તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ડેટા સ્ટોરી:વેનેઝુએલામાં 1.5 રૂપિયે પેટ્રોલ; આપણે જેટલામાં ખરીદીએ છીએ એટલામાં પાક.માં 2 લિ. પેટ્રોલ આવે

9 મહિનો પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
 • કૉપી લિંક

જૂન 2010માં સરકારે નક્કી કર્યું હતું કે હવેથી પેટ્રોલની કિંમતો સરકાર નહીં, પરંતુ ઓઈલ કંપનીઓ જ નક્કી કરશે. એના પછી ઓક્ટોબર 2014માં ડીઝલની કિંમત નક્કી કરવાનો અધિકાર પણ ઓઈલ કંપનીઓને જ આપી દેવામાં આવ્યો.

એપ્રિલ 2017માં આ નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી થશે. તર્ક આપવામાં આવ્યો કે એનાથી ક્રૂડ ઓઈલની કિંમતો ઘટવા-વધવાનો ફાયદો સામાન્ય જનને પણ પહોંચશે અને ઓઈલ કંપનીઓ પણ લાભમાં રહેશે. એનાથી સામાન્ય લોકોને તો કંઈ ખાસ ફાયદો ન થયો, પરંતુ ઓઈલ કંપનીઓનો નફો વધતો ગયો.

જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવ ઘટી રહ્યા હતા તો સરકારોએ ટેક્સ વધારીને પોતાનો ખજાનો તો ભર્યો જ, પણ સાથે એનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતા રોકી દીધો.

હવે જયારે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે તો ન તો સરકારો ટેક્સ ઓછો કરી રહી છે અને ન તો ઓઈલ કંપનીઓ પોતાનો નફો ઓછો કરી રહી છે. એનાથી તમામ બોજ સામાન્ય લોકો પર આવી રહ્યો છે. સ્થિતિ એ છે કે સમગ્ર દુનિયામાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ ટેક્સ આપણા દેશમાં લેવામાં આવે છે.

આ વાતો અમે એમ જ નથી કરી રહ્યા. આવો તેને આંકડાઓ દ્વારા સમજીએ અને જાણીએ કે આખરે કેમ ક્રૂડ ઓઈલની કિંમત ઘટ્યા પછી પણ આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓછી થતી નથી? અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ લેવામાં આવે છે? કેન્દ્ર સરકાર કેટલો ટેક્સ વસૂલે છે? દુનિયાના કયા દેશોમાં પેટ્રોલ સૌથી મોંઘું અને સૌથી સસ્તું છે? ઓઈલ કંપનીઓ કેટલી ફાયદામાં છે?

સૌપ્રથમ વાત ક્રૂડ ઓઈલની...

 • તમને ખ્યાલ હશે જ કે આપણે આપણી જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઈલ બહારથી ખરીદીએ છીએ. આ ક્રૂડ ઓઈલ આવે છે બેરલમાં. એક બેરલ એટલે 159 લિટર. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમત અત્યારે મિનરલ વોટર જેટલી છે.
 • પેટ્રોલિયમ પ્લાનિંગ અને એનેલિસિસ સેલ (પીપીએસી) અનુસાર, 14 ડિસેમ્બરના રોજ ક્રૂડ ઓઈલની કિંમત હતી 3705 રૂપિયા. હવે એક બેરલમાં 159 લિટર હોય તો એક લિટર ક્રૂડ ઓઈલ પડ્યું 23.30 રૂપિયાનું, જ્યારે 1 લિટર પાણીની બોટલ 20 રૂપિયાની હોય છે.

હવે સમજીએ છીએ જ્યારે ક્રૂડ ઓઈલ સસ્તું, તો પેટ્રોલ-ડીઝલ આટલાં મોંઘાં કેમ?

 • આને સમજવા માટે એ સમજવું જરૂરી છે કે ક્રૂડ ઓઈલથી પેટ્રોલ-ડીઝલ કઈ રીતે પહોંચે છે. પ્રથમ ક્રૂડ ઓઈલ બહારથી આવે છે. એ રિફાઈનરીમાં જાય છે, જ્યાં પેટ્રોલ અને ડીઝલ કાઢવામાં આવે છે. એ પછી આ ઓઈલ કંપનીઓની પાસે જાય છે. ઓઈલ કંપનીઓ પોતાનો નફો ચઢાવે છે અને પેટ્રોલ પંપ સુધી પહોંચાડે છે.
 • પેટ્રોલ પંપ પર આવ્યા પછી પેટ્રોલ પંપનો માલિક પોતાનું કમિશન જોડે છે. એ પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી જે ટેક્સ નક્કી હોય છે એ જોડવામાં આવે છે. એ પછી તમામ કમિશન, ટેક્સ ઉમેર્યા પછી પેટ્રોલ અને ડીઝલ આપણા સુધી પહોંચે છે.

આખરે આટલી કિંમત કેમ વધી જાય છે?

 • પેટ્રોલ-ડીઝલની કિંમતો વધવાનું સૌથી મોટું કારણ છે તેના પર સરકારો તરફથી લાગતો ટેક્સ. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી લગાવાય છે. આ વર્ષે મેમાં કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. આ સમયે એક લિટર પેટ્રોલ પર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી લાગે છે.
 • જ્યારે મે-2014માં મોદી સરકાર આવી ત્યારે એક લિટર પેટ્રોલ પર 9.48 રૂપિયા અને ડીઝલ પર 3.56 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી લાગતી હતી. મે 2014માં મોદી સરકાર આવ્યા પછી અત્યારસુધીમાં 13 વખત એક્સાઈઝ ડ્યૂટી વધી ચૂકી છે, ઘટી છે માત્ર 3 વખત.

અલગ-અલગ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલનો રેટ કેમ અલગ હોય છે?

 • હવે આવીએ રાજ્યોના ટેક્સ પર. કેન્દ્ર સરકારે તો એક્સાઈઝ ડ્યૂટી અને અલગ-અલગ ટેક્સ લગાવીને કમાઈ લીધું. હવે રાજ્ય સરકારો પણ વેટ એટલે કે વેલ્યુ એડેડ ટેક્સ અને સેલ્સ ટેક્સ લગાવીને તમારી પાસેથી કમાય છે.
 • કેન્દ્ર સરકાર તો એક જ છે, તેથી સમગ્ર દેશમાં એક જ એક્સાઈઝ ડ્યૂટી લાગશે, પરંતુ રાજ્ય અલગ-અલગ છે, તો વેટ અને સેલ્સ ટેક્સનો રેટ પણ અલગ-અલગ હોય છે. તેની સાથે જ કેટલાંક રાજ્યોમાં વેટ-સેલ્સ ટેક્સ ઉપરાંત અને બીજા ટેક્સ પણ લાગે છે અર્થાત્ એમ્પ્લોયમેન્ટ સેસ, ગ્રીન સેસ, રોડ ડેવલપમેન્ટ સેસ વગેરે વગેરે.
 • સમગ્ર દેશમાં સૌથી વધુ વેટ/સેલ્સ ટેક્સ રાજસ્થાન સરકાર વસૂલે છે. અહીં 38% ટેક્સ પેટ્રોલ પર અને 28% ટેક્સ ડીઝલ પર લાગે છે. એ પછી મણિપુર, તેલંગાણા અને કર્ણાટક છે, જ્યાં પેટ્રોલ પર 35% કે એનાથી વધુ ટેક્સ લાગે છે. એ પછી મધ્યપ્રદેશમાં પેટ્રોલ પર 33% વેટ લાગે છે, પરંતુ એ સમયે જે રાજ્યની રાજધાનીમાં સૌથી મોંઘું પેટ્રોલ મળી રહ્યું છે એ છે મધ્યપ્રદેશ.
 • હવે આપ કહેશો કે ટેક્સ ઓછો છે તો કિંમત વધુ કેમ? તો એનું કારણ છે અલગ-અલગ રાજ્ય આ ટેક્સની સાથે જે અનેક પ્રકારની સેસ લગાવે છે એનાથી કિંમત વધી જાય છે.

રાજ્ય સરકારનો ટેક્સ સમગ્ર રાજ્ય માટે હોય ત્યારે અલગ-અલગ શહેરોમાં કિંમતમાં આટલો તફાવત કેમ હોય છે?

 • જ્યારે પેટ્રોલ-ડીઝલ કોઈ પેટ્રોલ પંપ પર પહોંચે છે તો તેઓ પેટ્રોલ પંપ કોઈ ઓઈલ ડેપોથી કેટલો દૂર છે, એના હિસાબે એના પર ભાડું લાગે છે. આ કારણથી શહેર બદલવાની સાથે આ ભાડું વધે-ઘટે છે, જેનાથી અલગ-અલગ શહેરમાં પણ કિંમતમાં તફાવત આવી જાય છે.
 • આ કારણથી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 16 ડિસેમ્બરે પેટ્રોલ 91.46 રૂપિયે લિટર હતું તો ઈન્દોરમાં એ 91.49 રૂપિયા તો મધ્યપ્રદેશના જ બાલાઘાટમાં 93.56 રૂપિયે લિટર હતું.
 • આ જ કારણ છે કે 6% ટેક્સ લગાવનાર આંદામાનમાં પેટ્રોલ અને ડીઝલ બંને લગભગ 70 રૂપિયે લિટર મળી રહ્યાં છે. તો 38% ટેક્સ લગાવનાર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં બુધવારે પેટ્રોલ 95.53 રૂપિયામાં તો ડીઝલ 87.15 રૂપિયામાં વેચાયું.

હવે જાણીએ આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલ પર કેટલો ટેક્સ લાગે છે?
એ આપણે ઉપર સમજી જ ચૂક્યા છીએ કે પેટ્રોલ-ડીઝલની બેઝ પ્રાઈસ કેટલી હોય છે અને ટેક્સ લાગ્યા પછી એ આપણને કેટલામાં મળે છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલ પર દુનિયામાં સૌથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના પ્રમાણે, 1 ડિસેમ્બરે દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની બેઝ પ્રાઈસ હતી 26.34 રૂપિયા, પરંતુ તેઓ આપણને મળ્યું 82.34 રૂપિયામાં, એટલે કે 68% ટેક્સ લાગ્યો. આ રીતે ડીઝલની બેઝ પ્રાઈસ હતી 27.08 રૂપિયા અને ટેક્સ લાગ્યા પછી કિંમત થઈ ગઈ 72.42 રૂપિયા, એટલે કે ડીઝલ પર આપણે 63% ટેક્સ આપ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં તો પેટ્રોલ પર કુલ ટેક્સ 70%થી પણ વધુ છે.

જ્યારે વિકસિત દેશોમાં આટલો ટેક્સ લેવાતો નથી. અમેરિકામાં જ પેટ્રોલ-ડીઝલ પર 19% ટેક્સ લેવામાં આવે છે, જ્યારે બ્રિટનમાં 62% ટેક્સ લાગે છે.

હવે વાત ઓઈલ કંપનીઓની, તેમનો નફો કેટલો વધ્યો?
વધેલા ટેક્સને કારણે આ વર્ષે સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં સરકારને 18741 કરોડ રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી મળી, દેશની 3 સૌથી મોટી ઓઈલ કંપનીએ લગભગ 11 હજાર કરોડનો નફો મેળવ્યો. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 6227 કરોડ રૂપિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમે 2477 કરોડ રૂપિયા અને ભારત પેટ્રોલિયમે 2248 કરોડ રૂપિયાનો નફો રળ્યો છે.

હવે આવીએ દુનિયા પર...
પાક.માં 46 રૂપિયાનું 1 લિટર પેટ્રોલ, આપણાથી લગભગ અડધું
આપણા દેશમાં પેટ્રોલની કિંમત રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોય છે. અત્યારે કેટલાંક શહેરોમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયાથી વધુ છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જ 1 લિટર પેટ્રોલની કિંમત 91.59 રૂપિયા છે, જ્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં 1 લિટર પેટ્રોલની કિંમત 46.37 રૂપિયા છે, એટલે કે આપણે ત્યાં જેટલા રૂપિયામાં 1 લિટર પેટ્રોલ ખરીદીએ છીએ, એટલામાં તો પાકિસ્તાનમાં 2 લિટર પેટ્રોલ આવી જાય.

સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાં, સૌથી મોંઘું હોંગકોંગમાં
ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસીસ અનુસાર, દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ વેનેઝુએલામાં છે. અહીં 1 લિટર પેટ્રોલની કિંમત માત્ર 1.48 રૂ. છે. જોકે અહીં એક વાત એ પણ છે કે વેનેઝુએલામાં ઓઈલનો ભંડાર પણ છે. જે દેશોમાં ઓઈલનો ભંડાર છે ત્યાં પેટ્રોલની કિંમતો ઓછી જ છે. આ રીતે હોંગકોંગમાં 1 લિટર પેટ્રોલ 168.38 રૂ.નું છે. આ દુનિયામાં સૌથી મોંઘું છે.

અન્ય સમાચારો પણ છે...