ગ્રાઉન્ડ રિપોર્ટઓશો આશ્રમ કે મેડિટેશન રિસોર્ટ, 1000 કરોડનો વિવાદ:ઓશોની તસવીર-ખુરસી અને સમાધિ હટાવાઈ, ટ્રસ્ટે કહ્યું- આ જ તેમની ઈચ્છા હતી

પુણે2 મહિનો પહેલાલેખક: આશીષ રાય
  • કૉપી લિંક

22 માર્ચ, 2023ના રોજ બપોરે 12 વાગ્યે પોલીસે પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર-1માં આવેલા ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ એટલે કે ઓશો આશ્રમ પર લાઠીચાર્જ કર્યો. આ લાઠીચાર્જમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો. 23 માર્ચે કોરેગાંવ પાર્ક પોલીસ સ્ટેશનમાં 128 લોકો સામે સામૂહિક હિંસા અને રમખાણોની કલમો હેઠળ FIR પણ નોંધવામાં આવી.

તપાસમાં સામે આવ્યું કે જેમની સામે કેસ નોંધવામાં આવ્યા તેઓ ઓશોના અનુયાયી છે, લાઠીચાર્જ કરવા માટે પોલીસને બોલાવનાર પણ આશ્રમ જ હતો. કારણ હતું કે ઓશો કોમ્યુનિટી મેનેજમેન્ટ તેમને તેમના ગળામાં ફૂલોની માળા પહેરીને આશ્રમમાં પ્રવેશવા દેતું નહોતું. જોકે માળા પહેરવી એ માત્ર 'ટિપ ઓફ આઇસબર્ગ' છે, આ વિવાદ ઓશોની હજારો કરોડની સંપત્તિ સાથે સંબંધિત છે.

ઓશોના કેટલાક અનુયાયી 22 માર્ચ, બુધવારે ગુડીપડવા (મરાઠી નવું વર્ષ)ના દિવસે પુણેમાં ઓશો આશ્રમ પહોંચ્યા હતા. તેમને અંદર જતા રોકવામાં આવતાં વિરોધ શરૂ કર્યો. આ પછી આશ્રમ મેનેજમેન્ટે પોલીસને બોલાવી.
ઓશોના કેટલાક અનુયાયી 22 માર્ચ, બુધવારે ગુડીપડવા (મરાઠી નવું વર્ષ)ના દિવસે પુણેમાં ઓશો આશ્રમ પહોંચ્યા હતા. તેમને અંદર જતા રોકવામાં આવતાં વિરોધ શરૂ કર્યો. આ પછી આશ્રમ મેનેજમેન્ટે પોલીસને બોલાવી.

ઓશો પાસેથી દીક્ષા લેનાર પ્રથમ ભારતીય મહિલા ધર્મ જ્યોતિએ ગંભીર આક્ષેપો કર્યા
હું 24 માર્ચ, 2023ના રોજ આ વિવાદની તપાસ કરવા પુણે પહોંચ્યો. સૌથી પહેલા હું એવા લોકોને મળ્યો, જેમના પર આશ્રમમાં હોબાળો મચાવવાનો આરોપ છે. તેમાંથી એક છે મા ધર્મ જ્યોતિ . 75 વર્ષીય ધર્મ જ્યોતિ કોરેગાંવ પાર્કમાં ઓશો આશ્રમ પાસે રહે છે. તેમનો દાવો છે કે ઓશો પાસેથી દીક્ષા મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા છે.

ધર્મ જ્યોતિ ઓશોના શિષ્યોના પ્રથમ ગ્રુપમાં સામેલ હતી, જેમને પ્રથમ દીક્ષા આપી હતી. આ કેમ્પ 1970માં મનાલીમાં લગાવાયો હતો.
ધર્મ જ્યોતિ ઓશોના શિષ્યોના પ્રથમ ગ્રુપમાં સામેલ હતી, જેમને પ્રથમ દીક્ષા આપી હતી. આ કેમ્પ 1970માં મનાલીમાં લગાવાયો હતો.

ધરમ જ્યોતિ કહે છે, 'આચાર્ય સાથે મારી પહેલી મુલાકાત 16 જાન્યુઆરી 1968ના રોજ થઈ હતી. આચાર્ય ત્યારે જબલપુરમાં રહેતા હતા અને અવારનવાર મુંબઈ આવતા હતા. મેં તેની સાથે કામ કરવાનું શરૂ કર્યું, તેમની સાથે મુસાફરી કરી. 1970માં તેઓ મુંબઈ શિફ્ટ થયા અને અમે એક એપાર્ટમેન્ટમાં સાધના માટે મળવા લાગ્યાં. ઓશોના શિષ્યો જે ડ્રેસ પહેરે છે એ મેં તૈયાર કર્યો હતો.

ધર્મ જ્યોતિ આગળ કહે છે, 'ઓશોએ જ મને 'ધર્મ જ્યોતિ' નામ આપ્યું અને મને ધર્મના પ્રચારની જવાબદારી સોંપી. એ જ સમયે તેમણે 'નવ સંન્યાસ આંદોલન' શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. એ જ બેઠકમાં તેમણે કહ્યું- 'મારો સાધુ ભાગેડુ નહીં હોય, તે પોતાના ઘરમાં રહેશે અને પોતાની આજીવિકા જાતે જ કમાશે.'

'ભગવા રંગનાં કપડાં અને ગળામાં માળા પહેરવાનું પણ આચાર્યએ જ નક્કી કર્યું હતું. મારા સિવાય અન્ય 11 લોકોએ સંન્યાસ લીધો અને આ કપડાં અને માળા સાથે રહેવા લાગ્યા. હું તો ઓફિસ પણ આ જ ડ્રેસમાં જતી હતી.'

આશ્રમમાં 'મા' અને 'સ્વામી' બેન, સંન્યાસ સેલિબ્રેશન પણ બંધ
ધર્મ જ્યોતિ ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનથી ખૂબ નારાજ છે. તે કહે છે- 'ઓશો 1974માં પુણે આવ્યા હતા અને અહીં એક બંગલો ખરીદ્યો હતો. તેમની સમાધિ એ જ જગ્યાએ છે. તેઓ (ટ્રસ્ટ વાળા) ઓશોની ઓળખને ભૂંસી રહ્યા છે. તેમણે 'મા' અને 'સ્વામી' જેવા શબ્દોને સંબોધવાનું પણ બંધ કરી દીધું છે.

ધર્મ જ્યોતિએ વધુમાં જણાવ્યું હતું કે '1979માં હું મારી નોકરી છોડીને પુણેના આશ્રમમાં આવી હતી. 30 વર્ષ સુધી અહીં રહી અને વર્ષ 2000માં છોડી દીધું. પહેલાં પુણા આશ્રમમાં દર શનિવારે 'સંન્યાસ સેલિબ્રેશન' થતું હતું. આ તેમના દેહત્યાગ (નિધન) પછી 10 વર્ષ સુધી ચાલતું રહ્યું.

ટ્રસ્ટનો દાવો છે કે 1986 પછી માળા પર પ્રતિબંધ છે. આ ખોટું છે, 19 જાન્યુઆરી 2000ના રોજ છેલ્લું 'સંન્યાસ સેલિબ્રેશન' થયું હતું. એ પહેલા માળા પહેરાવવામાં આવી હતી અને નવા નામનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

ધર્મ જ્યોતિનો દાવો છે કે વર્ષ 2000 સુધી ગુરુ પૂર્ણિમા, ઓશોનો જન્મદિવસ, ઓશોનો પરિનિર્વાણ દિવસ અને જે દિવસે તેમના પિતાએ દેહ છોડ્યો હતો, આ બધા દિવસોની ઉજવણી કરવામાં આવતી હતી. ઓશો પોતે આ કામ કરતા હતા. ઓશોએ આ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો હતો, આ ખોટી વાત છે.

'આજે પણ આશ્રમમાં મોન્સૂન ફેસ્ટિવલ, ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી કરવામાં આવે છે. આ ઉત્સવો બંધ કરવા પાછળ ટ્રસ્ટના લોકોની ચાલ છે. આમાં હજારો લોકો આવતા હતા, તેઓ પૂછતા હતા કે આશ્રમમાંથી ઓશોની તસવીરો કેમ હટાવવામાં આવી રહી છે? આટલા પૈસા હોવા છતાં આટલું ખરાબ કેમ છે? પ્રશ્નો ટાળવા માટે બધું બંધ કરી રહ્યા છે.'

ઓશોનાં પુસ્તકો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે, તસવીરો હટાવાઈ રહી છે
ધર્મ જ્યોતિ ટ્રસ્ટ પર ગંભીર આરોપ લગાવતાં કહે છે, 'આશ્રમને ખરાબ બતાવીને તેઓ ધીમે ધીમે જમીન વેચી રહ્યા છે. તેઓ ઓશોના ઉપદેશોને બદલી રહ્યા છે, માળા પર પ્રતિબંધ મૂકીને તેઓ બતાવવા માગે છે કે 'સંન્યાસ' છે જ નહીં. માળા એ વાતનું પ્રૂફ છે કે અમે ઓશોના સંન્યાસી છીએ. તેમણે પોતાની ઓડિયો બુક્સ, ભૌતિક પુસ્તકો અને વીડિયોમાંથી 'સંન્યાસ' શબ્દ હટાવવાનું શરૂ કરી દીધું છે. આશ્રમને કોમર્શિયલ રિસોર્ટ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ધર્મ જ્યોતિ કહે છે, “તેઓ પહેલા ઓશોનું નામ હટાવશે, પછી તેમની વિચારધારા. હવે તેમની તસવીરો પણ હટાવવામાં આવી રહી છે. જે પુસ્તકોના કવર પર ઓશોની તસવીરો હતી એ હવે ગાયબ છે. વેબસાઈટ પર એક-બે જગ્યાએ ઓશોની તસવીર છે. તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી તેમની તસવીર ગાયબ છે.

ધર્મ જ્યોતિ માને છે કે વિદેશી ભક્તોને વિઝાની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી ઓશોએ માળા પહેરવાનું વૈકલ્પિક બનાવ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય એના પર પ્રતિબંધ મૂક્યો ન હતો. તેમણે અમને 'ધ બુક ઓફ વિઝડમ'નો સ્ક્રીન શોટ પણ બતાવ્યો, જે જૂની અને નવી આવૃત્તિઓ વચ્ચેનો તફાવત દર્શાવે છે.

જે તેમનું છે જ નહીં, તેઓ કેવી રીતે વેચી શકે?
ધરમ જ્યોતિનો આરોપ છે કે 'ટ્રસ્ટ ઓશોની મિલકત વેચી રહ્યું છે'. તે કહે છે, 'ઓશોના તમામ સંન્યાસીઓએ આશ્રમ બનાવવા માટે તેમની પાસે જે હતું એ બધું લગાવી દીધું હતું. આ કામ મુઠ્ઠીભર લોકો કરી શકતા નથી. ઓશોના પુસ્તક, એના કોપીરાઈટ, ડાઉનલોડ, ઓડિયો બુક, મોબાઈલ એપ્સ, સોશિયલ મીડિયા અને આશ્રમના રૂમથી કરોડોની કમાણી થઈ રહી છે. માત્ર YouTubeની કમાણીથી સમગ્ર આશ્રમ સરળતાથી ચાલી શકે છે.’

‘ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો ઓશોને કારણે જ કરોડોના માલિક બની ગયા છે. આશ્રમની એક જમીનના બદલામાં 50 કરોડ એડવાન્સ લીધા છે, કોઈને કહ્યું પણ નહીં. એ જમીન પરનો સ્વિમિંગ પૂલ ઓશો દ્વારા તેમના ભક્તો માટે બનાવવામાં આવ્યો હતો અને ડિઝાઇન કરવામાં આવ્યો હતો.’

ધરમ જ્યોતિએ વર્ષ 2019નો ઓડિટ રિપોર્ટ બતાવ્યો, જેમાં આશ્રમમાં 15.51 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ દર્શાવવામાં આવી હતી. તેણી પૂછે છે, 'આખરે શું થયું કે 15 કરોડ રૂપિયા પૂરા થઈ ગયા અને આશ્રમ ચલાવવા માટે જમીન વેચવાનો સમય આવ્યો. ટ્રસ્ટ સાથે સંકળાયેલા અમૃત સાધનાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું છે કે માત્ર 15 લોકો જ મેડિટેશન રિસોર્ટની સંભાળ રાખે છે. એક ખાનગી પેઢી સફાઈ કરે છે, આમાં 15 કરોડ ખર્ચાયા?’

31 માર્ચ, 2019ના રોજ બહાર પાડવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાં જણાવાયું હતું કે આશ્રમ પાસે 15.51 કરોડ રૂપિયાની FD, લગભગ 8 લાખ રૂપિયા એકાઉન્ટમાં અને 3.28 લાખ રૂપિયાની રોકડ દર્શાવાઈ હતી.

'જમીન સરળતાથી વેચી શકાય, તેથી પ્લોટમાં વહેંચવામાં આવી રહી છે'
ધરમ જ્યોતિ અનુસાર, 'ઓશોની સમાધિ સાથે સતત છેડછાડ કરવામાં આવી રહી છે. જ્યાં ઓશો પ્રવચન આપતા હતા ત્યાં તેમની તસવીર લગાવવામાં આવી હતી, જે હટાવી દેવામાં આવી છે. સમાધિ પર એક પથ્થર લગાવવામાં આવ્યો હતો, જેના પર લખ્યું હતું કે ‘never born never died, just visited this earth’, એ પણ હટાવી દેવામાં આવી છે. આચાર્યના અસ્થિ કળશ પણ દૂર કરવામાં આવ્યા છે. સરકારે અહીં તપાસ કરવી જોઈએ. અમે વિરોધ કરી રહ્યા છીએ, તેથી અમને આશ્રમમાં આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લાઠીચાર્જ કરાવવામાં આવ્યો.’

ઓશોના અનુયાયીઓ આ જગ્યાને ઓશોની સમાધિ કહે છે. અહીં હવે ઝાડીઝાંખરા ઊગ્યાં છે.
ઓશોના અનુયાયીઓ આ જગ્યાને ઓશોની સમાધિ કહે છે. અહીં હવે ઝાડીઝાંખરા ઊગ્યાં છે.

ધરમ જ્યોતિએ આરોપ લગાવ્યો, “તેઓ (આશ્રમના લોકો) જાણે છે કે જ્યાં સુધી આ જગ્યા સાથે સમાધિ શબ્દ જોડાયેલો છે,ત્યાં સુધી કોઈ એને ખરીદશે નહીં. પહેલા એને 'ઓશો આશ્રમ' કહેવામાં આવતો હતો. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને પણ બોર્ડ પર 'પુણે ઈન્ટરનેશનલ આશ્રમ' લખ્યું છે. તેઓ એને પહેલા 'ઓશો કમ્યુન' અને પછી 'ઓશો મેડિટેશન રિસોર્ટ' કહેવા લાગ્યા. હવે તેનું નામ માત્ર 'ઓશો ઈન્ટરનેશનલ' રાખવામાં આવ્યું છે. જમીન આસાનીથી વેચી શકાય છે, તેથી જમીનને પ્લોટમાં વહેંચવામાં આવી રહી છે.’

'અમે પોલીસ સાથે ગેરવર્તન નથી કર્યું, આશ્રમના લોકોનો આરોપ ખોટો છે'
પોતાના સમર્થકોના હંગામા સાથે જોડાયેલા સવાલ પર ધરમ જ્યોતિ કહે છે, '21 માર્ચે આશ્રમમાં એક હજારથી વધુ લોકો આવ્યા હતા. તે દિવસે બધાએ તેમના ગળામાં માળા પહેરી હતી અને તેઓને રોકવામાં આવ્યા ન હતા. બધાએ 970 રૂપિયામાં ટિકિટ ખરીદી હતી. ધરમ જ્યોતિએ લાઠીચાર્જ પહેલા એક વીડિયો પણ બતાવ્યો, જેમાં 50થી વધુ લોકો આશ્રમમાં બેસીને આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા.

તે કહે છે, 'અમારી સાથે મહિલાઓ, વડીલો અને બાળકો હતા, આવી સ્થિતિમાં અમે હંગામો કે હિંસા કરવાનું વિચારી પણ નહોતા શકતા. પોલીસકર્મીઓએ એક અમેરિકન સાથે મારપીટ કરી, જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને ખૂબ માર મારવામાં આવ્યો. અમે પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી છે. અમે અમારી માળા, આશ્રમ અને સમાધિ બચાવવા કોર્ટમાં ગયા છીએ.’

તપાસ દરમિયાન, મને 21 માર્ચ, 2023નો બીજો વીડિયો મળ્યો. આ વીડિયો ઓશોની સાધક રહેલી ધ્યાન આભાનો છે. વીડિયોમાં તે આશ્રમમાં ફરતી વખતે તેની દુર્દશાની તસવીરો બતાવી રહી છે. તે સ્વિમિંગ પૂલની સામે જ ઊભી છે, જે વેચવાની તૈયારી ચાલી રહી છે.

વીડિયોમાં તે ટ્રસ્ટના લોકો પર આરોપ લગાવી રહી છે કે 'આજે તેઓ તેને (માળા પહેરવાની) મંજૂરી આપી રહ્યા છે, કદાચ તેઓ આગળ ફેરવી તોળશે. જો તેઓ સુધરશે તો તેમને કંઈપણ વેચવાની જરૂર નહીં પડે.’ ઓશોની સેક્રેટરી રહી ચૂકેલી નીલમની પુત્રીએ પણ સમાધિની દુર્દશા દર્શાવતો વીડિયો જાહેર કર્યો છે.
વીડિયોમાં તે ટ્રસ્ટના લોકો પર આરોપ લગાવી રહી છે કે 'આજે તેઓ તેને (માળા પહેરવાની) મંજૂરી આપી રહ્યા છે, કદાચ તેઓ આગળ ફેરવી તોળશે. જો તેઓ સુધરશે તો તેમને કંઈપણ વેચવાની જરૂર નહીં પડે.’ ઓશોની સેક્રેટરી રહી ચૂકેલી નીલમની પુત્રીએ પણ સમાધિની દુર્દશા દર્શાવતો વીડિયો જાહેર કર્યો છે.

ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટનો જવાબ: હિંસા પાછળ માળાધારી ધરમ જ્યોતિને મળ્યા પછી હું ઓશો ઈન્ટરનેશનલ આશ્રમ એટલે કે ઈન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ પહોંચ્યો. ઓશો તેમના જીવનના અંતિમ દિવસોમાં અહીં રહ્યા હતા. અહીં લગભગ 28 એકરમાં ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ બનાવવામાં આવ્યું છે. તેને ઓશો આશ્રમ કહેવામાં આવે છે.

આ રિસોર્ટનું સંચાલન ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે, જે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત ટ્રસ્ટ છે. આશ્રમના મુખ્ય દરવાજા પર ઓશો ઈન્ટરનેશનલ લખેલું છે. અંદર જવા માટે ભારતીયોએ 970 રૂપિયા અને વિદેશી નાગરિકોએ 1950 રૂપિયાની એન્ટ્રી ફી ચૂકવવી પડે છે.

2013માં ઓશોના મૃત્યુનાં 23 વર્ષ બાદ યુએસ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ઓશોનું વિલ સામે આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વસિયત ઓશો દ્વારા 1989માં લખવામાં આવી હતી. આ કારણે ઓશોની તમામ બાબતો ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જયેશ પાસે ગઈ. હવે ફાઉન્ડેશનમાં ટોચના હોદ્દા પર સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકાના શક્તિશાળી લોકોનો કબજો છે.

ઓશો આશ્રમમાં, હું ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સત્તાવાર પ્રવક્તા અમૃત સાધનાને મળ્યો. અમૃત સાધનાને માળા પહેરવાના વિવાદ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું- 'માત્ર માળા જ નહીં, જે પ્રતીકોથી ધર્મ બને છે એને ઓશોએ નકારી કાઢ્યા હતા. તેમનું માનવું હતું કે ધર્મોએ વધુ નુકસાન કર્યું છે. તેમને ડર હતો કે કદાચ તેમની વાત ધર્મ બની જશે.’

'તેઓ કહેતા હતા કે આવાં પ્રતીકો નાબૂદ કરવાં જોઈએ. 1987માં વિશ્વ પ્રવાસ પછી ઓશોએ ધાર્મિકતાનાં પ્રતીકોને દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું. અમારી પાસે એ સમયના વીડિયો છે, જે સાબિત કરે છે કે એ સમયે પણ લોકોએ માળા પહેરતા ન હતા.’

આ ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રવક્તા, અમૃત સાધના છે, તેણે ધર્મ જ્યોતિ અને તેના સહયોગીઓ પર આશ્રમની સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ ઓશો ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રવક્તા, અમૃત સાધના છે, તેણે ધર્મ જ્યોતિ અને તેના સહયોગીઓ પર આશ્રમની સંપત્તિ પર કબજો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.

અમૃત સાધના કહે છે, '1987 પહેલા ઓશો કહેતા હતા કે આપણે ગેરુઆ (કેસર) કપડાં પહેરવા જોઈએ, બાદમાં તેમણે તેને સંપ્રદાય અથવા ધાર્મિક પ્રતીક ગણાવીને તેને પહેરવાની મનાઈ કરી હતી. માળા પણ માત્ર ધ્યાન દરમિયાન જ પહેરવાની સલાહ આપવામાં આવી હતી. ભૂતકાળમાં ઓશોના આ સ્થાન પર જે હિંસા અને ગુંડાગીરી થઈ હતી તેની પાછળ આ 'માળાધારીઓ' હતા.

'માળા તો બહાનું છે, રિસોર્ટ કબજે કરવો છે'
અમૃત સાધના ધર્મ જ્યોતિ અને તેના સહયોગીઓ પર ગંભીર આરોપ લગાવે છે. તેમના કહેવા પ્રમાણે, 'માળા એક બહાનું છે, તેઓ આ રિસોર્ટ પર કબજો કરવા માગે છે. આ આખો કારોબાર ઓશોનો છે. તે ક્યાંથી સંચાલિત થાય એ નક્કી કરવાવાળા આ લોકો કોણ છે?’

'ઓશો ચોક્કસપણે ભારતમાં જન્મ્યા હતા, પરંતુ તેઓ ભારતીય નહોતા. તેઓ હંમેશાં આંતરરાષ્ટ્રીય રહ્યા. તેમણે બનાવેલા આંતરિક વર્તુળમાં 5 ભારતીય અને અન્ય દેશોના લોકો હતા. મેનેજમેન્ટ અને આંતરિક વર્તુળમાં આજે પણ આ જ પરંપરા ચાલુ છે. વિરોધ કરનારાઓ વિદેશ જવા માગે છે, પરંતુ વિદેશીઓ અને ડોલર કમાનારાઓને ધિક્કારે છે.’

આશ્રમની જમીન વેચવાના સવાલ પર અમૃત સાધના કહે છે, 'અમે આશ્રમ વેચવા માગીએ છીએ એ ખોટું છે. હવે આશ્રમમાં ઓછા લોકો આવે છે, ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, સ્પોર્ટ્સ કે સ્પા આપણી સંસ્કૃતિનો ભાગ નથી. આ એક મેડિટેશન રિસોર્ટ છે, જેથી એ ભાગ કોઈ કામનો નથી. તેથી જ એને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

અમૃત સાધના કહે છે, 'આ 28 એકરની જગ્યા કોરોનામાં બંધ થઈ ગઈ હતી. એની દેખરેખ બહારની કંપની કરી રહી છે, અમે તેનો પગાર રોકી શકતા નથી. અહીં 15-20 લોકો રહેતા હતા, અમારે તેમના ખાવા-પીવાની વ્યવસ્થા કરવાની હતી. બે વર્ષથી એક પૈસાની પણ આવક ન હતી. તેથી જ મજબૂરીમાં આ નિર્ણય લેવાયો છે. આજ સુધી આ જમીન વેચાઈ નથી. ચેરિટી કમિશનર વ્યવહારમાં સામેલ છે, એનું મૂલ્યાંકન નિયમો મુજબ કરવામાં આવ્યું છે, ઓક્શન કરવામાં આવ્યું છે. જો જમીન વેચવામાં નહીં આવે તો અમારે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.’

પૈસા આપીને ભાડાના લોકોને લાવ્યા હતા, તેમણે જ હંગામો મચાવ્યો હતો
22 માર્ચે આશ્રમમાં થયેલાં હંગામા અંગે અમૃત સાધના કહે છે, 'અમને માહિતી મળી છે કે લોકો અહીં પોતાની મરજીથી નથી આવ્યા, તેમને લાવવામાં આવ્યા હતા. તેઓ ભાડાના લોકો હતા અને તેમને માત્ર હંગામો કરવા માટે લાવવામાં આવ્યા હતા. આ રિસોર્ટ લગભગ 50 વર્ષથી અસ્તિત્વમાં છે. અમે 21 માર્ચ, 1974ના રોજ અહીં આવ્યા હતા અને ત્યારથી કોઈએ આ રીતે પ્રવેશવાનો અને તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો નથી.

તેણી આગળ કહે છે, 'અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારા જ સન્યાસીઓ આ રીતે ગુંડાગીરી કરશે. તેઓએ મારી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. મને મારવા માંગતો હતો, મને ધક્કા મારતા હતા, અપશબ્દો કહ્યા. આ લોકો જે રીતે હંગામો મચાવતા હતા, તેનાથી મને શંકા થવા લાગી છે કે શું આ લોકો ખરેખર ઓશોના ભક્ત છે?’

ઓશોના અનુયાયીઓ તેમની સમાધિ પર માળા લઈ જવા પર અડગ હતા. બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે અનુયાયીઓને સમાધિનાં દર્શન કરતા અટકાવી શકાય નહીં. આરોપ છે કે આમ છતાં ફાઉન્ડેશન તેમને અંદર જવાથી રોકી રહ્યું હતું.
ઓશોના અનુયાયીઓ તેમની સમાધિ પર માળા લઈ જવા પર અડગ હતા. બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે અનુયાયીઓને સમાધિનાં દર્શન કરતા અટકાવી શકાય નહીં. આરોપ છે કે આમ છતાં ફાઉન્ડેશન તેમને અંદર જવાથી રોકી રહ્યું હતું.

ધરમ જ્યોતિ દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ
મેં અમૃત સાધના પાસેથી ધર્મ જ્યોતિના દરેક આરોપો પર જવાબ માગ્યો. પહેલો આરોપ એવો હતો કે રિસોર્ટમાં રહેતા લોકોના નામમાંથી 'મા' અને 'સ્વામી' શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે? આના જવાબમાં અમૃત સાધનાએ કહ્યું- 'હા, મા અને સ્વામી શબ્દો ધર્મને ધ્યાનમાં લઈને આવે છે. ઓશોએ આપેલું 'સંન્યાસ' નામ વધુ સુંદર છે. આ પ્રયોગ ઓશોના શિષ્યોને વધુ સહજ અને સરળ બનાવવા માટે કરવામાં આવ્યો છે.’

પુસ્તકો, ડાઉનલોડ અને અન્ય માધ્યમોથી કમાણી કરવાના પ્રશ્ન પર અમૃત સાધના કહે છે, 'અમે પુસ્તકો મૂળ ભાવે વેચીએ છીએ. દુનિયામાં આવું કોઈ કરતું નથી. ઓશો પોતે પણ આ ઈચ્છતા હતા. અમે લાખો અને કરોડો કમાઈએ છીએ એવું નથી.’

તહેવારોની ઉજવણી રોકવાના પ્રશ્ન પર અમૃત સાધનાએ કહ્યું, 'ઓશો દિવસો પ્રમાણે તહેવારો ઉજવવાના પક્ષમાં ન હતા, તેઓ કહેતા હતા કે જીવનને તહેવારની જેમ જીવવું જોઈએ. 1986માં, લાઇટ ઓન ધ પાથ નામની ચર્ચામાં, ઓશો કહે છે - "હું બધા તહેવારોને વિદાય આપવા જઈ રહ્યો છું, દરેક દિવસ એક તહેવાર હશે અને શા માટે એક તહેવારથી ખુશ થવું, જ્યારે તમારી પાસે 365 હોઈ શકે!" 2002માં ઓશો મેડિટેશન રિસોર્ટની મેનેજમેન્ટ ટીમે નક્કી કર્યું છે કે સાધકો જ્યારે ઇચ્છે ત્યારે ધ્યાન કરી શકે છે અને ઉજવણી કરી શકે છે, દિવસો નક્કી કરવામાં આવશે નહીં.’

'સમાધિ' શબ્દ હટાવવાના આરોપો પર અમૃત સાધના કહે છે, 'સમાધિ' નામ ઓશો દ્વારા ક્યારેય આપવામાં આવ્યું નહોતું. એ તેમનો બેડરૂમ હતો. દેહ છોડતાં પહેલાં તેમણે કહ્યું હતું કે 'મારાં અસ્થિઓ પલંગની નીચે મૂકી દેજો અને એ રૂમનો ઉપયોગ માત્ર ધ્યાન માટે કરજો.'

જોકે મને ફિલ્મ અભિનેત્રી મનીષા કોઈરાલાનો એક ફોટો મળ્યો, જે એક બોર્ડની સામે ઊઉભેલી છે અને પાછળ ઓશો સમાધિ લખેલું છે.

અમૃત સાધના અનુસાર, હવે એ રૂમનું નામ ચુઆંગ ત્ઝુ (એક ચીની ગુરુ) છે. ત્યાં એક અરીસા પર લખેલું છે 'Never born never died, Only visited this planet earth. Between 11 December, 1931 and 19 January, 1990’.

ઓશોના ફોટા ક્યાં ગયા, ખુરસી પણ ગાયબ છે; સમાધિ ક્યાં છે
રિસોર્ટમાંથી ઓશોની તસવીરો હટાવવા પર અમૃત સાધના કહે છે, 'એ સાચું છે. ઓશોનાં ચિત્રો હટાવી દેવામાં આવ્યાં, કારણ કે તેમની પૂજા કરવામાં આવી રહી હતી. એનો ઉપયોગ કવર તરીકે થતો હતો. ઓશો એક ઊર્જા છે, જે દરેક વ્યક્તિની અંદર છે, જો તમે તમારી જાતને ધ્યાનમાં ડૂબાડશો તો તમે તેને જોશો, તમને એનો અનુભવ થશે.’

જ્યારે ઓશોની ખુરસી ગુમ થઈ ગઈ ત્યારે તેમણે કહ્યું, 'ખુરસી તેમના ઘરમાં છે. તેમની ડેન્ટલ ચેર અને તેમનો પલંગ પણ છે.’ જોકે સાધકોનો આરોપ છે કે અગાઉ જે ખુરસી કાર્યક્રમોમાં રાખવામાં આવતી હતી એ હવે જાણીજોઈને હટાવી દેવામાં આવી છે.

અમૃત સાધના અનુસાર, 'ઓશોનું આંતરિક વર્તુળ હજુ પણ અકબંધ છે. ‘સંન્યાસ’ હજુ પણ થાય છે, પરંતુ ઉજવણી તરીકે દીક્ષા તરીકે નહીં. ઓશોના સાધુઓ તેમનું અનુકરણ કરવા લાગ્યા હતા. તેમનાં કપડાં, દાઢી, ત્રીજી આંખ જાગ્રત કરવી જેવાં નાટકો શરૂ થઈ ગયાં હતાં. એને રોકવા માટે સંન્યાસનું સ્વરૂપ બદલી નાખ્યું. તમને તેની વિગતો neosannyas.org પર મળશે.’

સમાધિ પરના પથ્થરને દૂર કરવાના આરોપ પર અમૃત સાધના કહે છે, 'ત્યાં એક માર્બલ હતો, જે બગડી રહ્યો હતો, એટલા માટે એને હટાવીને કાચ લગાવવામાં આવ્યો, જે ઓશો ઇચ્છતા હતા.

ઓશોનાં ચિત્રો, ઘડિયાળો, કેપ્સ અને અન્ય વસ્તુઓ પર તેઓ ફક્ત એટલું જ કહે છે કે બધું સુરક્ષિત છે. પુસ્તકો, ઓડિયો પ્રવચનોમાં કાપકૂપી સંબંધિત પ્રશ્નના જવાબમાં અમૃત સાધના કહે છે કે 'પુસ્તકો, ઓડિયો-વીડિયો વિશ્વમાં મોટેપાયે ફેલાઈ રહ્યાં છે. તેમનાં પુસ્તકોનો 64 ભાષામાં અનુવાદ થયો છે. આરોપો સંપૂર્ણપણે ખોટા છે.’

ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ એટલે કે ઓશો આશ્રમે 22 માર્ચના વિવાદ પર નિવેદન પણ બહાર પાડ્યું છે. એ અનુસાર, '21 માર્ચે મેડિટેશન રિસોર્ટની બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે લોકોને મફત ભોજન, આવાસ અને પરિવહનની ઓફર કરવામાં આવી રહી છે. મેનેજમેન્ટ ટીમ સામે ઘણા સમયથી આ પ્રકારનો વિરોધ ચાલી રહ્યો છે. આ લોકોએ ભાડૂતી લોકોની ભીડ એકઠી કરીને લોકોને ઉશ્કેર્યા હતા. વિરોધ કરનારા નેતાઓ એ પણ જાણે છે કે ઓશોએ આ સંકુલ માટે 'આશ્રમ' શબ્દ હટાવી દીધો હતો.‘

ઓશોની વસિયત પર પણ વિવાદ ચાલુ
ઓશોના નામે બનાવેલા વિલને નકલી ગણાવતા સિવિલ અને ફોજદારી કેસ પણ નોંધવામાં આવ્યો હતો. હું પુણેના આનંદ સ્વામીને પણ મળ્યો હતો જેમણે આ કેસ નોંધ્યો હતો. સ્વામીના કહેવા પ્રમાણે, 'વર્ષ 2010માં ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ આશ્રમમાંથી 'સમાધિ' શબ્દ હટાવવાનું શરૂ કર્યું. આ પછી, અમે આરટીઆઈ અને અન્ય માધ્યમથી એની તપાસ કરી, તો અમને ખબર પડી કે આ લોકો પોતે જ જગ્યા વેચવાની યોજના બનાવી રહ્યા છે. અમે આ અંગે મુંબઈ ચેરિટી કમિશનરને જાણ કરી હતી.’

વિવાદમાં રહેલ ઓશોનું વસિયતનામું 16 જૂન, 1989ના રોજ લખવામાં આવ્યું હતું. એ તેના મૃત્યુનાં 23 વર્ષ પછી સામે આવ્યું હતું અને એ નકલી હોવાનો દાવો કરવામાં આવે છે.
વિવાદમાં રહેલ ઓશોનું વસિયતનામું 16 જૂન, 1989ના રોજ લખવામાં આવ્યું હતું. એ તેના મૃત્યુનાં 23 વર્ષ પછી સામે આવ્યું હતું અને એ નકલી હોવાનો દાવો કરવામાં આવે છે.

સ્વામીએ દાવો કર્યો છે કે “મારી તપાસમાં જાણવા મળ્યું છે કે આશ્રમના તમામ ટ્રસ્ટીઓએ ભારતની બહાર ખાનગી કંપનીઓ ખોલી છે અને આશ્રમની તમામ આવક એમાં ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. કોવિડ પછી ડિજિટલ પેમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ આશ્રમના ગેસ્ટહાઉસનું પેમેન્ટ અને એન્ટ્રી ફી રોકડમાં લેતા હતા. બદલામાં કોઈ રસીદ કે બિલ આપવામાં આવતું નહોતું. ચેરિટી કમિશનરના દબાણ બાદ રસીદ આપવાનું શરૂ કર્યું. આટલાં વર્ષોમાં રોકડમાં શું કમાયા એનો કોઈ હિસાબ નથી.’

આનંદ સ્વામીએ વધુમાં કહ્યું, 'અમેરિકામાં ઓશોના ટ્રેડમાર્કનો કેસ હાર્યા બાદ ટ્રસ્ટે યુરોપિયન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ત્યાં તેણે વસિયતનામું રજૂ કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે એ ઓશોના મૃત્યુના 4 મહિના પહેલાં પુણેમાં બનાવવામાં આવ્યું હતું. આ વિલ સ્પેનિશ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. મને ત્યાંથી એક નકલ મળી. વિશ્વમાં ચાર સ્થળે તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. ઈટાલી, જર્મની, દિલ્હી અને ઔરંગાબાદની તપાસમાં જાણવા મળ્યું કે આ કોપી પેસ્ટનો મામલો છે અને એ નકલી વિલ છે.’

વસિયતમાં નકલી સહીનો ઘટસ્ફોટ કેવી રીતે થયો?
સ્વામીએ કહ્યું, 'પુસ્તકમાં છપાયેલા ઓશોના હસ્તાક્ષર વિલ પર કોપી પેસ્ટ કરવામાં આવ્યા છે. ફોરેન્સિક લેબ્સે પુષ્ટિ કરી છે કે હસ્તાક્ષરો આબેહૂબ હોઈ શકતા નથી, એ બદલાય છે. એ એક પુસ્તક જેવું જ છે. અમે પુણેની શિવાજીનગર કોર્ટમાં તમામ ટ્રસ્ટીઓ વિરુદ્ધ સિવિલ અને ફોજદારી કેસ દાખલ કર્યો હતો. મામલો હાઇકોર્ટમાં ગયો હતો અને કોર્ટે મૂળ વિલ રજૂ કરવા જણાવ્યું હતું.’

તેમણે કોર્ટને કહ્યું હતું કે મૂળ વિલ માતા પ્રેમ નિર્વાણે ગુસ્સામાં ફાડી નાખ્યું હતું. એ ઓશોની પર્સનલ કેર ટેકર હતી. સવાલ એ થાય છે કે જે વસ્તુ માટે તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી એના પર તમે કેવી રીતે દાવો કરી રહ્યા છો. માતા પ્રેમ નિર્વાણના અવસાન પછી ઓશો 40 દિવસ સુધી જીવિત રહ્યા, ત્યારે શું બીજું વિલ ન બની શક્યું હોત.’

આનંદ સ્વામી કહે છે, “કોર્ટે પુણે પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)ને આ મામલે પોતાનો રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. પુણે પોલીસે કોર્ટને કહ્યું છે કે તેઓ ખાનગી ફોરેન્સિક લેબનો રિપોર્ટ સ્વીકારશે નહીં. આ પછી દિલ્હીની સરકારી ફોરેન્સિક લેબમાં એની તપાસ કરવામાં આવી અને પુણે પોલીસે વર્ષ 2018માં આ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો. રિપોર્ટમાં શું હતું એ હજુ બહાર આવ્યું નથી, પુણે કોર્ટમાં નિર્ણય હજુ પેન્ડિંગ છે.’