રાહુલે 7 વખત વિદેશથી મોદી સરકારને ઘેરી:BJPએ કહ્યું-ભારતને બદનામ કરવાની કોશિશ, એક્સપર્ટ પાસેથી જાણીએ રાહુલને શું ફાયદો થઈ શકે છે

23 દિવસ પહેલા
 • કૉપી લિંક

‘પીએમ મોદી અથવા તેમની સરકાર પર સવાલ ઉઠાવનારા પર પ્રહાર કરવામાં આવે છે. BBC સાથે પણ એવું જ થયું. મારા ફોનની જાસૂસી કરવામાં આવી છે. વિપક્ષો સામે કેસ નોંધાયા છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકે આ એક એવું દબાણ છે, જેનો સતત સામનો કરવો પડે છે.’

આ નિવેદન કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું છે. આ 7મી વખત છે, જ્યારે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકારની ટીકા કરી છે. વાસ્તવમાં રાહુલ બ્રિટનના 7 દિવસના પ્રવાસ પર છે.

ભાજપે રાહુલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યા છે.

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકારની ક્યારે-ક્યારે ટીકા કરી છે? નિષ્ણાતો પાસેથી જાણીશું કે એનો હેતુ શું છે?

6 વર્ષમાં એ 7 પ્રસંગ, જ્યારે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકાર પર પ્રહારો કર્યા

1. મે 2022 બ્રિટન: ભારતનો અવાજ દબાવવામાં આવ્યો છે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મે 2022માં લંડનમાં 'આઇડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સમાં બોલી રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મે 2022માં લંડનમાં 'આઇડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સમાં બોલી રહ્યા છે.

લંડનમાં 'આઈડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સ યોજાઈ રહી હતી. આ સંમેલનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ કહે છે, 'આત્માનો અવાજ વિના કોઈ અર્થ નથી, ભારતનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હવે ભારત માટે લડી રહી છે. આ એક વૈચારિક લડાઈ છે. પાકિસ્તાનની જેમ ED, CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજ્યો અને સંસ્થાઓને ખોખલી બનાવવામાં આવી રહ્યાં છે.’

રાહુલે વધુમાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે સ્થિતિ સારી નથી, ભાજપે આખા દેશમાં કેરોસિન છાંટ્યું છે. એક સ્પાર્ક અને અમે બધા એક મોટા સંકટમાં પહોંચી જઈશું. કોંગ્રેસની પણ જવાબદારી છે કે લોકોને સાથે લાવીને લોકોમાં જે ગુસ્સો અને આગ સળગી રહી છે એને શાંત કરે. આ દરમિયાન રાહુલે ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી હતી.

તેમણે કહ્યું હતું કે રશિયા યુક્રેનમાં જે કરી રહ્યું છે, ચીન ભારતમાં ડોકલામ અને લદાખમાં એ જ પેટર્ન બતાવી રહ્યું છે. ચીને ભારતમાં ડોકલામ અને લદાખમાં પોતાની સેના તહેનાત કરી છે અને અરુણાચલ પ્રદેશ અને લદાખને ભારતના ભાગ તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.

2. ઓગસ્ટ 2018 બ્રિટન અને જર્મનીઃ લોકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે તેમના ગુસ્સાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે

રાહુલ ગાંધી ઓગસ્ટ 2018માં જર્મનીના હેમ્બર્ગમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા છે.
રાહુલ ગાંધી ઓગસ્ટ 2018માં જર્મનીના હેમ્બર્ગમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા છે.

રાહુલ ગાંધી એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને જર્મનીના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતમાં રોજગારની મોટી સમસ્યા છે, પરંતુ વડાપ્રધાન એના વિશે વાત કરવા માગતા નથી. ચીન દરરોજ 50,000 લોકોને રોજગાર આપે છે, જ્યારે ભારતમાં માત્ર 400 લોકોને રોજગાર મળે છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદીની તુલના ટ્રમ્પ જેવા પોપ્યુલર નેતાઓ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નેતાઓ રોજગાર જેવી લોકોની સમસ્યા ઉકેલવાને બદલે તેમની નારાજગીનો ફાયદો ઉઠાવે છે. આમ કરીને આ લોકો દેશને નુકસાન પહોંચાડે છે. દલિતો, લઘુમતીઓ અને પછાત લોકોને હવે સરકારી લાભો મળતા નથી. ગરીબોની યોજનાઓના પૈસા હવે અમુક મોટા કોર્પોરેટ્સને જ આપવામાં આવી રહ્યા છે.

આતંકવાદી સંગઠન આઈએસની રચનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે જો લોકોને વિકાસની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવશે તો દેશમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં લોકોને બહાર રાખવું અત્યંત જોખમી છે. જો તમે 21મી સદીમાં લોકોને દૃષ્ટિકોણ નહીં આપો તો કોઈ બીજું આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો વડાપ્રધાન મોદી પોતે સાવચેત રહેત હોત તો ચીન સાથે ડોકલામ વિવાદ સર્જાયો ન હોત. ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. એ એક પ્રક્રિયાનો ભાગ હતો. જો વડાપ્રધાને આખી પ્રક્રિયાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું હોત તો એને અટકાવી શકાયો હોત.

3. માર્ચ 2018 મલેશિયા: મેં નોટબંધીની દરખાસ્તને ડસ્ટબિનમાં ફેંકી દીધી હોત

મલેશિયા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ 2016માં નોટબંધીને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. ભારતીય સમુદાયને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે જો હું વડાપ્રધાન હોત અને કોઈએ મને નોટબંધીનો પ્રસ્તાવ આપ્યો હોત તો મેં એને કચરાપેટીમાં, રૂમની બહાર કે ભંગારવાડામાં ફેંકી દીધો હોત. મેં એને આ રીતે અમલમાં મૂક્યો હોત, કારણ કે મારા મતે નોટબંધી સાથે આ રીતે થવું જોઈએ, કારણ કે એ કોઈના માટે સારી નહોતી.

4. માર્ચ 2018 સિંગાપોર: કેટલાક લોકો ચૂંટણી જીતવા માટે નફરત અને હિંસાનો આશરો લઈ રહ્યા છે

લી કુઆન યી સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી, સિંગાપોરમાં 2018માં એક કાર્યક્રમમાં પેનલ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી.
લી કુઆન યી સ્કૂલ ઓફ પબ્લિક પોલિસી, સિંગાપોરમાં 2018માં એક કાર્યક્રમમાં પેનલ ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી.

સિંગાપોરની લી કુઆન યી સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં પેનલ ડિસ્કશનમાં બોલતાં રાહુલે કહ્યું હતું કે ભારતનું વિઝન એ છે કે વ્યક્તિ ગમે તે ધર્મ, જાતિ કે ભાષાની હોય, તેને ઘર જેવી લાગણી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ચૂંટણી જીતવા માટે નફરત અને હિંસાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે અમારું વિઝન લોકોને જોડવાનું છે.

રાહુલે આગળ કહ્યું હતું કે જો તમે મને પૂછો કે મને મારા દેશ માટે શું ગર્વ છે, તો એ બહુ સારો વિચાર છે. વિચાર એ છે કે ભારતમાં લોકો જે ઈચ્છે એ કહી શકે છે અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. લોકો ન્યાય માટે ન્યાયતંત્રમાં જાય છે, પરંતુ પહેલીવાર ચાર ન્યાયાધીશ ન્યાય માટે લોકો પાસે આવ્યા. રાહુલે આરોપ લગાવ્યો કે સિસ્ટમ અને ન્યાયતંત્ર પર ખૂબ જ આક્રમક અને સંગઠિત હુમલો થઈ રહ્યો છે. જો તમે પ્રેસ, ઈન્ડસ્ટ્રીના લોકો સાથે વાત કરશો તો તેઓ પણ તમને કહેશે કે અમને ડર લાગે છે, જેથી સામાન્ય રીતે ભયનું વાતાવરણ જોવા મળે છે.

5. જાન્યુઆરી 2018 બહરીન: સરકાર નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ ગઈ

કોંગ્રેસ-અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર બહરીન પહોંચ્યા હતા. એનઆરઆઈને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આજે દેશમાં વિચિત્ર સ્થિતિ છે. સરકાર રોજગારી ઊભી કરવામાં નિષ્ફળ રહી છે. લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને દેખીતી રીતે તેઓ ગુસ્સમાં છે. એનાથી બચવા માટે સરકાર વંશીય અને ધાર્મિક ઉન્માદ પેદા કરાવી રહી છે. દેશમાં વિભાજનકારી શક્તિઓ નક્કી કરી રહી છે કે લોકોએ શું ખાવું જોઈએ અને શું નહીં. દેશમાં વિઘટનની સ્થિતિ સર્જાઈ રહી છે. દલિતોને મારવામાં આવી રહ્યા છે, પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવીને ફરીથી નવા ભારતનું નિર્માણ કરશે.

6. સપ્ટેમ્બર 2017 અમેરિકા: આજે નફરત અને હિંસાનું રાજકારણ થઈ રહ્યું છે

2017માં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધી.
2017માં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહેલા રાહુલ ગાંધી.

સપ્ટેમ્બર 2017માં તેમનાં બે સપ્તાહના યુએસ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સંસદને અંધારામાં રાખીને નોટબંધી લાવવામાં આવી હતી, નોટબંધીને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો હતો.

તેમણે કહ્યું હતું કે આજે નફરત અને હિંસાની રાજનીતિ થઈ રહી છે. મારા કરતાં હિંસાનો અર્થ કોણ સારી રીતે જાણે છે, કારણ કે મેં મારા દાદી અને પિતાને એમાં ગુમાવ્યાં છે. અહિંસાની વિચારધારા આજે ખતરામાં છે, જોકે એ એકમાત્ર વિચારધારા છે, જે માનવતાને આગળ લઈ જઈ શકે છે. અમે માહિતીનો અધિકાર આપ્યો, પરંતુ મોદી સરકારે એને દબાવી દીધો. સરકારમાં હવે શું થઈ રહ્યું છે એ લોકોને ખબર નથી. સાંપ્રદાયિક શક્તિઓ મજબૂત થઈ રહી છે, ઉદારવાદી પત્રકારોને ગોળી મારવામાં આવી રહી છે. ભારતમાં દરરોજ 30,000 યુવાન જોબ માર્કેટમાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર 450ને જ રોજગાર મળે છે. આ સ્થિતિ ભારત માટે આજે સૌથી મોટો પડકાર છે. રોજગારની સમસ્યા વધી રહી છે, કારણ કે આજકાલ માત્ર ટોચની 100 કંપની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જો રોજગાર વધારવો હોય તો નાની અને મધ્યમ કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું પડશે.

રાજનૈતિક નિષ્ણાત પાસેથી જાણો રાહુલની વિદેશમાં સરકારની ટીકા પાછળનાં 5 કારણ

1. વિપક્ષનું કામ જ ટીકા કરવાનું છેઃ રાશિદ કિડવાઈ

 • રાજકીય નિષ્ણાત રાશિદ કિદવાઈ કહે છે, રાજકીય પક્ષોનું કામ ટીકા કરવાનું છે. સકારાત્મક વાત કરવાથી મદદ મળતી નથી. જ્યારે ભાજપ વિપક્ષમાં હતો ત્યારે પણ આવું જ કરતો હતો.
 • ભાજપ જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધીની ટીકા કરતો રહેતો હતો. મેડિસન સ્ક્વેર ખાતે સપ્ટેમ્બર 2014માં પણ વડાપ્રધાન મોદીએ વિપક્ષને ભીંસમાં મૂકી રહ્યા છે.

2. સોશિયલ મીડિયાના યુગમાં દેશ-વિદેશની વાત કરવી યોગ્ય નથી

 • કિડવાઈ કહે છે કે આજે જ્યારે દરેકને બધું જ રિયલ ટાઈમ પર મળી રહ્યું છે ત્યારે દેશ-વિદેશની વાત કરવી વાજબી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માત્ર ભારતમાં જ નથી. આવી સ્થિતિમાં વ્યક્તિ ચંદીગઢમાં બોલે કે લંડનમાં, એનાથી કોઈ ફરક પડતો નથી.
 • આજે કોમ્યુનિકેશન મીડિયાનું સ્વરૂપ સર્વત્ર હાજર છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી દેશને બદનામ કરી રહ્યા છે એ કહેવું યોગ્ય નથી.
 • દેશમાં વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે રાજકીય શિષ્ટાચારનો અભાવ છે, તેથી જે આક્ષેપો કરવામાં આવે છે એ ખૂબ જ ધારદાર અને વ્યક્તિગત છે.
 • રાજકારણમાં મતભેદો હોય એ સ્વાભાવિક છે, પણ મનભેદ હોવા અટપટી વાત છે.

3. દેશમાં રહેશો તો સરકારની ટીકા કરશો અને વિદેશમાં જાઓ તો સરકારનાં વખાણ કરવા એવો કોઈ નિયમ નથી: અભય દુબે

 • રાજકીય નિષ્ણાત અભય દુબે કહે છે કે જે કોઈ ભારતનો નાગરિક છે તે ભારત અને એની વ્યવસ્થા વિશે ગમે ત્યાં વાત કરી શકે છે.
 • રાહુલ વિપક્ષના નેતા હશે તો સરકારની ટીકા કરશે. આ કયો નિયમ છે કે દેશમાં રહીએ તો સરકારની ટીકા કરીએ અને વિદેશમાં જઈએ તો સરકારનાં વખાણ કરીએ.
 • સરકાર દેશનો પર્યાય નથી. સરકાર કામચલાઉ છે એટલે આવતી-જતી રહે છે અને દેશ કાયમી છે. તેથી જ સરકારનાં કામોની ટીકા પણ થશે અને વખાણ પણ થશે.
 • વડાપ્રધાન મોદી જ્યારે વિદેશ જાય છે ત્યારે નેહરુની ટીકા પણ કરે છે. કહે છે કે આઝાદીનાં 70 વર્ષમાં કંઈ થયું નથી. તેમણે આ બધું વિદેશની ધરતી પર જ કહ્યું છે.

4. રાહુલને કોઈ લાભ નહીં મળે

 • કિડવાઈનું કહેવું છે કે રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કર્યો છે. આ દરમિયાન ચીનથી લઈને અનેક મુદ્દાઓ પર વાત કરી.
 • જો એની રાજકીય રીતે એટલે કે ગુજરાત અને નોર્થ-ઈસ્ટની ચૂંટણીમાં અસર નહીં થાય તો કેમ્બ્રિજ યુનિવર્સિટીને કહેવાથી પણ કોઈ અસર નહીં થાય.
 • રાહુલ ગાંધી એવું કંઈ બોલી રહ્યા નથી, જે દેશમાં ન કહ્યું હોય. રાજકીય પક્ષો ચોક્કસપણે એ બતાવવાનો પ્રયાસ કરે છે કે રાહુલ ગાંધી દેશ પ્રત્યે સંવેદનશીલ નથી.

5. ભારતીય સંઘ અને ભારત સરકાર વચ્ચેનો ભેદ દૂર કરવાનો પ્રયાસ

 • કિડવાઈનું કહેવું છે કે હાલમાં દેશમાં ભારતીય સંઘ અને ભારત સરકાર વચ્ચેનો ભેદ દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મતલબ કે નાગરિક હોવાને કારણે દેશ પ્રત્યે મારી પ્રતિબદ્ધતા હશે એવી સરકાર પ્રત્યે નહીં હોય.
 • આ સમયે તમે સરકારની ટીકા કરો છો તો એવું વાતાવરણ સર્જાય છે કે તમે દેશની ટીકા કરો છો.
 • એ જ રીતે રાહુલ અને ઘણા વિરોધ પક્ષોની વિશ્વસનીયતાનો અભાવ છે. જ્યારે આવા કિસ્સાઓ આવે છે ત્યારે સરકાર જાણીજોઈને તેમની વિશ્વસનીયતા નબળી પાડવાનો પ્રયાસ કરે છે.
 • એવું નથી કે વિપક્ષ બહુ ભોળો છે. તક મળે ત્યારે તેઓ પણ સરકારની નિયત અને વફાદારી પર સવાલ ઉઠાવે છે.
અન્ય સમાચારો પણ છે...