પાકિસ્તાનમાં હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર હુમલા પાછળ IJTનો હાથ:હિન્દુ-મુસ્લિમ એકસાથે હોળી ઊજવતા હતા, એટલે ઇસ્લામિક કટ્ટરપંથીઓ ગુસ્સે થયા હતા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનમાં લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં 6 અને 7 માર્ચના રોજ હોળી ઊજવવા માટે એકઠા થયેલાં હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર હુમલો થયો. આ હુમલામાં 30 વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયાં. ઘાયલ થયેલાં વિદ્યાર્થીઓમાં મુસ્લિમ પણ સામેલ છે. આ બંને હુમલાઓ પાછળ પાકિસ્તાનના કટ્ટરપંથી વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમીયત-એ-તલબા(IJT)નું નામ સામે આવ્યું છે.

આ સંગઠન કટ્ટરપંથી વહાબી વિચારધારા ધરાવતી પાર્ટી જમાત-એ-ઇસ્લામીનું સ્ટૂડેન્ટ વિંગ છે. જેનું નામ મરદાન પ્રાંતની અબ્દુલ વલી ખાન યુનિવર્સિટીમાં 13 એપ્રિલ 2017ના રોજ થયેલી મશાલ ખાનની લિંચિંગમાં પણ સામે આવ્યું હતું. IJT જિયા ઉલ હકની તાનાશાહી દરમિયાન પણ ઘણી ચર્ચાઓમાં રહ્યું હતું. ત્યારે તેમની સાથે જોડાયેલાં વિદ્યાર્થી જિયાનો વિરોધ કરનારને જાહેરમાં પીટતાં હતાં. ફેબ્રુઆરીમાં તેમણે વેલેન્ટાઇન્સ ડેની જગ્યાએ ‘હયા ડે’ ઊજવવાનું અભિયાન પણ ચલાવ્યું હતું.

IJT સાથે જોડાયેલાં લોકોએ કથિત રીતે પહેલાંથી જ બંને યુનિવર્સિટીમાં ઓર્ગેનાઇઝર કમિટીને હોળી ન ઉજવવા માટે ધમકી આપી હતી. બીજી બાજુ, પાકિસ્તાનમાં હિન્દુઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા સમાજ સેવા ફાઉન્ડેશને જણાવ્યું કે કટ્ટરપંથીઓને જવાબ આપવા માટે સોમવાર (13 માર્ચ)ના રોજ ફરીથી હોળી સમારોહ રાખવામાં આવ્યો હતો.

હોળી સમારોહ ઓર્ગેનાઇઝ કરવા માટે સિંધના મુસ્લિમ વિદ્યાર્થીઓને પણ માર્યા
લાહોરની પંજાબ યુનિવર્સિટીના લો કોલેજમાં હોળી સમારોહ હિન્દુ અને સિંધ વિદ્યાર્થીઓએ મળીને કર્યો હતો. IJT તેમનાથી નિરાશ હતાં અને તેમની સાથે જોડાયેલાં લોકોને સિંધ કાઉન્સિલ સાથે જોડાયેલાં મુસ્લિમ વિદ્યાર્થીઓ ઉપર પણ હુમલો કર્યો. અહીં 6 માર્ચે હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના વિદ્યાર્થીઓ હોળી ઉજવી રહ્યા હતાં.

યુનિવર્સિટી પ્રશાસને પણ માન્યુ છે કે વિદ્યાર્થીઓને જિમ્નેજિયમમાં હોળી ઊજવવાની મંજૂરી આપવામાં આવી હતી. 7 માર્ચે કરાચી યુનિવર્સિટીમાં હોળી ઉજવી રહેલાં હિન્દુ વિદ્યાર્થીઓ ઉપર પણ IJT સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓએ હુમલો કર્યો.

કરાચી યુનિવર્સિટીની એક વિદ્યાર્થીએ નામ જાહેર કર્યા વિના કહ્યું, હું હિન્દુ છું. સિંધના થરપારકરમાં મારું ઘર છે. તે દિવસે અમે બધા હોળી રમી રહ્યા હતાં, મુસલમાન વિદ્યાર્થીઓ પણ અમારી સાથે હતાં. અચાનક ઇસ્લામી જમીયત-એ-તલબાના યુવકો આવ્યા અને અમને મારવા લાગ્યાં. અમારી સાથે જે મુસલમાન વિદ્યાર્થીઓ હતાં, તેમને પણ માર માર્યો હતો. પાકિસ્તાનનું સંવિધાન કહે છે કે અમે બધા એક સમાન છીએ. જ્યારે કેમ્પસમાં ઈદ ઉજવવામાં આવી શકે છે તો હોળી કેમ નહીં?

ગયા વર્ષે પણ હોળી ઉજવી હતી, ત્યારે હંગામો થયો નહીં લાહોરની પંજાબ યુનિવર્સિટી અને કરાચી યુનિવર્સિટીમાં ઘણાં હિન્દુ વિદ્યાર્થીઓ ભણે છે, તેમાંથી મોટાભાગના પાકિસ્તાનના સિંધ વિસ્તારના છે. આ વખતે હોળીના સમયે જ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલી રહી હતી અને હિન્દુ વિદ્યાર્થીઓ તહેવાર ઊજવવા ઘરે જઇ શક્યા નહીં. પંજાબ યુનિવર્સિટીના આ જ 35 હિન્દુ વિદ્યાર્થીઓ માટે સિંધ હાઉન્સિલે હોળી સમારોહ આયોજિત કર્યો હતો.

લો ડિપાર્ટમેન્ટના એક હિન્દુ વિદ્યાર્થીએ નામ ન જાહેર કરતાં કહ્યું, હુમલા પછી હિન્દુ વિદ્યાર્થીઓ ગભરાયેલાં છે, પરંતુ હવે યુનિવર્સિટી ડમિનિસ્ટ્રેશન અને સરકારે સુરક્ષાનો વિશ્વાસ આપ્યો છે. ગયા વર્ષે પણ અમે હોળીનો તહેવાર ઉજવ્યો હતો, ત્યારે આવો હંગામો થયો નહીં. પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા ઉપર પણ હિન્દુ વિદ્યાર્થીઓએ હુમલાના વીડિયોઝ શેર થઈ રહ્યા છે.

પહેલાં જમાતના લોકોએ માર્યા, પછી યુનિવર્સિટીના ગાર્ડ્સે
ભાસ્કરે તે દિવસે ઘાયલ થયેલાં એક હિન્દુ વિદ્યાર્થી સાથે વાત કરી. વિદ્યાર્થીએ જણાવ્યું- આ યુનિવર્સિટીમાં અમે 30-35 હિન્દુ વિદ્યાર્થીઓ છીએ. સૌથી વધારે હિન્દુ બાળકો લો ડિપાર્ટમેન્ટમાં છે. અમે સિંધથી છીએ, અમે સિંધી મુસલમાન મિત્રો સાથે મળીને હોળી સેલિબ્રેશનનો પ્લાન બનાવ્યો હતો. યુનિવર્સિટીના ચીફ સિક્યોરિટી ઓફિસરે અમને આ પ્રોગ્રામની મંજૂરી પણ આપી હતી

વિદ્યાર્થીઓએ આગળ જણાવ્યું- હોળી ઉજવીએ તે પહેલાં જ અમને ધમકીઓ મળવાનું શરૂ થઈ ગયું હતું. અમે નક્કી કર્યું હતું કે પહેલાં ગ્રાઉન્ડમાં એકઠાં થઈશું, પછી સાથે જિમ્નેજિયમ જઇશું. અચાનક જમાત સાથે જોડાયેલાં વિદ્યાર્થીઓ આવી ગયા અને હુમલો કરી દીધો. હુમલો કરનાર લોકોમાં લો કોલેજના વિદ્યાર્થીઓ પણ હતાં. થોડાં હુમલાખોર યુનિવર્સિટીની બહારના પણ હતાં. અમે હુમલાખોરોને જાણીએ છીએ, તેમના નામ પણ અમને ખબર છે.

આ હુમલાના વિરોધમાં અમે વાઇસ ચાન્સલરની ઓફિસ બહાર પ્રોટેસ્ટ પણ કર્યું. અમારી વાત સાંભળવાની જગ્યાએ યુનિવર્સિટીના ગાર્ડ્સે અમારા ઉપર હુમલો કરી દીધો. અમારામાંથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં એક હિન્દુ વિદ્યાર્થી પણ હતો. અમે પોલીસમાં પણ ફરિયાદ કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમારી પાસે જે વીડિયો છે, જેમાં યુનિવર્સિટી ગાર્ડ્સ અમારા ઉપર હુમલો કરી રહ્યા છે.

IJT યુનિવર્સિટીનું વાતાવરણ ખરાબ કરી રહ્યું છે
લાહોરની પંજાબ યુનિવર્સિટીના હિન્દુ વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે આ પહેલાં ક્યારેય તેમના કેમ્પસમાં હુમલાઓ થયાં નથી. તેમના પ્રમાણે, ક્યારેક-ક્યારેક એવું અનુભવ થાય છે કે આપણી સાથે ભેદભાવ થાય છે, પરંતુ કોલેજમાં અમારી સાથે વાતાવરણ મોટાભાગે ઠીક જ રહ્યું છે.

ગયા વર્ષે પણ 5-10 હિન્દુ વિદ્યાર્થીઓએ મળીને હોળી ઉજવી લીધી હતી. ત્યારે કોઈ વિવાદ થયો નહીં, કેમ કે અમે હોળી સેલિબ્રેશન અંગે પહેલાં જણાવ્યું નહોતું. આ વખતે સિંધ કાઉન્સિલ પણ આયોજનમાં સામેલ હતાં, એટલે તેમણે તેની ઘોષણા કરી હતી

સુરક્ષા આપવાની જગ્યાએ યુનિવર્સિટી અમને જ ધમકાવવા લાગી. સમાજ સેવા ફાઉન્ડેશનના ચેરમેન લાલા ચમન લાલ જણાવે છે કે હોળી ઊજવવા માટે યુનિવર્સિટી પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી હતી. હોળી ઊજવવા અંગે સુરક્ષાને લઇને આશંકા હતી. યુનિવર્સિટી પ્રશાસને પણ જગ્યાની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

ચમનલાલ આગળ જણાવે છે કે, અમે બાળકોને હોળીના એક દિવસ પહેલાં જગ્યા જોવા માટે મોકલ્યા હતાં. તેઓ ગભરાયેલાં હતાં. આયોજનના દિવસે જ્યારે બાળકો ભેગા થયા, ત્યારે તેમની ઉપર જમાતના વિદ્યાર્થીઓએ હુમલો કરી દીધો. યુનિવર્સિટીના સિક્યોરિટી ગાર્ડ્સે તમાશો જોતા રહ્યા. અમે યુનિવર્સિટી સાથે વાત કરી, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હિન્દુ બાળકોએ જ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમના ઉપર એક્શન લેવામાં આવશે અને રિપોર્ટ ગવર્નરને મોકલવામાં આવશે.

મેં તેમને પૂછ્યું, બાળકોએ નિયમ તોડ્યા, એવું માની પણ લેવામાં આવે તો જમાતના ગુંડાઓએ હુમલો કરીને કયા નિયમ બચાવી લીધા. યુનિવર્સિટી કાર્યવાહી કરે, પરંતુ જમાતવાળા મારપીટ કેમ કરી રહ્યા છે. ચમનલાલ કહે છે કે કોઈએ રંગથી રમવાનું શરૂ કર્યું નહોતું, જમાતના લોકો હુમલાની તૈયારી સાથે આવ્યા હતાં.

ચમનલાલ કહે છે, કરાચી યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં પણ હોળી સેલિબ્રેશન દરમિયાન જમીયત-એ-તલબાના કાર્યકર્તાઓએ હુમલો કર્યો. મુસ્લિમ સમુદાય અને સિંધી કાઉન્સિલને હોળી ઊજવવાથી મુશ્કેલી નથી. પાકિસ્તાનમાં થોડા કટ્ટરવાદીઓ છે, જેઓ અહીં પોતાનું જ ચલાવવા ઇચ્છે છે.

પાકિસ્તાનમાં હિન્દુ તહેવારો ઉજવવાથી દુનિયાને સંદેશ મળે છે કે આ એક શાંતિપૂર્ણ દેશ છે. આપણને આપણાં ધર્મ પ્રમાણે જીવન જીવવા દેવામાં આવતું નથી. હિન્દુ પાકિસ્તાનમાં માત્ર જીવતા રહેવા ઇચ્છતાં નથી, પરંતુ સન્માન અને ગર્વ સાથે જીવવા ઇચ્છે છે, થોડાં લોકોને આ વાત સામે વિરોધ છે.

IJTએ હુમલાની ના પાડી
બીજી બાજુ, IJTએ હુમલાની ના પાડી દીધી છે. ભાસ્કર સાથે વાતચીતમાં IJTના કાર્યકારી સભ્ય મેહર હુજૈફા જમાલે કહ્યું કે અમારા સાથી હુમલાઓમાં સામેલ હતાં નહીં. હુજૈફા જમાલ કહે છે કે, આ આરોપ બિલકુલ ખોટો છે. અમે 2-3 વસ્તુઓ સ્પષ્ટ કરી દેવા ઇચ્છીએ છીએ. પહેલી વાત એ છે કે જો હુમલો થયો છે તો કોઈ ઘાયલ પણ થયું હશે, જો કોઈ ઘાયલ હોય તો તેને સામે પણ લાવવામાં આવે.

બીજુ એ કે, જે પણ વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, તેમાં કોઈ હિન્દુ વિદ્યાર્થી જોવા મળી રહ્યો નથી. આ મુસલમાન વિદ્યાર્થીઓ હતાં, જેઓ હિન્દુ લઘુમતીઓનું માત્ર નામ લઇ રહ્યા છે. યુનિવર્સિટીના ગાર્ડ્સ સાથે જે મામલો થયો, તેમાં પણ મુસલમાન વિદ્યાર્થીઓ જ હતાં, હિન્દુ વિદ્યાર્થી હતાં નહીં. હિન્દુ વિદ્યાર્થીઓ તો આવી ગતિવિધિઓમાં ભાગ જ લેતા નથી.

હુજૈફા આગળ જણાવે છે કે, અમે તો હિન્દુ વિદ્યાર્થીઓની મદદ કરીએ છીએ, ગયા વર્ષે જ અમે બે હિન્દુ વિદ્યાર્થીઓને દાખલ કરાવ્યા છે. તે દિવસે એક સંગઠનના વિદ્યાર્થી લો કોલેજમાં આવ્યા, એવું કહીને કે અમારે હોળી ઉજવવી છે, જ્યારે યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશને તેમને હોળી ઊજવવા માટે એક અલગ જગ્યા ફાળવેલી હતી.

સંગઠનના થોડા લોકોએ ગાર્ડ ઉપર પથ્થરમારો કર્યો અને ત્યાંથી ભાગી ગયા. પછી તેઓ ફરી વીસી ઓફિસ બહાર ભેગા થયાં. ત્યારે તેમની અને ગાર્ડ્સ વચ્ચે મારામારી થઈ. આ એક મુસલમાન સંગઠનના જ થોડાં લોકો છે, જેઓ આ મામલાને હિન્દુ-મુસલમાન બનાવી રહ્યા છે.

પાકિસ્તાનમાં હોળી કેવી રીતે ઊજવવામાં આવે છે
પાકિસ્તાનમાં મોટાભાગની હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે. અહીં હોળી ઊજવવાની જૂની પરંપરા છે. પાકિસ્તાનના હિન્દુ પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવ જણાવે છે કે સિંધમાં હિન્દુઓ અને મુસલમાનો મળીને હોળી ઊજવવાની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. તેને લઇને કટ્ટરવાદી વિચારના થોડાં સંગઠન અસહજ છે.

કપિલ દેવ કહે છે, અમે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છીએ. મોટાભાગના હિન્દુ હોય છે અને મુસલમાન પણ સામેલ થાય છે. હોળી ઉપર ઢોલ વગાડનાર મોટાભાગના મુસલમાન હોય છે. હિન્દુ મંદિરમાં ઢોલ વગાડનાર બધા મુસલમાન મનિહાર સમુદાયના હોય છે. સિંધમાં હોળી દરમિયાન હિન્દુ જુલૂસ પણ કાઢવામાં આવે છે અને મંદિરોમાં કાર્યક્રમ પણ થાય છે.

કપિલ દેવ જણાવે છે કે, હોળીના જુલૂસને અમે લોકો પાલી કહીએ છીએ. હોળીનું પર્વ પાકિસ્તાનમાં હિન્દુ કેલેન્ડર પ્રમાણે 11મી તારીખથી પૂનમ એટલે 15 તારીખ સુધી ઊજવવામાં આવે છે. 6 દિવસ સતત અમે જુલૂસ કાઢીએ છીએ અને મંદિરોમાં જે ગીત ગાવામા આવે છે, તેને અમે ધમાલ કહીએ છીએ. અમારા મંદિરોમાં 6 દિવસ સુધી ધમાલ ચાલે છે. સિંધમાં ક્યારેય આ બાબતને લઇને વિવાદ થયો નથી.

ઇસ્લામિક કટ્ટરવાદી સંગઠન હોળી ઉજવવા અંગે વિવાદ કરી રહ્યા છે
પાકિસ્તાનની સરકારે પણ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને હિન્દુઓને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. બીજી બાજુ, પાકિસ્તાનના કટ્ટરપંથી તત્વ હિન્દુઓના હોળી ઉજવવાને લઇને પરેશાન છે. સિંધ પ્રાંતના કટ્ટરપંથી નેતા રશિદ સુમરૂનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, હોળી ઊજવવામાં આવી રહી છે, એવી રીતે હોળી ઊજવવામાં આવી રહી છે, જાણે દિલ્હીમાં કોઈ પ્રોગ્રામ થઈ રહ્યો છે. તેઓ એવી રીતે હોળી ઉજવી રહ્યા છે, જાણે હિન્દુસ્તાનમાં હોય. સિંધની જમીન ઉપર આવું બની રહ્યું છે.

કપિલ દેવ કહે છે, પાકિસ્તાનના કટ્ટરવાદી પોતાના વોટ બેંકને આકર્ષવા માટે હિન્દુઓ ઉપર નિશાન સાધતા રહે છે. રશિદ સુમરૂ જમાત-એ-ઉલેમા-એ-ઇસ્લામ નામની પાર્ટી સાથે જોડાયેલાં છે. હિન્દુ વિરોધી નિવેદન આપતાં રહે છે. જોકે, આવા નિવેદનોથી પાર્ટીને ફાયદો પહોંચે છે. તેઓ સ્પષ્ટ હુમલો કરતાં નથી, પરંતુ મોટાભાગે ઉસ્કેરવાની નીતિએ નિવેદનો આપતાં રહે છે.

સિંધમાં વિશાળ માત્રમાં મુસલમાન પણ હોળીમાં સામેલ થાય છે. જેને જોઈને તકલીફ થાય છે. કપિલના જણાવ્યા પ્રમાણે IJT પણ તેનું જ વિદ્યાર્થી સંગઠન છે અને હિન્દુ વિરોધી ગતિવિધિઓમાં સામલે થવાનો તેનો ઇતિહાસ રહ્યો છે.

પાકિસ્તાનમાં હિન્દુઓની પરિસ્થિતિ
પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તુ લગભગ 40 લાખ છે. 2022માં પાકિસ્તાનના સેન્ટર ફોર પીસ એન્ટ જસ્ટિસે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં 22 લાખ 10 હજાર 566 હિન્દુ રહે છે, જેઓ પાકિસ્તાનની કુલ વસ્તીનો 1.18 ટકા ભાગ છે.

સેન્ટર ફોર પીસ એન્ડ જસ્ટિસનો આ રિપોર્ટ પાકિસ્તાનના નેશનલ ડેટાબેસના આંકડા ઉપર આધારિત છે. જેના પ્રમાણે દેશમાં રજિસ્ટર્ડ કુલ 18 કરોડ 68 લાખ 90 હજાર 601 લોકોમાંથી 18 કરોડ 25 લાખ 92 હજાર મુસલમાન છે. જોકે, પાકિસ્તાનમાં હિન્દુઓની વાસ્તવિક સંખ્યા આ આંકડાથી વધારે હોઈ શકે છે, કેમ કે પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ સમુદાય અત્યંત પછાત છે અને સમાજના છેલ્લા ક્રમે ઉભો છે.

પાકિસ્તાનમાં હિન્દુઓ પાસે સીમિત ધાર્મિક વસ્તી છે અને તેમના ઉપર હુમલાઓ થતાં રહે છે. પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની યુવતીઓના જબરદસ્તી મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરાવવા સૌથી મોટો મુદ્દો છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદી હિન્દુઓના ધાર્મિક સ્થલો ઉપર હુમલાઓ કરતા રહે છે. ભય અને ખોફના કારણે પાકિસ્તાનના હિન્દુ ભારત પલાયન પણ કરે છે. ભય અને તકની ખામીના કારણે પાકિસ્તાનમાં હિન્દુ પરિવાર ઇસ્લામ પણ અપનાવી રહ્યા છે.

પાકિસ્તાનના હિન્દુ કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે, અહીં હિન્દુઓ ઉપર થતાં બધા હુમલાઓ રિપોર્ટ કરવામાં આવતા નથી અને હિન્દુઓ ઉપર અત્યાચારની સંપૂર્ણ રીતે તસવીર સ્પષ્ટ થઈ શકી નથી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન પાકિસ્તાનમાં હિન્દુઓ માટે ધાર્મિક આઝાદીની વાત કરે છે, પરંતુ પાકિસ્તાનમાં વધતા કટ્ટરપંથે હિન્દુઓ માટે પહેલાંથી જ મુશ્કેલ પરિસ્થિતિને વધુ મુશ્કેલ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...