ભાસ્કર એક્સક્લૂસિવશેતાની દિમાગના હત્યારાએ બે વર્ષ પોલીસને ગોથે ચડાવી:ટેમ્પોની નંબરપ્લેટ પર સેલોટેપ અને બુકાની બાંધેલા શખસોને જોતાં જ પોલીસની આંખો ચમકી, ડબલ મર્ડરનો ભેદ ખૂલ્યો

કડી2 મહિનો પહેલાલેખક: સારથી એમ.સાગર
  • કૉપી લિંક

ગુનેગાર ગુનો કરતાં પહેલાં ફુલપ્રૂફ પ્લાન ઘડતો હોય છે અને પોલીસને કોઈ કડી ન મળે એ માટે ખૂબ ચીવટ રાખે છે. ખાસ કરીને હત્યાનો પ્લાન ઘડવા માટે નવા નવા આઇડિયા પણ અજમાવે છે અને પોલીસને ગોથે પણ ચડાવી દે એવી મોડસ ઓપરેન્ડી અજમાવે છે. જોકે આમ છતાં ગુનેગાર કરતાં પોલીસ હંમેશાં બે ડગલાં આગળ નીકળી જાય છે. જોકે ઘણીવાર હત્યારાને પકડવામાં પોલીસ પણ થાપ ખાઈ જાય છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડીમાં એક હત્યારાએ પહેલું મર્ડર સફળતાપૂર્વક અને સિફતપૂર્વક કર્યા બાદ તેણે બીજી હત્યાનો એવો જ પ્લાન ઘડી કાઢ્યો હતો. પહેલી હત્યામાં પોલીસને એકપણ પુરાવો હાથ ન લાગતાં હત્યારાએ એ જ મોડસ ઓપરેન્ડીથી બીજી હત્યા પણ કરી દીધી, પરંતુ કહેવાય છે ને કે ગુનો ગુનેગારને છોડતો નથી.

પહેલા કાકા ને પછી તેના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
સામાન્ય રીતે કોઈપણ વાહન અકસ્માત થાય ત્યારે એકદમ નોર્મલ જ લાગતો હોય છે, પરંતુ ઘણા અકસ્માત હત્યા માટે પણ કરવામાં આવતા હોય છે. આ પ્રકારના કેસમાં પોલીસ પણ સામાન્ય અકસ્માતનો જ ગુનો નોંધે છે, પરંતુ જો શંકા જાય તો આગળ તપાસ કરે છે અને આ કોઈ અકસ્માત નહીં, પણ હત્યા છે એવી ખાતરી થાય તો ગુનેગાર સુધી પણ પહોંચે છે. કડીના નાની કડી ગામમાં મોટા ભાઈના દીકરાએ બે વર્ષ પહેલાં કાકાને પછી તેના પુત્રને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના આંચકારૂપ છે. તો બીજી તરફ આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ગજબનું છે. આ કેસમાં પોલીસે કઈ રીતે એક-એક કડી મેળવીને એન્જિનિયર પિતા-પુત્રની હત્યાનો ભેદ ઉકેલ્યો એ સસ્પેન્સ થ્રિલર ફિલ્મને પણ આંટી મારે એવો છે. આ કેસ પોલીસે કઈ રીતે ઉકેલ્યો એની ઝીણામાં ઝીણી વિગતો જાણવા દિવ્ય ભાસ્કરે તપાસ અધિકારી PI એન.આર. પટેલ તેમજ મૃતકના મોટા ભાઈ કૃણાલ પટેલ સાથે વાતચીત કરી હતી.

પત્ની સાથે મૃતક જાદવભાઈ પટેલ.
પત્ની સાથે મૃતક જાદવભાઈ પટેલ.

નર્મદા નિગમના એન્જિનિયરે દુકાન લઈ ભાઈના પુત્રને ધંધો સોંપ્યો
મૃતક વિજયના મોટા ભાઈ કૃણાલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પરિવારમાં ધંધા બાબતે પડેલા વાંધાઓ અંગે જણાવ્યું હતું કે કડી તાલુકાના કલ્યાણપુરા ગામના વતની એવા મારા પિતા જાદવભાઈ પરિવારમાં સૌથી એજ્યુકેટેડ વ્યક્તિ હતા. તેઓ નર્મદા નિગમમાં અધિક મદદનીશ એન્જિનિયર તરીકે નોકરી હતા અને વર્ષોથી કડીમાં જ સ્થાયી થયા હતા. વર્ષ 2002માં તોફાન થયાં પછી તેમને સસ્તા ભાવમાં એક દુકાન મળી રહી હતી, એટલે તેમણે વિચાર્યું કે દુકાન લઈ લઉં તો છોકરાવને કામ આવશે. આ આશયથી તેમણે એક દુકાન ખરીદી લીધી. જે બે વર્ષ સુધી બંધ પડી રહી અને બાદમાં એમાં ગિફ્ટ એન્ડ આર્ટિકલ તથા રમકડાંની દુકાન શરૂ કરવામાં આવી. મારા પિતાએ તેમના ભાઈની પણ દુકાનમાં ભાગીદારી રાખી અને તેમના મોટા દીકરાને ધંધે બેસાડ્યો. તેમણે 2002થી 2008 સુધી આ ધંધો સંભાળ્યો. ત્યાર બાદ તેઓ ગામડે જતા રહ્યા અને તેના નાનાભાઈ યોગેશને એટલે જાદવભાઈએ ભત્રીજાને દુકાને બેસાડ્યો. આ દરમિયાન તેમની પાસે પૈસા આવી ગયા. મારા પિતા પણ ત્યાં 2 કલાક માટે આંટો મારવા માટે પણ જતા હતા.

એક જ મોડસ ઓપરેન્ડીથી પિતા-પુત્રની હત્યા કરાવનારો યોગેશ.
એક જ મોડસ ઓપરેન્ડીથી પિતા-પુત્રની હત્યા કરાવનારો યોગેશ.

યોગેશે ચોરી કરી ને પહેલા માફી માગી પછી રાજરમત શરૂ કરી
પરિવારમાં થયેલા વિખવાદ અંગે કૃણાલ પટેલે આગળ જણાવ્યું હતું કે વર્ષ 2016 કે 2017ની વાત છે. પહેલાં દુકાનમાં CCTV નહોતા, પણ એ પછી ઇન્સ્ટોલ કરાવ્યા હતા. એકવાર યોગેશ ચોરી કરતા પણ પકડાયો હતો. જોકે તેમ છતાં ફેમિલી મેટર હતી એટલે બહાર કોઈને અને તેના પિતાને પણ અમે આ અંગે જાણ કરી નહોતી. અમે કોઈ પગલાં પણ લીધાં નહોતાં. અમે કહ્યું હતું કે હવે ફરી આવું ના થાય અને યોગેશે પણ ખાતરી આપતાં કહ્યું કે હવે પછી આવું નહીં થાય, પરંતુ અઠવાડિયા બાદ એ ફરી રાજરમત રમવા લાગ્યો. તેની પાસે રૂપિયા આવી ગયા હતા એટલે આપણી સાથે ભાગ રાખવાની કોઈ ગણતરી નહોતી.

'તમારે દુકાન બહાર જોવા પણ નહીં આવવાનું'
કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ત્યાર પછી તેણે પહેલા દિવસે ઓફર આપી કે, 'હું દર મહિને તમને એક એમાઉન્ટ આપી દઉં. તમારે અહીં દુકાન બહાર જોવા પણ નહીં આવવાનું. હું મારી રીતે બધું હેન્ડલ કરીશ.' બીજા દિવસે બીજી ઓફર આપી કે 'આ દુકાનની કિંમત બોલો. હું માલમુદ્દા સાથે બધી દુકાનો ખરીદી લઉં છું. ત્રીજા દિવસે અલગ ઓફર આપી કે 'ઉપર ફર્સ્ટ ફ્લોર પર એક દુકાન વેચવાની છે, એ લઈને અલગ ધંધો કરવા માગું છું.' આમ 3 દિવસ સુધી મારા પિતાને ટોર્ચર કર્યા. આગળની મેઇન દુકાન અમારા નામની હતી અને એમાં મટિરિયલ પણ અમે જ ભર્યું હતું. ફક્ત દુકાન હેન્ડલિંગ કરવા માટે નફામાં તેનો 50 ટકા ભાગ રાખ્યો હતો. પાછળથી બીજી એક દુકાન ત્યાં જ ખરીદી હતી, જેનો દસ્તાવેજ યોગેશ અને અમારા નામે કર્યો હતો. ચોથા દિવસે મારા પિતાએ યોગેશને ઓફર કરી કે 'આપણે ભાગીદારીમાં લીધેલી દુકાન હું લઈ લઉં છું. તું એની એમાઉન્ટ બોલ' જેથી 25 લાખ રૂપિયા કહ્યાં તો આ રકમ અમે તેને આપીને દસ્તાવેજ કરાવી લીધો હતો. માત્ર આટલી જ વાત હતી, એના સિવાય બીજું કશું જ નહોતું.

મૃતક વિજય અને તેના પિતા જાદવભાઈ પટેલ.
મૃતક વિજય અને તેના પિતા જાદવભાઈ પટેલ.

'હું ડિગ્રી એન્જિયર છું, મારાં સપનાં અલગ છે'
આ ડીલના એક મહિના પછી યોગેશે બીજી 3 દુકાન ખોલી. અમને કોઈ પ્રોબ્લેમ પણ નહોતો. બીજી તરફ વિજયભાઈ અમારી દુકાન હેન્ડલ કરતા હતા. તેમણે પિતાને કહી રાખ્યું હતું કે હું 3 વર્ષ માટે દુકાન હેન્ડલ કરીશ. હું ડિગ્રી એન્જિનિયર છું. મારાં સપનાં અલગ છે. હું બીજી દિશામાં જવા માગું છું, એટલે 3 વર્ષ માટે જ એ દુકાન હેન્ડલ કરવાના હતા.

જોકે આ તમામ ઘટનાક્રમ વચ્ચે યોગેશના દિમાગમાં તો એક અલગ જ પ્લાન ઘડાવા લાગ્યો હતો, જે તેને આગળ જતાં કાકા અને પિતરાઈ ભાઈનો હત્યારો બની જવાનો હતો.

ડાલાએ ટક્કર મારી છતાં બચી ગયા, પણ 14 દિવસે મોત મળ્યું
કૃણાલ પટેલે તેમના પિતાના મોત અંગે કહ્યું હતું કે મારા પિતા ડેઇલી રૂટિન પ્રમાણે વોકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી એક ડાલું ટક્કર મારીને નીકળી ગયું હતું. એ વખતે અમને શંકા હતી. વિજયભાઈએ પોલીસ કેસ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પિતા જીવિત કન્ડિશનમાં હતા, તેમને પગમાં ફ્રેક્ચર થયું હતું, પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે 4 મહિનામાં રેડી થઈ જશે એટલે કોઈ પગલાં લીધાં નહોતાં. ત્યાર બાદ તેઓ સાજા થઈને ઘરે આવ્યા હતા અને 14 દિવસ બાદ તેમને એટેક આવ્યો હતો. જેથી એ વખતે પોલીસ કેસ કર્યો હતો. તેમને પુરાવા જોઈતા હતા. તેના માટે CCTV ફૂટેજ લેવા વિજયભાઈ 3 દિવસ દોડ્યા હતા. હું પણ એક દિવસ ગયો હતો, પરંતુ નર્મદા કેનાલ હતી એટલે CCTV ફૂટેજ ત્યાં મળ્યા નહોતા.

લાલ રંગનું બુલેટ લઈ નીકળ્યો, પણ અહીં કાળ રાહ જોતો હતો
આ ઘટનાનાં બે વર્ષ બાદ એટલે કે 24 જાન્યુઆરી, 2023ની રાત્રે જાદવભાઈના પુત્ર અને ભગવતી સોસાયટીમાં રહેતા વિજયભાઈ સંતરામ શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાન પરથી રોજના સમયે ઘરે પાછા ફરી રહ્યા હતા. આશરે સાડા આઠેક વાગે કડી, દડી સર્કલથી નાની કડી જકાતનાકા તરફ જતા રોડ વચ્ચે લાલ રંગનું બુલેટ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન આર.કે.પટેલ સંસ્કાર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે જાહેર રોડ ઉપર તેમને બોલેરો ગાડીના ચાલક દ્વારા બુલેટના પાછળના ભાગે ટક્કર મારવામાં આવી. ત્યાર બાદ તેમને ઘટનાસ્થળની નજીકમાં આવેલી સત્યમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા, જ્યાં સત્યમ હોસ્પિટલના ડોક્ટરે વિજયને મૃત જાહેર કર્યો અને કડી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

આ બુલેટ લઈને દુકાનેથી ઘરે જવા નીકળ્યો હતો વિજય.
આ બુલેટ લઈને દુકાનેથી ઘરે જવા નીકળ્યો હતો વિજય.

એમ ને એમ ગાડીમાં બેસીને કેમ રૂમાલ બાંધી રાખ્યો છે?
આ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં PI એન.આર. પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે તો અમને પણ અકસ્માત જ લાગ્યો હતો. પરિવારમાં બીજી વખત આવી ઘટના બનતાં આ વખતે પરિવારને થોડી શંકા ગઈ હતી. મૃતકના મોટા ભાઈએ કહ્યું હતું કે મારા પિતાનું પણ આ રીતે જ અકસ્માતમાં મોત થયું હતું, એટલે ઊંડી તપાસ કરજો. એ પછી અમે એ સમયના CCTV ફૂટેજ તપાસ્યા તો 10-15 જેટલા ડાલા સમયાંતરે નીકળતા દેખાયા હતા, જેમાં કુદરતી રીતે અકસ્માત થયો હોય એ પ્રમાણેનાં જ દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ ડાલાની તપાસ કરતાં એક પિક ડાલાના નંબર પર સેલોટેપ મારેલી હતી, એ જોઈને અમને શંકા ગઈ કે આવું કેમ કર્યું હશે? એ પછી આગળ 3 જગ્યાના ફૂટેજ ચેક કર્યા. આમ કુલ મળીને અમે 50 ફૂટેજ તપાસ્યા ત્યારે ડાલામાં બેઠેલા માણસોનાં મોં પર પણ રૂમાલ બાંધેલા જોવા મળ્યા અને આ જ વાત વધુ શંકાસ્પદ લાગી કે એમ ને એમ ગાડીમાં બેસીને કેમ રૂમાલ બાંધી રાખ્યા છે? જેના પરથી ગાડીના માલિકને પકડી લીધો. ગાડીના માલિકની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે ટેમ્પો તો યોગેશ લઈ ગયો હતો.

મર્ડર માટે ભાડે લીધેલો ટેમ્પો જ ભારે પડ્યો
PI એન.આર. પટેલે વધુમાં જણાવ્યું હતું કે ટેમ્પાનો માલિક યોગેશના ગામનો જ હતો. આ ટેમ્પોના માલિક પાસેથી યોગેશે ટેમ્પો ભાડેથી લઈ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું તને રોજના 1500 રૂપિયા ભાડું આપીશ. મારે કપડાંનો ધંધો કરવો છે એટલે ટ્રાન્સપોર્ટેશન માટે જોઈએ છે, એમ કહીને ગામના ઠાકોર પાસેથી ટેમ્પો ભાડેથી લઈ આવ્યો હતો. ત્યાર બાદ કડી પોલીસ દ્વારા તરત જ યોગેશને પૂછપરછ કરવા માટે કડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસને માલૂમ થયું કે આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ યોગેશે હત્યા કરવા માટે અકસ્માત કર્યો છે. જ્યારે અકસ્માત કરનાર 3 લોકોમાંથી રાજદીપસિંહ (રહે. ઉંમરી, બનાસકાંઠા) તથા (દેવુભા રજુભા ઝાલા રહે.ડઢાણા) છે. યોગેશ કનુભાઈ પટેલને પકડીને લાવ્યા ત્યારે શરૂઆતમાં તો એવું જ કહેતો હતો કે અમે તો વર્ષોથી બોલતા જ નથી. મને આ અંગે કંઈ ખબર જ નથી. મારે તેની સાથે કોઈ સંબંધ જ નથી.

વિજયની હત્યા માટે યોગેશે આ ટેમ્પો ગામના ઠાકોર પાસેથી દૈનિક રૂ.1500ના ભાડેથી લીધો હતો.
વિજયની હત્યા માટે યોગેશે આ ટેમ્પો ગામના ઠાકોર પાસેથી દૈનિક રૂ.1500ના ભાડેથી લીધો હતો.

કાકાને પતાવી દેવા વીસનગરથી વેચાતી લીધી બોલેરો
PIએ જાદવભાઈની હત્યા અંગે વિસ્તારથી જણાવ્યું હતું કે આ પહેલાં મૃતક વિજયના પિતા જાદવભાઈનો કેનાલ પર અકસ્માત થયો હતો. એ વખતે તે બીજા મિત્રો સાથે વોક કરવા ગયા હતા. આ દરમિયાન અકસ્માત થતાં તેમનું મોત થયું હતું. એ વખતે જાદવભાઈને યોગેશે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. થોડા દિવસની સારવાર બાદ જાદવભાઈનું તો મોત થઈ ગયું હતું. એ વખતે યોગેશ બોલેરો વીસનગરથી વેચાતી લઈ આવ્યો હતો. જ્યારે જાદવભાઈની હત્યાની સોપારી લેનાર બીજા લોકો હતા, આ હત્યાના આરોપીઓની તપાસ કરી છે, જેમાંથી એક આરોપીએ આત્મહત્યા પણ કરી લીધી છે. જાદવભાઈની સોપારી વખતે યોગેશે હત્યા કરવા માટે અઢી લાખ રૂપિયા આપ્યા હતા. જ્યારે દીકરા વિજયની હત્યા કરાવવા માટે યોગેશે 5 લાખ રૂપિયા આપ્યા છે. પીઆઇએ કહ્યું હતું કે તેણે પહેલો અકસ્માત કરાવ્યો એ વખતે કોઈને કંઈ ખબર પડી નહોતી, પરંતુ આ હત્યામાં યોગેશને સફળતા મળતાં તેની હિંમત ખૂલી ગઈ હતી, જેથી આ પ્રકારની જ મોડસ ઓપરેન્ડીથી જાદવભાઈના દીકરા વિજયની પણ હત્યા કરાવી દીધી. આ રીતે મર્ડર કરવાનો આઈડિયા તેનો પોતાનો જ હતો. યોગેશે જાતે જ આવો પ્લાન ઘડી કાઢ્યો હતો. હાલ સોપારી લેનારા ત્રણેય હત્યારા અગાઉ કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ અંગે માહિતી મગાવી છે.

પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે મૃતક વિજય.
પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે મૃતક વિજય.

મજબૂરીમાં હેન્ડલ કરવી પડી હતી દુકાન
મૃતક વિજયના ભાઈ કૃણાલ પટેલે ભાઈના પરિવાર અને વ્યવસાય અંગે કહ્યું હતું કે વિજય સરકારી નોકરીની તૈયારીઓ કરતો હતો. તે મિકેનિકલ એન્જિનિયર હતો. તેમણે શોપકીપર બનવા માટે ડિગ્રી હાંસલ નહોતી કરી. તેનાં સપનાં કંઈક અલગ હતાં, પરંતુ મજબૂરીમાં તેણે દુકાન હેન્ડલ કરવી પડી હતી. વિજયના તો લગ્ન થઈ ગયાં છે અને પાંચ વર્ષની બેબી પણ છે. અમારે વીકમાં ત્રણવાર વાતચીત થતી હતી. તેનામાં કંઈક કરી છૂટવાની ભાવના હતી. તેમનો સ્વભાવ મારા પિતાની માફક એકદમ કૂલ હતો.

મૃતક વિજય પટેલ.
મૃતક વિજય પટેલ.

'તું અહીં ધંધો ના કરીશ, કોમ્પ્લેક્સ બહાર બીજી દુકાન લઈને ધંધો કર'
તો બીજી તરફ હત્યાના આરોપી યોગેશે પોલીસને કહ્યું હતું કે 'દસ વર્ષથી પૈસાની લેવડદેવડ બાબતે મનદુ:ખ ચાલતું હતું અને વિજયનાં પરિવારજનોએ તેમના ભાગના પૈસા આપ્યા નહોતા તેમજ મારા પિતાને પણ એકલા પાડી દીધા હતા.' આ અંગે કૃણાલભાઈએ કહ્યું હતું કે 'દુકાનમાં જે ભાગ હતો એની એમાઉન્ટ તેમણે 25 લાખ રૂપિયા કહી હતી અને તેનો દસ્તાવેજ પણ કરાવ્યો હતો. અમે 25 લાખ રૂપિયા આપેલા છે. આ સિવાય તેનો કોઈ ભાગ નહોતો. તેની કબૂલાત અલગ હશે. યોગેશને કહો કે એ પ્રૂવ કરીને બતાવે. તેના મનમાં શું ચાલતું હશે એ ખબર નથી. તેની પહેલા માળે આવેલી દુકાન લેવાની ગણતરી હતી. મારા પિતાએ તેને ના પડી કહ્યું હતું કે તું અહીં ધંધો ના કરીશ, કોમ્પ્લેક્સ બહાર બીજી દુકાન લઈને ધંધો કર. ત્યાર બાદ એક મહિનામાં યોગેશે દુકાન લઈ લીધી, એ દુકાન પણ ચાલતી હતી.'

અન્ય સમાચારો પણ છે...