'દેશમાં અનેક ભાષાઓ બોલાઈ રહી છે, પરંતુ સામાજિક એકતા સ્થાપિત કરવાની જે ક્ષમતા સંસ્કૃતમાં છે એ અન્ય કોઈ ભાષામાં નથી. જ્યારે દેશને વિકસિત બનાવવાનો ઈરાદો હોય તો સંસ્કૃતના ઉપયોગ વગર એ શક્ય નથી. સંસ્કૃતને હિન્દીની સાથે રાષ્ટ્રભાષા બનાવવી જોઈએ' સોમવાર, 12 ડિસેમ્બરના રોજ આ માગ લોકસભામાં કરવામાં આવી છે. માગ કરનાર હમીરપુરના BJP સાંસદ કુંવર પુષ્પેન્દ્ર સિંહ ચંદેલ હતા.
પુષ્પેન્દ્ર સિંહ ચંદેલે કહ્યું હતું કે વધુમાં વધુ લોકો સંસ્કૃતનો ઉપયોગ કરે એ માટે તમામ પ્રયાસ કરવા જોઈએ, પરંતુ કર્ણાટકમાં એક ગામ એવું છે, જ્યાં તમામ લોકો સંસ્કૃત બોલે છે. નામ મત્તુર છે. બહારથી દેખાવમાં કોઈ એક સામાન્ય ગામ જેવું છે, પરંતુ અંદર જતાં જ તમને સામાન્ય ગામ નહીં લાગે. લોકો મોટા-મોટા બંગલામાં રહે છે. જમીન પર બેસીને જમે છે અને જમીન પર જ સૂવે છે. આ દેશનું પહેલું સંસ્કૃત ગામ છે.
ગામમાં તમામ લોકો માટે સંસ્કૃત શીખવું જરૂરી
4 હજારની વસતિ ધરાવનાર આ ગામમાં બાળકો હોય કે વૃદ્ધ, બધા લોકો સંસ્કૃત બોલે છે. શેરીઓમાં ચાલતા લોકો તમને 'નમસ્કારઃ, ભવન કથામસી?' (કેમ છો) , કિમ ત્વમ અસ્માભિઃ સહ ભોજનમ્ કરિષ્યાસી (તમે અમારી સાથે ભોજન કરશો), કુત્ર અગાછસી (તમે ક્યાંથી આવો છો) અને કુત્ર ગચ્છસી (તમે ક્યાં જઈ રહ્યા છો) બોલતા જોવા મળશે.
મેં ગામમાં ફરવાનું શરૂ કર્યું તો જાણવા મળ્યું કે અહીં રહેનારા તમામ લોકો માટે સંસ્કૃત શીખવું જરૂરી છે. ગામમાં દારૂ અને નોનવેજની કોઈ દુકાન નથી. અહીં હિંદુ સાથે મુસ્લિમ પણ રહે છે. તેઓ પણ સંસ્કૃત બોલે છે. ગામમાં ચારેય બાજુ મંદિર બનેલાં છે. અહીંના લોકો વર્ણવ્યવસ્થાને નથી માનતા. તેમના માટે દરેક ધર્મ અને જાતિ એકસમાન છે.
ગામમાં સોપારીની ખેતી, દરેક ઘરમાં એન્જિનિયર
શિમોગા જિલ્લાનું મત્તુર ગામ જિલ્લાના મુખ્યાલયથી લગભગ 10 કિમી દૂર છે. અહીં મોટા ભાગના લોકો સોપારીની ખેતી કરે છે. ગામમાં વાઇ-ફાઇ, ઈન્ટરનેટ, લક્ઝરી ગાડી, શાનદાર બંગલા હાજર છે, પરંતુ વાતાવરણ ગુરુકુળ જેવું છે.
ખાસ વાત એ છે કે ગામમાં લગભગ દરેક ઘરમાં એક એન્જિનિયર છે. કેટલાક પરિવારના છોકરાઓ અમેરિકા અને જર્મનીમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. એવું નથી કે ગામના લોકોને માત્ર સંસ્કૃતનું જ જ્ઞાન છે. અહીંના લોકો અંગ્રેજી અને કન્નડ પણ બોલી શકે છે. ગામમાં દર અઠવાડિયે એક ચૌપાલ હોય છે, જ્યાં વડીલો હાથમાં માળા લઈને મંત્રોચ્ચાર કરે છે.
ગામમાં 30થી વધુ સંસ્કૃત પ્રોફેસર
મત્તુરમાં શાકભાજી વેચનારથી લઈને દુકાનદાર સુધી બધા લોકો સંસ્કૃત સમજે અને બોલે છે. ગામની દીવાલ પર સંસ્કૃતમાં નારા, ઓફિસમાં સંસ્કૃતમાં બોર્ડ અને નેમપ્લેટ લાગેલી છે. ગામમાં 30થી વધુ પ્રોફેસર છે, જેઓ કુવેમ્પુ, બેંગલુરુ, મૈસૂર અને મેંગલુરુની યુનિવર્સિટીઓમાં ભણાવી રહ્યા છે. કન્નડ લેખક માથુર કૃષ્ણમૂર્તિ, ભારતીય વિદ્યા ભવન, બેંગલુરુના ડિરેક્ટર, વાયોલિનવાદક વેંકટરામ અને ગમકા ગાયક પદ્મશ્રી એચઆર કેશવમૂર્તિ આ ગામના છે.
'સંસ્કૃત અમારા માટે માત્ર ભાષા નથી, પરંપરા છે'
ગામમાં પ્રવેશતાં જ એક મોટા બંગલા પર નજર જાય છે. એની બહાર અમને કિરણ અવધાની મળ્યા. સફેદ વૈદિક વસ્ત્રોમાં સજ્જ કિરણ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. અમને જોઈને સંસ્કૃતમાં અભિવાદન કર્યું. પછી વાતચીત શરૂ થઈ. ગામમાં સંસ્કૃતના ઉપયોગ પર કિરણ કહે છે- 'સંસ્કૃત અમારા માટે માત્ર એક ભાષા નથી, પરંતુ પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય જેવી પરંપરા છે. આ ઋષિમુનિઓ પાસેથી મળેલું વરદાન છે.
ઓફિસનું કામકાજ કન્નડમાં વાતચીત સંસ્કૃતમાં
ગામના છેડે ગ્રામપંચાયતની ઓફિસ બનેલી છે. અહીં અમને ઓફિસમાં સિનિયર ક્લાર્ક સુષમા મળ્યાં. તેમણે જણાવ્યું, સરકારી કામકાજ નિયમ અનુસાર, કન્નડ ભાષામાં થાય છે, પરંતુ ઓફિસમાં વાતચીત સંસ્કૃતમાં થાય છે.
ગામની મૂળ ભાષા સંકેથી પણ સંસ્કૃતમાંથી જન્મી
મત્તુર ગામમાં એક શારદા વિદ્યાલય(સંસ્કૃત વિદ્યાલય) છે. શાળાના પ્રિન્સિપાલ ગિરીશ કુલશ્રેષ્ઠ માત્ર સંસ્કૃતમાં વાત કરે છે. તેમણે કહ્યું, લગભગ 40 વર્ષ પહેલાં ગામમાં 'વેદ સંસ્કૃતિ યજ્ઞ' થયો હતો. એમાં દેશ-વિદેશથી અનેક વિદ્વાન આવ્યા હતા. તેમણે જ મત્તુર ગામને સંસ્કૃત ગામનો દરજ્જો આપ્યો. ગામની મૂળ ભાષા સંકેથી છે, જેનો જન્મ સંસ્કૃતમાંથી થયો છે. આ ભાષા સંસ્કૃત અને મલયાલમનું મિશ્રણ પણ છે.
ઈંગ્લિશ સ્પીકિંગ ક્લાસની જેમ સંસ્કૃત સ્પીકિંગ ક્લાસ
ગિરીશે કહ્યું હતું કે સંસ્કૃત ભારતી નામની સંસ્થા આ ભાષાના વિકાસ અને પ્રચારનું કામ કરી રહી છે. ઈંગ્લિશ સ્પીકિંગ ક્લાસની જેમ અહીં સંસ્કૃત સ્પીકિંગ ક્લાસ શરૂ છે. સંસ્કૃત સિવાય અહીં કન્નડનો ઉપયોગ પણ થાય છે. ગામની બહાર સંસ્કૃતનો વ્યવહારિક ઉપયોગ થતો નથી, તેથી યુવાનોને થોડી મુશ્કેલી પડે છે.
5 ભાષામાં સંસ્કૃતના 70% શબ્દો
શાળાની આસપાસ ફરતા હતા ત્યારે અમે એક વર્ગમાંથી સંસ્કૃત શ્લોકોનો અવાજ સાંભળ્યો. જ્યારે અમે વર્ગમાં પહોંચ્યા ત્યારે અમે ગુરુ અનંત કૃષ્ણનને મળ્યા. અનંતે જણાવ્યું, તેઓ છેલ્લાં 10 વર્ષથી બાળકોને અને ગામના લોકોને સંસ્કૃત શીખવી રહ્યા છે. તેઓ વેદ અને પુરાણોનો અભ્યાસ કરાવે છે. ગામમાં હિન્દુ હોય કે મુસલમાન, બધા સંસ્કૃતમાં જ વાતચીત કરે છે.
અનંતે કહ્યું હતું કે લોકો એવું વિચારે છે કે સંસ્કૃત ભણવાથી નોકરી મળતી નથી, પરંતુ લગભગ દરેક ભાષામાં સંસ્કૃતનો ઉપયોગ થાય છે. હિન્દી, મલયાલમ, તમિળ અને મરાઠી ભાષાના 70%થી વધુ શબ્દો સંસ્કૃતમાંથી ઊતરી આવ્યા છે.
અમેરિકા, જાપાન અને જર્મનીથી લોકો સંસ્કૃત શીખવા આવે છે
અનંતે જણાવ્યું, અમે અહીં પહેલા ધોરણથી બાળકોને સંસ્કૃત શિખવાડીએ છીએ, સાથે જ યોગ અને વેદની પણ શિક્ષા આપવામાં આવે છે. સંસ્કૃત શ્લોક બોલતાં-બોલતાં ઉચ્ચારણ પણ સ્પષ્ટ થઈ જાય છે. અમારે ત્યાં દેશ સિવાય બહારના દેશમાંથી પણ લોકો સંસ્કૃત શીખવા આવે છે. એમાં જર્મની, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
અહીં 20 દિવસ, એક વર્ષ અથવા ત્રણ વર્ષ રહીને લોકો સંસ્કૃત શીખે છે. ઘણા લોકો રિસર્ચ માટે પણ આવે છે. અમે નજીકનાં ગામો, મંદિરો અને જાહેર સ્થળોએ સંસ્કૃતના વર્ગોનું આયોજન કરીએ છીએ જેથી વધુ ને વધુ લોકો સંસ્કૃત શીખી શકે.
'મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ સંસ્કૃતમાં હોવો જોઈએ'
શાળામાં જ અમે 10મા ધોરણના વિદ્યાર્થી અનંતરામને મળ્યા. અમે અનંતરામને પૂછ્યું કે તમે સંસ્કૃત કેમ શીખો છો અને જવાબ મળ્યો - જ્યારે અન્ય દેશોના લોકો અહીં આવે છે અને સંસ્કૃત શીખે છે, તો પછી આપણે અહીં રહેતા લોકોએ એ કેમ ન શીખવું જોઈએ. મેડિકલ અને એન્જિનિયરિંગની જેમ આપણે પણ આપણો અભ્યાસક્રમ સંસ્કૃતમાં હોવો જોઈએ અને મને લાગે છે કે આવનારા સમયમાં એ થશે.
વડીલો આગામી પેઢીને સંસ્કૃત શીખવે છે
ગામના સુબ્રહ્મણ્યમ અવધાનીએ જણાવ્યું હતું કે ગામના વડીલો અને શિક્ષકો આવનારી પેઢીને સંસ્કૃત શીખવી રહ્યા છે. હું મારાં ત્રણ બાળકોને સંસ્કૃત શીખવી રહ્યો છું. તેઓ બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો અભ્યાસ કરે છે. મારો મોટો દીકરો સંસ્કૃતનો વિદ્વાન છે. અમે ઈચ્છીએ છીએ કે તમામ બાળકો સંસ્કૃતમાં જ કારકિર્દી બનાવે. અમારી પાસે બહારથી 15 વિદ્યાર્થી આવ્યા છે. અમે તેમના રહેવા અને ખાવાની વ્યવસ્થા કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.