રિયલ એસ્ટેટ:મકાનના ભાવમાં વધારો થયા બાદ લોકો અંડર કન્સ્ટ્રક્શનને બદલે હવે રેડી પઝેશન ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: વિમુક્ત દવે
  • કન્સ્ટ્રક્શન કોસ્ટ વધતાં બિલ્ડરોએ ભાવમાં 20% સુધીનો વધારો કર્યો
  • ઘર ખરીદનારાઓને ચિંતા છે કે આવનારા દિવસોમાં ભાવ વધુ વધશે

સ્ટીલ અને સિમેન્ટ સહિતનાં રો-મટીરિયલ્સના ભાવ વધવાને કારણે બિલ્ડર્સ અને ડેવલપર્સે એપ્રિલ મહિનાથી પ્રોપર્ટીના ભાવમાં 20% સુધીનો વધારો કર્યો છે. આ વધારા બાદ પણ ઘરનું ઘર લેનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, બાયર્સ અંડર કન્સ્ટ્રક્શનને બદલે રેડી ટુ મૂવ એટલે કે સીધું જ રહેવા જઈ શકાય એવા ઘર લેવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

લોકો સીધું પઝેશન મળે એ વધુ પસંદ કરી રહ્યા છે
ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ તેજસ જોશીએ જણાવ્યું હતું કે પહેલાં એવું થતું હતું કે પ્રોજેક્ટ લોન્ચ થાય એ સમયે 20-25% જેવું બુકિંગ થઈ જતું અને પ્રોજેક્ટ પૂરો થવા પર હોય ત્યારે 40-45% પર્ચેઝ રહેતું હતું, બાકીનું વેચાણ કમ્પ્લીશન બાદ થતું હતું. જોકે હવે ટ્રેન્ડ બદલાયો છે. લોકો હવે વિચારે છે કે ચાલુ પ્રોજેક્ટમાં લોનના હપતા ભરવા એના કરતાં કમ્પ્લીશનની નજીક હોય એવા પ્રોજેક્ટમાં સીધું જ પઝેશન મળે એવા પ્રોજેક્ટ્સમાં ઘર ખરીદે છે. આ ઉપરાંત કોરોના બાદ રેન્ટ પર રહેતા લોકો હવે પોતાનું ઘરનું ઘર હોય એવું વધારે ઈચ્છે છે. આને કારણે ભાવવધારો થયો હોવા છતાં પણ ડિમાન્ડ પર કોઈ અસર થઈ નથી.

ભાવ વધ્યા, પણ ડિમાન્ડને કોઈ અસર થઈ નથી
સાવી ઇન્ફ્રાસ્ટ્રકચરના મેનેજિંગ ડિરેક્ટર જક્ષય શાહે જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારો થઈ રહ્યો છે અને સ્ટીલ તેમજ સિમેન્ટના ભાવ વધી જવાથી ડેવલપર્સે પણ ભાવ વધાર્યા છે. આ સ્થિતિમાં ઘર ખરીદનારાઓને ચિંતા છે કે ભાવ હજી વધુ વધશે. આને કારણે ભાવ વધ્યા હોવા છતાં પણ ડિમાન્ડને કોઈ અસર થઈ નથી. બીજી તરફ, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી છે, પણ સામે માગ સારી છે. એનેના કારણે નવા પ્રોજેક્ટનાં લોન્ચિંગ ધીમાં પડ્યાં નથી. વર્તમાન સંજોગોમાં જે રીતે સ્ટીલ અને સિમેન્ટના ભાવ વધી રહ્યા છે એ જોતાં આગામી દિવસોમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થવાની સંભાવનાને નકારી શકાય નહીં.

રિડેવલપમેન્ટને કારણે રેડી ટુ મૂવ પ્રોપર્ટીની માગ વધી
શીતલ ઇન્ફ્રાસ્ટ્રકચરના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પારસ પંડિતે કહ્યું હતું કે અત્યારે રિડેવલપમેન્ટનાં કામ બહુ થઈ રહ્યાં છે. ઘણા લોકો પોતાનું જૂનું ઘર વેચીને નવા તેમજ મોટા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં રેડી ટુ મૂવ પ્રોપર્ટીની માગ વધુ રહે છે. બીજું કે જે પ્રકારે ભાવવધારો થયો છે એને જોતાં આગામી 4-6 મહિના સુધી એની અસર રહેશે. રિયલ બાયર્સ છે તે પોતાનો નિર્ણય લેવામાં ઓછામાં ઓછો 3 મહિનાનો સમય લેતા હોય છે એટલે આગામી સમયમાં થોડી ઘરાકી ધીમી પડી શકે છે.

રોકાણ માટે પણ રિયલ એસ્ટેટ હજુ હોટ ફેવરિટ
નીલા સ્પેસીસ લિમિટેડના સેલ્સ મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ જેવા શહેરમાં બહારથી આવતા લોકોનો પ્રવાહ આજે પણ એટલો જ છે. આ ઉપરાંત ઇન્વેસ્ટમેન્ટ માટે પણ રિયલ એસ્ટેટ હજુ હોટ ફેવરિટ ગણાય છે. કોરોનાના ખરાબ સમયમાં પણ રિયલ એસ્ટેટમાં રોકાણકારોને સારું રિટર્ન મળ્યું છે. અત્યારે વૈષ્ણોદેવી સર્કલ, બોપલ, ગોતા, ગાંધીનગરમાં સરગાસણ, કુડાસણ અને ગિફ્ટસિટી જેવા વિસ્તારોમાં લોકો રોકાણ કરી રહ્યા છે. ગિફ્ટસિટી જેવા નવા વિકસી રહેલા વિસ્તારોમાં ડેવલપર્સ રોકાણકારોને સારું રિટર્ન ઓફર કરી રહ્યા છે, જેને કારણે ઇન્વેસ્ટમેન્ટ હેતુથી રોકાણ વધુ આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...