USમાં શાકભાજીની જેમ બંદૂકો ખરીદાય છે:અમેરિકાની વસતી 33 કરોડ અને ગન 40 કરોડ; છેલ્લાં 50 વર્ષમાં 15 લાખ લોકોનાં મોત થયાં

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: અભિષેક પાંડે

તારીખઃ 4 જુલાઈ 2022. જગ્યાઃ અમેરિકાના ઇલેનોય રાજ્યનો હાઇલેન્ડ પાર્ક. સમયઃ સવારના 10 વાગ્યા (ભારતમાં સાંજે 7.30 વાગ્યા).

અમેરિકાની ફ્રીડમ ડે પરેડને જોવા માટે ઘણા લોકો એકત્રિત થયા હતા, ત્યારે એક હુમલાખોરે એક દુકાનની છત પરથી જોરદાર ગોળીઓ ચલાવી. આ હુમલામાં 6 લોકોનાં મૃત્યુ થયાં અને 31 લોકો ઘાયલ થયા છે.

આવી ઘટનાઓ અમેરિકામાં સતત થઈ રહેલા માસ શૂટિંગની પેટર્નનો એક હિસ્સો છે. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં અમે અમેરિકાના કુખ્યાત ગનકલ્ચરની સંપૂર્ણ કહાની તમને જણાવીશું...

અમેરિકામાં ગનકલ્ચરનો ઈતિહાસ 230 વર્ષ જૂનો
અમેરિકામાં આ ગનકલ્ચરની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે ત્યાં અંગ્રેજોનું શાસન હતું. એ સમયે ત્યાં કાયમી સિક્યોરિટી ફોર્સ નહોતી, આ કારણે લોકોને પોતાની અને પરિવારની સુરક્ષાની ચિંતા થતી હતી.

1791માં બંધારણમાં કરવામાં આવેલા બીજા સુધારા અંતર્ગત અમેરિકન નાગરિકોને હથિયાર રાખવા અને ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો. અમેરિકામાં આ કાયદો આજે પણ ચાલુ જ છે.

શાક ખરીદવા જેટલી સરળ છે અમેરિકામાં ગનની ખરીદી કરવી

અમેરિકામાં ઘણા એવા સ્ટોર, શોપિંગ આઉટલેટ અને નાની-નાની દુકાનો છે, જ્યાં ગનનું વેચાણ થાય છે.
અમેરિકામાં ઘણા એવા સ્ટોર, શોપિંગ આઉટલેટ અને નાની-નાની દુકાનો છે, જ્યાં ગનનું વેચાણ થાય છે.

ગનની ખરીદી કરતી વખતે ખરીદનારે એક ફોર્મમાં નામ, એડ્રેસ, જન્મ તારીખ અને નાગરિકતાની માહિતી આપવાની હોય છે. બંદૂક વેચનાર ખરીદનારની માહિતી જાસૂસી એજન્સી ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે FBIને આપે છે, જે ગન ખરીદનારના બેકગ્રાઉન્ડની તપાસ કરે છે.

અમેરિકાના ધ ગન કન્ટ્રોલ એક્ટના જણાવ્યા મુજબ, રાઈફલ કે કોઈપણ નાના હથિયાર ખરીદવાની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને અન્ય હથિયાર જેવા કે હેંડગન ખરીદવાની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

અમેરિકામાં માત્ર સમાજ માટે ખતરનાક, ભાગેડું, માનસિક રીતે બીમાર અને 1 વર્ષથી વધુ જેલ અને 2 વર્ષથી વધુની સજા કાપી ચૂકેલા લોકોને જ બંદૂક ખરીદવાની પરવાનગી નથી.

અમેરિકાની 33 કરોડ વસતિની પાસે 40 કરોડ ગન
નાગરિકોના ગન રાખવાના મામલામાં અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. સ્વિટ્ઝર્લેન્ડના સ્મોલ આર્મ્સ સર્વે એટલે કે SASના રિપોર્ટ મુજબ વિશ્વમાં હાલ કુલ 85.7 કરોડ સિવિલિયન ગનમાંથી એકલા અમેરિકામાં જ 39.3 કરોડ સિવિલિયન બંદૂક છે. વિશ્વની વસતિમાં અમેરિકાનો હિસ્સો 5%, જોકે વિશ્વની કુલ સિવિલિયન ગનમાંથી 46 ટકા માત્ર અમેરિકામાં જ છે.

ઓક્ટોબર 2020માં આવેલા ગૈલપ સર્વે મુજબ, 44 ટકા જેટલા અમેરિકાના વયસ્ક એવા ઘરમાં જ રહે છે, જ્યાં બંદૂકો છે, આ પૈકીના એક તૃતીયાંશ વયસ્કોની પાસે બંદૂક છે.

વિશ્વમાં માત્ર ત્રણ જ દેશ એવા છે, જ્યાં બંદૂક રાખવો એ બંધારણીય અધિકાર છે. અમેરિકા, ગ્વાટેમાલા અને મેક્સિકો. જોકે અમેરિકાની સરખામણીમાં ગ્વાટેમાલા અને મેક્સિકોમાં લોકોની પાસે ઘણી ઓછી બંદૂકો છે. આ સિવાય આખા મેક્સિકોમાં માત્ર એક જ ગન સ્ટોર છે, જેની પર આર્મીનું નિયંત્રણ છે.

છેલ્લાં 50 વર્ષમાં 15 લાખ લોકોનાં મૃત્યુ માટે ગનકલ્ચર જવાબદાર
અમેરિકામાં બંદૂકથી થયેલી હિંસાને કારણે છેલ્લાં 50 વર્ષમાં 15 લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. આ સંખ્યા 1776માં અમેરિકાની આઝાદી પછીથી છેલ્લાં લગભગ 250 વર્ષમાં અમેરિકાનાં તમામ યુદ્ધોમાં માર્યા ગયેલા કુલ સૈનિકોની સંખ્યાથી પણ વધુ છે.

US સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રિપોર્ટના જણાવ્યા મુજબ, અમેરિકામાં સરેરાશ પ્રત્યેક દિવસે 53 લોકોનાં મૃત્યુ ગનને કારણે થાય છે. આ રિપોર્ટના જણાવ્યા મુજબ, અમેરિકામાં 79 ટકા હત્યાઓ ગનથી જ થાય છે.

ગનકલ્ચરને કારણે અમેરિકામાં હત્યાઓ સિવાય આત્મહત્યાના કેસ પણ વધ્યા છે. CDCના રિપોર્ટ મુજબ, 2019માં અમેરિકામાં બંદૂકથી 23 હજારથી વધુ લોકોએ સુસાઈડ કરી હતી. એ આ દરમિયાન વિશ્વમાં બંદૂકથી કરવામાં આવેલી આત્મહત્યાના કુલ મામલાઓના 44 ટકા હતા.

ગનકલ્ચર પર પ્રતિબંધ ન લાગી શકવાનાં બે મોટાં કારણ
અમેરિકા 230 વર્ષ પછી પણ એના ગનકલ્ચરને સમાપ્ત કરી શક્યું નથી. એનાં બે મોટાં કારણ છે...

1. ઘણા અમેરિકાના રાષ્ટ્રપતિથી લઈને ત્યાંનાં રાજ્યોના ગવર્નર સુધીના લોકો આ કલ્ચરને જાળવી રાખવાની વકીલાત કરી રહ્યા છે. થિયોડેર રુઝવેલ્ટથી લઈને ફ્રેંકલિન ડી રુઝવેલ્ટ, જિમી કાર્ટર, જોર્જ બુશ સિનિયર, જોર્જ ડબલ્યુ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા ઘણા અમેરિકાના રાષ્ટ્રપતિ ગનકલ્ચરની તરફેણ કરતા રહ્યા છે.

2. ગનલોબી પણ આ કલ્ચર જાળવે છે એ માટેનું મહત્ત્વનું કારણ છે. 2019ના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં 63 હજાર લાઈસન્સ ધરાવતા ગન-ડીલર હતા, જેમણે આ વર્ષે અમેરિકાના નાગરિકોને 83 હજાર કરોડ રૂપિયાની બંદૂકો વેચી હતી. નેશનલ રાઈફલ એસોસિયેશન અમેરિકામાં સૌથી શક્તિશાળી ગનલોબી છે, જે ત્યાંના સંસદસભ્યોને પ્રભાવિત કરવા માટે મોટા પાયે ખર્ચ કરે છે. આ શક્તિશાળી લોબી ગનકલ્ચરને ખતમ કરવા માટે પ્રસ્તાવિત બીજા બંધારણીય સુધારાનો વિરોધ કરતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...