અને સમયની રસપ્રદ વિગતો જથ્થાબંધ વેપારીએ આપી
ખેડૂત અને માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ પાસેથી કેસર કેરીની વર્તમાન સિઝન પર માવઠાંની અસર વિશે માહિતી મેળવ્યા બાદ દિવ્ય ભાસ્કરે રાજકોટમાં 35 વર્ષથી કેરીનું વેચાણ કરતાં વેપારી રાજુભાઇ જસાણી સાથે મુલાકાત કરી. તેમણે સમગ્ર ગુજરાતનાં બજારોમાં માર્ચથી જૂન મહિના સુધી જોવા મળતી વિવિધ કેરી, તેની ખાસિયત ભાવ વિશે રસપ્રદ માહિતી આપી.

દિવ્ય ભાસ્કરને રાજુભાઈએ જણાવ્યું કે, 'માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે સૌ પ્રથમ મહારાષ્ટ્રથી લાલબાગ કેરી બજારમાં આવી જાય છે. ત્યાર પછી માર્ચ મહિનાના અંત સુધીમાં રત્નાગીરીની હાફુસ કેરી આવે છે. જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં તાલાલાની કેસર કેરી અને એપ્રિલ અંતમાં કચ્છની કેસરનું આગમન થતું હોય છે. બજારમાં કેસર કેરી હોય એ જ સમયગાળામાં જૂનના અંતિમ 15-20 દિવસ દિલ્હીથી લંગડો-દશેરી કેરી આવતી હોય છે.

કચ્છની કેસર કેરીની હાલત કેવી છે?
તાલાલાની સાથે-સાથે હવે કચ્છની કેસર કેરીની ગુણવત્તામાં સુધારો થયો છે, તેનું ફળ પણ પ્રમાણમાં સારું જ આવે છે. હાલ બજારમાં હાફુસ કેરીનું આગમન થયું છે, જેનો રિટેલ બજારમાં એક કિલોનો ભાવ 350થી 400 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે ચાલુ વર્ષે માવઠાની અસરના કારણે તાલાલા અને કચ્છની કેસર કેરીનો શરૂઆતમાં રિટેલ બજારમાં ભાવ પણ અંદાજે 250 રૂપિયા પ્રતિકિલોની આસપાસ રહે એવી સંભાવના છે.

ગુજરાત માટે કેરી કેટલી કિંમતી?
જૂનાગઢ જિલ્લામાં અંદાજિત 32 હજાર વીઘામાં જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 56 હજારથી વધુ વીઘામાં આંબાના બગીચા આવેલા છે. અમરેલી જિલ્લામાં 26 હજારથી વધુ વીઘામાં આંબાનું વાવેતર જોવા મળે છે. ભાવનગર જિલ્લામાં 18 હજાર વીઘાથી વધુ વિસ્તારમાં આંબાના બગીચા આવેલા છે. આમ ચાર જિલ્લામાં 1 લાખ 32 હજાર વીઘામાં કેસર કેરીની બાગાયત ખેતી જોવા મળે છે. વર્ષ 2021-22ના વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં 39 હજાર મેટ્રિક ટન કેસર કરીનું ઉત્પાદન થયું હતું. તેમજ ગીર-સોમનાથ 60 હજાર મેટ્રિક ટન અને અમરેલી જિલ્લામાં 55 હજાર મેટ્રિક ટન ઉત્પાદન જોવા મળ્યું હતું. જ્યારે ભાવનગર જિલ્લામાં 37 હજાર 400 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું આમ કુલ ચાર જિલ્લામાં 1 લાખ 91 હજાર 400 મેટ્રિક ટન ઉત્પાદન થયું હતું. આ આંકડાની મદદથી ગુજરાતના ખેડૂતો માટે કેસર કરીની સિઝન કેટલી મહત્ત્વની છે, તેનો આપ અંદાજો લગાવી શકો છો.

કેસર કેરીના ઉત્પાદનમાં સાત વર્ષમાં ધરખમ ઘટાડો

સૌરાષ્ટ્ર અને કચ્છમાં થતી કેસર કેરીની વર્ષોથી બોલબાલા છે. પરંતુ દિવ્ય ભાસ્કર પાસે કેસર કેરીના ઉત્પાદનના જે આંકડા આવ્યા છે, તે ખરેખર ચિંતાજનક છે. આ આંકડા પરથી તો એવું લાગે છે કે સ્વાદના કારણે પોતાની એક અલગ છાપ ઊભી કરનારી કેસર કેરીની ખરીદી કરવામાં ક્યાંક આવનારાં વર્ષોમાં ફાંફાં ન પડવા લાગે. કારણ કે વર્ષ 2013-14માં 11 લાખ 85 હજાર 89 ક્વિન્ટલ ટન કેસર કેરીનું સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્પાદન થયું હતું. પરંતુ ત્યાર બાદ આ ઉત્પાદનમાં સતત ઘટાડો થતો આવ્યો છે. વર્ષ 2015-16માં કેસર કેરીનું ઉત્પાદન ઘટીને 7 લાખ 17 હજાર 335 ક્વિન્ટલ થઈ ગયું, ત્યાર પછીને બે વર્ષોમાં કેસર કેરીનું ઉત્પાદન 10 લાખ ક્વિન્ટલને પાર પહોંચ્યું પરંતુ સૌથી ચિંતાજનક વાત એ છે કે વર્ષ 2018-19થી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવા લાગ્યો છે. વર્ષ 2013-14માં કેસર કેરીનું ઉત્પાદન પોણા બાર લાખ ક્લિન્ટલ હતું, જે 7 વર્ષ એટલે કે વર્ષ 2020-21માં લગભગ 40 ટકાના ઘટાડા સાથે માત્ર 6 લાખ 87 હજાર 931 ક્વિન્ટલ નોંધાયું હતું. ગુજરાતની ઓળખ સમી કેસર કેરીનું ઉત્પાદન સતત ઘટતું જવું, એ ખરેખર ચિંતાનો વિષય છે.

વિદેશમાં પણ કેસર કેરીના સ્વાદના રસિકો
પોતાના અનોખા સ્વાદ માટે જાણીતી કેસર કેરીની માગ માત્ર ગુજરાત કે અન્ય રાજ્યો પૂરતી સીમિત નથી. વિશ્વના અનેક દેશોમાં તેની નિકાસ થાય છે. દર સિઝનમાં તાલાલા-ગીર પંથકમાંથી અંદાજિત 280 મેટ્રિક ટનથી વધુ કેસર કેરી યુરોપિયન દેશોમાં નિકાસ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત 100 મેટ્રિક ટન જેટલી કેસર કેરી અમેરિકામાં, જ્યારે 10થી 15 મેટ્રિક ટન UAEમાં, 8થી 10 મેટ્રિક ટન ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવતી હોય છે. ગત વર્ષે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 600 ટન કેસર કેરી વિદેશ એક્સપોર્ટ કરવામાં આવી હતી. જેમાં બ્રિટન, ખાડીના દેશ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર જેવા દેશો પણ કેસર કેરીના રસિકોમાં સામેલ છે.

માવઠા બાદ કેરી પર વધુ એક માર
તાલાલામાં આફત બનીને વરસેલા માવઠાના પાણીએ કેસર કેરીનું 'પાણીઢોળ' કરી નાખ્યું છે. આ વર્ષે તાલાલામાં કેસર કેરના પાકમાં કોઈ પણ પ્રકારનો રોગ જોવા મળ્યો નહોતો. આથી ખેડૂતોને આશા હતી કે તૌકતે વાવાઝોડા બાદથી બે વર્ષ સુધી મંદ રહેલી સિઝનની ખોટ આ વર્ષની કમાણીથી કવર કરી લઈશું. પરંતુ માવઠાના કારણે 70થી 75 ટકા કેરી આંબા પરથી ખરી પડી છે. તેમજ કેરીનો પાક પણ પીળો પડવા લાગ્યો છે. ખરાબ વાતાવરણને કારણે કેરીમાં મધીયો, થીપ્સ સહિતના રોગ પડી ગયા છે, એટલે માવઠાની માર ઝેલી ચૂકેલા આંબા પરની કેરી હજુ પણ હાથમાં આવે, એમ લાગતું નથી.