તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Punjab Farmer Files Defamation Suit Against Deputy Chief Minister Nitin Patel, Notice From Gujarat On Calling Farmers Khalistani

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિગલ ચેલેન્જ:નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે પંજાબના ખેડૂતે બદનક્ષીનો દાવો માંડ્યો, ખેડૂતોને ખાલિસ્તાની કહેવાના મુદ્દે ગુજરાતમાંથી પણ નોટિસ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીતિનભાઈએ આંદોલનકારી ખેડૂતોમાં રાષ્ટ્રવિરોધી, ખાલિસ્તાની, ચીનતરફી તત્વો સામેલ હોવાનો દાવો કરતાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા
  • જલંધરના ખેડૂત રમણિકસિંઘ રંધાવા ઉપરાંત ગુજરાતના ભેમાભાઈ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રીને નોટિસ મોકલી છે

કિસાન આંદોલન માત્ર કેન્દ્ર સરકાર માટે જ નહિ, પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ માટે પણ મુશ્કેલ બની શકે છે. અગાઉ કિસાન આંદોલન અંગે નીતિનભાઈએ કરેલ વિવાદાસ્પદ ટિપ્પણી સંદર્ભે પંજાબના જલંધરના ખેડૂત રમણિકસિંઘ રંધાવાએ આ વિધાનોથી પોતાની અને સમગ્ર ખેડૂતોની બદનક્ષી, માનહાનિ થઈ હોવાનું જણાવીને નોટિસ મોકલી છે, જેમાં તેમણે નાયબ મુખ્યમંત્રીને માફી માંગવા અથવા તો અદાલતી કાર્યવાહીનો સામનો કરવા જણાવ્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કરે રમણિકસિંઘ રંધાવા સાથે એક્સ્ક્લુઝિવ વાતચીત કરી હતી.

જલંધરના રહેવાસી રમણિકસિંઘ રંધાવાએ કહ્યું હતું કે, કૃષિ સુધારા અંગેના વિવાદાસ્પદ કાયદાઓના વિરોધમાં દિલ્હી ખાતે ચાલી રહેલાં કિસાન આંદોલનમાં હું આરંભથી જ સક્રિય રીતે સંકળાયેલો છું. વિવિધ રાજ્યોના સંખ્યાબંધ ખેડૂતો કારમી ઠંડીનો સામનો કરીને દોઢ મહિનાથી પોતાની માંગ અંગે સડક પર અડગ ઊભા છે. શાંતિપૂર્ણ રીતે પોતાની માગણી અંગે મક્કમ રહેવું એ લોકતાંત્રિક અધિકાર છે. તેમ છતાં આંદોલનનો હકારાત્મક ઉકેલ લાવવાને બદલે દેશભરમાં કિસાનોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

18 ડિસેમ્બરના રોજ ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ વાયર પર પ્રસિદ્ધ થયેલ અહેવાલ ટાંકીને રંધાવાએ ઉમેર્યું હતું કે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંદોલનકારી ખેડૂતો માટે કહ્યું હતું કે, 'ખેડૂતોના નામે રાષ્ટ્રવિરોધી તત્વો, આતંકવાદીઓ, ખાલિસ્તાનીઓ, સામ્યવાદીઓ ચીનતરફી લોકો ઘૂસી ગયા છે. આપણે તેમને પિઝા-પકોડા ખાતાં જોઈએ છીએ. આ બધું તેમને મફત મળે છે. દેશવિરોધી તત્વો તેમને લાખો રૂપિયા આપે છે.' નીતિન પટેલના આ વિધાનો આંદોલનકારી ખેડૂત તરીકે મારા માટે અને અન્ય તમામ ખેડૂતોની બદનક્ષી કરનારા, ખોટાં અને બદનિયત પ્રેરિત છે. આથી મેં તેમને સત્તાવાર નોટિસ મોકલીને 7 દિવસની અંદર આ વિધાનો પાછી ખેંચતી જાહેરાત દિલ્હીના અખબારોમાં પ્રસિદ્ધ કરીને માફી માંગવા જણાવ્યું છે. જો તેઓ એમ નહિ કરે તો માનહાનિના દાવા માટે અદાલતમાં જવાની અમને ફરજ પડશે.'

જલંધરના રમણિકસિંઘ રંધાવા આમઆદમી પાર્ટીના અગ્રણી છે અને આરંભથી જ કિસાન આંદોલનમાં સક્રિય છે.
જલંધરના રમણિકસિંઘ રંધાવા આમઆદમી પાર્ટીના અગ્રણી છે અને આરંભથી જ કિસાન આંદોલનમાં સક્રિય છે.

રમણિકસિંહ રંધાવા જલંધર (પંજાબ)ના ખેડૂત છે. કિસાન આંદોલનના સમર્થનમાં દિલ્હી ખાતે યોજાયેલ પ્રદર્શનમાં સામેલ થયેલાં છે. દિવ્ય ભાસ્કર સાથેની એક્સ્ક્લુઝિવ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, 'હું આમઆદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું, પરંતુ કિસાન આંદોલન એ કોઈ રાજકીય હેતુપ્રેરિત નથી. અમારી માંગણી સ્પષ્ટ છે અને દોઢ મહિનાથી સેંકડો ખેડૂતો હાજર હોવા છતાં અમારા દેખાવો શાંતિપૂર્ણ રહ્યા છે. એ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ આંદોલનને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો તેમજ આંદોલનકારીઓ માટે અણછાજતા શબ્દપ્રયોગ કર્યા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કક્ષાના સન્માનનીય હોદ્દા પર બેઠેલાં નેતા પણ આંદોલનકારીઓ માટે આવા બેહુદા શબ્દપ્રયોગ કરે એ બહુ જ આઘાતજનક છે.'

ઉલ્લેખનીય છે કે, આમઆદમી પાર્ટીના ગુજરાત પ્રાંતના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ પણ આ પ્રકારે નાયબ મુખ્યમંત્રી સામે માનહાનિનો દાવો દાખલ કરવા અંગે નોટિસ મોકલી છે. આ અંગે વાત કરતાં ભેમાભાઈએ કહ્યું હતું કે, નીતિનભાઈના વિધાનોથી ખેડૂત તરીકે ફક્ત મારી જ નહિ પરંતુ આંદોલનમાં સામેલ તમામ ખેડૂતોની બદનક્ષી થઈ છે. તેઓ પીઢ નેતા છે. તેમના મોંએ આવા શબ્દો નથી શોભતાં. તેઓ જો પોતાના શબ્દો પાછા નહિ લે તો આગામી દિવસોમાં અમે કાનૂની રાહે પગલાં લઈશું.

આ અંગે નીતિન પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન રિસિવ થયો ન હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser