રાજસ્થાનમાં પ્લે બોયની નોકરી અપાવવાના નામે છેતરપિંડીનું રેકેટ સામે આવ્યું છે. જયપુરથી લઈને રાજસ્થાનનાં દરેક નાનાં-મોટાં શહેરોમાં વધુ પગારે અમીર ઘરોની અને NRI મહિલાઓ માટે પ્લે બોયની નોકરી ઓફર કરવામાં આવી રહી છે. એને લઈને સોશિયલ મીડિયાથી લઈને જાહેર સ્થળોએ પોસ્ટર લગાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સેંકડો યુવાનો રોજ આ નવા પ્રકારે ઓનલાઈન ફ્રોડનો શિકાર થઈ રહ્યા છે. બદનામીના ડરથી સામે પણ નથી આવતા.
આનો ઘટસ્ફોટ ત્યારે થયો, જ્યારે 8 જાન્યુઆરી 2023એ દિલ્હીની સાયબર ક્રાઈમ પોલીસે જયપુરના બે લોકોની ધરપકડ કરી. દિલ્હી પોલીસે જણાવ્યું- બંને આરોપી 'પ્લે બોય જોબ' માટે ઓનલાઈન જાહેરાત કાઢતા હતા. એના માધ્યમથી 4 હજાર યુવાનો પાસેથી રજિસ્ટ્રેશનના નામે 3 કરોડની છેતરપિંડીને અંજામ આપ્યો હતો. છોકરીના અવાજમાં વાત કરી યુવકોને ફસાવ્યા હતા. આરોપીઓનાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં 2 કરોડથી વધુ રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં. છેતરપિંડીના લગભગ 85 લાખ રૂપિયા ખાતામાં જમા હતા. બંને આરોપી થોડા સમય પહેલાં સુધી હોટલમાં રૂમબોય અને રિસેપ્શનિસ્ટની સામાન્ય નોકરી કરતા હતા.
વાંચો કેવી રીતે ચાલે છે સમગ્ર રેકેટ અને પોલીસ કેવી રીતે પહોંચે છે આરોપીઓ સુધી...
દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દિલ્હીના જ રહેવાસી એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. ફરિયાદકર્તાએ જણાવ્યું હતું કે તે ગૂગલ પર ઓનલાઈન નોકરી સર્ચ કરતો હતો. ત્યારે તે "SPPLAYBOYSERVICE.COM" નામની વેબસાઈટ પર ગયો. વેબસાઈટમાં આપેલા નંબર(8955567601) પર કોન્ટેક્ટ કર્યો. પ્લે બોયની નોકરીના નામે 2499 રૂપિયા રજિસ્ટ્રેશન માગ્યા. રૂપિયા જમા કરાવ્યા પછી વ્હોટ્સઅપ પર એક આઈડી કાર્ડ મોકલ્યું. ત્યાર પછી 40 ટકા એડવાન્સ કમિશન, મસાજ કિટ, પાસ કોડ ચાર્જ અને હોટલ બુકિંગ ચાર્જના નામે રૂપિયા માગ્યા. કુલ 39,190 રૂપિયા જમા કરાવ્યા. ત્યાર પછી પણ નોકરી ન આપી. રૂપિયા પાછા માગ્યા તો બદનામ કરવાની ધમકી આપી. આ ફરિયાદને લઈને સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી.
આરોપી સુધી કેવી રીતે પહોંચી પોલીસ
દિલ્હી પોલીસના ઈન્વેસ્ટિગેશન દરમિયાન વેબસાઈટનું ડોમેઇન નામ, સર્વર સ્પેસ અને કોલ ડિટેઈલ શોધી ત્યારે જયપુરથી કેસ લિંક હોવાની માહિતી મળી. 25 જાન્યુઆરીએ કુલદીપ સિંહ ચારણ નામના આરોપીની જયપુરમાં માનસરોવર વિસ્તારના થડી માર્કેટ પાસેથી ધરપકડ કરવામાં આવી. પૂછપરછમાં સામે આવ્યું કે છેતરપિંડીની આ રમતમાં તેનો સાથી તેના જ ગામનો રહેવાસી શ્યામ લાલ યોગી હતો. તે જયપુરમાં જ માનસરોવર વિસ્તારમાં રહેતો હતો. બંનેનું જોઈન્ટ બેંક એકાઉન્ટ હતું, જેમાં છેતરપિંડીની રકમ જમા થતી હતી. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
6 વર્ષથી ચાલી રહી હતી ઓનલાઈન છેતરપિંડી
ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે કુલદીપ અને શ્યામ લાલ વર્ષ 2017થી પ્લે બોય સર્વિસ, જિગોલો સર્વિસ અને એસ્કોર્ટ સર્વિસના નામે છેતરપિંડીનો ધંધો કરતા હતા. છ વર્ષમાં આરોપીઓએ 4 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી. એક ડઝનથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. આરોપીઓ પાસેથી પોલીસે 4 મોબાઈલ ફોન, 18 સિમ કાર્ડ, 200થી વધુ પ્લે બોય મેમ્બરશિપ આઈ કાર્ડ, એક લેપટોપ, એક ડેસ્કટોપ કોમ્પ્યુટર સિસ્ટમ, એક ઈન્ટરનલ હાર્ડ ડિસ્ક, 2 એસડી કાર્ડ, 21 ATM કાર્ડ અને ડઝનથી વધુ પાસબુક અને ચેક જપ્ત કર્યા છે.
હોટલમાં સામાન્ય કામ કરનારા લોકોએ કરોડોનું છેતરપિંડીનું રેકેટ બનાવ્યું
દિલ્હી પોલીસના નોર્થ આઉટર dcp દેવેશ મહેલાએ જણાવ્યું હતું કે જયપુરના કુલદીપ અને શ્યામ લાલ બંને થોડા દિવસ પહેલાં સુધી હોટલમાં સામાન્ય કામ કરતા હતા. તેમને પ્લે બોયના નામથી છેતરપિંડી આચરવાનો વિચાર આવ્યો. 29 વર્ષના કુલદીપ સિંહ ચારણે છેતરપિંડીના આ ધંધામાં આવ્યાના પહેલાંનાં 5 વર્ષ સુધી જયપુરની 3 હોટલમાં રૂમબોયનું કામ કર્યું હતું. એ જ હોટલમાં 33 વર્ષનો શ્યામ લાલ રિસેપ્શનિસ્ટ હતો. ત્યાર પછી શ્યામ લાલે પ્લે બોય સર્વિસ, ડેટિંગ સર્વિસ સિવાય અન્ય સાયબર ફ્રોડનાં કામ કર્યાં.
11 બેંકમાં ખાતાં ખોલાવ્યાં હતાં
શ્યામ લાલ બીએડ છે અને અંગ્રેજી બોલી શકે છે. તે યુવતીનો અવાજ કાઢીને એનઆરઆઈ લેડી ક્લાયન્ટ બનીને નોકરી માટે અરજી કરનારા યુવકો સાથે વાત કરતો હતો. જ્યારે કુલદીપ માત્ર આઠમું પાસ છે. ડીસીપી દેવેશ મહેલાએ જણાવ્યું હતું કે બંનેએ તેમની વેબસાઈટ આઈટી ગ્રેજ્યુએટ દ્વારા બનાવી છે. બંનેનાં કુલ 11 અલગ-અલગ બેંક ખાતાંની તપાસમાં સામે આવ્યું છે કે રજિસ્ટ્રેશન રકમની 2499 રૂપિયાની એન્ટ્રીની સંખ્યાના આધારે તેઓ અત્યારસુધીમાં 4 હજારથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. તેમનાં ખાતામાંથી લગભગ 85 લાખ રૂપિયા પણ મળી આવ્યા છે, જેનું ડેબિટ કાર્ડ હવે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે.
17 વર્ષના પીડિતની કહાની પરથી સમજો, કેવી રીતે કામ કરે છે છેતરપિંડીનો આ ખેલ
'હું 17 વર્ષનો છું અને હું બિકાનેર જિલ્લાનો રહેવાસી છું. હું 12મા ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્રણ ભાઈ-બહેનોમાં બીજા નંબરે છું. તેણે 10મા બોર્ડની પરીક્ષામાં પણ 96 ટકા માર્ક્સ મેળવ્યા હતા. 10મું પાસ કર્યા બાદ 4 ડિસેમ્બર 2021ના રોજ પિતાને ગામના રાહુલ પુનિયાનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમારો દીકરો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે, હું તેને સારા પગાર પર IT કંપનીમાં નોકરી અપાવીશ. પપ્પાએ સંમતિ આપી અને મને રાહુલ સાથે બિકાનેર મોકલ્યો.
રોજેરોજ પ્લે બોયની જોબ પોસ્ટ કરવાની હતી વાઇરલ
'રાહુલે તેને બિકાનેરની જય નારાયણ વ્યાસ કોલોનીમાં રાહુલ સિનવરના ઘરે એક રાત રોકાવ્યો. બીજા દિવસે એ જ કોલોનીમાં એક મકાન ભાડે લીધું હતું. મને મારા ગામ નજીકના ગામમાંથી રાહુલ, આશિષ, અભિષેક, સુનીલ, પ્રમોદ અને લોકેશ વિશ્નોઈ સાથે ત્યાં રાખવામાં આવ્યો હતો. બીજા બે-ત્રણ લોકો હતા, જેમને હું ઓળખતો નહોતો. અહીં મને કહેવામાં આવ્યું કે આ અમારી ઓફિસ છે. આ પછી ફોન આપ્યો અને કહેવામાં આવ્યું કે આના પર કામ કરવાનું છે. આ ફોનમાં નવા ફેસબુક અને વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યાં હતાં. એવું કહેવામાં આવ્યું હતું કે દરરોજ સાંજે 4 વાગ્યે તે એક પોસ્ટ કરશે અને તે મને આપશે, જે વાઇરલ કરવાની રહેશે અને મેસેજમાં રિપ્લાય આપવાના રહેશે.
એ જ સાંજે તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ તૈયાર કરી અને મને આપી. એમાં લખ્યું હતું 'જોબ જોબ જોબ... પ્લે બોય જોબ... હવે તમારા શહેરમાં. આ માટે અમારા વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરો. તેની નીચે લખેલા નંબરો મને આપેલા મોબાઈલના નંબરો હતા. મને સમજાયું નહીં. વિચાર્યું કે કોઈ ઓનલાઈન જોબવર્ક હશે. એ પછી મેં એ પોસ્ટ એના ઉલ્લેખિત ફેસબુક એકાઉન્ટ અને વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કરી. આ પછી ઘણા લોકોએ મારા વ્હોટ્સએપ નંબર પર મેસેજ કર્યા, જેઓ નોકરી મેળવવા ઇચ્છતા હતા.
રોજ 8-10 લોકો સાથે છેતરપિંડી
ત્યાર પછી બીજા દિવસે મને કહેવામાં આવ્યું કે જે લોકો પણ આ નોકરી મેળવવા ઈચ્છે છે તેમની જોડે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. તેમની પાસેથી કંપનીના બેંક એકાઉન્ટમાં 1500 જમા કરાવવાના છે. ત્યાર પછી તેમને કંપની મેમ્બરશિપનું કાર્ડ આપવામાં આવશે. ત્યારે જ તે લોકો આ નોકરી કરી શકશે. મેં બધા લોકોને રજિસ્ટ્રેશનના મેસેજ કર્યા. ઘણા લોકો આ રકમ જમા કરાવી મેમ્બર બનવા તૈયાર થઈ ગયા. તેમને બેંક એકાઉન્ટનો નંબર મોકલવામાં આવ્યો અને તેમનો ફોટો અને આઈડી કાર્ડ મગાવવામાં આવ્યા. રોજ 8-10 લોકો રકમ જમા કરાવી મેમ્બરશિપના કાર્ડ બનાવી રહ્યા હતા.
છોકરાઓ છોકરીઓના અવાજમાં વાત કરીને મૂર્ખ બનાવતા હતા
નવા રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે ત્યારે જૂના સભ્યો રોજેરોજ નોકરીની માગણી કરતા મેસેજ મોકલી રહ્યા હતા. મને કહેવામાં આવ્યું કે આવા લોકોને તેમના શહેરનો પિન કોડ નંબર પૂછો. આ પછી એ જ શહેરની મોંઘી હોટલને ઓનલાઈન સર્ચ કરવામાં આવતી હતી. ત્યાંનું ગૂગલ લોકેશન એ લોકોને મોકલવામાં આવતું. અમીર મહિલાઓના ફોટા સોશિયલ મીડિયા પરથી ઉપાડીને તેમને મોકલવામાં આવ્યા હતા.
અમારી ઓફિસ એટલે કે તે ભાડાના મકાનમાં હાજર કેટલાક છોકરાઓ છોકરીઓના અવાજમાં વાત કરવામાં એક્સપર્ટ હતા. તે લોકો છોકરીના અવાજમાં રોમેન્ટિક વાતો કરી તે હોટલમાં બોલાવતા હતા. આ પ્રોસેસ દરમિયાન પણ તેમની પાર્ટી મિટિંગ અને એડવાન્સના નામે 20-30 હજાર રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતા હતા. સમગ્ર પ્રોસેસ કરી જ્યારે તે હોટલ પહોંચતાં તો કોઈ બહાનું બનાવી ફરી મહિલાના અવાજમાં મિટિંગ કેન્સલ થઈ ગઈ એવી વાત કરતા હતા.
પ્લે બોય મેમ્બરશિપ કાર્ડ વાઇરલ કરવાની ધમકી આપતા હતા
લોકોને જ્યારે ખબર પડતી કે પોતે છેતરાયા છે ત્યારે પૈસા પાછા માગતા હતા. ઘણા દિવસ સુધી જલદી કામ આપવામાં આવશે એવું આશ્વાસન આપતા હતા. આ રીત નિષ્ફળ નીવડતાં તેમને રિફંડ લેવા માટે અમુક ચોક્કસ રકમ જમા કરવાનું કહેવામાં આવતું હતું. ઘણા લોકો પોલીસ ફરિયાદની વાત કરતાં તો તેમના ફોટા સાથેનું પ્લે બોય કાર્ડ ઘરે મોકલવાની ધમકી આપતા હતા, સાથે જ ઈન્ટરનેટ પર પણ વાઇરલ કરવાની ધમકી આપતા હતા. બદનામીની બીકથી લોકો ફરી સંપર્ક નહોતા કરતા.
મારી સાથે મારઝૂડ, પિતાને ધમકી આપી
22 ઓક્ટોબર 2022ના રોજ ગામમાં જ વાળ કટિંગ કરાવવા માટે સલૂનમાં ગયો હતો. ત્યાર બાદ અભિષેક અને આશિષ કારમાં ત્યાં આવ્યા અને મને ઉપાડીને કારમાં લઈ ગયા. ત્યાંથી તેઓ મને નજીકના ગામમાં લઈ ગયા. બંનેએ મને માર માર્યો હતો. મારો મોબાઈલ અને ઘડિયાળ છીનવી લીધી. આ પછી મને પુલ પર પાછો ફેંકી દેવામાં આવ્યો. બાદમાં એ જ દિવસે રાહુલે તેના પિતાને ફોન કરીને ધમકી આપી હતી કે તેના પુત્રને અમારી પાસે પરત મોકલી દો, નહીં તો અમે તેને મારી નાખીશું. અમે ડરી ગયા. 4 જાન્યુઆરી, 2023ના રોજ રાહુલે ફરી એકવાર તેના પિતાને ફોન કર્યો અને કહ્યું કે અમે તમારા પુત્રને આજ સુધી જે પૈસા આપ્યા છે એ પરત કરો, નહીં તો અમે તમને અને તમારા પુત્રને મારી નાખીશું. પપ્પાએ તેમને કહ્યું કે અમે ગરીબ છીએ. અમારી પાસે પૈસા નથી.
પોલીસે કહ્યું-ઘટનાની તપાસ ચાલી રહી છે
આ સમગ્ર મામલાને લઈને બિકાનેરના જય નારાયણ વ્યાસ કોલોની પોલીસ સ્ટેશનના SHO મહાવીર પ્રસાદ સાથે વાત કરી. તેમણે કહ્યું હતું કે તમામ આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. હાલમાં તપાસ અધિકારી સુરેન્દ્ર કુમાર કેસની તપાસ કરી રહ્યા છે. તપાસ અધિકારી સુરેન્દ્ર કુમારે અમને જણાવ્યું કે રાહુલ, આશિષ, અભિષેક, સુનીલ, પ્રમોદ અને પંજાબના રહેવાસી લોકેશ વિશ્નોઈ સહિત અન્ય 2-3 વિરુદ્ધ CrPCની કલમ 420, 365, 384, 323, 341 અને કલમ 156 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.