ભાસ્કર એક્સક્લૂસિવ26/11 એટેકના ઓપરેશનની દિલધડક કહાની:તાજ હુમલામાં 4 આતંકીને પડકાર્યા, ગૌતમ અદાણી-ગોધરાના MP સહિત 150ના જીવ બચાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર

26/11. ભારતના ઇતિહાસમાં એક ન ભુલાય તેવી ઘટના. આ ઘટના ફક્ત ભારત જ નહીં, આખી દુનિયાને યાદ રહી ગઈ છે, કારણ કે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી આતંકવાદીઓ સામે ઓપરેશન ચાલ્યું હતું. મુંબઈને આતંકીઓએ બાનમાં લીધું હતું અને 9 આતંકવાદી સહિત 175 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનારા લોકોમાં સામાન્ય લોકોથી લઈને મુંબઈના પ્રખ્યાત પોલીસ ઓફિસર અને વિદેશીઓ પણ સામેલ હતા. આજની તારીખે પણ મુંબઈ હુમલાની ચર્ચા વારંવાર થતી રહે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે મુંબઈ હુમલા વખતે હોટલ તાજમાં સૌથી પહેલા રેસ્ક્યૂ-ઓપરેશન માટે ગયેલા મારકોસ (MARCOS - મરીન કમાન્ડો)ના પોઈન્ટ મેન અને 150થી વધુ લોકોને બચાવનાર પ્રવીણ તેવટિયા સાથે વાત કરી હતી. પ્રવીણ તેવટિયા પોતાના 16 સાથીદારની 2 ટીમ બનાવીને તાજ હોટલમાં ગયા હતા, જ્યાં બીજે માળ એક જ રૂમમાં એકલા 4 આતંકવાદી સાથે ઝીંક ઝીલી હતી. એને કારણે તે આતંકીઓ બાજુના જ રૂમમાં સંતાયેલા 150થી વધુ લોકોને બંદી બનાવવાનો પ્લાન પડતો મૂકીને અન્ય બિલ્ડિંગમાં ભાગ્યા હતા.

પ્રવીણ તેવટિયા સાથે ફોન પર વાત થઈ ત્યારે તેઓ મેટ્રોમાં બેઠા હતા અને ઘરે જઇ રહ્યા હતા. એ હવે ગાઝિયાબાદ ખાતે રહે છે, જે તેમનું ગામ ભટોના, બુલંદશહેરથી 50 કિમી દૂર આવેલું છે. નેવીમાંથી રિટાયર થયા બાદ પ્રવીણ હવે ટ્રેનિંગ આપે છે, ટોક શો કરે છે. ઉપરાંત મહિનામાં 2 મેરેથોન દોડે છે. એ માટે તેઓ દેશના બધા ભાગોમાં જાય છે. તેઓ કહે છે કે મારું પેન્શન આવે છે. મારા ખર્ચા બહુ નથી. મારે તો મેરેથોનની ટ્રેનિંગ માટે રૂપિયાની જરૂર પડે છે. એ માટે એડજસ્ટ કરી લઉં છું. મેં મારા પ્રોવિડન્ટ ફંડમાંથી ત્રણ વખત સાઉથ આફ્રિકા, અમેરિકા અને મલેશિયામાં આયર્નમેન રેસ પૂરી કરી છે. સૌથી ઓછો સમય 14 કલાક 19 મિનિટ સાઉથ આફ્રિકામાં હતો. આયર્નમેન રેસ એના નિશ્ચિત સમયમાં પૂરી કરે તેને આયર્નમેન કહે છે.

26/11ની ઘટના, ચેનલના એંકર દ્વારા આતંકીઓને લોકોનું લોકેશન મળ્યું
એ વખતે તેમની નાઈટ ડ્યૂટી હતી. અચાનક જ તેમના સિનિયરે આવીને તેમને મુંબઈ એટેકના સમાચાર આપ્યા હતા. તેવટિયા તેમની ટીમ સાથે તરત હોટલ તાજ જવા રવાના થયા હતા. એ પહેલા મારકોસની અન્ય એક ટીમ બીજા સ્થળે રેસ્ક્યૂ-ઓપરેશન માટે પહોંચી ગઈ હતી. રાત્રે 1.10 વાગ્યા હતા. સવારે 4 વાગ્યે તેવટિયા આતંકીઓ જ્યાં હતા એ રૂમમાં ઘૂસ્યા હતા. એ વિશે તેઓ કહે છે કે ત્યાં ત્રણ લગ્ન હતાં. એના બધા મહેમાનો ત્યાં હતા. ત્યારે એક ટીવી ચેનલના એન્કર તાજમાં ફસાયેલા એક એમપી સાથે ટીવી પર લાઇવ વાતો કરતા હતા. એમપીએ તેમને કહ્યું હતું કે અમે 150 લોકો આ ટાવરમાં- ચેમ્બરમાં છીએ. એ વાતો પાકિસ્તાનમાં સાંભળીને આતંકીઓને ત્યાં જવા સૂચના આપી કે "આનાથી સારો મોકો નહીં મળે. નવી તાજમાં 150-200 લોકો છે. એ બધા હાઇ પ્રોફાઇલ લોકો છે. તેમને હોસ્ટેજ બનાવી લો." ત્યારે એ ચાર લોકો વચ્ચે ગણગણાટ થતો હતો, પણ શું વાતો થતી હતી એ સંભળાતું નહોતું, કારણ કે ગોળી વાગવાથી એક કાન પહેલાં જ બંધ થઈ ગયો હતો. તેમને ખબર હતી કે હું જીવતો છું. એ રૂમમાં અમે 5 (હું ઉપરાંત 4 આતંકી) જ હતા. મેં જીવ પર આવીને મરો કે મારો વિચારીને ગોળીબાર શરૂ કર્યો. એ વખતે મારી ટીમે ટીયર ગેસ અંદર ફેંક્યો. દરમિયાન એક આતંકીને ગોળી વાગી એટલે એ ચારે ત્યાંથી 150 લોકોને બંદી બનાવવાને બદલે જૂના બિલ્ડિંગમાં ભાગી ગયા. હું દરવાજા બાજુ આવતા રહ્યો. એ પોતાની પાછળ 7 ભરેલી AK47, 130 રાઉન્ડ, સાત બોમ્બ સહિતનાં હથિયારો છોડતા ગયા.

હું આજે જ્યારે એ વિશે વિચારું તો લાગે છે કે આ મેં કોના માટે કર્યું? કોના માટે મેં મારો જીવ દાવ પર લગાવ્યો? કોને પૂછવું? જેમણે મને આવીને પૂછ્યું નથી કે તમે કેમ છો? એ સરકારને પૂછું, જેમની પાસે સૈનિકો માટે કોઈ પોલિસી નથી? મહિલાઓ- અપંગો- સાંસદો માટે આરક્ષિત સીટો રાખે છે, પણ સૈનિકો માટે કંઈ નથી રાખતા તેમને પૂછું?

પીએમને મળવાનો પ્રયત્ન કર્યો?
વર્ષ 2017માં રિટાયર થયા બાદ મેં ઘણાં બધાં ઇમેલ કર્યા અને પત્રો પણ લખ્યા, પરંતુ કોઈનો રિપ્લાય નથી આવ્યો. યોગીજીને પણ ઈમેલ કર્યા હતા, પણ ત્યાંથી પણ જવાબ નથી આવ્યો. કેટલીય વખત તેમણે સૈનિકો માટે પ્રોગ્રામ કર્યા, પણ ક્યારેય બોલાવ્યો નથી. હું મારી જાતે જ જતો રહું ત્યાં?

તેમના સિવાય બીજા કોઈને મળવાનો પ્રયત્ન કર્યો?
ડિફેન્સ મિનિસ્ટરને ઇમેલ કર્યો હતો. બીજા મંત્રીઓને પણ ઘણાં ઈમેલ કર્યા હતા. એક એમપીને ઈમેલ કર્યો તો તેમનો જવાબ આવ્યો. ત્યાં પુસ્તક ભેટ કરીને પાછો આવી ગયો હતો. વાત પતી ગઈ.

પીએમ કે યોગીને મળીને શું કરશો?
એટલું જ કે મારા વિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલય બનાવો. હું મારાં બાળકોના ભણતર માટે ગાઝિયાબાદ આવ્યો છું. મારે મારા ગામમાં જ રહેવું છે. સૌથી વધુ સૈનિકો મારા વિસ્તારમાંથી જ આવે છે, પણ ત્યાં સૈનિક સ્કૂલ નથી. એ 28 કિમી દૂર છે. બીજું કંઈ આપવા માટે તેમની પાસે કંઈ છે પણ નહીં. તેમની પાસે હું શું માગું? જે માણસ પોતાની સીટ બચાવવા વોટ માગતો હોય તેની પાસેથી તમે શું આશા કરી શકો? તેમની પાસે પોતાનું જ કંઈ નથી એ મારી માટે શું કરી શકે? રૂપિયા આપે તો એ ભીખ મારે નથી જોઈતી. મહારાષ્ટ્ર સરકારની ભીખ પણ નથી લીધી. એક લાખ રૂપિયા પ્રધાનમંત્રી કેરથી આવ્યા એ બેંકમાં સીધા આવ્યા હતા. એ ચેક આપ્યો હોત તો એ પણ ન લેત.

અદાણીને બચાવ્યાનો દાવો
હું રિટાયર થયો એ પછી મેં તપાસ કરી ત્યારે મને જાણ થઈ કે ત્યાં કોણ હતા. અદાણી એ જ 150 લોકોમાં હતા. તાજનો સ્ટાફ પહેલાં તેમને બેઝમેન્ટમાં લઈ ગયો. પછી બીજે માળ ચેમ્બરમાં લઈ ગયા, કેમ કે સૌથી સુરક્ષિત અને મોટી જગ્યા હતી. આટલા બધાને એકસાથે બીજે ક્યાંય રખાય એમ હતું નહીં. તેમના સિવાય કુન્નુરના એમપી, એક ગોધરાના એમપી, બે યુપીના એમપી હતા. અદાણીની સાથે દુબઈ પોર્ટના સીઇઓ હતા. યુએસ અને આફ્રિકન સહિત ઘણા વિદેશીઓ ત્યાં હતા.

ગ્રેનેડ ફેંક્યો, પણ ફૂટ્યો નહીં
તેઓ આગળ કહે છે, અમે પાંચેય ત્યાં રૂમમાં જ હતા. લગભગ 20 મિનિટ સુધી. અંદરોઅંદર ઘણું ફાયરિંગ ચાલ્યું. પણ ટિયરગેસે આખો મામલો બગાડ્યો. (તેમના સાથીદારોએ તેવટિયાને મૃત માનીને આતંકીઓ માટે રૂમમાં ટિયરગેસ ફેંક્યો હતો). એ પહેલાં મેં ગ્રેનેડ પણ ફેંક્યો હતો ત્યારે વિચાર્યું નહીં કે આની પર મારું પણ મોત લખેલું છે, કારણ કે હું પણ ગ્રેનેડની રેન્જમાં હતો. લાસ્ટ બ્રેધ સુધી હું લડવાનો હતો. પણ એ ગ્રેનેડ ના ફાટ્યો. એને બાદમાં પોલીસે રિકવર કર્યો હતો.

હજી સુધી છરા છાતીમાં છે
હજી સુધી બુલેટ સ્પ્લિન્ટર (ગોળીના છરા) મારી છાતીમાં છે. એ નીકળવાના પણ નથી. તાપમાન 30થી વધુ થાય અને હું તડકામાં વધુ સમય ઊભો રહું તો તકલીફ થાય. દુખાવો કરે છે. એનું કંઈ થઈ શકે એમ પણ નથી.

નેવીએ બોમ્બ બદલ્યા કે એ જ બોમ્બ વાપરે છે?
મને એ નથી ખબર. એ તેમનું જાણે. હું મારી વાત કરું છું. હું કોઈની પર આક્ષેપ પણ નથી કરતો.

અદાણીને ક્યારેય મળવાનો પ્રયત્ન કર્યો?
ના. જેને મેં શ્વાસ આપ્યા તેની પાસે હું શું માગું અને કેમ મળું હું તેમને? મેં તો આપ્યું છે, લીધું નથી.

રતન ટાટાને મળ્યા?
ના. મન નથી થતું. મને તાજમાં સિક્યોરિટી ઓફિસરની નોકરી મળી હતી. એ છોડીને આવી ગયો, કારણ કે મને એમાં અહેસાન વધારે લાગતું હતું. ઉપરથી આયર્નમેન માટેની તૈયારીમાં પણ તકલીફ થતી હતી. મને એવું લાગે છે કે મારી આશાઓ જ વધી ગઈ હતી કે કોઈ મારા માટે કંઈ કરશે, પણ એ ભ્રમ ઘણી જલદી તૂટી ગયો કે હું જ ખોટો છું, લોકો પાસે આશા રાખું છું.

'અનફિટ' જાહેર થયા બાદ તમે પહેલીવાર વિશાખાપટ્ટનમ ડેમમાં કૂદ્યા એ અનુભવ કેવો હતો?
વર્ષ 2011. એ દિવસથી જ મેં મારી સ્ટ્રેન્થ વધારવાની શરૂઆત કરી. મારી ડ્યૂટી હતી, બીજા બધા માટે જમવાનું તૈયાર કરાવવાનું એટલે સૌથી પહેલાં હું જાગી જતો. પછી બાકીના બધાને જગાડતો. ત્યારે આગલા દિવસની ખટક હતી જ. (મિત્રો તેમને તરવા માટે કહેતા હતા, જેની માટે તેવટિયા અનફિટ જાહેર થયા હતા.) એટલે ઊઠીને સૌથી પહેલા મેં પોતાને જગાડ્યો અને સમજ્યા કે વિચાર્યા વગર ડેમમાં કૂદકો મારી દીધો. ત્યારે 3-4 મીટર ઊંડે પાણીમાં ગયો હતો પણ ક્લિયરન્સ ડાઈવર તરીકે હું 55 મીટર સુધી પાણીમાં ઊંડે જઇ ચૂક્યો હતો. ક્લિયરન્સ ડાઈવર તરીકે માઇન ક્લિયરન્સ, માઇન લેન્ડિંગ વગેરે તેમનું કામ હોય છે.

હવે શું કરો છો?
સવારે 4 વાગ્યે ઊઠીને પ્રેક્ટિસ શરૂ કરી દઉં છું. 5 વાગ્યે 10 કિમી રનિંગ રોજ કરું છું. રવિવારે હાફ મેરેથોન અથવા અન્ય ઇવેન્ટમાં ભાગ લઉં છું. અત્યારે મેરઠ યુનિવર્સિટીમાંથી લૉ ભણું છું. બપોરે કોર્ટ જઉં છું. પછી મારાં બાળકોને ભણાવું છું ત્યાં 8 વાગી જાય છે. મને ભણાવવાનો ઘણો શોખ છે. અત્યારે તો મારાં બે બાળકોને જ ભણાવું છું, પણ નેવીમાં નોકરી લાગી એ પહેલાં ગામમાં બાળકોને ભણાવતો હતો. ત્યારે 100 રૂપિયા ફી લેતો હતો. એ વખતે 100 રૂપિયા પણ ઘણા હતા. એમાંથી જૂતાં અને ટીશર્ટ લઈ આવતો હતો. મહિનામાં એક-બે મેરેથોન તો હું દોડું જ છું. એ માટે દેશના વિવિધ ભાગોમાં જવાનું થાય છે. અત્યારસુધી હૈદરાબાદ, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, દુબઈ, ન્યૂયોર્ક સહિત ઘણી જગ્યાએ જઈને આવ્યો છું.

કેબીસીમાં અનુભવ કેવો હતો? ઓફસ્ક્રીન અમિતાભ બચ્ચન સાથે કોઈ વાત થઈ?
સિમ્પલી કહું તો તેમને એક વાર્તા મળે છે, જેના આધારે એ પોતાની વાતો કરે છે. મારા ગોલ શું છે? શું કરવા માગું છું એવી કોઈ વાતો નથી થઈ અથવા હું તમારા શું કામ આવી શકું છું? એવી કોઈ વાત તેમણે મને નથી કરી. એ બહુ જ પ્રોફેશનલ માણસ છે. એવરેજ અનુભવ હતો. મને જેટલી મજા આયર્નમેન રેસમાં આવે છે એટલી બીજે ક્યાંય નથી આવતી. એ મારા માટે ઑક્સિજન છે.

તમારી બુકમાં 'ક્રિપલ'(દિવ્યાંગ) અને 'અનફિટ' શબ્દો લખ્યા છે એ વિશે જણાવો
એમની ભાષા જ એવી છે. મારા હાથમાં બંદૂક આપી હોત તો મને સારું લાગ્યું હોત, પણ તેમણે (તેમના યુનિટે) કહ્યું કે તું એને લાયક બચ્યો જ નથી. તું લંગડો ઘોડો થઈ ગયો છે. કોઈ લેવલની વાત નથી થતી. પણ એ જ બધી સ્થિતિએ મને ઘણો મજબૂત બનાવ્યો છે.

જો તમને અનફિટ જાહેર ના કર્યા હોત તો આજે છો ત્યાં પહોંચી શક્યા હોત?
હું ક્યાંય ના હોત. લોકો પાસેથી સાંત્વના માગતો હોત. રડતો હોત, કારણ કે એવું જ થાય છે. ઘાયલ સૈનિક રડતા જ હોય છે. ઑફિસોનાં ચક્કર કાપતા હોય છે, પણ મેં એને પોઝિટિવમાં કન્વર્ટ કર્યું, નહીં તો બેંકમાં ક્લાર્ક બનીને બેઠો હોત અથવા ત્યાં જ નોકરી કરતો હોત. પછી રિટાયર થઈ જાત.

તમે તમારાં બાળકોને શું બનાવશો?
આ સવાલ ફોજને કરવો જોઈએ કે પ્રવીણ તેવટિયાએ આવું કામ કર્યું છે તો તેના છોકરાઓને સૈનિક શાળામાં જગ્યા મળવી જોઈએ? એ બધું સેનાએ કરવાનું હોય, મારે નહીં, પ્રવીણે આટલું સારું કર્યું તો તેનાં બાળકો વધુ સારું કરશે એ સેનાએ વિચારવું જોઈએ.

તમે રિટાયર થયા બાદ આ રીતે બ્લન્ટ વાત કરો છો તો કોઈ સિનિયરે કંઈ કહ્યું?
તેમની જવાબદારી નથી. હું બોલું છું એ મારી જવાબદારી છે. હું ઇન્ટરવ્યૂ કરું છું તો તેમને રિપ્રેઝન્ટ ક્યારેય નથી કરતો. હું ખુદને રિપ્રેઝન્ટ કરું છું.

તો કોઈ મળે અને તમને હીરો કહે...
હું કઈ રીતે હીરો છું? તમે બોલિવૂડનાં ગીતો સાંભળો છો. એમના ડીપી મૂકો છો અને મને હીરો કહો છો. મારો ડીપી નથી મૂક્યો તો હું ક્યાંથી હીરો થયો? મને દેખાડવા માટે જ કહો છો તો નથી જોઈતું એ. તમે તમારી પાસે જ રાખો. તમે હોલિવૂડ, બૉલિવૂડ ફોલો કરો છો અને મને કહો છો તમે મારા હીરો છો. તો હું ક્યાંથી હીરો બન્યો? આ તો બંને અલગ વાત થઈ. એટલે મને એનાથી કોઈ ફરક નથી પડતો. મારી સાથે બસ હાથ મિલાવીને જતા રહો એ મને સારું લાગશે. મારા સન્માનથી મારું ઘર નથી ચાલવાનું.

રાષ્ટ્રપતિના હાથે મેડલ મળવાનો હતો એ વખતે ડ્રેસ નહોતો, માસ્ટરજીએ મદદ કરી એ ઘટના શું હતી?
તેમનો તો મેં ઘણો જ આભાર માન્યો. હું અડચણમાં હતો, તેમણે બચાવી લીધો. હું આજે પણ તેમને મનમાંથી કાઢી નથી શક્યો. જ્યારે બધાએ સાથ છોડી દીધો ત્યારે એ સામાન્ય નાગરિક જે મને નથી ઓળખતો, તેણે તેની લિમિટ બહાર જઈને રાત્રે ડ્રેસ તૈયાર કર્યો. એ બેઝમાં અંદર રહે છે એટલે હું તેમને મળી નથી શકતો. (તાજ હોટલમાં કરેલા ઓપરેશન બાદ તેવટિયાને શૌર્યચક્ર મળવાનો હતો. ત્યાં સુધીમાં તેમનું વજન વધી જતાં તેમનો ડ્રેસ નાનો પડ્યો હતો. તાત્કાલિક તેમને નવો ડ્રેસ સિવડાવવો પડે એમ હતો. બપોરે એ નેવીના ઓફિશિયલ દરજી પાસે ગયા અને રિક્વેસ્ટ કરી કે બીજે દિવસે દિલ્હી માટે ટ્રેન પકડવાની છે. એ દરજીએ તેમને બીજા દિવસે સવારે નવો ડ્રેસ સીવી આપ્યો હતો. એ દિવસોમાં તેમની સાથે લગભગ આ એક જ સારો બનાવ બન્યો હતો.)

નેવીની એક વ્યક્તિએ તેમના જીવનની દિશા બદલી નાખી
​​​​​​​​​​​​​​તેઓ બહુ જ સારા માણસ હતા. તેઓ મને સમજી ગયા હતા, તેમણે મને કહ્યું કે જુઓ પ્રવીણભાઈ, સીધી વાત છે, તમે સિસ્ટમ બદલી નહીં શકો, ન તો લોકોની મેન્ટલિટીને બદલી શકશો. તમે સેલર છો અને સેલર જ બનેલા રહેશો. સેલર એ વંદા જેવો છે, એને ક્યારેય, કોઈપણ કચડી શકે છે. તમે પોતાની માટે ફક્ત ભીખ માગી શકો છો, બીજું કંઈ ન કરી શકો એટલે તમે અહી રોકાશો નહીં. જાઓ અને તમારી ક્ષિતિજો વધારો. જોકે તેમનું નામ હું નહીં કહી શકું. પણ તેઓ સિસ્ટમને બહુ સારી રીતે સમજતા હતા એટલે તેમણે મને રસ્તો બતાવ્યો. તેમને ખબર હતી કે મારી કેપેસિટી શું છે.

નેવીમાં તમને એક્સટેન્શન ન મળ્યું?
નેવીમાં 15 વર્ષનો બોન્ડ હોય છે. એ પછી એક્સટેન્ડ કરી શકાય છે. મને પૂછવામાં આવ્યું ત્યારે મેં ના પાડી, કારણ કે મારે રોકાવું જ નહોતું. મને આઝાદી વધારે પ્રિય હતી. મારે આયર્નમેન કરવું હતું. લક્ષ્ય સાધવાં હતાં. મને ખબર હતી કે અહી મારું કોઈ માઈબાપ નથી. કોઈ સમજવાવાળું નથી. એના કરતાં સારું હતું કે પોતાની રીતે જ નીકળી જાઓ અને એક્સટેન્શન માટે ના પડતાં મને જરાય ખચકાટ ન થયો. દેશની સેવા આજે પણ કરું છું, ત્યાં તો હું ડ્યૂટી કરતો હતો. બધા ડ્યૂટી કરે છે, કોણ સેવા કરે છે? કોઈપણ પગાર વગર કરો એને સેવા કહેવાય. આ બધાના એક મહિનાના પગાર રોકી જુઓ. સેવાના નામની હવા કેવી રીતે નીકળી જાય છે.

હોસ્પિટલમાં તમને કોઈ લેવા કેમ ન આવ્યું?
મારા મનમાં ઘણા સવાલ હતા પણ મેં પૂછ્યા નથી. જુનિયર તરીકે કોને પૂછી શકાય? હું ઇજાગ્રસ્ત હતો, મારે ઘરે જવું હતું. મને જવાબ મળવાનો પણ નહોતો ત્યાંથી. તેઓ થોડી સોરી બોલવાના છે? શહીદની બોડી પણ પ્લેનમાં મોકલાય છે, પણ એક ઇજાગ્રસ્ત સૈનિક માટે કંઈ ના થઈ શકે? રૂપિયાની કમી હતી? દેશ એટલો ગરીબ છે? જો હું શહીદ થયો હોત તો મારી તસવીર બની હોત, ગામમાં સ્કૂલ અને રોડ મારા નામ પર હોત, એક પેટ્રોલપંપ મળત, એક ઘર મળી જાત, સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ ખજાનો ખોલી નાખતા, પરંતુ જો હું શહીદ થયો હોત તો, પણ હું બચી ગયો.

તાજ હોટલની એ ઘટનામાં પ્રવીણ તેવટિયા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. એ પછી ડૉક્ટરે તેમને અનફિટ જાહેર કર્યા હતા. તેમનો એક કાન ગોળી વાગવાથી કપાઈ ગયો હતો. એક ફેફસું પણ ડેમેજ થઈ ગયું હતું. સરખી રીતે ચાલી પણ ન શકતાં પ્રવીણ તેવટિયા પોતાને ફિટ જાહેર કરવા માટે મેરેથોન દોડ્યા અને દુનિયાની સૌથી ટફ રેસ ગણાતી આયર્નમેન રેસ પણ પૂરી કરી હતી. આજે પણ તેઓ એક જ ફેફસાં પર જીવી રહ્યા છે. ડિસ્ચાર્જ કરતી વખતે ડૉક્ટરે તેમને કહ્યું હતું કે દુનિયાના તમે એકમાત્ર એવા માણસ છો, જે એક ફેફસું હોવા છતાં જીવો છે.

અન્ય સમાચારો પણ છે...