• Gujarati News
  • Dvb original
  • 'For The 22nd Time, The IMF Extended Its Hand To Take A Loan, Only Two And A Half Months Left To Pay The Debt Of 20 Billion'

ભાસ્કર એક્સક્લૂસિવખજાનો ખાલી થતા પાકિસ્તાન સરકાર મનમોહન સિંહની ફોર્મ્યુલા પર!:‘22મી વખત IMF સામે લોન લેવા હાથ ફેલાવ્યો, 20 અબજનું દેવું ચૂકવવા આડે અઢી મહિના જ બાકી’

7 દિવસ પહેલાલેખક: કમલ પરમાર

છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાનની સરકાર અને ત્યાંના લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાન પર 60થી 70 હજાર અબજ રૂપિયાનું દેવું છે. જેમાં 18થી 20 અબજ રૂપિયા તો જૂન મહિના સુધીમાં પરત કરવાના છે. એટલે કે માત્ર અઢી મહિનાનો જ સમય બાકી રહ્યો છે. ખૂબ ચોંકાવનારી વાત છે. જ્યારે પાકિસ્તાનની પ્રજા એક વાડકી લોટ માટે ટ્રકોની પાછળ દોટ મૂકતી હોય, અનાજ લઈ જતાં વાહનોને રોકવા રસ્તા પર આળોટતા હોય, એકબીજાને ધક્કા મુક્કી કરીને ગટરમાં નાખી દેતા હોય, કેટલાય વિસ્તારોમાં વીજળીની સમસ્યા હોય, ત્યારે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પદે બેસેલા વ્યક્તિ આવા પ્રશ્નોના ઉકેલ લાવવાના બદલે કરોડોની કિંમતની સરકારી વસ્તુઓ ચૂપચાપ પોતાના ખીસામાં સેરવી લે, તો જરા વિચારો કે ત્યાંની જનતા હાલમાં કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હશે?.

આવા સમયે પાકિસ્તાનમાં રહેતા લોકો અને તેમાં પણ ખાસ ગુજરાતી ભાષી હિન્દુ સમુદાયને શું મુશ્કેલી પડી રહી છે?, આર્થિક તંગીના કારણે કેવા પ્રકારની હિંસા વધી છે? પાકિસ્તાનમાં અસહ્ય મોંઘવારી વચ્ચે ત્યાંના જજ, વડાપ્રધાન, સાંસદો અને સરકારમાં અન્ય પદે તૈનાત લોકોના પગાર કેટલા છે? પાકિસ્તાનમાં ભારતને લગતા વીડિયો બનાવીને યુટ્યૂબ પર અપલોડ કરવાનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે? જેવા સવાલોનો જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે પાકિસ્તાનના પત્રકાર જબ્બાર ચૌધરી સાથે વાત કરી હતી.

અઢી મહિનામાં 18થી 20 અબજ રૂપિયા પાકિસ્તાન ક્યાંથી લાવશે?
પાકિસ્તાના પત્રકાર જબ્બાર ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'હાલમાં પાકિસ્તાનમાં જે સ્થિતિ સર્જાઈ છે એ કોઈ પણ વ્યક્તિથી છૂપી રહી શકે તેમ નથી. અમારી સરકાર એક કે બે વખત નહીં પરંતુ 22 વખત તો ફક્ત IMF પાસે જ લોન લેવા માટે ગઈ છે, જે ગર્વની બાબત ન ગણી શકાય. પાકિસ્તાન માટે સૌથી મોટો પ્રશ્નો હાલ વિદેશી ડોલરનો છે. અમારી સરકાર પાસે વિદેશી હૂંડિયામણ ખૂટી પડ્યું છે. એથી પણ વધુ ચિંતાની વાત તો છે કે પાકિસ્તાન પર 60થી 70 હજાર અબજ રૂપિયાનું દેવું છે. જેમાં 18થી 20 અબજ રૂપિયા તો જૂન મહિના સુધીમાં પરત કરવાના છે. એટલે તેના માટે કેવું પ્લાનિંગ કરવું એ પણ એક મોટો પ્રશ્ન તો છે.'

પાકિસ્તાનમાં સરકાર દ્વારા સબસિડી પર અપાતો લોટ, જેને લેવા માટે પડાપડી કરતા લોકોની તસવીર
પાકિસ્તાનમાં સરકાર દ્વારા સબસિડી પર અપાતો લોટ, જેને લેવા માટે પડાપડી કરતા લોકોની તસવીર

પાકિસ્તાનની આવી હાલત પાછળ ઈમરાન ખાન જવાબદાર!
આમ તો પાકિસ્તાન છેલ્લા ઘણાં વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરતું હતું. પરંતુ ક્યારેક IMF, અમેરિકા તરફથી મળતી સહાય, આ ઉપરાંત ચીનની સરકાર દ્વારા ચાલતા કેટલાક પ્રોજેક્ટના કારણે પાકિસ્તાન સરકારની તિજોરી ખાલી નહોતી થતી. પરંતુ આજથી એક વર્ષ પહેલાં પાકિસ્તાનના માથે સંકટનો સૂરજ ઊગ્યો હતો. જે તે સમયે પાકિસ્તાના વડાપ્રધાન ઈમરાન ખાન હતા. વિપક્ષના સાતથી વધુ પક્ષો એકઠા થયા અને અવિશ્વાસની દરખાસ્ત લાવવાના હતા. ઈમરાન ખાનની સરકારને જે તે વખતે IMFની શરતો મુજબ પેટ્રોલના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવાનો હતો. પરંતુ ત્યારે ઈમરાન ખાને કહ્યું કે, 'જો પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવે તો જનતામાં સીધો જ આક્રોશ જોવા મળશે' એટલે એ સમયે કોઈ પણ પગલાં નહોતાં લેવાયાં. ઈમરાન ખાન પ્રજા પાસેથી સહાનુભૂતિ મેળવવામાં માહેર છે. જો કે પેટ્રોલ-ડીઝલના ભાવ ન વધારવાનો નિર્ણય IMFએ આપેલી લોનના નિયમોની વિરુદ્ધમાં હતો, તો પણ ઈમરાન ખાને તેની અવગણના કરી. છતાં ઈમરાન ખાનની ખુરશી ન બચી.

IMFની શરતો માનવામાં ફાંફાં પડી ગયાં!
જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, 'ઈમરાન ખાનની સરકાર પછી શાહબાઝ શરીફ સત્તામાં આવ્યા. પણ પાકિસ્તાનની હાલત ન સુધરી. ફરીથી ખજાના ખાલી થઈ ગયા એટલે શાહબાઝ શરીફ મદદ માટે IMFના શરણે ગયા. એ સમયે IMFએ પાકિસ્તાનને મુશ્કેલ સ્થિતિમાં મૂક્યું. IMFએ પાકિસ્તાનને પહેલાં આર્થિક નીતિ રિસ્ટ્રક્ચર્ડ કરવાનું કહ્યું હતું. પાકિસ્તાને તેને પૂર્ણ કરવાનો વાયદો કર્યો અને મિની બજેટ પણ બહાર પાડ્યું. જેમાં સેલ્સ ટેક્સમાં 17 ટકા ચાર્જ હતો તેમાં 1 ટકો વધારી દીધો. લક્ઝુરિયસ વસ્તુઓ પર 25 ટકા જેટલો ટેક્સ લગાવી દેવામાં આવ્યો. છતાં પણ હજુ પાકિસ્તાન IMFએ મૂકેલી શરતોને પૂર્ણ નથી કરી શક્યું.

મનમોહન સિંહની ફોર્મ્યુલા અપનાવી પાકિસ્તાન સંકટમાંથી બહાર નીકળી શકશે?
પાકિસ્તાન પર આવેલા આર્થિક સંકટ મુદ્દે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા પત્રકાર જબ્બાર ચૌધરીએ મનમોહન સિંહને યાદ કર્યા. તેમણે કહ્યું, '90ના દાયકાની શરૂઆતમાં ભારતને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે મનમોહનસિંહે પરિસ્થિતિને સંભાળી હતી. એ પછી ભારતે પણ IMFની મદદ લઈને પરિસ્થિતિ સામાન્ય કરી હતી. ત્યાર બાદ મોટા આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે ભારતને IMF પાસે જવાની જરૂર નથી. હાલમાં પાકિસ્તાન સરકાર પણ આવો જ રસ્તો અપનાવીને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસમાં છે.'

પાકિસ્તાનના બે અલગ અલગ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં ધુળેટી રમી રહેલા કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો.
પાકિસ્તાનના બે અલગ અલગ યુનિવર્સિટીના કોલેજ કેમ્પસમાં ધુળેટી રમી રહેલા કેટલાક હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો.

તાજેતરમાં જ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ સાથે એક ઘટના બની હતી. જેમાં પાકિસ્તાનના લાહોરની પંજાબ યુનિવર્સિટી અને કરાચીની સિંધ યુનિવર્સિટીમાં ધુળેટીના દિવસે હિન્દુ વિદ્યાર્થીઓ પર હુમલો થયો હતો. કટ્ટર ઇસ્લામિક વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી જમિયત તુલબાના લોકોએ હિન્દુ વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી, જેમાં 20 વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા. પંજાબ યુનિવર્સિટીની પી.યુ. લૉ કૉલેજમાં એક અંદાજે મુજબ 30 વિદ્યાર્થી ધુળેટી ઊજવવા ભેગા થયા હતા. એવી પણ માહિતી સામે આવી હતી કે ધુળેટીની ઉજવણી માટે વિદ્યાર્થીઓએ કોલેજના વહીવટી તંત્રની પરવાનગી લીધી હતી. છતાં તેમના ઉપર આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં રહેતા હિન્દુ સમુદાયના લોકો મુશ્કેલીમાં છે
પાકિસ્તાની પત્રકાર જબ્બાર ચૌધરીએ જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયની સૌથી વધુ વસતિ સિંધ પ્રાંતમાં છે. છેલ્લા સાત દાયકાની સ્થિતિને જોતા હિન્દુ સમુદાય વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ જબ્બાર ચૌધરીએ સાથે એ પણ દાવો કર્યો કે હિન્દુ સમુદાય પર થઈ રહેલા આવા પ્રકારના હુમલા પાછળ પ્રત્યક્ષ રીતે સરકારનો હાથ હોતો નથી. પરંતુ સમુદાયના વિવાદના કારણે આવી ઘટનાઓ બનતી આવી છે. એટલે હિન્દુ સમુદાય પર થતા હુમલાઓને નકારી શકાય નહીં.'

પાકિસ્તાનના યુવાનો ભારતને લગતા વીડિયો બનાવીને યુટ્યૂબ પર કેમ મૂકે છે?
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી પાકિસ્તાનમાં એક આશ્ચર્યજનક ટ્રેન્ડ શરૂ થયો છે. પાકિસ્તાનના ઘણા યુવાનો યુટ્યૂબર બની ગયા. જેમના વીડિયોનું કન્ટેન્ટ પાકિસ્તાન નહીં પરંતુ ભારતને લાગતા-વળગતા હોય તેવા મુદ્દા પર હોય છે. પાકિસ્તાની યુવાનોના આવા વીડિયો અંગે સવાલ પૂછતાં જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, 'ભૌગોલિક સ્થિતિ, વસતિ અને ઈન્ટરનેટ યુઝરની દૃષ્ટિએ પાકિસ્તાન ભારત કરતાં ઘણો નાનો દેશ છે. એટલે ઈન્ટરનેટની સારી એવી સમજ ધરાવતા પાકિસ્તાનના કેટલાક લોકોને એ વાતનો ખ્યાલ છે કે જો તેઓ ભારતના સમર્થનમાં કે વિરુદ્ધમાં વીડિયો બનાવશે તો પાકિસ્તાનના લોકો તો તેને જોશે જ. આ ઉપરાંત ભારતના લોકો પણ તેમાં રસ દાખવશે. એટલે વીડિયોના વ્યૂઝ અને સબસ્ક્રિપ્શન પણ વધશે.' આમ, પાકિસ્તાનમાં બેઠા-બેઠા ભારતના ઈન્ટરનેટ યુઝર્સના માધ્યમથી કમાણી થાય છે.

પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે હોન્ડા જેવી મોટી કંપનીઓએ માર્ચ મહિનાના અંત સુધીમાં પ્લાન્ટ બંધ કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે (ફાઈલ તસવીર)
પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ વચ્ચે હોન્ડા જેવી મોટી કંપનીઓએ માર્ચ મહિનાના અંત સુધીમાં પ્લાન્ટ બંધ કરવાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે (ફાઈલ તસવીર)

ત્રણ મોટી કંપનીએ પાકિસ્તાનમાંથી પ્લાન્ટ સંકેલી લીધા
થોડા દિવસ પહેલાં પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જને હોન્ડા કંપનીએ એક પત્ર લખ્યો. કંપનીએ જાણકારી આપી કે, 'પાકિસ્તાનની આર્થિક સ્થિતિના કારણે અમારી સ્ટોક અને સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. અમને નથી લાગતું કે આવી સ્થિતિમાં અમે કારના પ્લાન્ટ ચાલુ રાખી શકીએ. એટલે આવનારી 31 માર્ચ સુધીમાં અમે પાકિસ્તાનમાં હોન્ડાના પ્લાન્ટ બંધ કરી રહ્યા છીએ.' આ અગાઉ પાક સુઝુકી મોટર કંપની અને ટોયોટા કંપની સાથે કરાર હેઠળ ચાલતી ઈન્ડસ મોટરે પણ પોતાના પ્લાન્ટ પાકિસ્તાનમાંથી બંધ કરી દીધા છે. જો કે આવી પરિસ્થિતિ વચ્ચે જાન્યુઆરી મહિનામાં વિદેશમાંથી એક અબજ 20 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ કારની આયાત કરવામાં આવી હતી. એટલે આવી વિરોધાભાસી સ્થિતિ અંગે સવાલ કરતા જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, 'હાલની પરિસ્થિતિમાં પાકિસ્તાન સરકારે કેટલીક વસ્તુઓની આયાત પર રોક લગાવી છે. પાકિસ્તાનના કોઈ પણ નાગરિક પાસે ગમે તેટલો રૂપિયો હોય છતાં કેટલીક વસ્તુ વિદેશથી નથી ખરીદી શકતો. રહી વાત કારના પ્લાન્ટની, તો ભારતમાં ગાડીઓનું પ્રોડક્શન થાય છે, જેના બધા જ પાર્ટ્સ ભારતમાં બનતા હોય છે. જ્યારે પાકિસ્તાનમાં માત્ર ગાડીઓ એસેમ્બલ જ થાય છે. મોટાભાગના પાર્ટ્સ વિદેશથી બનીને આવી છે. એટલે આવી કંપનીઓએ અહીં પોતાના પ્રોડક્શન હાઉસ બંધ કરવાનો નિર્ણય લીધો હોઈ શકે.

ઈમરાન ખાન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને સોનાની AK-47 ભેટમાં મળી હતી એ સમયની તસવીર
ઈમરાન ખાન જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમને સોનાની AK-47 ભેટમાં મળી હતી એ સમયની તસવીર

પાકિસ્તાનના વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ જ મોંઘી વસ્તુની ઉઠાંતરી કરી
સોનાની AK-47, 15 લાખની હીરાજડિત પેન, 85 લાખ રૂપિયાની વીંટી, સવા ચાર કરોડ રૂપિયાનો નેકલેસ, સવા કરોડ રૂપિયાની કિંમતના કંગન, 56 લાખ રૂપિયાની કફલિંક, 5 કરોડ 70 લાખ રૂપિયાની BMW 760 Li કાર, 5 કરોડ રૂપિયાની LX 470 કાર. પાકિસ્તાનમાં વર્ષ 2002થી લઈને અત્યાર સુધી, એટલે કે 20 વર્ષના સમયગાળામાં સરકારી ખજાનામાંથી થયેલી ઉઠાંતરીની આ યાદી છે. આ ઉઠાંતરી કોઈ સામાન્ય વ્યક્તિએ નથી કરી, આ કાંડ પાકિસ્તાનના વડાપ્રધાન પદે રહેલી વ્યક્તિઓથી લઈને રાષ્ટ્રપતિના પદ પર આસીન થયેલા લોકોએ કર્યુ છે.

ઈમરાન ખાનને ભેટ સ્વરૂપે મળેલાં કીમતી હથિયારને જૂજ રકમ આપી વેચી દેવાયાં
ઈમરાન ખાનને ભેટ સ્વરૂપે મળેલાં કીમતી હથિયારને જૂજ રકમ આપી વેચી દેવાયાં

પાકિસ્તાનના ભલભલા નેતાઓના પાપનાં પોટલાં કઈ રીતે ખૂલ્યાં?
કેટલાક દિવસ પહેલાં લાહોર હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો અને હાથ ફેલાવીને વિશ્વ સામે મદદ માગતા પાકિસ્તાની નેતાઓનાં પાપના પોટલાં ખૂલી ગયાં. હાઈકોર્ટના આદેશ બાદ પાકિસ્તાન સરકારના કેબિનેટ ડિવિઝનની વેબસાઈટ પર 466 પેજના દસ્તાવેજી પુરાવા જાહેર કરી દેવા પડ્યા, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, નવાઝ શરીફનાં પત્ની, હાલના રાષ્ટ્રપતિ આરીફ અલ્વી, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી, પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, હાલના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સિનિયર અધિકારીઓ સહિત ઘણા લોકોએ જૂજ રકમ આપીને કરોડોની વસ્તુ પોતાને નામ કરી લીધી હોવાના ખુલાસા થયા છે, જેણે પાકિસ્તાનના રાજકારણમાં હંગામો મચાવી દીધો છે.

પાકિસ્તાનના વિવિધ નેતાઓને ભેટ સ્વરૂપે મળેલી કીમતી વસ્તુઓ જેને તેમણે સગેવગે કરી દીધી
પાકિસ્તાનના વિવિધ નેતાઓને ભેટ સ્વરૂપે મળેલી કીમતી વસ્તુઓ જેને તેમણે સગેવગે કરી દીધી

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનમાં પગારની સ્થિતિ શું છે
વિવિધ મીડિયા રિપોર્ટ મારફતે મળેલી જાણકારી મુજબ...

  • પાકિસ્તાનમાં સૌથી વધુ પગાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોય છે. સરકાર ચીફ જસ્ટિસને એક મહિનાના 9 લાખ રૂપિયા જેટલો પગાર આપે છે.
  • પાકિસ્તાનના વડાપ્રધાનને પગાર તરીકે 1 લાખ 40 હજાર રૂપિયા પ્રતિમહિને મળે છે. આ રકમ ટેક્સ કપાયા પછીની છે.
  • પાકિસ્તાનના ક્રિકેટરને એક ટેસ્ટ મેચ રમવા બદલ 8 લાખ 38 હજાર 530 રૂપિયા આપવામાં આવે છે. વન-ડે મેચ માટે 5 લાખ 15 હજાર 696, જ્યારે ટી-20 માટે 3 લાખ 72 હજાર 75 પાકિસ્તાની રૂપિયા આપવામાં આવે છે.

પાકિસ્તાનમાં અલગ-અલગ પ્રકારે 37 સરકારી સંસ્થાનો 70થી પણ વધુ પ્રકારનો ટેક્સ લોકો પાસેથી વસૂલે છે. હાલમાં પાકિસ્તાનની વસતિ 22 કરોડની આસપાસ છે. એક રિપોર્ટ મુજબ આટલી વસતિમાંથી માત્ર 25 લાખ લોકો જ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરે છે. જેમાંથી ઘણા ઓછા લોકો ખરેખરમાં ટેક્સ ભરતા હોય છે. એટલે લોકો તરફથી સરકારને થતી આવકનું પ્રમાણ ખૂબ ઓછું છે.

45 વર્ષ પહેલાંની એ ઘટના જેના કારણે પાકિસ્તાન ઊંધા પાટે ચઢ્યું
આઝાદી બાદ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. દક્ષિણ એશિયામાં સૌથી સારા વિકાસ દરની સાથે આગળ વધતા દેશોમાં એક સમયે પાકિસ્તાનનું નામ મોખરે હતું, પરંતુ તેની આજે જે હાલત છે એનો પાયો 5 જુલાઈ 1977ના રોજ નંખાયો. જ્યારે પાકિસ્તાની સેનાના જનરલ જિયા-ઉલ-હક્કે સૈન્ય બળવો કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. આ પહેલાં પણ પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા તો હતી જ, પરંતુ પહેલીવાર સેનાનું સરકાર પર દબાણ ખૂલીને સામે આવ્યું હતું. ત્યાર બાદ સેનાની દખલગીરીનો સિલસિલો ચાલતો જ રહ્યો. પાકિસ્તાને સેના પર ખર્ચ અનેક ગણો વધારી દીધો, જેને કારણે વિદેશો પાસેથી લોન લેવી પડી અને હદ તો ત્યારે થઈ જ્યારે એક લોન ચૂકવવા માટે બીજા દેશ પાસેથી બીજી લોન લેવાનું પાકિસ્તાને શરૂ કર્યું. જૂન 2022માં પાકિસ્તાનના તત્કાલીન નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે સેના માટે 1523 બિલિયન રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી.

શું બેવડી નાગરિકતાએ પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું?
ભારતના બંધારણ મુજબ જો કોઈ ભારતીય વ્યક્તિ અન્ય દેશની નાગરિકતા ધારણ કરે તો આપોઆપ તેની ભારતની નાગરિકતા પૂર્ણ થઈ જાય છે. જ્યારે પાકિસ્તાનના કાયદા મુજબ કોઈ પણ પાકિસ્તાની વ્યક્તિ બીજા દેશની નાગરિકતા લે તો તેનું પાકિસ્તાનનું નાગરિકત્વ સમાપ્ત થતું નથી. આવા સંજોગોમાં ભ્રષ્ટાચારીઓ માટે દેશ છોડીને ભાગી જવું ખૂબ સરળ રહે છે. જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, 'પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે નાગરિકતા મુદ્દે ફેર વિચારણા થવી જોઈએ. કારણ કે નાગરિકોને 70 વર્ષ પહેલાં અપાયેલી આ સુવિધાનો હવે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. પરંત આ મુદ્દે હજુ સુધી કોઈ સચોટ નિર્ણય લેવાયો નથી.'

અન્ય સમાચારો પણ છે...