ગુજરાતનો લઠ્ઠાકાંડ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝેરી દારૂ પીવાના કારણે છેલ્લા 48 કલાકમાં 57 લોકોના મોત થયા છે. દિવ્યભાસ્કરે ભારતના લિકર માર્કેટ અંગે જાણવા પ્રયત્ન કર્યો છે. વાઇન બનાવતી દેશની અગ્રણી કંપની મહારાષ્ટ્રની સુલુ વાઇનયાર્ડની વેબસાઇટમાં આપેલ ભારતના લિકર માર્કેટના ઇન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ દર વર્ષે રૂ. 2.50 લાખ કરોડથી વધુનો દારૂ પીવાય છે. આ રિપોર્ટના 2021ના અંદાજ અનુસાર ભારતમાં વ્યક્તિદીઠ દારૂની ખપત 3 લિટર જેવી છે અને 2025 સુધીમાં તે 3.20 લિટર થઈ જવાની ધારણા છે.
દેશની 33% વસ્તી આલ્કોહોલિક છે
સુલુ વાઇનયાર્ડના રિપોર્ટ મુજબ ચીન અને રશિયા બાદ ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું આલ્કોહોલ માર્કેટ છે. માર્ચ 2021 સુધીમાં દેશની 33% વસ્તી દારૂનું સેવન કરે છે. 2025 સુધીમાં આ ટકાવારી વધીને 39% થઈ જવાની ધારણા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2020 સુધી દારૂનું વેચાણ 8%ના દરે વધતું હતું અને 2021-2025 દરમિયાન 11%ના દરે વેચાણ વધારો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ વર્ષમાં દેશમાં આલ્કોહોલિક પીણાંનું માર્કેટ વધીને રૂ. 3.50 લાખ કરોડ થઈ જવાનું અનુમાન છે.
ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ સૌથી વધુ
સુલુ વાઇનયાર્ડના રિપોર્ટમાં બતાવ્યા મુજબ 2021માં વેચાણમાં કન્ટ્રી લિકરનો શેર 32% થઈ ગયો છે. હાલમાં ભારતમાં બનતા વિદેશી દારૂ (IMFL)નું વેચાણ સૌથી વધુ 35% જેવુ છે જ્યારે બીયરનું વેચાણ 33% ઉપર છે. કેટેગરી વાઇઝ જોઈએ તો વાઇન 1%થી પણ ઓછી વેચાય છે. લોકલ ફ્લેવરના આધારે બનતા દેશી દારૂનું વેચાણ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે થાય છે. ઓછી આવક ધરાવતા વર્ગમાં કન્ટ્રી લિકરની ખપત સૌથી વધુ છે.
ભારતીય લોકો સૌથી વધુ વ્હિસ્કી પસંદ
વિદેશી દારૂ અથવા ભારતમાં બનતા વિદેશી દારૂની અલગ અલગ ફ્લેવરના વેચાણ શેર જોઈએ તો ભારતમાં વ્હિસ્કીનું વેચાણ સૌથી વધુ છે. આ કેટેગરીમાં કુલ વેચાણમાં વ્હિસ્કીનો માર્કેટ શેર 55% જેવો છે. ત્યારબાદ 23% રમ અને 16% બ્રાન્ડીનું વેચાણ છે. બીજી તરફ જ્યાં વિશ્વમાં વૉડકા અને જીન જેવા વ્હાઇટ સ્પિરિટની બોલબાલા છે, ભારતમાં આનો શેર માત્ર 6% જેટલો છે.
ભારતના લોકોને સ્ટ્રોંગ બીયર પીવાનું ગમે છે
વિતેલા બે દાયકા દરમિયાન ભારતીયોમાં બીયર સૌથી વધુ પ્રચલિત આલ્કોહોલિક પીણું બન્યું છે. ભારતમાં બિયરનું જે વેચાણ છે તેમાં 85% માર્કેટ સ્ટ્રોંગ બીયરનું છે. જ્યારે માઈલ્ડ કે લાઇટ બીયરનું માર્કેટ માત્ર 15% છે. ઓવરઓલ આલ્કોહોલ માર્કેટમાં બીયર કેટેગરીનો શેર માત્ર 10% જ છે. જોકે, જે પ્રકારે ભારતમાં બીયર જેવા ઓછા આલ્કોહોલિક કન્ટેન્ટ પ્રચલિત બની રહ્યા છે તે જોતાં આવતા દિવસોમાં તેનો ગ્રોથ સ્પિરિટ કરતાં વધુ થવાની સંભાવના છે. બીજી નોંધપાત્ર બાબત એ છે કે પ્રીમિયમ બીયરનું માર્કેટ 25%ના દરે વધી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.