સન્ડે જઝબાતજાહેરમાં ભાઈની હત્યા, અંતિમ સંસ્કારમાં પંડિત ન આવ્યા:ડિપ્રેશનમાં માતા-પિતાનું અવસાન થયું, પાડોશી-સંબંધીઓએ સાથ છોડી દીધો

21 દિવસ પહેલા
  • અનુરાધા ભાલીગા

ધોળા દિવસે ભાઈની હત્યા. તેના દુઃખમાં માતા-પિતા બંનેનાં મોત. હાલ ઘરમાં હું અને નાની બહેન છીએ. બંનેની લગ્નની ઉંમર જતી રહી છે. સંબંધીઓએ બોલાવવાનું બંધ કરી દીધું છે. પાડોશીઓ અછૂત સમજે છે. મમ્મી-પપ્પાના અંતિમ સંસ્કાર અમારે બંને બહેનોએ કરવા પડ્યા હતા. કોઈ પંડિત પણ નહતો આવ્યો. સાત વર્ષથી પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાઈ રહી છું. પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો.

હું અનુરાધા ભાલિગા. હું મેંગલુરુના કોડિયાલ બેલ વિસ્તારમાં મારી બહેન હર્ષા સાથે રહું છું. એક મોટી હવેલી છે, પરંતુ તેમાં ફક્ત બે જ લોકો રહીએ છીએ. બહારથી જોતાં એવું લાગે છે કે અહીં કોઈ શ્રીમંત રહેતા હશે, પણ અમારી હાલત એવી છે કે ભાઈના ન્યાય માટે વકીલ રાખવાના પૈસા નથી.

અમારું એક સુખી કુટુંબ હતું. પપ્પા બિઝનેસ કરતા હતા. તે ઘણીવાર ઘરથી દૂર રહેતા હતા. સાત-આઠ મહિનામાં થોડા દિવસ ઘરે આવતા. અમે તેમને ફરિયાદ કરતાં હતાં કે તમે અમને સમય આપતા નથી. અમને ક્યાંય લઈ જતા નથી.

મા અમારું ધ્યાન રાખતી. તે સવારે વહેલા ઊઠીને ટિફિન બનાવતી હતી. શાળાએથી આવ્યા બાદ તે હોમવર્ક કરાવતી હતી. દિવસો આમ જ વીતતા ગયા.

પપ્પા, મમ્મી અને ભાઈની તસવીર. રોજ તેમની તસવીરો જોઈને દિવસ પસાર કરીએ છીએ. તેમની તસવીરો સિવાય અમારી પાસે કંઈ નથી.
પપ્પા, મમ્મી અને ભાઈની તસવીર. રોજ તેમની તસવીરો જોઈને દિવસ પસાર કરીએ છીએ. તેમની તસવીરો સિવાય અમારી પાસે કંઈ નથી.

દિવાળી પર મા સાથે મળીને વાંસનાં પત્તાંથી ઘર સણગારતા હતાં. પકવાન બનાવતા હતા. ગણેશ ચતુર્થી પર ઘરમાં ગણેશજી વિરાજમાન થતા. મા મોદક બનાવતી. આખા વર્ષમાં કોઈ ને કોઈ ઉત્સવ ચાલતો રહેતો. મમ્મી-પપ્પા, ચાર બહેનો અને એક ભાઈ વિનાયક. આટલી જ અમારી દુનિયા.

ભાઈ મારા કરતાં પાંચ વર્ષ મોટા હતા. અમારા માટે દરેક વસ્તુ લઈને આવતા હતા. ક્યારેય કોઈ વાતનું પ્રેશર ન આપતા. અમને બહાર આવતા-જતા ટોકતા નહતા, પરંતુ દરેક વાતની તેમને જાણ રહેતી કે અમે ક્યાં જતાં અને કોને મળતાં. અમારી સાહેલી કોણ છે.

જ્યારે અમે રાત્રે મૂવી જોવા જતાં ત્યારે તે તેમને રિસીવ કરવા બહાર ઊભા રહેતા. તેમની સાથે ચાલવાથી હિંમત મળતી. કોઈની પણ અમને તૂ કહીને બોલાવવાની હિંમત ન હતી. આજે શેરીમાં કોઈ અવાજ કરે તો પણ બીક લાગે છે. કોઈ બળજબરીથી ઘરમાં ઘૂસી જશે તો અમારું શું થશે? અમે કોને બોલાવીશું? અમને કોણ બચાવશે?

ભાઇ ભણવામાં બહુ સારા નહોતા, પણ સામાજિક કાર્યોમાં તેમને ખૂબ રસ હતો. તે શાળાના દિવસોથી જ લોકોની મદદ કરતા હતા. પાડોશમાં ગમે તેટલી જરૂરિયાત હોય તો પણ તે મદદ કરવા હંમેશાં તૈયાર રહેતા.

એન્જિનિયરિંગ કર્યા પછી, તેમને નોકરી મળી હતી, પરંતુ તેમણે પોતાનું ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરનું કામ શરૂ કર્યું. થોડા દિવસ કામ કર્યા પછી તેઓ કહેવા લાગ્યા કે આમાં ફાયદો નથી થતો, મારે બીજું કામ શરૂ કરવું જોઈએ.

મેં કહ્યું કે તમે વસ્તુઓ વિશે ન વિચારો, તમને યોગ્ય લાગે તે કામ કરો. ત્યાર પછી તેમણે ઈલેક્ટ્રિકલ કન્સલ્ટન્સીનું કામ શરૂ કર્યું.

બીજી તરફ પિતા ચિંતિત રહેતા કે આટલી છોકરીઓનાં લગ્ન કેવી રીતે થશે. તેમની ઉંમર પણ વધારે છે અને ઘરમાં કામ કરનાર માત્ર એક ભાઈ છે. પરંતુ ભાઈ પિતાને કહેતો કે તમે ચિંતા ન કરો હું બધું સંભાળી લઈશ.

આ મારી નાની બહેન હર્ષા છે. અમે બંને બહેનો અમારી ઉંમર કરતાં વધુ ઉંમરના દેખાઈએ છીએ. સમય અને સંજોગોએ અમને આવા બનાવ્યા છે.
આ મારી નાની બહેન હર્ષા છે. અમે બંને બહેનો અમારી ઉંમર કરતાં વધુ ઉંમરના દેખાઈએ છીએ. સમય અને સંજોગોએ અમને આવા બનાવ્યા છે.

ભાઈએ બે બહેનના લગ્નનો ખર્ચ અને મેનેજમેન્ટ બધું સંભાળી લીધું. કોઈ પણ વસ્તુની કમી ન થઈ.

ભાઈ કહેતો હતો કે તે તમારા બંને બહેનોનાં લગ્ન ધામધૂમથી કરશે. ઘણીવાર રાત્રે તે મને જગાડતો. વાતો કરતા હતા. તહેવાર હોય તો તેનું આયોજન શરૂ કરી દેતા હતા. તે રોજ રોજનો હિસાબ ડાયરીમાં રાખતો હતો.

ભાઈ સવારે પાંચ વાગ્યે ઊઠતા હતા. નાહવા જાય અને સૌથી પહેલાં મંદિર જાય, ત્યાર પછી કોઈ પણ કામ કરતો હતો. એક દિવસ પણ મંદિર જવાનું ટાળતો નહીં. એક દિવસ ભાઈને ખબર પડી કે મંદિરના જીર્ણોદ્ધાર માટે જે પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે તેમાં કેટલીક હેરાફેરી થઈ રહી છે. આ અંગે તેમણે આરટીઆઈ દાખલ કરી હતી.

ત્યારથી જ કેટલાક લોકો તેમની પાછળ પડ્યા હતા.

25 માર્ચ 2016ના રોજ મમ્મી-પપ્પા બંનેનો જન્મદિવસ હતો. મમ્મી 80 વર્ષની અને પપ્પા 85 વર્ષના થવા જઈ રહ્યાં હતાં. અમે વિચાર્યું કે આ વખતે શાનદાર રીતે તેમનો જન્મદિવસ ઊજવીશું. બધાને બોલાવીશું. મોટી પાર્ટી કરીશું.

ભાઈ મોડી રાત્રે ઘરે આવતા. રાત્રિભોજન પછી, હું તેમની સાથે બેસીને મારાં માતા-પિતાના જન્મદિવસની યોજના બનાવતી હતી. જેમ કે પાર્ટીમાં કોણ આવશે. શું હશે મેનુ? કેટલો ખર્ચ થશે ભાઈ પોતાની ડાયરીમાં દરેક વાત લખતા.

દરમિયાન એક અશુભ તારીખ આવી. 21 માર્ચ, 2016, સવારના 5 વાગ્યા હશે. હું રસોડામાં ચા બનાવતી હતી. મંદિર જવા માટે સ્નાન કરીને ભાઈ ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે જોરદાર અવાજ આવવા લાગ્યો.

અન્નુ, અન્નુ... કોઈ વિનાયકને મારી રહ્યું છે. હું ચંપલ વગર ભાગીને બહાર પહોંચી. સામેની ગલીમાં ભાઈ સ્કૂટી પર દીવાલના સહારે બેઠા હતા. તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. મેં ઘણી વખત બોલાવ્યા, પરંતુ તેમના શરીરમાં કોઈ હલચલ ન થઈ.

મેં બૂમો પાડી કોઈ એમ્બ્યુલન્સ બોલાવો, મારા ભાઈને બચાવો. થોડીવાર પછી મમ્મી-પપ્પા બહાર આવ્યાં. પાડોશીઓ ભેગા થયા. અમે તાત્કાલિક ભાઈને હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં ડોક્ટરે કહ્યું કે ભાઈનું મોત થઈ ગયું છે.

અમારા પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. એકમાત્ર ભાઈ હતો તે પણ જતો રહ્યો. તે ઘરનું તમામ કામ સંભાળતો હતો. આવકનો સ્ત્રોત પણ તે જ હતો. હવે પરિવારની જવાબદારી અમારાં બે બહેનો પર આવી ગઈ.

પહેલાં પોલીસે તેમને ઘણા દિવસો સુધી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવ્યા. ત્યાર પછી અજાણ્યા લોકો સામે એફઆઈઆર લખી, પરંતુ કાર્યવાહી ન કરી. 6 વર્ષ પછી, આ વર્ષે ટ્રાયલ શરૂ થઈ છે, તે પણ સરકારને વારંવાર વિનંતી કર્યા પછી.

ભાઈના ગયા પછી પપ્પા ડિપ્રશનમાં આવી ગયા. મમ્મીએ ખાવાનું છોડી દીધું. ઉદાસ રહેવા લાગી. ભાઈને ઢોંસા ખૂબ પસંદ હતા. ભાઈના ગયા પછી માતાએ ક્યારેય અમને ઢોંસા બનાવી ન આપ્યા. આજે પણ અમે ઢોંસા નથી બનાવતા.

થોડા દિવસ પછી મમ્મીની તબિયત બગડવા લાગી. એક દિવસ અચાનક તેમના માથામાં જોરદાર દુખાવો થયો. અમે તેમને હોસ્પિટલ લઈ ગયાં. પરંતુ તેમને બચાવી ન શક્યાં. ડોક્ટરે કહ્યું કે બ્રેઈન હેમરેજના કારણે જીવ ગુમાવ્યો.

અહીં પિતાની તબિયત પણ દિવસે દિવસે બગડતી જતી હતી. તેમણે કોઈની સાથે વાત કરી ન હતી. પહેલાં ભાઈ અને પછી માતાની ખોટથી તેમને ઊંડો આઘાત લાગ્યો હતો.

થોડા મહિના પછી પિતાનો સંગાથ પણ છૂટી ગયો. જે દિવસે પપ્પાનું અવસાન થયું તે દિવસે અંતિમ સંસ્કાર માટે કોઈ પંડિત ઘરે નહોતા આવ્યા. તેમના અંતિમ સંસ્કારમાં કોઈ પાડોશી હાજર નહોતા. મામા સાથે મળીને અમે બંને બહેનોએ તેમના અંતિમ સંસ્કાર કર્યા.

ઘર સાફ કરવું, રસોઈ કરવી અને પછી સૂવું. બંને બહેનોનું નિર્જન જીવન આનાથી આગળ વધતું નથી.
ઘર સાફ કરવું, રસોઈ કરવી અને પછી સૂવું. બંને બહેનોનું નિર્જન જીવન આનાથી આગળ વધતું નથી.

પિતાના ગયા પછી બંને બહેનો અનાથ થઈ ગઈ. સંબંધીઓએ ઘરે આવવાનું ટાળ્યું. તેમને લાગ્યું કે અમારો સાથ આપશે તો પોલીસ કેસમાં તેઓ પણ ફસાઈ જશે. કેટલાક નજીકના લોકોએ સાથ આપ્યો પણ પાછળથી, સામેથી આવીને નહીં.

મને સમજાતું નથી કે અમારો શું વાંક છે. અમે શું ખોટું કર્યું છે? લોકો કેમ વાત કરતા નથી અમારી ખબર પણ પૂછવા નથી આવતા. કેટલાંક બાળકો ભણવા આવે છે. તેમની પાસેથી અમને જે પૈસા મળે છે તેમાંથી અમને સવાર-સાંજ ખાવાના પૈસા મળી રહે છે. બાકીનો દિવસ હું મારા રૂમમાં એકલી હોઉં છું અને બહેન તેના રૂમમાં. પહેલાં લગ્નનો વિચાર આવતો હતો પણ હવે આવતો નથી. હવે લગ્ન માટે ન તો ઉંમર રહી છે કે ન ઈચ્છા.

બીજી તરફ, આજુબાજુના લોકોને આશ્ચર્ય છે કે બંને બહેનો આટલી મોટી હવેલીમાં કેટલો સમય રહેશે. શા માટે તે ઘર વેચીને બીજે ક્યાંક જતી નથી? તેમના મૃત્યુ પછી અહીં કોણ રહેશે? વિચારો… હું જીવું છું ત્યાં સુધી મને પૂછવા કોઈ નથી આવતું, પણ મર્યા પછી મારું શું થશે તેની લોકોને ચિંતા છે. મને સમજાતું નથી કે દુનિયા કેમ આવી છે. શું એકલા રહેવું ગુનો છે?

અન્ય સમાચારો પણ છે...