ભાસ્કર એક્સક્લૂસિવકોણ છે ગુજરાતનાં બાળકોને ઘેલું લગાડનાર ‘બુઝો’:હિંદી ફિલ્મમાં કામ કરનારા પર્વનો પરિવાર અમરેલીનો, માતા ચલાવે છે બ્યૂટિપાર્લર, આ સીન કરતાં પહેલાં જ રડી પડ્યો

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: રાજેશ વોરા

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી હવે પૂર્ણ થવાને આરે છે. અમદાવાદના ઓગણજમાં ઊભા કરવામાં આવેલા પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 14 ડિસેમ્બરથી આ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. ત્યાર બાદ દેશ અને વિદેશમાંથી ભક્તો પ્રમુખસ્વામી નગરની મુલાકાતે આવ્યા હતા. નગરમાં સૌથી વધુ લોકોને આકર્ષતું હોય તો એ બાલનગરી છે. બાળકોને ત્યાં ખૂબ મજા પડે છે. એમાં પણ‘ધ વિલેજ ઓફ બુઝો’નામની 30 મિનિટની ફિલ્મ તો બાળકો માટે યાદગાર અનુભવ સમાન બની છે. આ ફિલ્મમાં ટીવી એક્ટર મનીષ વાધવા અને સુહાસી ધામીને તો મોટા ભાગના લોકો ઓળખતા હશે, પરંતુ મુખ્ય પાત્ર એટલે કે બુઝોનો રોલ કરનાર પર્વ ખખ્ખરને ભાગ્યે જ કોઈ ઓળખે છે. માત્ર એટલું જ નહીં, તેનું નામ પણ ભાગ્યે જ કોઈ જાણે છે.

ફિલ્મમાં કોણ બન્યું છે ‘બુઝો’નાં માતા-પિતા?
ધર્મેશ શાહ નિર્દેશિત ‘ધ વિલેજ ઓફ બુઝો’નો સ્ક્રીન પ્લે, ડાયલોગ અને સ્ટોરી પ્રખ્યાત ફિલ્મ-રાઇટર પ્રકાશ કાપડિયા(દેવદાસ, બ્લેક,બાજીરાવ મસ્તાની, પદ્માવત, તાન્હાજી: ધ અનસંગ વોરિયર, ગંગુબાઈ કાઠિયાવાડી)એ લખ્યા છે. ‘ધ વિલેજ ઓફ બુઝો’માં ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરનાર સુહાસી ધામી અને ચાણક્ય સિરિયલમાં ચાણક્યનો રોલ કરનાર મનીષ વાધવાએ બુઝોનાં માતા-પિતાનો રોલ કર્યો છે.

ફિલ્મમાં બુઝો તેમનાં માતા-પિતાને પૂછે છે કે‘કોઈ ભી ચીઝ આસમાન મેં ઉછલતી હૈ વો નીચે હી ગીર જાતી હૈ પર આસમાન ક્યું નીચે નહીં ગીરતા’, ‘હમ પૈર સે ચલતે હૈ, પરીંદે પંખ સે ઉડતે હૈ, બાદલો કે પાસ ના તો પૈર હૈ ના પંખ તો વો કૈસે ચલતે હૈ’જો કે બુઝોના આ સવાલોના જવાબ તેના માતા-પિતા પાસે હોતા નથી. રિલની જેમ રિયલ લાઇફમાં પણ બુઝો એટલે કે પર્વ ખખ્ખર આવો જ છે. દિવ્ય ભાસ્કરે ‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનું પાત્ર ભજવનાર 8 વર્ષના પર્વ ખખ્ખર, તેમના માતા રિદ્ધી ખખ્ખર, ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયા, ફિલ્મમાં બુઝોના માતા-પિતાનો રોલ કરનાર મનીષ વાધવા અને સુહાસી ધામી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

બોલિવૂડ ફિલ્મ કરી ચૂકેલા‘બુઝો’ના રિયલ લાઇફ માતા-પિતા કોણ છે?
મૂળ અમરેલીના દામનગરના વતની એવા પર્વ(બુઝો) ખખ્ખરનો પરિવાર હાલ સુરતમાં રહે છે. તેમના પિતા નીરવ ખખ્ખર હાર્ડવેરની દુકાન ચલાવે છે જ્યારે માતા રિદ્ધિ ખખ્ખર ગૃહીણી હોવા સાથે બ્યુટી પાર્લર ચલાવે છે. પર્વએ ક્રાઇમ પેટ્રોલથી લઈ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ દેશમાં વસ્તી વિસ્ફોટ પર આધારિત અને ચર્ચામાં આવેલી‘હમ દો હમારે બારાહ’છે.

આ રીતે મળ્યો ‘બુઝો’નો રોલ
‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનો રોલ મળવા અંગે તેમના માતા રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે,‘અમારે સંતાનમાં પર્વ એક જ દીકરો છે. પર્વ પહેલેથી જ એક્ટિંગ કરે છે. તેમણે ઘણા બધા ફેશન શો કરેલા છે. તેમજ ક્રાઇમ પેટ્રોલમાં પણ કામ કર્યું છે. કાસ્ટિંગવાળા દ્વારા આ રોલ મળ્યો હતો. પર્વ એલ.એચ.બોઘરા શિશુ વિહાર ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને તે આઠ વર્ષનો છે’

સ્ક્રિપ્ટ વાંચીને પર્વના માતા-પિતાને ગજબનું આશ્ચર્ય થયું
તેમણે આગળ કહ્યું કે, ‘આ સ્ક્રિપ્ટ આવી એટલે અમે એમ જ કીધું કે આ ફિલ્મમાં બુઝોનું જે પાત્ર છે ને પર્વ રિયલ લાઇફમાં પણ એવો જ છે. તે સતત પ્રશ્નો કરતો જ રહે છે. તે મારી દરેક વાત માને છે, ક્યારેક જીદ કરે છે. તે મને તમે જ કહીને સંબોધે છે. ફિલ્મમાં માતા-પિતાથી છુપાઈને જે રીતે બુઝો ચાલ્યો જાય છે તેનાથી ઉલટું પર્વને હું ના પાડી દઉં કે નથી જવું બહાર તો તે ન જાય’

આ સીન કરતા પહેલા રડી પડ્યો હતો ‘બુઝો’
ફિલ્મના શૂટિંગ સમયે થયેલા યાદગાર કિસ્સા અંગે રિદ્ધી ખખ્ખરે કહ્યું કે, ભેંસ પર બેસવાના સીનમાં તે રડી પડ્યો કે હું ભેંસ પર નહીં બેસુ મને ડર લાગે છે. ઝાડ પર બેસવાનું અને ફિશ પકડવાનું એ બધા સીન જોઇને મને લાગ્યું કે, પર્વ કેમ કરશે આ બધું? જો કે આમ છતાં પર્વએ બધા જ સીન સરળતાથી કર્યા હતા. પર્વને શૂટિંગ પછી ગાડીમાંથી રુમ સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલી રહેતી એટલે તે ગાડીમાં જ ઉંઘી જતો હતો. તે કહેતો કે હું ખૂબ થાકી ગયો છું, મને ગાડીમાં જ ઉંઘી જવા દો. શૂટિંગ સાપુતારામાં હતું અને રોકાયા હતા પતંગ હોટલમાં આ વચ્ચેનું અંતર દોઢ કલાક સુધીનું હતું. આ ફિલ્મના શૂટિંગના ચાર દિવસ અમારા માટે જિંદગીમાં સૌથી યાદગાર રહ્યા છે.

દિલીપ જોશી અને બોલિવૂડ એક્ટર અનુ કપૂર સાથે પર્વ ખખ્ખર.
દિલીપ જોશી અને બોલિવૂડ એક્ટર અનુ કપૂર સાથે પર્વ ખખ્ખર.

લોકડાઉને એક્ટર તો બનાવી દીધો પણ ભણવામાં કેવો છે?
પર્વને એક્ટિંગમાં રસ કેવી રીતે પડ્યો તે અંગેના સવાલના જવાબમાં રિદ્ધિ ખખ્ખરે જણાવ્યું કે, લોકડાઉન સમયે તે 6 વર્ષનો હતો અને એ સમયે તેમના વીડિયોઝ બનાવતા હતા. અમે તેને કહેતા કે દીકરા તારે એક્ટિંગ કરવાની છે પણ તે ગંભીરતાથી લેતો નહોતો અને કહેતો કે ઓકે કરી લઉં. પરંતુ જ્યારે તે વીડિયો કરે ત્યારે એમ લાગે કે આમણે એક્ટિંગનો કોર્સ કર્યો હશે? ફિલ્મમાં શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પણ પછી તો તે ફટાક દઈને કરવા લાગ્યો. પર્વ અડધા કલાકમાં જ એક્ટિંગ સાથે એક પેઇજના ડાયલોગ કરી દે છે. તે સ્ટડીમાં પણ હોંશિયાર છે અને તેને 94 ટકા આવે છે. તેની સાથે સાથે તેનું હિરો બનવાનું પણ સપનું છે. તેને તેમના ડેડી જ બધું શીખવે છે.

પર્વને તિલક માટે પ્રેરણા આપી રહેલા જ્ઞાન વત્સલ સ્વામી.
પર્વને તિલક માટે પ્રેરણા આપી રહેલા જ્ઞાન વત્સલ સ્વામી.

ડાયરેક્ટરને મળી પર્વએ સૌથી પહેલા આ ઇચ્છા વ્યક્ત કરી
પ્રમુખ સ્વામી મહારાજ નગરની પર્વ ખખ્ખરે મુલાકાત લીધી તે સમયે તેની જ્ઞાન વત્સલ સ્વામી સાથે થયેલી મુલાકાત અંગે પર્વના માતાએ કહ્યું કે, અમે સત્સંગી નથી પણ હું જ્ઞાન વત્સલ સ્વામીને ફોલો કરું છું. હું તેમની મોટિવેશનલ સ્પીચ સાંભળતી હોવ છું એટલે પર્વ પણ તે સાંભળતો એટલે તેમણે કહ્યું કે હું જ્ઞાન વત્સલ સ્વામીને મળીશ અને ડાયરેક્ટર ધર્મેશ શાહને કહ્યું કે, મને જ્ઞાન વત્સલ સ્વામીને મલાવશોને? મહંત સ્વામીને તો મળી જ લીધું હતું. તેને ઘણાં સમયથી તિલક કરવાની ઇચ્છા હતી પણ એટલે જ્ઞાન વત્સલ સ્વામીને કહ્યું કે પહેલીવાર તમે તિલક કરી દો પછી જ હું નિયમિત તિલક કરીશ. ત્યાર બાદ તેમને જ્ઞાન વત્સલ સ્વામીએ તિલક કરી દીધું હતું, હાલ તે દરરોજ તિલક કરીને જ સ્કૂલે જાય છે.

બોલિવૂડ ફિલ્મ ‘હમ દો હમારે બારાહ’ના પોસ્ટરમાં પર્વ ખખ્ખર.
બોલિવૂડ ફિલ્મ ‘હમ દો હમારે બારાહ’ના પોસ્ટરમાં પર્વ ખખ્ખર.

આ કારણે છે ટાઇગર શ્રોફનો ફેન
પર્વના માતા રિદ્ધિ ખખ્ખર બાદ દિવ્ય ભાસ્કરે પર્વ સાથે તેમના ફેવરિટ ફિલ્મ એક્ટર, એક્ટ્રેસ અને શોખ અંગે વાત કરી હતી. પર્વએ પોતાના ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસ અંગે જણાવ્યું કે, મારો ફેવરિટ એક્ટર ટાઇગર શ્રોફ છે. તેની એક્શન જોરદાર હોય છે. મેં તેની‘મુન્ના માઇકલ’,‘બાગી’,‘બાગી-2’, ‘બાગી-3’,‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ફિલ્મ જોઇ છે. મારે ટાઇગર શ્રોફ જેવા એક્ટર બનવું છે. હું તેના માટે ગમે એટલી મહેનત કરીશ. જ્યારે મારી ફેવરિટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ છે. મને તેનું ‘બ્રહ્માસ્ત્ર’ફિલ્મ ખૂબ ગમે છે. મેં તેની ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ ફિલ્મ પણ જોઈ છે. મને ફૂટબોલ અને ક્રિકેટ રમવા ખૂબ ગમે છે.

સતત પ્રશ્ન કરતો ‘બુઝો’આ મહાપુરુષોને પણ ઓળખે છે
જ્યારે તેને વાંચન અને મહાપુરુષો અંગે પૂછ્યું તો પર્વએ કહ્યું કે, મહાપુરુષોમાં મેં લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહલાલ નહેરુ, ગાંધીજી અને લોક માન્ય તિલકના નામ સાંભળ્યા છે. આ અંગે અમને સ્કૂલમાં પણ માહિતી મળે છે. મેં વાંચન કરવાનો નિયમ(પ્રમુખ સ્વામીનગરમાં) પણ લીધો છે.

શૂટિંગના મુહૂર્ત સમયે સંતો અને જ્ઞાન વત્સલ સ્વામી સાથે પર્વ.
શૂટિંગના મુહૂર્ત સમયે સંતો અને જ્ઞાન વત્સલ સ્વામી સાથે પર્વ.

ફેવરિટ સ્થળ કયું છે?
પર્વએ પોતાની ફેવરિટ ગેમ અને ભોજન અંગે જણાવ્યું કે, મને ચાઇનીઝ, ગાંઠીયાનું શાક અને મેગી ખૂબ જ ભાવે છે. જ્યારે ગેમઝોન મારું ફેવરિટ સ્થળ છે. તેમજ પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પણ ફરવાની ખૂબ મજા આવી હતી. મને મારો શો ખૂબ ગમ્યો(વિલેજ ઓફ બુઝો), જ્યારે સી ઓફ સુવર્ણા, સંત પરમ હિતકારી, તૂટે હ્રદય, તૂટે ઘર, ચલો, તોડ દે યે બંધન જેવા શો પણ ખૂબ ગમ્યા હતા.

પિતાનો રોલ કરનારને મળતા જ કેમ બોલ્યો ઓહ માય ગોડ?
ફિલ્મના શૂટિંગ દરમિયાન પર્વ અને તેના પિતાનો રોલ કરનારા મનીષ વાધવા વચ્ચે ગજબનું બોન્ડીગ થઈ ગયું હતું. આ અંગે પર્વએ કહ્યું કે, ફિલ્મમાં મારા પિતા બનેલા મનીષ વાધવા સાથે કામ કરવાની મજા આવી. મેં તેની સીરિઝ હિરો-ગાયબ મોડ ઓન જોઇ હતી. મનીષ સર સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી. કોસ્ચ્યુમ માપવાનું થયું ત્યારે ખ્યાલ નહોતો, પણ જ્યારે શૂટિંગ શરું થયું ત્યારે લાગ્યું કે, ઓહ માય ગોડ આ તો મનીષ સર છે. તેમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું.

‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોના પિતાનો રોલ કરનાર મનીષ વાધવા અને પર્વ.
‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોના પિતાનો રોલ કરનાર મનીષ વાધવા અને પર્વ.

જ્યારે પ્રમુખ સ્વામીએ ધબ્બો માર્યો
ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયાએ ફિલ્મના બીજ કેવી રીતે રોપાયા અને 1988-89માં પ્રમુખ સ્વામી સાથેની મુલાકાતથી શરૂ કરીને ફિલ્મ લખવા અંગે વાત કરી હતી.

પ્રમુખ સ્વામી સાથેની પહેલી મુલાકાત અંગે પ્રકાશ કાપડિયાએ કહ્યું કે, હું જ્યારે મારું પહેલું નાટક ‘સુર્યવંશી’લઈને 1988-89માં ગોંડલ ગયો ત્યારે સવારમાં મારી પાસે સમય રહેતો હતો, એટલે સવારમાં જ નીતિન દેસાઈ(પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર)સવારમાં કહે કે આપણે ચાલો દર્શન કરવા જઈએ. તેમણે કહ્યું કે પ્રમુખ સ્વામી આવ્યા છે એટલે હું પણ તેમની સાથે ગયો. આ સમયે બધાની ઓળખાણ થઈ. ઘણી વ્યક્તિ આંખથી જ ગમી જતા હોય છે, તેમની આંખમાં કંઈક હોય છે. તેમનું વ્યક્તિત્વ ગમ્યું. પછી કોઈએ કીધું કે આ પ્રકાશભાઈ છે એમણે આ નાટક લખ્યું છે. એટલે મને ઇશારાથી બોલાવ્યો તો હું તેમની પાસે ગયો એટલે મારી પીઠ પર હાથ ફેરવી પ્રમુખ સ્વામીએ ધબ્બો માર્યો અને કહ્યું કે, પ્રકાશભાઈ લોકોનું કલ્યાણ થાય એવું લખજો.

પ્રકાશ કાપડિયાએ આગળ કહ્યું કે, જાદરમાં એક નાટકોની સ્પર્ધા હતી અને એમાં નાટક લઈને ગયા હતા. જ્યાં અમે ફર્સ્ટ પ્રાઇઝ જીત્યા હતા. આ સમયે જાણીતા ગુજરાતી કલાકાર અરવિંદ પંડ્યાનો દીકરો પણ નાટકમાં કામ કરતો હતો એ મને સત્સંગમાં આવવા માટે પણ કહેતો. પછી મારો પરિચય હિતેન ગણાત્રાસાથે થયો, એમની સાથે વાતમાંથી વાત નીકળી સ્વામીનારાયણની એટલે મેં કીધું હું આવીશ. સૌથી પહેલા તો વિદ્યુત શાહે સ્વામીનારાયણ સંપ્રદાયનો મને પરિચય કરાવેલો.

‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોની માતાનો રોલ કરનાર સુહાસી ધામી અને ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયા.
‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોની માતાનો રોલ કરનાર સુહાસી ધામી અને ફિલ્મના રાઇટર પ્રકાશ કાપડિયા.

મહંત સ્વામીને પણ સંભળાવી ‘ધ વિલેજ ઓફ બુઝો’ની સ્ટોરી
‘ધ વિલેજ ઓફ બુઝો’લખવાનું કેવી રીતે નક્કી થયું તે અંગે પ્રકાશ કાપડિયાએ કહ્યું કે, એક દિવસ હિતેન ગણાત્રાએ કહ્યું, ચાલો, મળવા જઈએ એટલે ત્યાં દાદરમાં હરિનંદ સ્વામી સાથે વાત થઈ અને તેઓ અમારી ઘરે આવ્યા. તેમને મારો સ્વભાવ ગમી ગયો અને નાટકની વાત આવી એટલે તેમણે કહ્યું કે, આ તમે કરો પણ હું વ્યસ્ત હતો. પરંતુ આ વખતે હિતેન ગણાત્રા(પ્રોજેક્ટ હેડ) આ પ્રપોઝલ લઈને આવ્યા અને‘ધ વિલેજ ઓફ બુઝો’કરવાનું નક્કી કર્યું. મહંત સ્વામીને પણ મળ્યા. મેં મારી સ્ક્રિપ્ટ સંભળાવી અને તેમને બહુ ગમી. દાદર અને સુરતમાં પણ નેરેશન કર્યું હતું.

હોલિવૂડવાળા પણ ન કરી શકે એવું કર્યું શૂટિંગનું આયોજન
ફિલ્મના શૂટિંગ અંગે ‘ધ વિલેજ ઓફ બુઝો’ના રાઇટરે કહ્યું કે, આ ફિલ્મ વઘઈમાં તેમની સ્કૂલ છે ત્યાં અને સાપુતારામાં શૂટ થઈ હતી. ‘ધ વિલેજ ઓફ બુઝો’નું સાપુતારાના કદંબ ડુંગર પર શૂટ કર્યું. તેમનું આયોજન કદાચ હોલિવૂડવાળા ના કરી શકે એવું આયોજન જંગલમાં કર્યું હતું. મોટી બાબત તો એ છે કે, બધા હરિભક્ત ત્યાં ખડેપગે હતા. પાણીનો ગ્લાસ લાવીને પણ આપે એવી સેવા કરતા હતા. મને આશ્ચર્ય થયું કે, કંઈક અસર હશે. આ ફિલ્મ 4 દિવસમાં જ શૂટ થઈ ગઈ હતી. ધ વિલેજ ઓફ બુઝો કન્સેપ્ટ તેમણે સૂચવેલો હતો. તેમજ ફિલ્મનું ટાઇટલ પણ તેમણે જ આપેલું છે. લોકેશન પણ સ્વામીજીએ જ શોધ્યું હતું. જ્યારે મારા દીકરા યશ કાપડિયાએ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

...ને ‘બુઝો’ઝાડ પરથી કુદી ગયો
‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોના પિતાનો રોલ કરનારા અને ‘ચંદ્રગુપ્ત મૌર્ય’માં ‘ચાણક્ય’નું પાત્ર ભજવી ઘેર ઘેર જાણીતા બનેલા મનીષ વાધવાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચતીમાં કહ્યું કે, મને આ રોલ હિતેન ગણાત્રા દ્વારા મળ્યો હતો. તેઓ સ્ટાર પ્લસ માટે કામ કરે છે એટલે મને ઓળખતા હતા. સાપુતારામાં શૂટિંગનો ખૂબ આનંદ આવ્યો, શૂટિંગ કરતા પણ બીજો આનંદ વધુ આવ્યો. એકદમ સોફ્ટલી કામ કરવાની મજા આવી. હું પ્રમુખ સ્વામી મહારાજથી ખૂબ પ્રભાવિત છું. ‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોનો રોલ કરનાર પર્વ ખૂબ પ્યારો બાળક છે. તે ખૂબ જ મસ્તીથી કામ કરતો હતો. ઝાડ પરથી કુદવાનો સીન ખૂબ યાદગાર રહ્યો, તે કહેતો હતો કે હું ખૂબ વજનદાર છું તો મને નીચે પડવાનો ડર લાગે છે, તો મેં કહ્યું કે હું છું ને ડર નહીં. તે કુદ્યો અને સીધો મારા પર જ આવ્યો અને પછી તેનો ડર જ દૂર થઈ ગયો. પછી તેને ખૂબ મજા આવવા લાગી એટલે મેં કહ્યું કે, હવે તો તને મજા જ આવશે. પ્રકાશજીએ ખૂબ સારી રીતે આ ફિલ્મ લખી છે. શૂટિંગથી લઈ ડબિંગ સુધી ખૂબ મજા પડી હતી, ત્યાંનો પ્રેમ અને આયોજન ખૂબ જબરદસ્ત હતું. આ એક સ્પેશિયલ અનુભવ હતો. તેઓ નાની બાબતોમાં મોટી મોટી શીખ આપે છે. આ ખૂબ મોટી વાત છે.

પ્રમુખ સ્વામીનગરની મુલાકાત દરમિયાન પર્વ ખખ્ખર.
પ્રમુખ સ્વામીનગરની મુલાકાત દરમિયાન પર્વ ખખ્ખર.

શૂટિંગ દરમિયાન ‘ચાણક્ય’એ આ ફૂડ જ ખાવાનો કર્યો નિર્ણય
મનીષ વાધવાએ તેની આગામી ફિલ્મ અને ગુજરાતી ફૂડ અંગે આગળ જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન મેં કહ્યું હતું કે, હું ગુજરાતી ફૂડ સિવાય કશું જ નહીં ખાવ. ઉંધિયુથી લઈ થેપલા, ઢોકળા, ફાફડા અને જલેબી બધું જ ખાધું હતું. ખૂબ મજા કરી. હું ફિલ્મની જેમ રિયલ લાઇફમાં મારા સંતાનને પ્રોટેક્ટ પણ કરું છું અને તેમને પ્રેમથી સમજાવું પણ છું. મારી આગામી ફિલ્મ અનિલ શર્મા નિર્દેશિત ગદ્દર-2 છે. આ ફિલ્મમાં હું મુખ્ય વિલનના રોલમાં છું.

રાજુલાના વતની છે ‘બુઝો’ના ઓન સ્ક્રીન માતા
મૂળ રાજુલાના વતની અને ‘દેવો કે દેવ મહાદેવ’માં પાર્વતીનો રોલ કરીને જાણીતા બનેલા સુહાસી ધામીએ આ ફિલ્મ અંગે જણાવ્યું કે, મને આ પાત્ર હિતેન ગણાત્રા દ્વારા મળ્યું છે. મેં હિતેનજી સાથે પહેલા ‘દેવો કે દેવ મહાદેવ’દરમિયાન સાથે કામ કર્યું હતું. આ સ્ટોરી જ્યારે તેમણે વાંચી ત્યારે મને એક દિવસ ફોન કરીને કહ્યું કે, આ રોલ છે. આ કોન્સેપ્ટ નક્કી થયો ત્યારે મારા નામ અંગે પણ વિચાર કર્યો હતો. હું ક્યારેય સાપુતારા ગઈ નહોતી, પણ આ ફિલ્મના શૂટિંગ માટે મને પહેલીવાર સાપુતારા જવાની તક મળી હતી. આ જગ્યા ખૂબ જ સુંદર છે. તે જગ્યા ઉપર લોકો સેવા માટે ખડેપગે હતા અને જમવાનું ખૂબ સરસ હતું. સાથે કામ કરનારા કોઈ જૂનિયર નહોતા પણ હરિભક્તો હતા, કોઈ પૈસા માટે કામ નહોતું કરતું. મેં દિલ્હીનું અક્ષરધામ જોયેલું છે, એ ખૂબ જ બ્યુટીફૂલ છે.

‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોના માતાનો રોલ કરનાર સુહાસી ધામી અને પર્વ ખખ્ખર.
‘ધ વિલેજ ઓફ બુઝો’માં બુઝોના માતાનો રોલ કરનાર સુહાસી ધામી અને પર્વ ખખ્ખર.

‘એ છોકરો મસ્ત અને એકદમ બિનધાસ્ત છે’
જ્યારે બુઝોનું પાત્ર કરનારા પર્વ અંગે જણાવ્યું કે, તેની સાથે કામ કરવાની ખૂબ મજા આવી. અમે ઘણો સમય સાથે જ હતા, એ છોકરો મસ્ત અને એકદમ બિનધાસ્ત છે. તેની બોલવાની રીત પણ એકદમ સરસ છે. તેની મમ્મી અને પર્વ મારી સાથે જ હતા. ‘ધ વિલેજ ઓફ બુઝો’દ્વારા છોકરાઓને જે સમજાવવામાં આવ્યું છે એ અમારા પર પણ લાગું થાય છે. હજુ પણ અમે પેરેન્ટ્સ પાસે કારણ માગીએ છીએ અને તેમની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરીએ છીએ. કેમ પેરેન્ટ્સ આપણને રોકે? હજુ પણ મમ્મી એમ કહે કે કેમ આમ કરે છે? પરંતુ એ આપણા સારા માટે જ કરે છે. આ ફિલ્મ દરેક મનુષ્યને મેસેજ આપે છે. ફિલ્મ જરાપણ ગંભીર નથી, સિમ્પલ અને બધા સમજે એવી બનાવી છે. પ્રમુખ સ્વામીજીનો એટલો પ્રભાવ હશે કે, બધાએ નિઃસ્વાર્થભાવે સેવા કરી છે.

‘ધ વિલેજ ઓફ બુઝો’ શોમાં કામ કરનારા બાળકો સાથે પર્વ ખખ્ખર.
‘ધ વિલેજ ઓફ બુઝો’ શોમાં કામ કરનારા બાળકો સાથે પર્વ ખખ્ખર.

‘ધ વિલેજ ઓફ બુઝો’ની આ છે સ્ટોરી
‘ધ વિલેજ ઓફ બુઝો’ના ઓપનિંગ સીનમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશી બાળકોને માતા-પિતાની વાત માનવાની શીખ આપતા જોવા મળે છે. ત્યાર બાદ વાર્તા શરૂ થાય છે.‘ધ વિલેજ ઓફ બુઝો’માં એક બંગારુ જાતિની વાર્તા છે. તેનું ગામ પહાડો વચ્ચે જંગલોમાં આવેલું છે. બુઝોના મનમાં અનેક સવાલો હોય છે, અને તે સવાલોથી તેના માતા-પિતાને પણ મુંઝવણમાં મૂકી દે છે. એક દિવસ એક વાઘ આવીને બુઝોના ગામમાં એક વાછરડાને લઈ જાય છે. જેથી ગામવાસીઓ ભેગા મળીને નક્કી કરે છે કે બાળકોએ ઘરની બહાર ન જવું. આ તરફ બુઝોના પિતા પણ ઘરને ફરતે લાકડા અને દોરીની મદદથી વાડ બનાવી દે છે. સાથે બુઝોને ઘર બહાર ન જવાનું કહે છે. પરંતુ બુઝો માનતો નથી. આથી તેઓ બુઝોને કબીલના મુખીયા બડે બંગારુ પાસે લઈ જાય છે અને તેમના દ્વારા બુઝોની કમરે ઘંટડીઓવાળી દોરી બંધાવી દે છે. તેમણે બુઝોને એમ પણ કહ્યું કે જો આ ઘંટડીઓ છોડશે તો તેની માતા મરી જશે. ગામના ઘણા બાળકોને આવી ઘંટડીઓ બાંધવામાં આવી હતી. જેથી બાળકો ઘરની આસપાસ રમતા હોય તો સતત અવાજ આવે એને માતા-પિતાને જાણ રહે કે બાળક રમી રહ્યું છે. પરંતુ એક દિવસ બુઝો મધની લાલચમાં આવી મિત્રની વાતોમાં આવી જાય છે અને ઘર છોડીને નીકળી જાય છે. બન્ને ઘરથી દૂર ઝરણા પાસે માછલી પકડવા જાય છે ને પછી થઈ જાય છે માતા-પિતાના શ્વાસ અદ્ધર.

અન્ય સમાચારો પણ છે...