તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • Castes Including Patel, Vaniya, Brahmin, Kshatriya Got Assistance Of Only Rs.745 Crore From Non reserved Corporation In Three Years, Outrage In Patidar Organizations Against The Functioning Of The Corporation

એક્સક્લૂઝિવ:પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જ્ઞાતિઓએ ત્રણ વર્ષમાં બિનઅનામત નિગમ પાસેથી માત્ર રૂ.745 કરોડની સહાય મેળવી, નિગમની કામગીરી સામે પાટીદાર સંગઠનોમાં રોષ

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • નિગમ પાસે સૌથી વધુ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન લેવામાં આવી
  • લોન-સહાય મેળવવા માટેની જટિલ પ્રક્રિયાથી પરેશાન થવાનો વારો- સામાજિક સંગઠનો

પાટીદારોને અનામતમાં સમાવવાના મુદ્દે થયેલા આંદોલન બાદ ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓને સહાય અને રાહત દરની લોન માટે 2018માં બિનઅનામત નિગમ શરૂ કર્યું હતું. છેલ્લાં 3 વર્ષમાં નિગમે પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જ્ઞાતિઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 68,464 લોકોને રૂ. 745 કરોડની સહાય તેમજ લોન આપી છે, જેમાં સૌથી વધુ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન લેવામાં આવી છે. આમાં પણ ખાસ કરીને કોરોના આવ્યા બાદ આયોગ પાસેથી સહાય મેળવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે બીજી તરફ નિગમ-આયોગની કામગીરી સામે પાટીદાર સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ફાળવેલા ફંડ પ્રમાણે કામ ન થતું હોવાનો દાવો કર્યો છે.

બિનઅનામત કેટેગરીમાં આવતી જ્ઞાતિઓને સહાય કરવાનો હેતુ
પાટીદાર આંદોલન બાદ સરકાર તરફથી પટેલ, વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિતની જનરલ કેટેગરીમાં આવતી જ્ઞાતિઓ માટે શું કરવામાં આવે છે? એ એક ચર્ચાનો મુદ્દો બન્યો હતો. ત્યાર બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે 2018માં બિનઅનામત આયોગ અને નિગમની રચના કરી હતી, જેમાં વિવિધ 8 યોજના હેઠળ અત્યારસુધી 68464 લોકોએ રૂ. 745 કરોડની આર્થિક સહાય તેમજ 4-5%ના વ્યાજ પર લોન મેળવી છે. આ યોજનાઓ અંતર્ગત અભ્યાસ માટે સીધી આર્થિક સહાય મળે છે, જ્યારે અન્ય વ્યવસાયલક્ષી યોજનામાં લોનસ્વરૂપે બિનઅનામત વર્ગના લોકોને સહાય મળે છે, જે માટે વાર્ષિક રૂ. 500 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે.

​​​​વર્ષ પ્રમાણે લાભાર્થીઓ

યોજના2018-192019-202020-212021-22
ભોજન બિલ7100252234974-
NEET, JEE, GUJCET3443130482-
સ્પર્ધાત્મક પરીક્ષા19460403048-
ટ્યૂશન99551983073-
શૈક્ષણિક અભ્યાસ6936867694
સ્વ રોજગારલક્ષી3815431856859
વિદેશ અભ્યાસ22312321474232
કો-પાયલોટ-1--

યોગ્ય જવાબ નથી મળતો, સરકારના ફંડ પ્રમાણે કામ નથી થતું
સૌથી મહત્ત્વની વાત એ છે કે બિનઅનામત આયોગ અને નિગમ હાલ ચેરમેનવિહોણાં છે, જેને લઇને પાટીદાર સમાજનાં સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર.પી પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે સહાય-લોન મેળવવા માટેની પ્રક્રિયા જટિલ છે, 10 મહિનાથી ચેરમેન નથી, જેને કારણે સંતોષકારક જવાબ નથી મળી રહ્યો. એટલુ જ નહિ પરંતુ સરકારે આપેલા ફંડ પ્રમાણે કામ પણ નથી થઇ રહ્યું.

આર.પી પટેલ, ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.
આર.પી પટેલ, ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન.

વિવિધ યોજના અંતર્ગત વર્ષ પ્રમાણે ચૂકવાયેલ રકમ

યોજના2018-192019-202020-212021-22
ભોજન બિલ8.46305.9-
NEET, JEE, GUJCET0.76.020.93-
સ્પર્ધાત્મક પરીક્ષા0.3111.255.76-
ટ્યૂશન1.447.774.55-
શૈક્ષણિક અભ્યાસ212.1620.493.95
સ્વ રોજગારલક્ષી2.764.5871.0128.03
વિદેશ અભ્યાસ32.43179.75210.7833.31
કો-પાયલોટ-0.25--
(આંકડા કરોડમાં)

બિનઅનામત આયોગ અંતર્ગતની વિવિધ યોજના
શૈક્ષણિક અભ્યાસ: મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યાવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરપી, વેટરિનરી, નર્સિંગ, સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસ માટે કુલ ટયૂશન ફી કે રૂ. 10 લાખ, બે પૈકી જે ઓછું હોય એ પ્રમાણે, 4%ના સાદા વ્યાજે લોન.

વિદેશ અભ્યાસ લોન: ધોરણ 12 બાદ M.B.B.S. પછી PG તેમજ PG-ડિપ્લોમા કે તેની સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂ 15 લાખની 4 % સાદા વ્યાજે લોન.

ફૂડ બિલ સહાય: UGના વિદ્યાર્થીઓ, જેમ કે મેડિકલ, ડેન્ટલ, ટેક્નિકલ, પેરા મેડિકલમાં અભ્યાસ કરતા અને બહાર રહીને અભ્યાસ કરતા, ખાનગી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા ધો. 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને 10 માસ માટે મહિને રૂ.1200 ફૂડ બિલ.

કોચિંગ સહાય: શાળા-કોલેજ સિવાય ખાનગી ટયૂશન કરતા હોય તેમને ધોરણ 10માં 70%, ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 15,000ની સહાય કરવામાં આવે છે.

JEE, NEET, GUJCET કોચિંગ સહાય: બિનઅનામત વર્ગના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ પરીક્ષાના JEE, NEET,GUJCETના કોચિંગ માટે વાર્ષિક રૂ. 20 હજાર અથવા ફી, બન્નેમાંથી જે ઓછી હોય એ રકમની સહાય.
​​​​​સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમ સહાય: યુવાનોને UPSC-GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, રેલવે, બેંક વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે વાર્ષિક રૂ 20 હજાર કે ફી, બન્નેમાંથી જે ઓછી હોય એ આર્થિક સહાય મળે છે.

ડોકટર,વકીલ, ટેક્નિકલ સ્નાતક માટે લોન: ડોકટર, વકીલ, ટેક્નિકલ સ્નાતક થયેલા લોકોને ક્લિનિક, લેબોરેટરી, રેડિયોલોજી ક્લિનિક કે ઓફિસ શરૂ કરવા 5%ના વ્યાજની રૂ. 10 લાખ સુધીની લોન.

સ્વરોજગારલક્ષી યોજનાઓ: રિક્ષા, લોડિંગ રિક્ષા, મારુતિ-ઇકો, જીપ-ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ, વ્યવસાય કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે 5% વ્યાજ સાથે રૂ 10 લાખની લોન.

હંસરાજ ગજેરા,પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ.
હંસરાજ ગજેરા,પૂર્વ ચેરમેન, બિનઅનામત આયોગ.

કોરોના બાદ સ્વરોજગારી અને વિદેશ અભ્યાસ માટે લોન લેનારા વધ્યા
નિગમે આપેલી માહિતી પ્રમાણે, સૌથી રસપ્રદ બાબત એ છે કે કોરોના આવ્યા બાદ વર્ષ 2020-21માં, પાછલા ત્રણ વર્ષની સરખામણીએ વ્યવસાયલક્ષી લોન માટે તથા વિદેશ અભ્યાસ માટે લોન લેનારાઓની સૌથી વધુ અરજીઓ મળી છે. આ સમયગાળામાં 8173 લોકોએ સ્વરોજગાર લોન માટે અરજી કરી હતી, જે પૈકી 1856 લોકોની લોન મંજૂર કરવામાં આવી છે. એવી જ રીતે વિદેશ જઇ અભ્યાસ કરવા માટે 2041 અરજી પૈકી 1474ને મંજૂરી આપવામાં આવી છે. બિનઅનામત આયોગના પૂર્વ ચેરમેન હંસરાજ ગજેરાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે કોરોનામાં લોકોના ધંધા-વેપાર પર અસર પડી અને આર્થિક સમસ્યા સર્જાઇ, જેથી વ્યવસાયલક્ષી યોજના માટે મહત્તમ લાભ લીધો હતો.

ગાંધીનગર કર્મયોગી ભવન સ્થિત બિનઅનામત આયોગ-નિગમની કચેરી.
ગાંધીનગર કર્મયોગી ભવન સ્થિત બિનઅનામત આયોગ-નિગમની કચેરી.

123થી વધુ જ્ઞાતિને યોજનાનો લાભ
રાજ્યમાં મુખ્યત્વે પટેલ-પાટીદાર (કડવા-લેઉઆ), બ્રાહ્મણ, રાજપૂત-ક્ષત્રિય, વૈષ્ણવ-વાણિયા, ભાવસાર, ભાટિયા, જૈન, સોનીની સહિત અન્ય પેટા-જ્ઞાતિઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ બિનઅનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ એક અંદાજ મુજબ મુખ્યત્વે પાટીદાર 12-13%, બ્રાહ્મણ 3-4%, જૈન 2%, રાજપૂત 6-7% છે.

સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, રાજપૂત વિદ્યા સમાજ યુવા સંગઠન.
સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ, રાજપૂત વિદ્યા સમાજ યુવા સંગઠન.

યોજનાના લાભ માટે પ્રક્રિયા સરળ થવી જોઇએ
રાજપૂત વિદ્યા સમાજ યુવા સંગઠનના પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો બિનઅનામત વર્ગની યોજનાઓ અંગે વાકેફ જ નથી, સાથે-સાથે સામાજિક સંસ્થાઓને પણ યોજનાઓ અંગે તેમના સમાજના લોકો સુધી પહોંચાડવામાં ધારી સફળતા મળી નથી. ક્ષત્રિય સમાજના યુવાનો મોટા ભાગે શિક્ષણ અને વ્યવસાયલક્ષી યોજનાની લોન સહાય વધુ લેતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે યોજનાના લાભ માટે દસ્તાવેજી કાર્યવાહી પણ લેન્ધી હોવાથી અરજદારોએ થોડી મુશ્કેલી વેઠવી પડે છે. યોજના લોકો સુધી પહોંચે એ માટે સરકારે પણ પ્રયાસ કરવા જોઇએ.

યજ્ઞેશ દવે,પ્રમુખ,બ્રહ્મ સમાજ.
યજ્ઞેશ દવે,પ્રમુખ,બ્રહ્મ સમાજ.

બ્રહ્મ સમાજ જિલ્લા સ્તરે સહાય મેળવવા મદદ કરે છે
બ્રહ્મ સમાજના પ્રમુખ યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે તેમના સમાજમાંથી મોટા ભાગે યુવાનો શિક્ષણ અને વ્યવસાયલક્ષી યોજના અંતર્ગત વાહનોની ખરીદી માટે લોનની યોજનાનો લાભ વધુ લેતા હોય છે. કેટલાક કિસ્સામાં દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી રહેવાથી અરજીઓ બાકી રહે છે. બ્રહ્મ સમાજના લોકો યોજનાનો મહત્તમ લાભ લઇ શકે એ માટે જિલ્લા સ્તરે અરજદારોને ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવતી હોવાની વાત પણ તેમને કહી. ઉપરાંત જે વિદેશ અભ્યાસ માટેની ફાઇલમાં જે-તે દેશની યુનિવર્સિટી પાસેથી પણ વિગતો મેળવવાની હોવાથી તેમાં વિલંબ થતો હોવાનું જણાવ્યું હતું.

અમિત જૈન, પ્રમુખ, JITO- અમદાવાદ ચેપ્ટર.
અમિત જૈન, પ્રમુખ, JITO- અમદાવાદ ચેપ્ટર.

સમાજના લોકોમાં યોજનાની વિગતોથી માહિતગાર નથી
જીતોના ચેરમેન અમિત જૈને પણ બિનઅનામત નિગમની યોજનાઓ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે યોજનાઓ અંગે લોકોમાં જાગરૂકતા નથી. મોટા ભાગે શૈક્ષણિક સહાય માટે લોકો જાય છે. સંગઠન મારફત સેમિનાર કરીને પણ જૈન સમાજના યુવાનોને યોજના અંગે માહિતગાર થાય એ પ્રયાસ કરે છે, સાથે-સાથે એક માહિતી પુસ્તિકા પણ તૈયાર કરી રહ્યા છીએ, જેમાં બિનઅનામત આયોગની યોજના અને અન્ય યોજના અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...