ગુજરાતનો સુરેન્દ્રનગર જિલ્લો આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે અગાઉના સમયમાં ઓળખાતો હતો, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મોટે ભાગે પરંપરાગત કપાસ, જીરુ અને ઘઉં જેવા પાકનું જ વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પંથકને થયો છે. ત્યારે છેલ્લા થોડા સમયથી ઝાલાવાડના ખેડૂતો પરંપરાગત વાવેતરને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના શાંતિલાલ પટેલે બે એકર જમીનમાં લીલી દ્રાક્ષનું સફળ વાવેતર કર્યું છે, જેમાંથી પ્રથમ વર્ષે જ 10 લાખ જેટલી રકમની આવક મેળવી છે.
નાશિક ગયા બાદ વિચાર આવ્યો
લીલી દ્રાક્ષ સામાન્ય રીતે ભારતમાં મહારાષ્ટ્રના નાશિક, ધુલિયા જેવાં સ્થળોમાં વધુ થાય છે. ત્યારે શાંતિલાલ પટેલે દાડમના વેચાણ માટે આજથી પાંચેક વર્ષ અગાઉ નાશિક ગયા હતા. એ સમયે દ્રાક્ષના માંડવા જોઇ એનું વાવેતર કરવાનો વિચાર કર્યો હતો. એમાં બે એકર જમીનમાં કુલ 1800થી વધુ રોપાનું વાવેતર કર્યું હતું. એમાં વાવેતર, લોખંડના સ્ટ્રક્ચર સહિતનો કુલ રૂપિયા 13 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. એમાં દ્રાક્ષના માંડવામાં ત્રણ વર્ષ બાદ ઉતારો આવવાની શરૂઆત થાય છે.
12 ટન ઉત્પાદનનો અંદાજ
ગત વર્ષે શાંતિલાલને અંદાજે 4 ટન દ્રાક્ષનો ઉતારો આવ્યો હતો. જ્યારે આ વર્ષે 12 ટનથી વધુ દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ છે. હાલમાં બજારમાં દ્રાક્ષ 80 રૂપિયામાં એક કિલો લેખે વેચાઇ રહી છે, જેનાથી મુજબ ખેડૂતને રૂપિયા 10 લાખથી વધુની આવક થાય તેવો અંદાજ છે. દ્રાક્ષની ખેતી થોડી ખર્ચાળ અને મહેનત માગી લે એવી છે, પરંતુ ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે, કારણ કે દ્રાક્ષનું એક વાર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી એનો ઉતારો આવે છે. જેથી લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થાય છે.
ખેડૂતોને રાહ ચીંધ્યો
ખેડૂત આગેવાલ શાંતિલાલે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર કરી જિલ્લાના તમામ ખેડૂતો માટે ઉદાહરણરૂપ ખેતી કરી છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર લીલી દ્રાક્ષની સફળ ખેતી કરી જિલ્લાના તેમજ સમગ્ર રાજ્યના અન્ય ખેડૂતોને નવી અને અનોખી રાહ ચીંધી છે.જેથી અન્ય ખેડૂતો પણ શાંતિલાલ પાસેથી પ્રેરણા લેવા તેમના ખેતર આવે છે.
મુલાકાતીઓ ઉમટે છે
હળવદથી શાંતિલાલભાઈના દ્રાક્ષના બગીચાને જોવા આવેલા દાઝીભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, દ્રાક્ષ ખૂબ જ મીઠિ છે. અમે આ મીઠિ દ્રાક્ષનું વેચાણ જોઈને આ બગીચાની મુલાકાતે આવ્યાં છીએ. શાંતિલાલભાઈ પાસેથી જીવામૃત સહિતના ઉપયોગથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે સમગ્ર જાણકારી મેળવી છે. અમે અન્ય લોકોને પણ આ રીતે ખેતી કરવા માટે અહિં મોકલીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.