ચાણક્યએ ઉત્તમ શિક્ષકની લાક્ષણિકતાઓનું વર્ણન કરતા કહ્યું છે કે,'શિક્ષકોએ ચાર દીવાલમાં કેદ ન રહીને લોકશિક્ષક બનવું જોઈએ. શિક્ષકની જવાબદારી માત્ર તેના ક્લાસરૂમ પૂરતી સીમિત ન રહેવી જોઈએ. શ્રેષ્ઠ શિક્ષક સમાજનો સાચો લોકશિક્ષક બની રહે છે અને એવું થાય ત્યારે જ શિક્ષક હોવું સન્માનનીય કહેવાય છે.' ત્યારે આજે અમે તમને જેતપુર એવા જ એક શિક્ષકની વાત કરવાના છીએ. જેમણે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ઓનલાઇન ચાલતા બીબાઢાળ શિક્ષણથી અલગ માર્ગ કંડારીને ઘરે-ઘરે જઇને વિદ્યાર્થીઓને 3000 જેટલા પુસ્તક આપી વાંચતા કર્યાં છે. જેનાથી 250થી વધુ બાળકો અને 20 જેટલા વાલીઓ વાંચનાભિમુખ બન્યા છે.
સરકારી શાળાના આચાર્યનું અભિનવ અભિયાન
છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહ્યા છે. તેવા સમયમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8ના બાળકો ઓનલાઇન શિક્ષણની સાથે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. આવા બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ એક અભિનવ અભિયાન હાથ ધર્યું છે.
ટેક્સ બુક બહારનું શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ
આ અભિયાનની વિગતો આપતાં HTAT આચાર્ય સંજયભાઈ કહે છે કે, કોરોનાના આ કપરા સમયમાં શાળાઓ બંધ છે, જેને કારણે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી શકતા નથી. શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણકાર્ય બંધ નથી. હાલના સમયમાં ઓનલાઇન એજ્યુકેશનની સાથે મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય અને સાથો સાથ કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ટેક્સ બુક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને પુસ્તક વાંચન તરફ વાળવા માટે મે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું.
વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો
આ માટે શાળાની લાયબ્રેરીમાં રહેલા 3000 જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મૂક્યા. ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા. એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યુ ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી ? જેવી બાબતોનો મોબાઈલમાં વીડિયો બનાવી મોકલવા પણ જણાવ્યું. શાળાના આચાર્યએ શરૂ કરેલા આ વાંચન અભિયાનનો બાળકોની સાથે તેમના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. વિદ્યાર્થીઓએ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંક સારનો વીડિયો બનાવી આચાર્યએ શરૂ કરેલા શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલતા થયા.
ગણિતના અઘરા લાગતા દાખલાઓ હવે સમજાવા લાગ્યા છે
શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી અગ્રાવત કહે છે કે, કોરોનાના કારણે જ્યારે અમારી શાળા બંધ હતી ત્યારે અમારી શાળાના આચાર્યએ અમારું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે અમને પુસ્તકો વાંચવા માટે આપે છે. મને ગણિત વધુ ગમે છે એટલે સાહેબે મને ગાણિતીક કોયડાને લગતુ ‘‘ક્વીઝ ટાઈમ- 3’’ નામનું પુસ્તક વાંચવા માટે આપ્યું હતું. આ પુસ્તક વાંચ્યા બાદ મને ગણિતના અઘરા લાગતા દાખલાઓ હવે સમજાવા લાગ્યા છે.
મહાપુરૂષોના જીવન વિશે વધુ સારૂ જાણવા મળ્યું
આ જ શાળામાં અભ્યાસ કરતો જેનીલ બાંભરોલીયા કહે છે કે, મને આચાર્ય સાહેબે ‘‘રાષ્ટ્રના તેજોવંત ઘડવૈયા’’ પુસ્તક મને વાંચવા આપ્યું હતુ. આ પુસ્તકમાં દેશના મહાન વ્યક્તિઓ જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ અને વિર ભગતસિંહ જેવા મહાપુરૂષોનું જીવન ચરિત્ર લખાયેલું હતુ. જે વાંચીને મને આ મહાપુરૂષોના જીવન વિશે વધુ સારૂ જાણવા મળ્યું છે.
અંધારાનો ડર દૂર થઈ ગયો હતો
અન્ય એક વિદ્યાર્થીની ચેત્વી કાકડીયાએ ‘‘ગાંધીજીની વાતો’’ પુસ્તકનું વાંચન કર્યું હતુ તેના પ્રસંગો વર્ણાવતા ચેત્વી કહે છે કે, આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજી શાળામાં ભણતા હતા તે સમયની અનેક વાતો હતી, જે મે વાંચી ત્યારે ખબર પડી કે ગાંધીજી પહેલા અંધારાથી ડરતા હતા, પરંતુ, તેમના જીવનમાં બનેલા એક જ બનાવના કારણે તેમનામાં અંધારાનો ડર દૂર થઈ ગયો હતો. આ પુસ્તકના વાંચનથી મને મહાત્મા ગાંધીજીના જીવન વિશે ઘણુ બધુ જાણવા મળ્યું છે.
જ્ઞાન અને ધ્યાનના સમન્વયથી યોગ્ય કેળવણી અપાઈ
નોંધનીય છે કે, શાળાના આચાર્ય દ્વારા અત્યાર સુધીમાં 250થી વધુ બાળકોને તેમજ 20 જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યાં છે. જ્ઞાન અને ધ્યાનના સમન્વયથી કેળવણી અથવા શિક્ષણના વ્યાપને પામી શકવાની દૃષ્ટિ ખુલે છે. આ દૃષ્ટિ લાધી છે તેવા શિક્ષકો આજીવન શિક્ષકો હોય છે. તેઓ જીવનપર્યત શિક્ષણ અને કેળવણી સાથે સંલગ્ન રહે છે, ત્યારે કોરોનાના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે.
આચાર્યએ વિદ્યાર્થીઓ-વાલીઓને પુસ્તક વાંચન તરફ પ્રેરીત કર્યાં
મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકડાઈ ગયું છે, તેને ભણવાનું હોય કે રમવાનું હોય, એ બધુ જ આજના સમયમાં મોબાઇલ ઉપર જ શક્ય બન્યુ હોવાથી બાળકને ટચસ્ક્રીનની આ દુનિયામાંથી બહાર કાઢવા મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ હાથ ધરેલો આ નવતર પ્રયોગ ગામના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ પુસ્તક વાંચન તરફ પ્રેરીત કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.