• Gujarati News
  • Dvb original
  • For Sonia, Rahul Became A Congressman For The First Time In 8 Years, Now What Will Be The Next Strategy

EDનો વાર, કોંગ્રેસનો કેન્દ્ર પર પ્રહાર:સોનિયા, રાહુલ માટે 8 વર્ષમાં પ્રથમવાર કોંગ્રેસીઓ થયા એક, હવે આગળ શું હશે રણનીતિ

નવી દિલ્હી12 દિવસ પહેલાલેખક: પ્રેમપ્રતાપ સિંહ
  • કૉપી લિંક

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતાઓ સામે કાયદાકીય સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ED દ્વારા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એના જવાબમાં કોંગ્રેસ કેન્દ્ર સરકાર સામે લાંબી લડાઈ લડવાની તૈયારી કરી રહી છે.

શુક્રવારે દિલ્હીમાં મોંઘવારીના વિરોધમાં નીકળેલી રેલી બાદ દરેક રાજ્યમાં આવાં પ્રદર્શનો યોજવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે, જેથી મોંઘવારી, બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચારને લોકોમાં મોટો મુદ્દો બનાવી શકાય.

કોંગ્રેસ આ મહિને 9થી 15 ઓગસ્ટ સુધી પદયાત્રા કાઢવા જઈ રહી છે. દરેક જિલ્લામાં કોંગ્રેસીઓ 75 કિલોમીટરની પદયાત્રા કરશે. દોઢ મહિના બાદ 2 ઓક્ટોબરથી કોંગ્રેસનેતાઓ દ્વારા દેશભરમાં ભારત જોડો પદયાત્રા યોજવામાં આવશે. આના દ્વારા પણ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવશે.

2024 સુધીમાં કોંગ્રેસ દ્વારા એક પછી એક કાર્યક્રમો નક્કી કરવામાં આવશે, જેથી સરકાર વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં સરળતા રહે. આ માટે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ સહિત દેશભરમાંથી કોંગ્રેસના મોટા નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે.

8 વર્ષમાં પહેલીવાર સત્તામાંથી કોંગ્રેસ બહાર, રસ્તા પર સંઘર્ષ
દેશની આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસ આઠ વર્ષથી વધુ સમયથી સત્તાની બહાર છે. કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે પણ પોતાની છાપ ઊભી કરી શકી નથી. કોંગ્રેસ એક પછી એક રાજ્યમાં હારી રહી છે. તે માત્ર રાજસ્થાન અને છત્તીસગઢ પૂરતી મર્યાદિત રહી છે. જ્યારે ઝારખંડ અને તામિલનાડુ ગઠબંધન સરકારમાં સામેલ છે. તમામ યુવા અને જનાધાર ધરાવતા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે, જેને કારણે કોંગ્રેસ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

દરમિયાન કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પર નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, જેની ED દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેને કારણે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાહુલ અને સોનિયાના બચાવ માટે કોંગ્રેસના નેતાઓથી લઈને કાર્યકરો પહેલીવાર રસ્તા પર ઊતર્યા હતા. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા હતા. આ જ એપિસોડને આગળ ધપાવતા શુક્રવારે કોંગ્રેસના નેતાઓ મોંઘવારી મુદ્દે દેશભરમાં રસ્તા પર ઊતરી આવ્યા હતા.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ રસ્તા પર મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ રસ્તા પર મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

સોનિયા-રાહુલ માટે કોંગ્રેસીઓ એક થયા
દરેક રાજ્યમાં કોંગ્રેસમાં જૂથબંધી છે. ભાગ્યે જ એવું કોઈ રાજ્ય હશે જ્યાં કોંગ્રેસની અંદર જૂથવાદ ન હોય, પરંતુ સોનિયા-રાહુલ ગાંધીના નામે એકબીજાના વિરોધી નેતાઓ જૂથવાદ ભૂલીને એક મંચ પર આવી રહ્યા છે, જેથી રાજકીય સંદેશો ખોટો ન જાય.

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ આ મુદ્દે એક નજરે પડ્યા છે. એ જ રીતે હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના તમામ રાજ્યોમાં કોંગ્રેસીઓ સોનિયા-રાહુલ માટે પરસ્પર વિરોધ ભૂલીને એકબીજાને ટેકો આપી રહ્યા છે.

કોંગ્રેસના નેતાઓએ કાળાં કપડાં પહેરીને વિરોધ કર્યો હતો
શુક્રવારે મોંઘવારીના વિરોધમાં કાર્યકરોથી લઈને નેતાઓ કાળાં કપડાંમાં જોવા મળ્યા હતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના તમામ નેતાઓ કાળાં કપડાંમાં જોવા મળ્યાં હતાં. પ્રિયંકા ગાંધી કાળા ડ્રેસમાં રસ્તા વચ્ચે બેસી ગયા હતા.

શુક્રવારે મોંઘવારીના વિરોધમાં સામાન્ય કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ કાળાં કપડાંમાં જોવા મળ્યા હતા.
શુક્રવારે મોંઘવારીના વિરોધમાં સામાન્ય કાર્યકરોથી લઈને દિગ્ગજ નેતાઓ કાળાં કપડાંમાં જોવા મળ્યા હતા.

સત્તા માટે શેરીઓમાં સંઘર્ષ
ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં ચાર મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે. એ પછી 2023માં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે રાહુલ ગાંધી પર હાથ મૂક્યા બાદ કોંગ્રેસ પાસે હવે લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.

સ્વાભાવિક રીતે જ હાલમાં જનતા કોંગ્રેસમાં જોડાવાની નથી, જેને કારણે કોંગ્રેસ જનતામાં જઈને ઈમોશનલ કાર્ડ રમવાની તૈયારી કરી રહી છે. આ માટે કોંગ્રેસ પક્ષ તરફથી પણ લાંબો સંઘર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી કોંગ્રેસને પાયાના સ્તરે ખાતર અને પાણી મળી રહે.

'ઈડીની કાર્યવાહીનો કોંગ્રેસ ભાવનાત્મક લાભ લેશે'
વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈ કહે છે કે 'દેશની રાજકીય સંસ્કૃતિ એવી છે કે જો કોઈ રાજનેતા પર આરોપ સાબિત થઈ જાય તો તેને બાજુ પર મૂકી દેવામાં આવે છે, જેમ કે લાલુ યાદવ, ઓમ પ્રકાશ ચૌટાલા, મધુ કોડા, સુખરામ. કેટલાક નેતાઓ પર આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સાબિત થયા નથી. આવી સ્થિતિમાં તેમને રાજકીય રીતે નવી ઊર્જા મળી. તેઓ સત્તા પર પાછા ફર્યા. ઉદાહરણ તરીકે ઈન્દિરા ગાંધી, શિબુ સોરેન, કરુણાનિધિ અને જયલલિતા.

જો મોદી સરકારે રાહુલ અને સોનિયા ગાંધી પર હાથ મૂક્યો છે તો તેને તાર્કિક છેડા સુધી લઈ જવો પડશે. આમ કરવામાં નિષ્ફળ જવાથી સરકારને શરમજનક સ્થિતિનો સામનો કરવાનો આવશે. કોંગ્રેસ દેશભરમાં ઘૂમીને EDની કાર્યવાહીનો ભાવનાત્મક લાભ લેશે એ પણ નિશ્ચિત છે. આ સાથે દેશમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી જેવા મુદ્દાઓને પણ મુખ્ય રીતે ઉઠાવવામાં આવશે, જેથી કોંગ્રેસ કેન્દ્ર વિરુદ્ધ પોતાની વાત યોગ્ય રીતે જનતામાં મૂકી શકે.

ગાંધી પરિવાર સુધી કાયદાના હાથ પહોંચી ગયા છે
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહ કહે છે કે 'શરૂઆતથી જ ગાંધી પરિવાર પોતાને કાયદાથી પર માનતો હતો. આ કારણે નેશનલ હેરાલ્ડે આ કેસમાં ભૂલ કરી છે, પરંતુ કાયદાના હાથ લાંબા છે. ગાંધી પરિવાર સુધી કાયદાના હાથ પહોંચા ગયા છે. જો મામલો ઈન્કમટેક્સનો હોત, તો એક સમય માટે વ્યક્તિ બચી શકત, પરંતુ આ EDની વાત છે. એ ફોજદારી ગુનો છે, જેમાં ગાંધી પરિવાર જેલમાં પણ જઈ શકે છે.

જેલમાં ગયા પછી ભ્રષ્ટાચારના મામલામાં જનતાની કોઈ સહાનુભૂતિ મળતી નથી. દેશમાં લાલુ યાદવ, ઓમપ્રકાશ ચૌટાલા, સુખરામ અને મધુ કોડા જેવાં ઘણાં ઉદાહરણો છે, જેમાં ભ્રષ્ટાચારના આરોપો સાબિત થયા પછી તેમની રાજકીય સફર ખતમ થઈ ગઈ. મોંઘવારી સામે વિરોધ એ કોંગ્રેસ માટે માત્ર બહાનું છે. છેલ્લાં આઠ વર્ષમાં કોંગ્રેસે વિપક્ષ તરીકે આવાં ધરણાં કેમ ન કર્યાં, જે-તે અત્યારે કરી રહી છે.’