સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત વાવેતરને બદલે સૂર્યમુખીનું સફળતાપૂર્વક વાવેતર કરી નવો પથ કંડાર્યો છે. સૂર્યમુખીના વાવેતરથી ખેડૂતને આર્થિક ફાયદો થયો છે, સાથે સાથે એના વાવેતરને કારણે ઇયળો કે જીવાતો અન્ય પાકોમાં લાગતી નથી. એથી બીજા પાકને પણ નુકસાન થતાં અટકે છે. વળી, સૂર્યમુખીની ખેતી ટૂંકા ગાળાની હોવાથી આર્થિક રીતે પણ સારોએવો ફાયદો થાય છે. મગનભાઈને દોઢ એકરમાં 2.5 લાખની કમાણી થઈ છે.
ત્રણ વર્ષથી સૂર્યમુખની ખેતી શરૂ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના મગનભાઇ પરમાર નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં સૂર્યમુખીનું સફળ વાવેતર કર્યું છે. મગનભાઇ પરમાર વઢવાણના મેલડી માતાના મંદિરવાળા રોડ પર ખેતર ધરાવે છે. તેઓ પોતાના ખેતરમાં સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. ત્યારે ઓર્ગેનિક શાકભાજી અને ફળોના વાવેતરની સાથે સાથે તેમણે સૂર્યમુખીનું વાવેતર કરવાનો પ્રયોગ ત્રણેક વર્ષ પહેલાં કર્યો હતો. એમાં પ્રાયોગિક ધોરણે 20થી 25 બીજ વાવ્યાં હતાં, જેમાં સફળતા મળતાં ધીરે ધીરે તેમણે વાવેતરમાં વધારો કર્યો અને આ વર્ષે દોઢ એકર જમીનમાં 500થી વધુ સૂર્યમુખીનું સફળ વાવેતર કર્યું છે.
સૂર્યમુખીનું તેલ ઊંચી કિંમતે વેચાય છે
સૂર્યમુખીનાં ફૂલમાંથી બનતું તેલ બજારમાં ઊંચી કિંમતે વેચાતું હોવાથી ખેડૂતોને કમાણી પણ સારી થાય છે, સાથે સાથે બીજા પણ ફાયદા થાય છે, જેમ કે સૂર્યમુખીનું વાવેતર બીજા કોઇપણ પાકની વચ્ચે સરળતાથી કરી શકાય છે. એમાં કોઇ પ્રકારની દવાનો છંટકાવ કે એને અલગથી પિયત કરવાની જરૂર રહેતી નથી. કોઇ રોગ પણ આવતો નથી તેમજ ખાસ બીજા પાકમાં આવતી ઇયળો કે જીવાતો પણ સૂર્યમુખીનાં ફૂલથી આકર્ષાયને એના પર બેસે છે, જેથી અન્ય પાકને પણ ઇયળોના ઉપદ્રવથી રક્ષણ મળે છે.
ઓર્ગેનિક પાકોનું જાતે વેચાણ કરે છે
હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓના ખેડૂતો પણ સૂર્યમુખીનાં ફૂલના સફળ વાવેતરને નિહાળવા તેમના ખેતરની અચૂક મુલાકાત લે છે. વઢવાણ મેલડી માતાના મંદિર પાસેના રસ્તે તેઓ ખેતર બહાર જ દર રવિવારે સ્ટોલ નાખી ઓર્ગેનિક પાકોનું વેચાણ કરે છે, જેમાંથી સારીએવી કમાણી પણ કરે છે. સૂર્યમુખીનાં ફૂલ જોઇને ઇયળ કે જીવાંત સૂર્યમુખીના ફૂલ તરફ આકર્ષાય છે અને એના પર બેસે છે, આથી એની સાથે રહેલા ઓર્ગેનિક પાકને રક્ષણ મળે છે, આથી સૂર્યમુખીનું વાવેતર કરવાથી ઓર્ગેનિક પાકમાં ખૂબ સારોએવો ઉતારો આવે છે.
ઓર્ગેનિક તેલનો ભાવ સારો મળે છે
બજારમાં મળતું સનફ્લાવર તેલ એ સૂર્યમુખીનાં ફુલમાંથી બનેલું તેલ હોય છે. સીંગતેલ કે કપાસિયા તેલની સામે સનફ્લાવર તેલના સારા ભાવ આવે છે. એમાં જો ઓર્ગેનિક પદ્ધતિથી સનફ્લાવર ઉગાડ્યાં હોય તો એ તેલનો ભાવ વધુ સારો આવે છે. સામાન્ય રીતે સનફ્લાવર તેલનો ભાવ 15 લિટરના રૂ. 2600થી 2700 હોય છે. જ્યારે ઓર્ગેનિક સનફ્લાવર તેલ 4 હજાર રૂપિયા પ્રતિ 15 લિટર વેચાય છે.
જામફળની ખેતી કરી
સામાન્ય રીતે જામફળનો ઉતારો ઉનાળા પહેલાં જ આવે છે. ત્યારે પ્રગતિશીલ ખેડૂત મગનલાલ પરમારે પોતાના ખેતરમાં લખનઉથી જામફળી લાવી એનું વાવેતર કર્યું છે. આ છોડમાં જામફળનો વર્ષમાં બે વખત ઉતારો આવે છે. એમાં ઓર્ગેનિક જામફળ હોવાથી એના ભાવ પણ સારા આવે છે. બજારમાં અન્ય જામફળ રૂ. 30થી 40ના કિલો હોય છે તો ઓર્ગેનિક જામફળના રૂ.70થી 80 પ્રતિ કિલો મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.