આજની પોઝિટિવ સ્ટોરી:રાજકોટની એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓની કમાલ, વિસર્જીત થયેલા ગરબામાંથી 45 હજારના ખર્ચે ચકલીના 9 હજાર માળા બનાવ્યા

રાજકોટએક મહિનો પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • ખાસ તો પક્ષીઓ અને પર્યાવરણ બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા છે:પ્રિન્સિપાલ

સામાન્ય રીતે આપણે ત્યાં ધાર્મિક કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુ કે પૂજાની સામગ્રીને પાણીમાં પધરાવી દેવામાં આવતી હોય છે. ધાર્મિક ઉપયોગમાં લેવાયેલી આ વસ્તુઓને પધારવવાના બદલે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો કેવા સુંદર પર્યારવણીય ફેરફાર થઈ શકે છે. સાથે જ પાણીનો બગાડ થતા અટકી શકે છે. આ વસ્તુઓ પર કલાત્મક રીતે કામગીરી કરવામાં આવે તો એ નકામી થયેલી એ જ વસ્તુ પર્યાવરણ માટે મોટી ભેટ બની શકે છે. એન્જિનિયરીંગ કૌશ્લ્ય(Skill)નો ઉપયોગ કરીને 500 જેટલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને જાજા હાથથી રળિયામણાં કાર્ય કર્યા છે. વિદ્યાર્થીઓએ નવરાત્રિમાં ઉપયોગમાં લેવાયેલા માતાજીના ગરબાઓને એકઠા કરીને તેમાં સુશોભન કાર્ય કરીને પક્ષીઓને વસવાટ કરવાનું મન થાય તેવા સુંદર માળાનું નિર્માણ કર્યુ છે. રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા અંદાજે 45 હજારના ખર્ચે 9 હજાર જેટલા માળાઓ બનાવીને વિસર્જનમાંથી સર્જન કરીને પક્ષીઓ માટેના આકર્ષક કહી શકાય તેવા 'ઘર'નું નિર્માણ કર્યું છે.

મશીનનો ઉપયોગ પર્યાવરણને બચાવવામાં વિદ્યાર્થીઓએ કર્યો હતો.
મશીનનો ઉપયોગ પર્યાવરણને બચાવવામાં વિદ્યાર્થીઓએ કર્યો હતો.

પર્યાવરણ બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા
લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર અને પ્રિન્સિપાલ ભરતભાઈ રામાણીએ જણાવ્યું કે, કોલેજ પરિસરમાં અનોખી થીમ સાથે ઈવેન્ટ પ્લાન થઈ. આ થીમ છે- કુદરતથી માનવીય સ્વભાવ સુધીની મુસાફરી. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો પ્લાન. ખાસ તો પક્ષીઓ બચાવવા, પર્યાવરણ બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરાયા છે. આ પ્રવૃત્તિમાં સ્ટાફ અને વિદ્યાર્થી જોડાયા છે. નવરાત્રિમાં માટીના ગરબા વપરાય છે.તેમના પર પ્રોસેસ કરી પક્ષીનાં માળામાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. જેને ‘વિસર્જનમાંથી સર્જન’ કહી શકાય. આ પ્રોજેકટ અંતર્ગત 9 હજારથી વધુ પક્ષીનાં માળા બનાવી રાજકોટના જુદા જુદા એરીયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનાં છે. તાઉ-તે વાવાઝોડાના કારણે થયેલી નુકસાનીને પગલે આ ગરબા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પણ મોકલવામાં આવશે.

અલગ-અલગ બ્રાન્ચના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા.
અલગ-અલગ બ્રાન્ચના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા.

ગરબામાંથી ચકલીના માળા બન્યા
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં એક અનોખી ડિઝાઇન એન્જિનિયરીંગના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા એક પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાનું વિસર્જન નહિ, પણ પુનઃસર્જન કરતા ચકલીઓને કાયમી આશરો મળી રહે તે હેતુસર એક અનોખી પહેલ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ઈજનેરીના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 9 હજારથી વધારે ગરબા એકત્ર કરી આધુનિક મશીનરી દ્વારા વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે અલગ-અલગ બ્રાન્ચના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે ગરબાઓને ચકલીઓના માળામાં ફેરવવામાં આવ્યા હતા. દરેક ગરબાને લટકાવી શકાય તે રીતે ફરતે તાર બાંધવામાં આવ્યા છે. જેથી તે ઝાડ કે ગેલેરીમાં રાખી શકાય. ગરબા માટીના હોવાથી માળા ઇકો ફ્રેન્ડલી બન્યા છે.

દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી ગરબાઓ એકત્ર કરાયા હતા.
દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી ગરબાઓ એકત્ર કરાયા હતા.

ગરબાને મશીનોની મદદથી ઓપ અપાયો
ગરબા બનાવવાની પ્રક્રિયા અંગે જોડાયેલા લાભુભાઈ ત્રિવેદી ઈન્સ્ટીટયુટનાં ઇલેક્ટ્રિકલ બ્રાંચમાં પાંચમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિની આકાંક્ષી ચાવડાએ જણાવ્યું કે,નવરાત્રિ બાદ દશેરાનો તહેવાર પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓ દ્વારા શહેરભરમાંથી ગરબાઓ એકત્ર કરાયા હતા. આ ગરબાઓને કોલેજ પર લાવી તેમાં મશીનોની મદદથી કાણું પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ગરબા પર વિવિધ પ્રોસેસ કરીને તેને ચકલીના માળાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટના ભાગરૂપે આ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ મેળવ્યું હતું.

પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ વધારો થયો.
પ્રોજેક્ટના કારણે વિદ્યાર્થીના પ્રેક્ટિકલ જ્ઞાનમાં પણ વધારો થયો.

પુસ્તકની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન
હ્યુમેનીટી એન્ડ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત પ્રોફેસર ચેતસ ઓઝાએ જણાવ્યું હતું કે,પુસ્તકિય જ્ઞાન સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેવી સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને પ્રયાવરણને એક નવી ભેટ મળે એવા હેતુથી કોલેજના દ્વારા આ ખાસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વિસર્જનમાંથી સર્જન ઈવેન્ટ અંતર્ગત 500થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગરબામાંથી ચકલીઓના માળાઓ બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા ચકલીઓ માટે બહુ કામના બની રહેશે. આવી જ રીતે જો દરેક વ્યક્તિ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ નિભાવે તો પૃથ્વીને ખરા અર્થમાં સ્વર્ગનું સ્વરૂપ આપી શકાય.

વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા ચકલીઓ માટે બહુ કામના બની રહેશે.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ માળા ચકલીઓ માટે બહુ કામના બની રહેશે.

ઇકો ફ્રેન્ડલી માળાનું વિનામૂલ્યે વિતરણ
ઉલ્લેખનીય છે કે જીવદયાના આ કાર્યક્રમ બદલ કોલેજને વર્ષ 2018માં લીમ્કાબૂકમાં સ્થાન તેમજ વિશ્વવિક્રમ પ્રાપ્ત કરેલ છે. ગરબામાંથી બનાવેલા આ માળાના 50% ઉના અને અમરેલી પંથકમાં વાવાઝોડાથી થયેલ નુકશાનમાં અબોલજીવ ને કાયમી આશરો આપવાના હેતુસર ઇકો ફ્રેન્ડલી માળાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. બાકીના 50% ચકલીના માળાઓ આખા રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...