ભાસ્કર એનાલિસિસ:અફઘાનિસ્તાનમાં જે તાલિબાનોની જીત પર પાકિસ્તાન હસી રહ્યું છે તે જ તાલિબાનો તેમને રોવડાવી પણ શકે છે

3 મહિનો પહેલા

આશંકા હતી એ પ્રમાણે તાલિબાને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. હવે એવું સ્પષ્ટ કહી શકાય કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો છે. આની અસર ના માત્ર દુનિયા કે દક્ષિણ એશિયા પર થશે, પરંતુ પાકિસ્તાન પર પણ થવાની છે.

પાકિસ્તાન તાલિબાનોને જાહેરમાં સમર્થન આપે છે. ISI તાલિબાનને ફંડ આપે છે. તાલિબાનોમાં મોટી માત્રામાં પાકિસ્તાની લડાકુઓ પણ છે. કાબુલ પર તાલિબાને કબજો કરતાં જ પાકિસ્તાને ખુશી વ્યક્ત કરી છે, પરંતુ સવાલ એ છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત પર પાકિસ્તાનની આ ખુશી ક્યાં સુધી રહેશે? ખાસ કરીને જ્યારે પાકિસ્તાનમાં પણ ઘણાં આતંકી ગ્રુપ સક્રિય છે અને ઘણી ઈસ્લામાવાદી રાજકીય પાર્ટી પણ છે.

પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામી પાર્ટીઓનો ચોક્કસ આધાર છે અને ઘણી પાર્ટીઓના કાર્યકર્તા તેમના એજન્ડા લાગુ કરવા હિંસાનો રસ્તો અપનાવવા માટે પણ તૈયાર છે. ભલે આ રાજકીય પાર્ટીઓ પાસે બહુ મોટી સંખ્યા ના હોય, પરંતુ ઈસ્લામિક દેશમાં તેમનો પ્રભાવ સંખ્યા બળ કરતાં વધારે છે. તહરીક-એ-લબ્બૈક અથવા રસૂલ અલ્લાહ, જમાત-એ-ઈસ્લામી અને જમિયત એ ઉલેમા ઈસ્લામ જેવી પાર્ટીઓની અસર ઘણી વધારે વધી રહી છે. ગયા વર્ષે જ તહરીક-એ-લબ્બૈકના કાર્યકર્તાઓએ ઈસ્લામાબાદના રસ્તાઓ બંધ કરી દીધા છે.

માત્ર રાજકીય પાર્ટીઓ જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં તહરીક-એતાલિબાન પાકિસ્તાન જેવાં ઘણાં ઈસ્લામવાદી આતંકવાદી ગ્રુપ પણ છે. અલકાયદા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુઝાહિદ્દીન અને ઈસ્લામિક સ્ટેટ ઈન ખૈબર પખ્તૂનખ્વા આ એવાં સંગઠન છે, જેની ગતિવિધિઓ કોઈનાથી છુપાયેલી નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે તાલિબાનની જીત પર ઉજવણી કરતા પાકિસ્તાન પર તાલિબાનની શું અસર થઈ શકે છે? આ જ સમજવા માટે અમે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સિનિયર પ્રોફેસર મુત્કદર ખાન સાથે વાત કરી છે. તેમની પાસેથી જાણો વિસ્તારથી....

પાકિસ્તાન વિશે અહીં કહેવામાં આવે છે કે તાલિબાનની જીત એક શોર્ટ ટર્મ જિયો પોલિટિકિલ વિક્ટ્રી છે, પરંતુ લોંગ ટર્મમાં પાકિસ્તાનને નકારાત્મક અસર થઈ શકે છે. તાલિબાનની જીતનો અર્થ એ છે કે હવે અફઘાનિસ્તાન પર અમેરિકા અને અમેરિકાના નવા મિત્ર ભારતની અસર ઓછી થઈ શકે છે અને પાકિસ્તાનની અસર વધી શકે છે. ભારત જો અફઘાનિસ્તાનમાં રોકાણ કરી રહ્યા છે તો તેઓ પણ રોકાઈ જશે. અફઘાનિસ્તાન પર અસર વધતાં આ વિસ્તારમાં પાકિસ્તાનને એક સ્ટ્રેટજિક ફાયદો થશે. પાકિસ્તાનને હંમેશાં એવો ડર લાગતો હતો કે ભારત તેને બે તરફથી ઘેરી રહ્યું છે. એક તો અફઘાનિસ્તાન અને બીજી ભારત તરફથી. પાકિસ્તાનનો આ ડર હવે સમાપ્ત થઈ જશે.

પાકિસ્તાનમાં વધશે કટ્ટરપંથ

પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સફળતાની અસર પાકિસ્તાનના સમાજ પર બહુ નકારાત્મક પડશે. પાકિસ્તાનમાં ઈસ્લામી હકૂમત અથવા નિઝામ-એ-મોહમ્મદિયા જેવી નારેબાજીનો ઉપયોગ કરનાર સંગઠન, જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનમાં પણ સામેલ છે. આવાં સંગઠનોની હિંમત વધશે. ના માત્ર તેમની હિંમત વધશે, પરંતુ અફઘાનિસ્તાનથી તેમને સહયોગ પણ મળશે. અફઘાનિસ્તાન એક એટલો મોટો દેશ છે, જેના પર સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું એક ગ્રુપ માટે શક્ય નથી. અફઘાનિસ્તાનમાં એવી કોઈ જગ્યા હશે, જ્યાં હથિયારોનો અડ્ડો બનાવી શકાય છે. આ હથિયારનો અડ્ડો માત્ર ચીન અને ભારત માટે નહીં, પરંતુ પાકિસ્તાનની સિક્યોરિટી માટે જોખમ બની શકે છે. એક બાજુથી તાલિબાનની અફઘાનિસ્તાનમાં જીત પાકિસ્તાન માટે મિક્સ્ડ બ્લેસિંગ છે. એક બાજુ તો વૈશ્વિક રાજકારણમાં તેમનું કદ વધી રહ્યું છે, બીજી બાજુ તેમને પણ તાલિબાનોથી ઘેરાઈ જવાનો ડર છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન પાકિસ્તાનની રાજકીય સિક્યોરિટી માટે લાભકારક છે, પરંતુ તેમના પોતાના સમાજ અને ઈન્ટર્નલ સિક્યોરિટી માટે જોખમી પણ છે. આગળ જઈને તાલિબાન પાકિસ્તાન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પાકિસ્તાનમાં ઈસ્લામી હકૂમત લાગુ કરવાનો જુસ્સો વધી જશે અને એનાથી પાકિસ્તાનમાં લોકતંત્ર અને નાગરિક અધિકારોની હાલત વધારે ખરાબ થશે. એક રીતે તાલિબાન પાકિસ્તાન માટે પણ વિવાદાસ્પદ મુદ્દો બની શકે છે.

ઉદાર દેખાવા માગશે તાલિબાન?

ઘણા નિષ્ણાતોનું કહેવું છે અને મને પણ એવું લાગે છે કે તાલિબાનની આ ઈનિંગ 1996વાળી તેમની ઈનિંગથી અલગ હશે અને સારી હશે. સૌથી મોટી વાત એ છે કે અમેરિકાએ તાલિબાનની સાથે ચર્ચા અને કરાર કરીને તેમને માન્યતા આપી છે. આ કરાર અંતર્ગત એક રીતે અમેરિકાએ અફઘાનિસ્તાનને તાલિબાનને પરત સોંપી દીધા છે. જ્યારે પણ અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકેનને પૂછવામાં આવે છે કે શું અમેરિકા તાલિબાનની સરકારને માન્યતા આપશે તો તેમણે સ્પષ્ટ રીતે ઈનકાર કર્યો નથી.

તાલિબાન માટે સૌથી મોટું પરિવર્તન એ છે કે આ વખતે તેમને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી શકે છે, જે તેમને અગાઉ મળી ન હતી. તાલિબાન એ વાતના પણ સબૂત આપી રહ્યા છે કે તે શીખી રહ્યા છે. તે મીડિયા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની છબિ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તાલિબાનને એ વાતનો અહેસાસ થઈ ચૂક્યો છે કે જો તે અફઘાનિસ્તાનમાં સફળ થવા માગે છે તો તેમને પોતાની છબિ સુધારવી પડશે.

જોકે વાસ્તવિકતા એ છે કે તે ફન્ડામેન્ટલી બદલાશે નહિ. તેમણે યુદ્ધ જીત્યું છે અને તેમને હક છે કે પોતાની સંસ્કૃતિ, પોતાની મરજી મુજબનો ઈસ્લામ અને પોતાની પ્રણાલીને અફઘાનિસ્તાન પર થોપે. તેઓ જરૂર એવાં પગલાં લેશે, જેનાથી સ્પષ્ટ જાહેર થઈ જશે કે અફઘાનિસ્તાનમાં એક નવી સત્તા છે. આમ તે સંદેશ આપવા માટે પણ કરશે. અફઘાનિસ્તાનમાં એક નવી સિસ્ટમ અને નવાં મૂલ્યો હશે. ખૂબ જ ઝડપથી તાલિબાન પોતાનો ઓરિજિનલ રંગ દેખાડશે.

ભારત માટે શું સંકેતો છે?

અફઘાનિસ્તાનમાં તાલિબાન ભારત માટે મોટો ખતરો બની શકે છે, કેમ કે અફઘાનિસ્તાન ભારત વિરોધી આતંકવાદી જૂથોનો આશરો બની શકે છે. હવે ભારતે તાલિબાન સાથે સાચવીને સંબંધો રાખવા પડશે. હું તો એમ કહીશ કે ભારત સરકાર પોતાની અફઘાનિસ્તાન નીતિને અમેરિકી વિદેશ નીતિથી અલગ અને આબાદ રાખે. ભારતે એ પ્રયત્ન કરવો પડશે કે તેઓ અફઘાનિસ્તાનમાં પોતાનાં હિતોને પહેલા અને અમેરિકાનાં હિતોને પછી ધ્યાનમાં લેવાં જોઈએ.

માનવાધિકાર ઉલ્લંઘન પર ચિંતા

દરેક જાણે છે કે તાલિબાનનો માનવઅધિકારમાં રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. તાલિબાની શાસનમાં મહિલાઓ, ધાર્મિકતા, શિયાઓના અધિકારોનો નાશ કરવામાં આવશે. જ્યાં તાલિબાની શાસન છે ત્યાં છોકરીઓને સ્કૂલે જવા પર પ્રતિબંધ છે. મહિલાઓને બીજા જોડે વાત કરવી પડે એવી નોકરીઓ છોડવાનું કહેવામાં આવ્યું છે.

પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે કાબુલમાં તાલિબાન મહિલાઓને આ કામ કરવા દે એ જતાવા માટે કે તેઓ મહિલાઓના સન્માન માટે કામ કરી રહ્યા છે. તાલિબાને કહ્યું હતું કે ઈસ્લામમાં મહિલાઓનો જે હક છે એનું અમે સન્માન કરીશું, એટલે કે તેઓ કહી રહ્યા છે કે ઈસ્લામિક નિયમો પ્રમાણે મહિલાઓને હક આપશે, એનાથી સાફ થાય છે કે મહિલાઓની જે પણ સાર્વજનિક ભૂમિકા હશે એ સમાપ્ત થઈ જશે. પાકિસ્તાનના ઈસ્લામી જૂથ પાકિસ્તાનમાં પણ આ જ ઈસ્લામવાદી શાસનની માગ ઉઠાવા લાગ્યા તો શું પાકિસ્તાનનો સમાજ એનો સ્વીકાર કરી શકશે? પાકિસ્તાને તાલિબાનની જીતની ખુશીમાં અત્યારે આ સવાલ ભલે નજરઅંદાજ કરી નાખ્યા હોય, પરંતુ એક દિવસ તે તેમના સામે જરૂર ઊભા થશે.

અન્ય સમાચારો પણ છે...