ભાસ્કર ડેટા સ્ટોરી:25 રૂપિયાનું પેટ્રોલ તમારા સુધી પહોંચતાં પહોંચતાં કેવી રીતે 81 રૂપિયાનું થઈ જાય છે? સરકારને પેટ્રોલમાંથી કેટલી કમાણી થાય છે એ જાણો

3 વર્ષ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક

પેટ્રોલ અને ડીઝલ એવી વસ્તુઓ છે જેના ભાવ સતત વધી રહ્યા છે. જો ક્યારેય ઓછા થાય તોપણ આપણા ખિસ્સાનો ભાર કંઈ ખાસ ઓછો નથી થતો. ઘણીવાર લોકો કહેતા હોય છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલની કિંમત ઘટી રહી છે તેમ છતાં આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટતી નથી. આનું કારણ શું છે? અને કેવી રીતે તમારા સુધી પહોંચતાં સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 ગણો વધારો થઈ જાય છે? સરકારોને આનાથી કેટલો ફાયદો થાય છે? ચાલો સમજીએ...

પહેલા એ વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલ તમારા સુધી કેવી રીતે પહોંચે છે?

  1. ભારત તેની જરૂરિયાત કરતાં 85% વધુ પેટ્રોલ ઇમ્પોર્ટ કરે છે, એટલે કે બીજા દેશમાંથી ખરીદે છે.
  2. વિદેશમાંથી આવતું ક્રૂડ ઓઇલ રિફાઇનરીમાં જાય છે, ત્યાંથી પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ કાઢવામાં આવે છે.
  3. ત્યાર બાદ તે ઓઇલ કંપનીઓ પાસે આવે છે, જેમ કે ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ. અહીંથી તેઓ પોતાનો નફો કરે છે અને પેટ્રોલ પંપ પર પહોંચાડે છે.
  4. પેટ્રોલ પંપ પર આવ્યા બાદ પેટ્રોલ પંપના માલિક પોતાનું કમિશન ઉમેરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાગતો ટેક્સ જોડીને એ કિંમતે ગ્રાહકોને આપવામાં આવે છે.

સરકારને 25 રૂપિયામાં 1 લિટર પેટ્રોલ પડે છે, પરંતુ આપણા સુધી પહોંચતાં 80 રૂપિયાથી વધુ થઈ જાય છે
એવું બને છે કે સરકાર વિદેશથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. આ ક્રૂડ ઓઇલ સરકાર બેરલમાં ખરીદે છે. એક બેરલ એટલે લગભગ 159 લિટર. આ વર્ષે 16 નવેમ્બરના રોજ દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 81.06 રૂપિયા હતી. ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મતે 1 લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ 25.37 રૂપિયા હતી. ત્યાર બાદ રૂ .32.98ની એક્સાઈઝ ડ્યૂટી, 18.71 રૂપિયા વેટ, પછી પેટ્રોલ પંપના માલિકે 3.64 રૂપિયા કમિશન રાખ્યું અને બીજા ટેક્સ લાગ્યા બાદ તેની કિંમત 81 રૂપિયા 6 પૈસા પહોંચી ગઈ.

1 લિટર ડીઝલની કિંમત પણ 25 રૂપિયા છે, તમારી પાસે આવતા સુધીમાં 70 રૂપિયાથી વધુ થઈ જાય છે
પેટ્રોલની જેમ ડીઝલની પણ બેઝ પ્રાઈસ 25 રૂપિયા છે. 16 નવેમ્બરના રોજ દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની બેઝ પ્રાઇઝ 24.42 રૂપિયા હતી. તેની પર 0.33 રૂપિયા ભાડું લાગ્યું. ત્યાર બાદ રૂ .31.83ની એક્સાઈઝ ડ્યૂટી, 10.36 રૂપિયા વેટ અને 2.52 રૂપિયા પેટ્રોલ પંપના માલિકે કમિશન રાખ્યું. ત્યાર બાદ 1 લિટર ડીઝલની કિંમત 70 રૂપિયા 46 પૈસા થઈ છે.

હવે જાણીએ તમારા પૈસાથી કેવી રીતે સરકાર કમાણી કરે છે?
કેન્દ્ર સરકાર: એક્સાઈઝ ડ્યૂટીથી વસૂલે છે સરકાર
કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલની કિંમત પર એક્સાઈઝ ડ્યૂટી લગાવે છે. આ વર્ષે જ મે મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે. આ સમયે એક લિટર પેટ્રોલ પર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી લાગી છે.

જ્યારે મે 2014માં મોદી સરકાર આવી હતી ત્યારે એક લિટર પેટ્રોલ પર 9.48 રૂપિયા અને ડીઝલ પર 3.56 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી હતી. તેનું કારણ એ છે કે ઓઈલની કિંમતો ઓછી થયા બાદ પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો આવ્યો નથી. મે 2014માં મોદી સરકાર આવ્યા બાદ અત્યારસુધી 16 વાર એક્સાઈઝ ડ્યૂટીમાં વધ-ઘટ થઈ છે. જોકે 3 વાર જ ડ્યૂટી ઘટી છે.

આમ થવાનું કારણ એ છે કે સરકારે તેનાથી સારીએવી કમાણી થાય છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ અર્થાત PPACના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અર્થાત એપ્રિલથી જૂન મહિનામાં સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટસ પર લાગનારી એક્સાઈઝ ડ્યૂટી અને અલગ અલગ ટેક્સના માધ્યમથી 49,914 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી હજુ વધારે હોત જો કોરોના ન આવ્યો હોત અને લોકડાઉન લાગુ ન થયું હોત તો.

રાજ્ય સરકાર: વેટ લગાવી કમાણી કરે છે (2020-21ના આંકડા પ્રથમ ક્વાર્ટરના) (સોર્સ: ppac.gov.in) કેન્દ્ર સરકાર તો એક્સાઈઝ ડ્યૂટી અને અલગ અલગ ટેક્સ લગાવી કમાણી કરે જ છે. રાજ્ય સરકાર પણ વેટ અર્થાત વેલ્યુ એડેડ ટેક્સ લગાવી તમારા દ્વારા કમાણી કરે છે. કેન્દ્ર સરકારની એક જ એક્સાઈઝ ડ્યૂટી આખા દેશમાં લાગુ થાય છે, પરંતુ રાજ્ય અલગ અલગ છે, તો વેટ રેટ પણ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે.

PPACના જણાવ્યા પ્રમાણે, વેટ, સેલ્સ અને અલગ અલગ ટેક્સના માધ્યમથી રાજ્ય સરકારે આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 29,812 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આખા દેશમાં સૌથી વધારે વેટ તેલંગાણા સરકાર વસૂલે છે. અહીં 35.20% ટેક્સ પેટ્રોલ પર અને ડીઝલ પર 27% વેટ છે. ત્યાર બાદ તામિલનાડુ અને ત્રીજા નંબરે મધ્યપ્રદેશ સરકાર છે.