પરંપરાગત ખેતીની જગ્યાએ આધુનિક ખેતી ખેડૂતોને માલામાલ કરી દેતી હોવાનું સામે આવી રહ્યું છે. રણના અમૃત તરીકે ઓળખાતાં તરબૂચની સફળ ખેતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી છે. ટપક સિંચાઇની આધુનિક પદ્ધતિથી ઉપરથી લીલાં-અંદરથી પીળાં અને ઉપરથી પીળાં અને અંદરથી લાલ તરબૂચની ખેતી કરે છે. તેઓ 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરી છે, એ પૈકી 2 વીઘા જમીનમાં ઓર્ગેનિક તરબૂચની ખેતી કરી છે. આમ, તેઓ હવે ઓર્ગેનિક તરબૂચની ખેતી તરફ વળ્યા છે અને 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરીને તેઓ 9 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
શિક્ષકની નોકરીની સાથે સાથે ખેતી કરે છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના 29 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગોજિયાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે M.Sc., M.Ed. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ છેલ્લાં 4 વર્ષથી નોકરીની સાથે સાથે ખેતી પણ કરે છે.
આધુનિક ખેતી તરફ વળ્યા
પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે મારા પિતાજી વર્ષોથી પરંપરાગત એવી કપાસ, મકાઇ, તુવેર, અડદ, ડાંગરની ખેતી કરતા હતા. જોકે મારા પિતાજીની ઉંમરને કારણે ખેતીની જવાબદારી મારા પર આવી ગઇ હતી, જેથી મેં પરંપરાગત ખેતીની સાથે સાથે કંઇક નવું કરવાનું વિચાર્યું હતું, જેથી મેં 2017માં ટપક સિંચાઇ પદ્ધતિથી તરબૂચની ખેતી કરવાનું નક્કી કર્યું હતું. જોકે શરૂઆતમાં સામાન્ય તરબૂચની ખેતી શરૂ કરી હતી, ત્યાર બાદ મેં તરબૂચની ખેતીમાં પણ નવું કરવાનું વિચાર્યું હતું.
આરોહી અને વિશાલા વરાઇટીનું વાવેતર કર્યું
વઘુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ હું જે તરબૂચની ખેતી કરું છું એ એકદમ નવી વરાઇટીની છે, જેમાં આરોહી વરાઇટીમાં તરબૂચ બહારથી લીલું અને અંદરથી એનો પલ્પ પીળા રંગનો હોય છે અને વિશાલા વરાઇટીમાં તરબૂચ બહારથી પીળું હોય છે અને અંદરથી પલ્પ લાલ રંગનો હોય છે. આ બંને વરાઇટી માર્કેટમાં નવી છે. એની મીઠાશ પણ સામાન્ય તરબૂચ કરતાં વધુ હોય છે, એમાં 14 ટકા શુગર હોય છે અને એનો માર્કેટ ભાવ સામાન્ય તરબૂચ કરતાં પ્રતિકિલોએ 5થી 10 રૂપિયા જેટલો વધારે મળે છે અને 70 દિવસમાં તરબૂચનો પાક તૈયાર થઇ જાય છે.
આધુનિક પદ્ધતિથી ઉત્પાદન વધ્યું
પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું કે પહેલીવાર તરબૂચ મૂકવાના થાય ત્યારે અમે પાળા બનાવીને તેની ઉપર ડ્રિપની ટોટી મૂકીએ છીએ અને એની ઉપર મલ્ચિંગ કરીએ છીએ. મલ્ચિંગથી નિંદામણ બિલકુલ આવતું નથી. તરબૂચની આધુનિક ખેતીમાં જીવજંતુઓથી બચવા માટે થોડા થોડા અંતરે ક્રોપ ગાર્ડ પણ લગાવવામાં આવ્યા છે, ક્રોપ ગાર્ડથી ખેતરમાં જીવજંતુ આવતા નથી. જ્યારે જીવજંતુઓ અને માખીઓ માટે ફેરોમેન ટ્રેપ અને સોલર ટ્રેપ લગાવતાં દવાનો ઉપયોગ નહિવત થઈ જાય છે અને એની સીધી અસર ખર્ચના ઘટાડા પર થતાં ઉત્પાદન અને નફો વધ્યો છે.
સારી આવક ઊભી થઈ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિશાલા અને આરોહી વરાઇટીનાં તરબૂચની એક એકર જમીનમાં 50 હજારનો ખર્ચ થાય છે અને એની સામે 2થી અઢી લાખ રૂપિયાની આવક થાય છે. મેં ચાર વર્ષ પહેલાં દોઢ એકર જમીનમાં તરબૂચની ખેતીથી શરૂઆત કરી હતી. આજે હું 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરું છું. અને 4.5 એકર જમીનમાં 9 જેટલી આવક થશે, જેમાં 2.5 લાખ રૂપિયાનો જેટલો ખર્ચ થશે.
લોકડાઉનમાં 6 લાખનું વેચાણ કર્યું હતું
પ્રકાશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે લોકડાઉનના સમયમાં અમે સવારે 7 વાગ્યે ઘરેથી છોટાહાથી લઇને નીકળી જતા હતા. અમે એ સમયે 6 લાખ રૂપિયાનાં તરબૂચનું વેચાણ કર્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં પણ મેં ભાગ લીધો હતો અને ત્યાં 2 હજાર કિલો જેટલાં તરબૂચ વેચાયાં હતાં. આ ઉપરાંત ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીના ફેસબુકની ટીમે પણ મારા ખેતરની મુલાકાત લીધી હતી.
સામાન્ય તરબૂચ કરતાં મીઠા હોય છે
છોટાઉદેપુરના બાગાયત અધિકારી દીપેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લાં 3-4 વર્ષથી છોટાઉદેપુર જિલ્લામાં તરબૂચની ખેતીનું વાવેતર વધી રહ્યું છે. સેગવા સીમળી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇએ આરોહી અને વિશાલા નામની વરાઇટીનું વાવેતર કર્યું હતું, તેમણે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરી હતી. આ બંને વરાઇટીની ખાસિયત એ છે કે સામાન્ય તરબૂચ કરતાં મીઠાં હોય છે. આપણે શિબિર કરીને આ ખેતી માટે ખેડૂતોને માહિતી આપીએ છીએ. તરબૂચની ખેતીમાં મલ્ચિંગ માટે બાગાયત વિભાગ તરફથી સહાય આપવામાં આવે છે, જેમાં ખર્ચના 50 ટકા સુધીની સહાય આપવામાં આવે છે.
ડ્રિપ ઇરિગેશનથી પાણીની બચત થાય છે
ડ્રિપ ઈરિગેશન કંપનીના મેનેજર પીયૂષ પટેલે જણાવ્યું હતું કે પ્રકાશભાઇ ડ્રિપ ઈરિગેશન પદ્ધતિથી ખેતી કરે છે. ડ્રિપ ઈરિગેશન પદ્ધતિ અત્યારે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી છે, કારણ કે એનાથી 70 ટકા પાણીની બચત થાય છે. ડ્રિપ ઈરિગેશન પદ્ધતિથી સિંચાઇ કરવાથી નિંદામણ ખૂબ ઓછું થાય છે અને ઓછું ખાતર આપીને ખેડૂત વધુ ઉત્પાદન લઇ શકે છે. પાકના કટિંગ અને પાણી બંને કામ ખેડૂત એકસાથે કરી શકે છે. સરકાર તરફથી ડ્રિપ ઈરિગેશન માટે 70થી 85 ટકા જેટલી સહાય ખેડૂતોને મળે છે, જેથી મારી ખેડૂતોને ડ્રિપ ઈરિગેશન પદ્ધતિ અપનાવવાની અપીલ છે.
ખેડૂતોને માર્ગદર્શન પણ આપે છે
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ખેડૂતો માટે આધુનિક પદ્ધતિથી ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવા પ્રેરણારૂપ બન્યા છે અને તેમનામાંથી પ્રેરણા અને માર્ગદર્શન લઇને 18 જેટલા ખેડૂતોએ તરબૂચની ખેતી શરૂ કરી છે. પ્રકાશભાઇ પણ હંમેશાં ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપતા રહે છે, જેને કારણે ખેડૂતો પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળીને તરબૂચની ખેતી તરફ વળી રહ્યા છે અને વધારે આવક મેળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.