સરકાર એક તરફ વિદેશી ભારતીયોને જોડવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ દર વર્ષે લગભગ 1.80 લાખ ભારતીયો તેમની નાગરિકતા છોડીને વિદેશી બની રહ્યા છે, તેમાંથી 7 હજાર લોકો એવા છે, જેમની નેટવર્થ 8 કરોડ રૂપિયાથી વધુ છે, બાકીના મોટા ભાગના પણ સારી કમાણી કરનારા પ્રોફેશનલ્સ છે.
પ્રવાસી ભારતીય દિવસ પર કહાની એ ઇન્ડિયન્સની, જે ભારત છોડી રહ્યા છે…
ભારતની નાગરિકતા છોડીને લોકો વિદેશી કેમ બની રહ્યા છે?
2020 ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુના રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ તેમની નાગરિકતા છોડવાનું મુખ્ય કારણ ક્રાઈમ રેટમાં વધારો અથવા દેશમાં વેપારની તકોનો અભાવ છે.
રિપોર્ટ અનુસાર, આપણા દેશની નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લેવા પાછળ પણ આ કારણો છે - મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણની શોધ, લાઈફસ્ટાઈલ ફેક્ટર્સ, જેમ કે પ્રદૂષણમુક્ત હવા, વધુ કમાણી અને ઓછો ટેક્સ. આ સિવાય પરિવાર માટે સારી હેલ્થકેર, બાળકો માટે શૈક્ષણિક અને ઓપ્રેસિવ સરકારથી બચવાનાં કારણો જવાબદાર છે.
એક્યૂસ્ટ એડવાઈઝર્સના સીઇઓ પરેશ કારિયા કહે છે, “2020માં વિદેશોમાં વસવા માટેનાં કારણો અંગે અમે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સારી હેલ્થકેર, ઓછું પ્રદૂષણ અને બિઝનેસ કરવાની સરળતા આ ટોચના મુદ્દા હતા. લોકો કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિશે વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે. અમેરિકાનું આકર્ષણ ઘટ્યું છે. એનું કારણ ગ્રીન વિઝા માટે રોકાણની રકમ 5 લાખ ડોલરથી વધારીને 9 લાખ ડોલર કરવાનું છે.
ભારતીય નાગરિકતા છોડ્યા પછી માત્ર અમુક ચોક્કસ દેશોની જ પસંદગી કેમ કરે છે?
ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ વૈશ્વિક ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ એનાં કેટલાંક પરિબળો ભારતમાં પણ લાગુ પડે છે. સામાન્ય રીતે જે દેશોમાં ભારતીયો લાંબા સમયથી મુલાકાત લેતા હોય છે અને જ્યાં તેમના પરિવાર અને મિત્રો રહે છે તેઓ આપોઆપ પસંદગી બની જાય છે. આ સિવાય લોકો એવા દેશોમાં જાય છે, જ્યાં પેપરવર્ક સરળ હોય છે.
ભારતની નાગરિકતા છોડીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં જવા માટેનાં 4 મોટાં કારણ છે…
1. ભારતમાં બે દેશની નાગરિકતાની કોઈ જોગવાઈ નથી
નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં વધારો થવાનું એક મહત્ત્વનું કારણ ભારતમાં નાગરિકતા સંબંધિત નિયમો છે. બંધારણ સુધારણા નાગરિકતા અધિનિયમ 1955 મુજબ, ભારતમાં કોઈ બેવડી નાગરિકતા નથી, એટલે કે ભારતની નાગરિકતા ધરાવનારી વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા માટે લાયક નથી. આવી સ્થિતિમાં જે લોકો વિદેશ ગયા તેમણે ત્યાં પોતાનો વ્યવસાય સ્થાપ્યો અને ત્યાંની નાગરિકતા મેળવી. આવી સ્થિતિમાં ભારતમાં તેમની નાગરિકતા આપોઆપ સમાપ્ત થઈ જાય છે.
જોકે ભારત સાથે વિદેશમાં રહેતા લોકોના જોડાણને જોતાં ભારત સરકારે 2003માં પીઆઈઓ એટલે કે પર્સન ઑફ ઈન્ડિયન ઓરિજિન કાર્ડ અને 2006માં OCI એટલે કે ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા કાર્ડ શરૂ કર્યું. આ કાર્ડે ભારતીયો માટે દેશની નાગરિકતા છોડવાનો નિર્ણય સરળ બનાવ્યો.
આ કાર્ડ દ્વારા લોકો ભારતીય નાગરિકતા છોડ્યા પછી પણ સરળતાથી ભારત સાથે જોડાણ જાળવી શકે છે. OCI કાર્ડની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે કાર્ડધારકો ભારતમાં ચૂંટણી લડી શકતા નથી, મતદાન કરી શકતા નથી, કોઈ સરકારી અથવા બંધારણીય હોદ્દો રાખી શકતા નથી અને ખેતી માટે જમીન ખરીદી શકતા નથી.
2. ભારતનો પાસપોર્ટ પ્રમાણમાં નબળો છે
ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર, ભારત હાલમાં 199 દેશમાંથી પાસપોર્ટ રેન્કિંગમાં 71મા ક્રમે છે. ભારતીય પાસપોર્ટ સાથે, તમે વિઝા વિના 71 દેશમાં મુસાફરી કરી શકો છો. બીજી તરફ, અમેરિકા, બ્રિટનના પાસપોર્ટ પર તમે 173 દેશમાં વિઝા વગર જઈ શકો છો. એવી જ રીતે કેનેડા અને ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ પર 172 દેશની યાત્રા કરી શકાય છે. આ એક મોટું કારણ છે કે ભારતની નાગરિકતા છોડીને લોકો અમેરિકા, કેનેડા જેવા દેશોની નાગરિકતા લઈ રહ્યા છે.
3. વિદેશમાં વધુ સારું લિવિંગ સ્ટાન્ડર્ડ
ભારત 2030 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે, પરંતુ માથાદીઠ આવકના સંદર્ભમાં હજુ પણ લાંબી મજલ કાપવાની છે. લોકો પાસે શિક્ષણ, કમાણી અને દવા માટે પ્રમાણમાં ઓછી તકો છે. આ સિવાય પ્રદૂષણ જેવી સમસ્યાના કારણે લોકો વિદેશમાં સ્થાયી થવા ઈચ્છે છે.
4. વિદેશમાં વધુ કમાણી
અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોનો ઊંડો અભ્યાસ કરનાર આર્થર ડબ્લ્યુ. હેલવેગના મતે ભારત છોડવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. હેલવેગના જણાવ્યા અનુસાર, લોકો યુનિવર્સિટી શિક્ષણ, રોજગાર, બાળકોની કારકિર્દી અને નિવૃત્તિ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી જ ભારત છોડે છે.
ભારતમાં સરેરાશ શ્રમ ખર્ચ પ્રતિ કલાક રૂ. 170, યુકેમાં રૂ. 945 અને યુએસમાં રૂ. 596 છે. આ સાથે આ દેશોમાં શ્રમ કાયદાનું કડકપણે પાલન કરવામાં આવે છે. એટલા માટે લોકો આ દેશોમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.
અમીરો દેશ છોડે તો નુકસાન, ટેક્સ કલેક્શન ઓછું થાય અને નોકરીઓમાં પણ અસર
ભારતમાં રોજગાર દર પહેલેથી જ ખરાબ છે. આવી સ્થિતિમાં અમીરોનો બિઝનેસ અન્યત્ર જવાથી અહીં બેરોજગારીનો દર વધશે. એનાથી ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધશે. ધનિકો પણ ભારે ટેક્સથી બચવા દેશ છોડીને જતા રહે છે. એનાથી ટેક્સ કલેક્શન ઘટે છે અને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. બીજી તરફ, સિંગાપોર, હોંગકોંગ, યુકે, કોરિયામાં ટેક્સ સિસ્ટમ ખૂબ જ સરળ છે. એટલા માટે લોકો પોતાનો દેશ છોડીને આ દેશોમાં બિઝનેસ સેટ કરવા જાય છે.
WIONના રિપોર્ટ અનુસાર, 1996થી 2015 દરમિયાન બોર્ડની પરીક્ષાના રેન્ક-ધારકોમાંથી અડધાથી વધુ લોકો વિદેશમાં શિફ્ટ થઈ ગયા અને હજુ પણ ત્યાં કામ કરી રહ્યા છે. મતલબ કે શાર્પ માઇન્ડ ભારતીયોનો એક ભાગ વિદેશની પ્રગતિમાં પોતાનું મન લગાવી રહ્યો છે.
વિદેશી બાબતોના નિષ્ણાત અને જેએનયુના પ્રોફેસર રાજન કુમારનું કહેવું છે કે 2022માં 4 લાખથી વધુ લોકો ભણવા માટે વિદેશ ગયા હતા. આ સમય દરમિયાન તેના અભ્યાસનો ખર્ચ લગભગ 27 મિલિયન ડોલર હતો. આટલો ખર્ચ કરીને ભણતાં બાળકો પણ સારા વળતરની અપેક્ષા રાખશે, જે તેમને ભારતમાં નથી મળતું. આવી સ્થિતિમાં તેઓ વિદેશમાં સ્થાયી થઈ જાય છે. આનાથી ભારતને બે પ્રકારનું નુકસાન થાય છે - પ્રથમ, આટલી મોટી રકમ અભ્યાસના નામે વિદેશમાં જાય છે અને બીજું, આપણું બ્રેઈન ડ્રેન પાછું નથી આવતું.
અત્યારસુધીમાં તમે એવા લોકો વિશે જાણતા હશો જેમણે ભારતની નાગરિકતા છોડી દીધી હતી. હવે જુઓ આખરે કેટલા વિદેશી ભારતની નાગરિકતા લે છે...
References and Further Reading
ગ્રાફિક્સઃ હર્ષરાજ સાહની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.