• Gujarati News
  • Dvb original
  • Positive Story Vadodara Civil Engineer Runs School On Sidewalk, Spends 25 Per Cent Of His Salary On Educating 80 Children

પોઝિટિવ સ્ટોરી:વડોદરાનો સિવિલ એન્જિનિયર ફૂટપાથ પર ચલાવે છે પાઠશાળા, પોતાની સેલરીનાં 25 ટકા નાણાં 80 બાળકને ભણાવવા પાછળ ખર્ચ કરે છે

વડોદરાએક મહિનો પહેલાલેખક: રોહિત ચાવડા
  • સ્ટ્રીટલાઇટના અજવાળે જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપે છે
  • જરૂરિયાતમંદ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન અપાવીને તેમની ફી ભરે છે
  • યુવાનના કાર્યથી પ્રભાવિત થઇને કેટલીક યુવતીઓ પણ શિક્ષણયજ્ઞમાં જોડાઈ છે

આજે શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે. વાલીઓને બાળકોની સ્કૂલ ફી અને ટ્યૂશન ફી ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે વડોદરાનો એન્જિનિયર નિકુંજ ત્રિવેદી પોતાની સેલરીની 25 ટકા રકમ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરે છે અને કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર સ્ટ્રીટલાઇટના અજવાળે 80 જેટલાં બાળકોને મફતમાં શિક્ષણ આપે છે.

8 મહિના પહેલાં શિક્ષણયજ્ઞ શરૂ કર્યો
હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર નિકુંજ ત્રિવેદી જણાવ્યું હતું કે હું સવારથી સાંજ સુધી નોકરી કરું છું અને રોજ સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન આસપાસના સ્લમ વિસ્તારનાં બાળકોને ફ્રીમાં શિક્ષણ આપુ છું. આ એવાં બાળકો છે, જેમનો પરિવાર ટ્યૂશન ફીનો ખર્ચ કરી શકતો નથી. હું શરૂઆતમાં NGO સાથે જોડાઇને બાળકોને શિક્ષણ આપતો હતો, પરંતુ કોરોના પછી NGO બંધ થઇ ગઇ, પરંતુ મારે બાળકો માટે કંઇક કરવાની ઇચ્છા હતી. જેથી મેં બાળકોને સુએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. મેં 8 મહિના પહેલાં 5થી 6 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. આજે 75થી 80 જેટલાં બાળકો ભણવા માટે આવે છે. અહીં રસ્તા પર આવતાજતા લોકો પુસ્તકો સહિતની મદદ બાળકોને કરે છે.

આ બાળકો ભણશે તો આગામી પેઢી એજ્યુકેટેડ થશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક હોશિયાર બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન અપાવીને હું ભણાવું છું. તેમની ફી સહિતના ખર્ચ હું આપું છું. તેમના રિઝલ્ટ પણ સારાં આવ્યાં છે. આ બાળકોનાં માતા-પિતા મજૂરી કરે છે, પણ આ બાળકોને સારું એજ્યુકેશન મળશે તો તેમની આગામી પેઢી પૂરેપૂરી એજ્યુકેટેડ હશે. આ જરૂરિયાતમંદો બાળકોને સારું શિક્ષણ આપીને તેમને આગળ વધારવાનું મારું ધ્યેય છે.

મેં નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી
નિકુંજ ત્રિવેદી જણાવે છે, હું પણ આ બાળકો જેવા બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું. મેં નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. મને કોઇ ભણાવવાવાળું નહોતું. મારી સ્થિત ખરાબ હતી, પરંતુ આ બાળકોને મારા જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે એ માટે હું પ્રયાસ કરી રહ્યો છું. એક મેડમ પણ બાળકોને ભણાવવામાં સપોર્ટ કરી રહ્યાં છે. આ ઉપરાંત ધો-10 અને 12ની વિદ્યાર્થિનીઓ પણ બાળકોને ભણાવવા માટે આવે છે.

યુવાન પોતાની સેલરીનાં 25 ટકા નાણાં 80 બાળકોને ભણાવવા પાછળ ખર્ચ કરે છે.
યુવાન પોતાની સેલરીનાં 25 ટકા નાણાં 80 બાળકોને ભણાવવા પાછળ ખર્ચ કરે છે.

પ્રાઇવેટ ટ્યૂશન કરતાં અહીં સારું ભણાવે છે
ફૂટપાથ સ્કૂલમાં ભણવા આવતી વિદ્યાર્થિની અંકિતા જાદવે જણાવ્યું હતું કે અહીં સર અને મેડમ અમને ખૂબ જ સારું શિક્ષણ આપે છે. હું છેલ્લા 6 મહિનાથી ભણવા માટે આવું છું. અહીં ભણાવતા સર અમારી સ્કૂલ ફી પણ ભરે છે. વિદ્યાર્થિની શ્રદ્ધા ત્રિવેદીએ જણાવ્યું હતું કે પ્રાઇવેટ ટ્યૂશન કરતાં અહીં સારું ભણાવે છે. અમે અહીં તમામ તહેવારો પણ સાથે મળીને ઊજવીએ છીએ.

યુવાનના કાર્યથી પ્રભાવિત થઈને યુવતીઓ પણ શિક્ષણયજ્ઞમાં જોડાઈ છે.
યુવાનના કાર્યથી પ્રભાવિત થઈને યુવતીઓ પણ શિક્ષણયજ્ઞમાં જોડાઈ છે.

હું દિવસે નોકરી કરું છું અને સાંજે બાળકોને ભણાવું છું
બાળકોને ભણાવતી યુવતી મોનાલી ગાંધીએ જણાવ્યું હતું કે હું અહીં રોડ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે નિકુંજભાઇને અહીં ભણાવતા જોયા હતા. તેમનું સારું કામ જોઇને હું પણ તેમની સાથે બાળકોને ભણાવવાના કાર્યમાં જોડાઇ હતી. હું દિવસે નોકરી કરું છું અને સાંજે બાળકોને ભણાવું છું.

સ્ટ્રીટલાઇટના અજવાળે જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપે છે.
સ્ટ્રીટલાઇટના અજવાળે જરૂરિયાતમંદ બાળકોને મફત શિક્ષણ આપે છે.

બાળકોને સારું શિક્ષણ મળતું થયું
વડોદરા શહેરના યુવાન નિકુંજ ત્રિવેદી સેવાયજ્ઞના કારણે શહેરના સ્લમ વિસ્તારનાં બાળકોને સારું શિક્ષણ મળતું થયું છે. નિકુંજની કામગીરી અન્ય યુવક-યુવતીઓ પણ તેમની સાથે જોડાયાં છે. આમ, તેમની કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...