પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના આકેડી ગામના એક યુવા ખેડૂતે પણ ખેતીમાં કંઈક નવું કરવાના ઈરાદે તાઈવાન પપૈયાંની સફળ ખેતી કરી છે. તાઈવાન પપૈયાંની કુલ 4 એકરમાં ખેતી કરનારા શૈલેષભાઈ ચૌધરીએ અઢી લાખ જેવો ખર્ચ કર્યો છે. પપૈયાંના રોપા લાવવાથી લઈને કરેલા અન્ય ખર્ચના બદલે તેમને લગભગ 15 લાખથી વધુની કમાણી થવાની આશા છે. 16થી 18 મહિનાની આ ખેતીમાં એક જ વાર ખેડ અને રોપાનો ખર્ચ આવતો હોય છે.
પરંપરાગત ખેતી છોડી બાગાયત તરફ વળ્યા
પાલનપુર તાલુકાના આકેડી ગામના યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરી અગાઉ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ મિત્રને ત્યાં તાઈવાન પપૈયાની બાગાયતી ખેતી જોઇને પોતાના ખેતરમાં તાઇવાન પપૈયા વાવવાનો વિચાર આવ્યો હતો. જેથી ચાર એકર જમીનમાં તેમણે 4500 પપૈયાંના રોપા લાવીને ખેતીની શરૂઆત કરી હતી, જેમાં તેમને અઢી લાખ રૂપિયાનો કુલ ખર્ચ થયો હતો.
16થી 18 માસની ખેતી
શૈલેષભાઈ ચૌધરીએ ખેતરમાં પપૈયાના રોપાનું વાવેતર કરી સારીએવી માવજત કરી હતી. જોકે તેમનેને વાઇરસને કારણે તકલીફ પડી હતી, પરંતુ માર્કેટમાં ભાવ સારા હોવાને કારણે તેમને સારો એવો ફાયદો થયો હતો. બાગાયતી ખેતીમાં સામાન્ય ખેતી કરતાં આવક સારી રહે છે. પપૈયાંની ખેતીનો પાક 16થી 18 માસનો હોય છે, જેથી એક જ વાર ખેડ અને બિયારણનો ખર્ચ થાય છે, જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે.
પાણીની જરૂર વધુ પડે છે
યુવા ખેડૂત શૈલેષભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અગાઉ જમીનમાં રાયડો, ઘઉં જેવા પાકોની ખેતી કરતા હતા. ધીરે ધીરે ટેક્નોલોજી વધી, એને કારણે મગફળી, બટાકા જેવું વાવેતર કરવા લાગ્યા હતા. મિત્રોને ત્યાં પપૈયાનું વાવેતર મેં જોયેલું, જે મને ગમ્યું હતું, કારણ કે ખેતી સિવાય બીજો ધંધો કરવો હોય અને જો પપૈયાં વાવેલાં હોય તો તમને સમય મળે છે. સીઝન લાંબી ચાલતી હોવાથી પપૈયાંનો વિચાર આ વર્ષથી જ કર્યો હતો. એમાં મને અન્ય ખેતી પાકો કરતાં સારુંએવું વળતર મળી રહ્યું છે. પપૈયાંની ખેતીમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે.
ઓછા ખર્ચે વધુ વળતર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મગફળી, બટાકા વાવવાથી વારંવાર ખેડનો ખર્ચો લાગતો હોય છે. ખાતર, બિયારણ પણ મોંઘાં હોય છે. પપૈયાંની ખેતી લાંબા સમય સુધી ચાલતી હોય એટલે ખાતર પણ ઓછું વાપરવાનું હોય છે, જેથી ખર્ચો ઓછો થાય છે. સારા ભાવ મળે છે. આ વખતે મને બીજા પાકોની જગ્યાએ પપૈયાંનું વાવેતર નફાકારક સાબિત થયું છે. 4500 જેટલા પપૈયાના છોડ વાવવામાં અઢી લાખ સુધીનો ખર્ચો થયો છે. પપૈયાંના છોડથી લઈને ખાતર, બિયારણ સુધીની સીઝન પૂરા થવા પર છે. ત્યારે 15 લાખની કમાણી થશે. વાઈરસ ન નડ્યો હોત તો 20 લાખની પણ આવક થઈ શકી હોત, જેથી ખેડૂતોને પપૈયાંની ખેતી લાભની ખેતી સાબિત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.