તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિલ્હીના નિગમબોધ ઘાટથી રિપોર્ટ:જે દુકાનો પર અંતિમસંસ્કારની પૂજા સામગ્રી મળતી હતી, ત્યાં હવે પીપીઇ કિટ અને મોજાં વેચાઈ રહ્યાં છે

નવી દિલ્હી8 મહિનો પહેલાલેખક: રાહુલ કોટિયાલ
  • કૉપી લિંક
સામાન્ય રીતે આ ઘાટ પર સરેરાશ 50 મૃતદેહ દરરોજ આવતા હતા. પરંતુ હાલના દિવસોમાં માત્ર કોરોનાથી થતાં મોતને કારણે જ લગભગ 25 મૃતદેહ રોજ આવી રહ્યા છે. - Divya Bhaskar
સામાન્ય રીતે આ ઘાટ પર સરેરાશ 50 મૃતદેહ દરરોજ આવતા હતા. પરંતુ હાલના દિવસોમાં માત્ર કોરોનાથી થતાં મોતને કારણે જ લગભગ 25 મૃતદેહ રોજ આવી રહ્યા છે.
  • ગત રવિવારે માત્ર નિગમબોધ ઘાટ પર જ કુલ 31 કોરોના સંક્રમિત લાશોના અંતિમસંસ્કાર થયા
  • નિગમબોધ ઘાટ પર લાકડાંની ચિતા સાથે જ સીએનજીથી ચાલતી ભઠ્ઠીઓમાં પણ અગ્નિદાહ આપવામાં આવે છે

નિગમબોધ ઘાટ પહોંચેલી 32 વર્ષની કુસુમના પિતાનું મોત આજે સવારે જ કોરોનાના લીધે થયું છે. તેઓ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી દાખલ હતા. મોત પછી હોસ્પિટલ તંત્રએ તેમના પિતાની લાશને સીલ કરીને પોતાના જ વાહનમાં નિગમબોધ ઘાટ સુધી પહોંચાડી.

હોસ્પિટલના જ બે કર્મચારી પીપીઈ કિટ પહેરીને આ લાશને ઘાટ સુધી લાવ્યા છે. કુસુમે છેલ્લા સમયમાં પોતાના પિતાનો ચહેરો પણ જોયો નહોતો, આથી તે નિગમબોધ ઘાટના સેવાદારોને હાથ જોડીને અને રડતા અનુરોધ કરી રહી હતી કે તેમને એક છેલ્લીવાર તેના પિતાનો ચહેરો જોવાની અનુમતિ આપે.

નિગમબોધ ઘાટના એક સેવાદાર કુસુમને સમજાવે છે કે કોરોના સંક્રમિત મૃતદેહનો ચહેરો ખોલવાની અનુમતિ નથી અને એમ કરવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે, પરંતુ પોતાના પિતાના અંતિમ દર્શનની કુસુમની જીદને જોઈને એ સેવાદાર તેની અનુમતિ આપી દે છે. કુસુમના પિતાના મૃતદેહને ફરી એ જ વાહનમાં થોડા સમયમાં રાખવામાં આવે છે, જેમાં હોસ્પિટલથી તેમને લાવવામાં આવ્યા હતા.

પીપીઈ કિટ પહેરીને બે લોકો મૃતદેહનો ચહેરો થોડી સેકન્ડ માટે ખોલે છે અને તરત જ લાશને ફરી સીલ કરીને ચિતા પર રાખી દે છે. નામ ન છાપવાની શરતે એક સેવાદારે કહ્યું, ‘અમે સૌ આ મહામારી વચ્ચે પણ અંતિમસંસ્કાર કરી રહ્યા છીએ, કેમ કે એ ધર્મનું કામ છે. તેમાં અમને અને અમારા પરિવારને પણ સંક્રમણનું જોખમ છે, પરંતુ તેમ છતાં અમે પૂરી લગનથી પ્રતિદિન ડઝનબંધ લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ. અમને આકરા નિર્દેશ છે કે સંક્રમિત મૃતદેહથી પરિવારજનોને દૂર રાખવામાં આવે અને તેને ખોલવાની તો બિલકુલ મંજૂરી નથી, પરંતુ એક પુત્રીનાં આંસુ અને પોતાના પિતાનાં અંતિમ દર્શનની ઈચ્છા આગળ અમે પણ લાચાર છીએ.

ગત રવિવારે જ માત્ર નિગમબોધ ઘાટ પર કુલ 31 સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગત રવિવારે જ માત્ર નિગમબોધ ઘાટ પર કુલ 31 સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

હું ખુદ એક પુત્રીનો પિતા છું. હું સમજી શકું છું કે આ દીકરી પર શું વીતી રહી હશે. તે છેલ્લી વખત જો પોતાના પિતાનો ચહેરો જોઈ ન શકી હોત તો કદાચ ક્યારેય આ દુઃખમાંથી બહાર ન આવી શકી હોત. તેથી અમે મૃતદેહનો ચહેરો જોવાની અનુમતિ આપી.’

બપોરે એક વાગ્યા સુધી દિલ્હીના નિગમબોધ ઘાટ પર એક ડઝનથી વધુ કોરોના સંક્રમિત મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો. આ પરિસરમાં લાકડાંની કુલ 104 ચિતાની વ્યવસ્થા છે, જેમાં 52 ચિતાને કોરોના સંક્રમિતો માટે અલગ કરી દેવાઈ છે.

દિલ્હીમાં જે ઝડપથી કોરોનાથી થતાં મોતોની સંખ્યા વધી છે તેની સીધી અસર નિગમબોધ ઘાટ પર જોઈ શકાય છે, જે દિલ્હીનો સૌથી મોટો સ્મશાન ઘાટ છે. ગત રવિવારે જ નિગમઘાટ પર કુલ 31 કોરોના સંક્રમિત મૃતદે​​​​​હોના અંતિમસંસ્કાર કરાયા હતા.

ગત એક પખવાડિયાની વાત કરીએ તો આ ઘાટ પર 287 કોરોના સંક્રમિત મૃતદે​​​​​હોને અગ્નિના હવાલે કરાઈ હતી. આ ઘાટનું સંચાલન કરતી ‘બડી પંચાયત વૈશ્ય બીસે અગ્રવાલ’ સમિતિના મુખ્ય મેનેજર સુમન કુમાર ગુપ્તા કહે છે, ‘સામાન્ય રીતે આ ઘાટ પર સરેરાશ 50 મૃતદેહ દરરોજ આવતા હતા, પરંતુ હાલના દિવસોમાં માત્ર કોરોનાથી થતાં મોતને કારણે જ લગભગ 25 મૃતદેહ રોજ આવી રહ્યા છે અને કુલ મૃતદેહોની સંખ્યા તો ઘણી વધી ગઈ છે. બે દિવસ અગાઉ અહીં 121 મૃતદેહ એક જ દિવસમાં આવ્યા હતા. આટલી સંખ્યા અગાઉ ક્યારેય જોઈ નથી.

સામાન્ય રીતે નિગમબોધ ઘાટ પર જે મંત્રોની ગુંજ સાંભળવા મળતી એના સ્થાને હવે કોરોના અંગેના નિર્દેશોના ઉદ્ઘઘોષે લીધું છે. ઠેકઠેકાણે લાગેલાં સ્પીકર લોકોને જણાવે છે કે તેઓ સામાજિક અંતરનું ધ્યાન રાખે. ઘાટના સેવાદારોને સહયોગ આપે અને એક મૃતદેહની સાથે વધુમાં વધુ 20 લોકો જ ઘાટ પર જાય.

ઘાટનો નજારો એટલા માટે પણ બદલાયેલો જોવા મળે છે કે સામાન્ય રીતે જ્યાં મૃતદેહની સાથે સ્મશાન ઘાટ પર ગયેલી દરેક વ્યક્તિ જ મૃતદેહને કાંધ અને લાકડીઓ આપતી નજરે પડતી હતી, એના સ્થાને હાલના દિવસોમાં લોકો મૃતદેહની નજીક આવવાથી પણ દૂર રહે છે અને પીપીઈ કિટ પહેરેલા બે-ત્રણ લોકો જ મૃતદેહને કાંધ આપે છે.

ઘાટની બહાર લાગેલી દુકાનો પણ કંઈક બદલાયેલી લાગે છે. જે દુકાનોમાં અંતિમસંસ્કારની પૂજા- સામગ્રી વેચાતી હતી ત્યાં હવે પીપીઈ કિટ, મોજાં અને ફેસ શીલ્ડ જેવી ચીજો વેચાઈ રહી છે. એવી જ એક દુકાનના માલિક ગૌરવ કહે છે, ‘હાલના દિવસોમાં કોરોના સંક્રમિત મૃતદેહોની સંખ્યા વધી છે પણ હવે પહેલાં જેવો ભય લોકોમાં નથી. શરૂઆતના સમયમાં તો કોઈને ખબર નહોતી કે આ મૃતદેહના અંતિમસંસ્કાર કઈ રીતે કરવાના છે.

કોઈપણ તેમની નજીક જતું નહોતું અને માત્ર સીએનજીવાળા સ્મશાનગૃહોમાં જ તેમને અગ્નિદાહ અપાતો હતો પણ હવે સ્થિતિ થોડી અલગ છે. હવે તો આ મૃતદેહના પણ વિધિવિધાન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવે છે. પિંડદાનથી લઈને અસ્થિવિસર્જન સુધીની તમામ ક્રિયાઓ પૂરી કરાવાય છે.’

નિગમબોધ ઘાટ પર લાકડાંની ચિતાઓની સાથે સીએનજીથી ચાલતી ભઠ્ઠીઓમાં પણ અગ્નિદાહ અપાય છે. કોરોનાથી થતાં મોતની વધતી સંખ્યાને જોઈને હાલમાં જ આવી ત્રણ નવી ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી છે. અહીંના મેનેજર સુમન ગુપ્તા કહે છે, નવી બનાવેલી ત્રણ સીએનજી ભઠ્ઠીઓમાંથી બેનું નિર્માણ ઈંદ્રપ્રસ્થ લિમિટેડના સહયોગથી અને એકનું નિર્માણ ‘બડી પંચાયત વૈશ્ય અગ્રવાલ’ સમિતિના સહયોગથી થયું છે.’

આ ઉપરાંત ઘાટની પાસે જ યમુના નદીના કિનારે પણ 13 પ્લેટફોર્મ બનેલાં છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે કોરોના સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર માટે કરી શકાય છે. ગત 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાથી થતાં મોતની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે.’

આ દરમિયાન અહીં ઘણીવાર સોથી વધુ દરરોજનાં મોત થયાં તો એક દિવસ એમ પણ બન્યું કે દિલ્હીમાં દર કલાકે પાંચ લોકોનાં મોત થયાં હોય. સમગ્ર દેશમાં કોરોનાથી થનારાં મોતની ઘટનાઓમાં દિલ્હીની આ સંખ્યા હાલ સૌથી મોટી છે.

અન્ય સમાચારો પણ છે...