તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Positive Story Woman From Digas Village In Surat Achieved Success In The Housing Industry, Earning Only Rs 3 Lakh A Month By Selling Only Cages In The Country And Abroad

આજની પોઝિટિવ સ્ટોરી:સુરતના દિગસ ગામની મહિલાએ ગૃહઉદ્યોગમાં સફળતા મેળવી, દેશ-વિદેશમાં માત્ર પંજરી વેચીને મહિનામાં 3 લાખની કમાણી કરી

સુરત14 દિવસ પહેલા
પાંચ વર્ષ અગાઉ બીએસસી થયેલાં બીનાબેન દેસાઈએ ગૃહઉદ્યોગ થકી પંજરીનો પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું હતું.
  • સુરતના દિગસ ગામની મહિલા જન્માષ્ટમીના તહેવારમાં 'પંજરી' દેશ-વિદેશમાં પહોંચાડી 3 લાખ કમાઈ
  • Bsc ગ્રેજ્યુએટ શિક્ષિત ગૃહિણી ગૃહઉદ્યોગ કરી જન્માષ્ટમીના તહેવાર પર પંજરીનો મોટે પાયે વેપાર કરે છે

જન્માષ્ટમીના તહેવારમાં ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવી પંજરીનો પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે, ત્યારે સુરત જિલ્લાના દિગસ ગામની શિક્ષિત મહિલા દેશી રીતે પંજરીનો પ્રસાદ બનાવીને દેશ-વિદેશમાં મોકલી રહી છે. પાંચ વર્ષ અગાઉ બીએસસી થયેલાં બીનાબેન દેસાઈએ ગૃહઉદ્યોગ થકી પંજરીનો પ્રસાદ બનાવવાનું શરૂ કર્યું હતું, જેમાં પહેલા વર્ષે એક મણ(20 કિલો) પંજરીનું વેચાણ કર્યું. ડ્રાયફ્રૂટ સહિતના ઉપયોગથી બનેલી દેશી પંજરીના પ્રસાદની દેશ-વિદેશમાંથી ભારે ડિમાન્ડ આવતી હોવાથી બીનાબેન જન્માષ્ટમીના પર્વમાં જ 3 લાખથી વધુની કમાણી કરી ચૂકી છે.

જન્માષ્ટમીનો પ્રસાદ બનાવી કમાણી કરે છે
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ વદ(કૃષ્ણ પક્ષ) આઠમના રોજ થયો હતો. કૃષ્ણના જન્મનો દિવસ જન્માષ્ટમી તરીકે ઊજવાય. કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા પંજરીના પ્રસાદ વિના અધૂરી ગણાય છે, જેથી શ્રીકૃષ્ણને વહાલી પંજરીની જન્માષ્ટમીના તહેવારને અનુરૂપ મોટી માગ રહેતી હોય છે. આ વાતને સમજીને પોતાના ગૃહઉદ્યોગમાં વેપાર તરીકે ઉપયોગી બનાવવામાં બીનાબેન સફળ રહ્યાં છે. તેમણે સામાન્ય રીતે સૂકા ધાણા અને ડ્રાયફ્રૂટમાંથી બનતી પંજરીનો પ્રસાદમાં ચોખ્ખુ ઘી સહિતની વસ્તુઓનો ઉમેરો કરીને બનાવવાનું શરૂ કર્યું. પહેલા વર્ષે જ તેમને સારા ઓર્ડર મળ્યા બાદ ધીમે ધીમે એની સંખ્યા દર વર્ષે વધવા લાગી. જાણે પંજરીના પ્રસાદના વ્યવસાયમાં બીનાબેનને શ્રીકૃષ્ણના આશીર્વાદ મળ્યા હોય એમ પાંચ વર્ષમાં ધંધો અનેક ગણો વિસ્તરી ગયો છે.

Bsc ગ્રેજ્યુએટ શિક્ષિત ગૃહિણી ગૃહઉદ્યોગ કરી જન્માષ્ટમીના તહેવાર પર પંજરીનો મોટે પાયે વેપાર કરે છે.
Bsc ગ્રેજ્યુએટ શિક્ષિત ગૃહિણી ગૃહઉદ્યોગ કરી જન્માષ્ટમીના તહેવાર પર પંજરીનો મોટે પાયે વેપાર કરે છે.

પાંચ વર્ષ પહેલા સાહસ શરૂ કરેલું
કામરેજ તાલુકાના દિગસ ગામના ખેડૂત પરિવારનાં ગૃહિણી બીનાબેન હિતેશભાઈ દેસાઈ બીએસસી ગ્રેજ્યુએટ છે. પોતે ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં લગ્ન બાદ પરિવારને મદદરૂપ થવા માટે જુદી-જુદી ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ બનાવી એનું વેચાણ કરતાં આવ્યાં છે. એટલું જ નહીં, જન્માષ્ટમીના તહેવારને પણ તેમણે ગૃહઉદ્યોગનો એક ભાગ બનાવવાનું વિચારી 5 વર્ષ અગાઉ કૃષ્ણને પ્રિય પંજરી બનાવવાનું સાહસ કર્યું હતું. પ્રથમ વર્ષે બીનાબેને 1 મણ જેટલી પંજરી બનાવી હતી. તેમની પંજરી કૃષ્ણ મંદિરોમાં પ્રસાદ તરીકે લઈને ગયેલા લોકોએ બીજા વર્ષે વધુ ઓર્ડર આપ્યા હતા. કૃષ્ણભક્તો પાસેથી ક્રમશઃ દર વર્ષે પંજરી બનાવવાનો મોટો ઓર્ડર મળવા લાગ્યો હતો. જેથી પાંચ વર્ષની મહેનતે બીનાબેનનો પંજરીનો ગૃહઉદ્યોગ 1 મણથી 51 મણ સુધી પહોંચ્યો છે.

શ્રીકૃષ્ણને વહાલી પંજરીની જન્માષ્ટમીના તહેવારને અનુરૂપ મોટી માગ રહેતી હોય છે.
શ્રીકૃષ્ણને વહાલી પંજરીની જન્માષ્ટમીના તહેવારને અનુરૂપ મોટી માગ રહેતી હોય છે.

મહિના અગાઉથી પ્રસાદ બનાવવાનું શરૂ કરે છે
પરિવારજનોના સહકારથી જન્માષ્ટમીના એક મહિના પહેલાંથી જ બીનાબેન પંજરીનો પ્રસાદ બનાવવી તૈયારીમાં લાગી જાય છે. બીનાબેનને જન્માષ્ટમી નજીક આવતા સુધીમાં રાત-દિવસ એક કરી પોતાની હાથે અને તમામ પ્રકારની કાળજી રાખી સૂકા મેવા સહિત અન્ય સામગ્રી વડે 300 રૂપિયે કિલોની ડ્રાયફ્રુટ પંજરી બનાવે છે. બીનાબેનના હાથે બનેલી પંજરી સાત સમંદર પાર વિદેશમાં પણ જાય છે. વિદેશમાં પણ જન્માષ્ટમીએ કૃષ્ણનો પ્રસાદ થાય છે.

સુરતના દિગસ ગામની મહિલા જન્માષ્ટમીના તહેવારમાં 'પંજરી' દેશ-વિદેશમાં પહોંચાડી 3 લાખ કમાયાં.
સુરતના દિગસ ગામની મહિલા જન્માષ્ટમીના તહેવારમાં 'પંજરી' દેશ-વિદેશમાં પહોંચાડી 3 લાખ કમાયાં.

પંજરી આ રીતે બને છે
બીનાબેન દેસાઈએ કહ્યું હતં કે હું સૂકા ધાણાના પાઉડર, બૂરુ ખાંડ, કોપરાનું છીણ, ઈલાયચી, સૂકો મેવો અને શુદ્ધ ઘી સાથે અન્ય તેજાના નાખી ડ્રાયફ્રૂટ પંજરી બનાવું છું. પંજરીના પ્રસાદની દર વર્ષે જન્માષ્ટમીમાં મોટી માગ હોવાનું મારે ધ્યાને આવતાં મેં પંજરીના પ્રસાદને ગૃહઉદ્યોગ તરીકે વિકસાવ્યો છે. 1 મણથી કરેલી શરૂઆત આજે મેં 51 મણ સુધી પહોંચાડી, આ વર્ષે મેં 3 લાખથી વધુની પંજરી વેચી છે. કોરોના મહામારી સાથે તહેવારની ઉજવણી પર કોરોના ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કરવાનું હોવાથી આ વર્ષે પંજરીની માગ ઓછી રહેશે એવું મને લાગતું હતું, પણ તહેવાર નજીક આવતાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પંજરીની માગ વધુ રહી છે.

સુરત જિલ્લાના દિગસ ગામનાં શિક્ષિત મહિલા દેશી રીતે પંજરીનો પ્રસાદ બનાવીને દેશ- વિદેશમાં મોકલી રહ્યાં છે.
સુરત જિલ્લાના દિગસ ગામનાં શિક્ષિત મહિલા દેશી રીતે પંજરીનો પ્રસાદ બનાવીને દેશ- વિદેશમાં મોકલી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...