સ્ટોક માર્કેટ:દિવાળીના દિવસે 1 કલાકના મુહૂર્ત ટ્રેડિંગમાં રૂ. 12000 કરોડથી વધારેનું ટ્રેડિંગ થવાની સંભાવના, નાના રોકાણકારો ધૂમ ખરીદી કરશે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
  • ત્રણ વર્ષથી સેન્સેક્સ, નિફ્ટીમાં મુહૂર્ત ટ્રેડિંગમાં અડધા ટકાનો વધારો જોવાયો છે
  • બેન્ક, ઇન્ફ્રા, હોસ્પિટાલિટી, ઓટો, મિડકેપ શેર્સમાં ટ્રેડિંગ વધારે રહેવાની સંભાવના

લગભગ પાંચ દાયકાથી પણ વધારે જૂની પરંપરાના ભાગરૂપે આજે દિવાળીના દિવસે ભારતીય શેર બજારોમાં નવા વર્ષ માટે સાંજે એક કલાક માટે મુહૂર્તનું ટ્રેડિંગ થશે. સ્ટોક માર્કેટમાં આવેલી તેજીના પગલે બજાર નિષ્ણાતો માને છે કે આ વર્ષે દિવાળીના દિવસે 1 કલાકના મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં રૂ. 12,000 કરોડથી વધારેનું ટ્રેડિંગ થવાની આશા છે જે ગત વર્ષ કરતાં લગભગ 20% જેટલું વધારે છે. બજારના જાણકારો માને છે કે, હાલમાં આવેલી તેજીની કમાન નાના રોકાણકારોના હાથમાં છે અને આજે મુહૂર્ત ટ્રેડિંગમાં પણ રિટેલ ઈન્વેસ્ટર્સની ભાગીદારી ઘણી જ ઊંચી રહેશે.

મુહૂર્ત ટ્રેડિંગનો ટાઈમ

  • પ્રી-ઓપનિંગ: સાંજે 6-6:15
  • નોર્મલ માર્કેટ: સાંજે 6:15-7:15
  • ક્લોઝિંગ સેશન: સાંજે 7:25-7:35

રિકવરી કરતાં સેક્ટર્સમાં વોલ્યુમ વધુ રહેશે
મુહૂર્ત ટ્રેડિંગ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં એન્જલ વન લિમિટેડના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ અને ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ જ્યોતિ રોયે કહ્યું કે, બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી સહિતના સેક્ટર્સમાં જે મંદી આવી હતી તેમાં ઘણી રિકવરી આવી છે. તેની સામે આ સેક્ટર્સની કંપનીમાં હજુ તેજી આવવાઈ બાકી છે તે જોતાં આવી કંપનીઓમાં આજે વધુ ટ્રેડિંગ થઈ શકે છે. મિડકેપ અને સ્મોલકેપ હજુ પણ ઘણા નીચા છે એટલે તેવી કંપનીઓમાં રોકાણકારોનો રસ વધુ રહેશે.

રૂ. 12,000 કરોડથી વધુનું ટ્રેડિંગ થવાની સંભાવના
મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડેન્ટ એડવાઇઝરી અખિલ રાઠીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર બાદ દેશના તમામ રાજ્યોમાં અનલોક થઈ ગયું છે અને હવે બહુ નિયંત્રણો પણ નથી. આ ઉપરાંત છેલ્લા એક વર્ષમાં સ્ટોક માર્કેટમાં રિટેલ પાર્ટિસિપેશન વધ્યું છે તેને જોતાં આ વર્ષે રૂ. 12,000 કરોડથી વધારેનું ટ્રેડિંગ વોલ્યુમ રહી શકે છે. લિસ્ટેડ કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ સારા આવી રહ્યા છે અને ઓવરઓલ ઈકોનોમીની રિકવરી પણ ઘણી સારી છે. આ સ્થિતિમાં લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે લોંગ ટર્મમાં શેરબજાર પોઝિટિવ રહેશે. નાના રોકાણકારો સ્મોલકેપ અને મિડકેપ કંપનીઓ તરફ વધુ જઈ શકે છે.

ગત દિવાળી કરતાં નિફ્ટી અને સેન્સેક્સ 40% ઉપર
માર્કેટના ડેટા જોઈએ તો 2020ની દિવાળી કરતાં અત્યારે સેન્સેક્સ અને નિફ્ટી આશરે 40% જેટલા વધી ગયા છે. ગત વર્ષે દિવાળીના દિવસે સેન્સેક્સ 43,638ના સ્તરે હતો જે અત્યારે 59,772 (3 નવેમ્બર ક્લોઝિંગ)ના લેવલે છે. તેવી જ રીતે નિફ્ટી 12,780 પર હતી તે અત્યારે 17,829ના સ્તરે છે. મુહૂર્ત ટ્રેડિંગના દિવસની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 2016 અને 2017ને બાદ કરતાં બાકીના વર્ષોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં અડધા ટકા (0.50%)ની આસપાસ વધારો જોવા મળ્યો છે. 2018 પછીથી તેમાં નેગેટિવ સેન્ટિમેન્ટ બન્યું હોય તો પણ માર્કેટ આ દિવસે પોઝિટિવ બંધ આવ્યું છે.

તહેવારો પૂર્વે લોકોની આર્થિક હાલત સુધારી છે
લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ સ્ટોક બ્રોકિંગના ગુજરાત હેડ વિરલ મહેતાએ જણાવ્યું કે, કોરોના વચ્ચે દિવાળી પૂર્વે અર્થતંત્રની સ્થિતિ ઘણી સુધારી છે. લોકોની આવકમાં વધારો થયો છે અને શેરબજારમાં નવા ઈન્વેસ્ટર્સની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં 5.50 કરોડ ડિમેટ એકાઉન્ટ હતા. તેની સામે 2021-22માં સપ્ટેમ્બર સુધીમાં તેની સંખ્યા વધીને 7 કરોડથી વધુની થઈ છે. તહેવારો પૂર્વે લોકોની આર્થિક હાલત સુધારી છે તેના કારણે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં નાના રોકાણકારોનું પાર્ટિસિપેશન વધશે. આ ઉપરાંત એક્સ્ચેન્જ પર ટ્રેડ થતાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં પણ લોકોનું આકર્ષણ રહેશે.

નાણાકીય વર્ષ

ડિમેટ એકાઉન્ટ (કરોડમાં)

2014-152.33
2015-162.54
2016-172.78
2017-183.19
2018-193.59
2019-204.09
2020-215.51
2021-22*7.02

સંદર્ભ: મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ
*સપ્ટેમ્બર 2021 સુધીના ડેટા

મુહૂર્ત ટ્રેડિંગનો ઇતિહાસ
નવા વર્ષની શરૂઆતમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ મળી રહે તેના શુકન માટે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર 1957માં સાંજના સમયે એક કલાક માટે ટ્રેડિંગ કરવાની પ્રથા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર પણ 1992 મુહૂર્ત ટ્રેડિંગની શરૂઆત થઈ. સેશન શરૂ થાય તે પહેલા સ્ટોક બ્રોકર્સ અને તેમના કર્મચારીઓ, વેપારીઓ, રોકાણકારો અને તેમના પરિવારો સંપત્તિ અને સમૃદ્ધિની દેવી મા લક્ષ્મી અને અવરોધો દૂર કરનાર ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે 'ચોપડા અથવા શારદા પૂજા' કરે છે. મુહૂર્ત ટ્રેડિંગમાં પ્રતીકાત્મક સ્વરૂપે શેરની ખરીદી કરવામાં આવે છે. આ દિવસે રેગ્યુલર માર્કેટ બંધ રહે છે.