વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે એટલે કે 5 નવેમ્બરે કેદારનાથ ધામ જશે, જોકે તે પહેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીને કેદારનાથની યાત્રા પર જવું પડ્યું. ત્યાંના પુરોહિત સમાજે ચેતવણી આપી હતી કે તે એક થઈને વડાપ્રધાનના પ્રવાસનો વિરોધ કરશે. પુરોહિત સમાજ રાજ્યના મંદિરોને સરકારી કબ્જામાં લેવા માટે બનેલા ચાર ધામ દેવસ્થાન બોર્ડથી નારાજ છે અને છેલ્લા ચાર મહિનાથી તેનો વિરોધ કરી રહ્યો છે. પંડે-પુરોહિતોની નારાજગીથી ગંભરાયેલા પુષ્કર ધામીને પોતે પુરોહિત સમાજ સાથે વાત કરવા જવું પડ્યું.
સૂત્રોનું માનીએ તો પુરોહિતોની સાથે બંધ રૂમમાં થયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું છે કે પુરોહિત સમાજના હકમાં જ નિર્ણય આવશે. તેમણે દેવાસ્થાનમ બોર્ડને ભંગ કરવાની વાત PMને કરવાનું આશ્વાસન પણ આપ્યું છે. જોકે તેમણે ખુલીને એ વાત નથી કહી કે ચારધામ દેવસ્થાનમ બોર્ડને ભંગ કરવામાં આવશે. જોકે સૂત્રોનું માનીએ તો પુરોહિતોની નારાજગીને જોતા PMના ત્રણ દિવસના પ્રવાસ પહેલા સીએમના કેદારનાથના પ્રવાસનો નિર્ણય દિલ્હીમાં ભાજપના નેતૃત્વ સાથે વાતચીત કર્યા પછી જ લેવામાં આવ્યો છે.
વાતચીતમાં એ નક્કી થયું છે કે પીએમના પ્રવાસમાં બોર્ડને ભંગ કરવાનો ભરોસો પુરોહિતોને અપાવવામાં આવશે. બોર્ડ ભંગ થવાની ઔપચારિકતાની જાહેરાતનો સમય પણ લગભગ નક્કી થઈ ગયો છે. 30 નવેમ્બર સુધીમાં બોર્ડને ભંગ કરી દેવામાં આવશે.
ક્યારે બન્યુ ઉત્તરાખંડ ચારધામ દેવસ્થાનમ બોર્ડ અને શું છે પુરોહિતોની ચિંતા?
15 જાન્યુઆરી 2020માં ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત રાજ્યના 51 મંદિરોનું મેનેજમેન્ટ પોતાના તાબામાં લેવા માટે ચાર ધામ દેવસ્થાનમ બોર્ડ બનાવ્યું હતું. મંદિરોના પુરોહિતોએ મંદિરના સરકારીકરણનો વિરોધ કર્યો હતો. ઉત્તરાખંડ સરકારના આ પગલાનો વિરોધ કરતા સાધુ-સંત અને પુરોહિત સમાજ એક થઈ ગયો. છેલ્લા સવા વર્ષથી સતત આ નિર્ણયની વિરુદ્ધ ઉત્તરાખંડમાં આંદોલન ચાલુ હતું.
ચારધામ તીર્થ પુરોહિત હક હકૂકધારી મહાપંચાયતના અધ્યક્ષ કે કોટિયાલના જણાવ્યા મુજબ આ બોર્ડ એક રીતે હિન્દુ ધર્મસ્થળ મંદિરોમાં સરકારી કબજાની કોશિશ છે. બોર્ડ બનતા પહેલા આ મંદિરોની દેખરેખ પુરોહિતો કરતા હતા, મંદિરમાં આવતા દાનનો વહીવટ પણ પુરોહિતો જ કરતા હતા. બોર્ડ બન્યા પછી પુરોહિત મંદિરોની જવાબદારી ઉઠાવી રહ્યાં છે, જોકે જે દાન આવે છે, તેનો હિસાબ સરકાર રાખે છે.
પુરોહિતોની ચિંતાએ પણ છે કે આ બોર્ડ મંદિરની સંપત્તિ અને જમીન પર સરકારી કબજાનો પ્રયત્ન છે. કોટિયાલ કહે છે કે સરકારે આટલો મોટો નિર્ણય લેતા પહેલા આ મામલાના મૂળ પક્ષકારો એટલે કે પૂરોહિતો સમાજ સાથે ચર્ચા પણ ન કરી.
હાલ કેટલા મંદિરો પર સરકારી કબજો છે
રાજ્યના 51 મંદિરો પર બોર્ડનો કબજો છે. તેમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રિનાથ અને કેદારનાથનો સમાવેશ થાય છે. આ મંદિરોમાં બોર્ડ નિયામક બોડી પ્રમાણે કામ કરે છે.
ભૂતપૂર્વ CM તીરથ સિંહ રાવતે આશ્વાસન આપ્યું હતું
પૂર્વ CM તીરથ સિંહ રાવતે 9 એપ્રિલ 2021 એટલે કે પોતાના જન્મદિવસ નિમિત્તે સંત સમાજને આશ્વાસન આપ્યું હતું કકે દેવાસ્થાનમ બોર્ડને ભંગ કરશે. આ ઘોષણાના ત્રણ મહિના બાદ 4 જુલાઈએ તીરથ સિંહ રાવતની CM પદેથી વિદાઈ થઈ, પરંતુ આ ત્રણ મહિનાઓમાં રાવત સંતોને આપેલું વચન પૂર્ણ ન કરી શક્યા.
વર્તમાન સીએમની કેબિનેટમાં એક પણ વખત ચર્ચા ન થઈ
વર્તમાન CM પુષ્કર ધામીને મુખ્યમંત્રી બને આશરે 4 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે. પરંતુ સૂત્રોનું માનીએ તો તેમની કેબિનેટમાં એક વખત પણ આ મામલે ચર્ચા થઈ નથી. હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે. સંત સમાજે ચેતવણી આપી હતી કે તેઓ PM પ્રવાસનો વિરોધ કરશે. જોકે, ધામીની પુરોહિતો સાથે બંધ રુમમાં થયેલી બેઠક બાદ સંત સમાજ થોડો નરમ દેખાઈ રહ્યો છે.
PM કેદારનાથમાં કરોડોના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
PM મોદી કેદારનાથ ખાતે આદિ શંકરાચાર્યની સમાધિનો શિલાન્યાસ કરશે અને તેમની પ્રતિમાનું અનાવરણ કરશે. કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી 150 કરોડના ખર્ચે ત્યાં શરૂ થનારા અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. તેઓ ઉત્તરાખંડમાં લગભગ 250 કરોડના ખર્ચે વિવિધ માળખાગત સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.