વડોદરાના વેસ્ટ ઇન્ડિયન, હાર્દિક પંડ્યા:એક સમયે ગામડામાં રમીને 400 રૂપિયા કમાતા હતા, આજે અંદાજે 15.50 કરોડ રૂપિયાની કારના માલિક

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હાર્દિક પંડ્યા… ભારતીય ક્રિકેટ ટીમનો એ ખેલાડી જેની ગણતરી એક સમયે બગડેલા છોકરાઓમાં થતી હતી. એક શોના કારણે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસની વચ્ચે જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જે પોતાને ખૂબ જ એક્સપ્રેસિવ માને છે અને તેમની લાગણીઓને છુપાવી શકતા નથી. હાર્દિકને તેના વલણના કારણે અંડર-13થી લઈ અંડર-17 અને જુનિયર સ્ટેટ ટીમમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો. પરંતુ, આ બધા પછી તેણે શાનદાર કમબેક કર્યું. તેણે પોતાની ટીમને પ્રથમ IPLમાં વિજેતા બનાવી, અને હવે એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચમાં તેની વિનિંગ ઇનિંગ્સ ચર્ચાનો વિષય બન્યો હતો.

હાર્દિકનો પરિવાર આર્થિક રીતે નબળો હતો. તેના શરૂઆતના દિવસોમાં ગુજરાતનાં ગામડાંઓમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવા જાય. ગામડાંઓ વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટનું કોઈ નામ નહોતું. તે જાંબુઝા ઈલેવન જેવી ટીમમાંથી રમતા હતા. તેને એક અઠવાડિયું રમવાના 400 રૂપિયા મળતા હતા અને મેચના સ્થળે પહોંચવા માટે કોઈપણ ટ્રકની ઉપર બેસી જતા. મેચ પછી ભૂખ લાગે તો તે મેગી ખાઈને પેટ ભરી લે. આજે હાર્દિક ટીમ ઈન્ડિયાનો રોકસ્ટાર પ્લેયર છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પછી તે ત્રીજા ક્રમે સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય ક્રિકેટર છે. તેની પાસે લક્ઝુરિયસ કારનું શાનદાર કલેક્શન છે. તેમના કાર કલેક્શનમાં 4 કરોડની લેમ્બોર્ગિનીથી લઈને 6.15 કરોડની રોલ્સ રોયસ જેવી કાર છે.

આજે જાણો હાર્દિક પંડ્યાની લક્ઝુરિયસ લાઈફ વિશે...
બાળપણથી જ ક્રિકેટમાં શાનદાર, એકેડેમીએ તેમના માટે નિયમોમાં ફેરફાર કર્યો
હાર્દિક પંડ્યાનો જન્મ ગુજરાતના ચોર્યાસી ગામમાં હિમાંશુ અને નલિની પંડ્યાને ત્યાં થયો હતો. પિતા હિમાંશુભાઈ પંડ્યા કાર ફાઇનાન્સનો નાનકડો વ્યવસાય કરતા હતા. હાર્દિક પંડ્યાને શરૂઆતથી જ ક્રિકેટનું પેશન હતું. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે તેને બરોડાની મોરે ક્રિકેટ એકેડમીમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તે સમયે તેની ઉંમર માત્ર 5 વર્ષની હતી. એકેડેમીમાં 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રવેશ આપવામાં આવતો નહોતો, પરંતુ હાર્દિક પંડ્યાની રમત જોઈને એકેડમીએ તેના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો હતો.

બરોડામાં 6000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું હાર્દિકનું પેન્ટહાઉસ

હાર્દિક પંડ્યા પાસે બે ઘર છે - બરોડામાં તેનું પોતાનું એક આલીશાન પેન્ટહાઉસ અને મુંબઈના બાંદ્રામાં ભાડાનો 8 BHK એપાર્ટમેન્ટ. બરોડા પેન્ટહાઉસ 6,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. તેમાં જીમ અને થિયેટર જેવી ઘણી આધુનિક સુવિધા છે. અહીં પંડ્યા તેના પરિવાર સાથે રહે છે. જેમાં તેની માતા, પત્ની નતાશા સ્ટેનકોવિક, પુત્ર અગસ્ત્ય, ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી છે. બીજી તરફ, બાંદ્રામાં 8 BHK એપાર્ટમેન્ટ 3,838 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. રૂસ્તમજી પેરામાઉન્ટ ટાવર્સમાં આવેલી આ પ્રોપર્ટીની કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે પરંતુ પંડ્યા બ્રધર્સે તેને ભાડે રાખી છે.

હાર્દિકનું ભવ્ય પેન્ટહાઉસ
હાર્દિકનું ભવ્ય પેન્ટહાઉસ

હાર્દિક પાસે લગભગ સાડા 15 કરોડની કારનું કલેક્શન છે

એક સમયે લિફ્ટ માંગીને મેચ સ્થળ પર પહોંચનાર હાર્દિક પંડ્યા આજે લક્ઝરી વાહનોનો શોખીન છે. તેનું કાર કલેક્શન 4 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિનીથી લઈને 6.15 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ સુધી છે. ઓડી, રેન્જ રોવર, મર્સિડીઝ જેવી લક્ઝરી કાર પણ તેમના પાર્કિંગની શોભા વધારી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે તેનું કાર કલેક્શન લગભગ 15.50 કરોડ રૂપિયાનું છે.

'મેગી બ્રધર્સ' તરીકે જાણીતા હાર્દિક અને કૃણાલ પંડ્યા
શરૂઆતના સમયમાં જ્યારે બંને અન્ય ગામોમાં મેચ રમતા તો ભૂખ લાગે ત્યારે મેગી ખાઈ લેતા. પૈસાની અછતને કારણે બંનેએ ખૂબ જ મેગી ખાધી અને આજે પણ બંનેને મેગી ખાવાનો શોખ છે. તેથી જ તેની આસપાસ હાજર લોકો પણ હાર્દિક અને તેના મોટા ભાઈ કૃણાલને ‘મેગી બ્રધર્સ’ કહીને બોલાવે છે.

હાર્દિક અને કૃણાલ પંડ્યા
હાર્દિક અને કૃણાલ પંડ્યા

વડોદરાના વેસ્ટ ઈન્ડિયન હાર્દિકનો ટેટૂ પ્રેમ
વિરાટ કોહલીની જેમ હાર્દિક પણ ટેટૂ પ્રેમી છે. તેણે ટાઈમ ઈઝ મની, નેવર સરેન્ડર, એક્સેપ્ટ અને ટાઈગરનું ટેટૂ બનાવ્યું છે. તેણે પુત્ર અગસ્ત્યની જન્મતારીખ ધરાવતું એક ટેટૂ પણ બનાવ્યું છે, જેમાં એક પુરુષને બાળકનો હાથ પકડતો પણ બતાવવામાં આવ્યો છે. હાર્દિકને તેના ટેટૂ પ્રેમ, વેસ્ટ ઈન્ડિયન કેરેક્ટર અને વર્તનને કારણે 'વેસ્ટ ઈન્ડિયન ઑફ બરોડા'ના નામથી પણ બોલાવવામાં આવે છે.

હાર્દિક ટેટૂનો શોખીન છે
હાર્દિક ટેટૂનો શોખીન છે

હાર્દિકે આઈપીએલમાંથી અત્યાર સુધીમાં 59 કરોડ રૂપિયાની કમાણી કરી

2014માં જ્યારે હાર્દિક પહેલીવાર IPLની હરાજીમાં ગયો ત્યારે તેને કોઈએ ખરીદ્યો ન હતો. પછી એક વર્ષ પછી 2015 માં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદ્યા પછી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની ફ્રેન્ચાઈઝી માટે સાત સિઝન રમી. તેને પ્રથમ ત્રણ સિઝનમાં પ્રત્યેક માટે 10 લાખ રૂપિયા અને પછીની ચાર સિઝનમાં પ્રત્યેક માટે 11 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. IPL 2022 માટે, પંડ્યાને ગુજરાત ટાઇટન્સ દ્વારા 15 કરોડ રૂપિયામાં લેવામાં આવ્યો હતો. GQના રિપોર્ટ અનુસાર, તેણે આઈપીએલમાંથી આઠ સિઝનમાં કુલ 59 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

સર્બિયન અભિનેત્રી નતાશાને અલગ અંદાજમાં પ્રપોઝ કર્યું હતું

પત્ની નતાશા સાથે
પત્ની નતાશા સાથે

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2020ની શરૂઆતમાં તેની સગાઈના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. 1 જાન્યુઆરી, 2020 ના રોજ, હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે તેની અચાનક સગાઈ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. દુબઈમાં ક્રૂઝ પર હાર્દિકે નતાશાને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતું. થોડા મહિનાઓ પછી એટલે કે 31 મે 2020ના રોજ કપલે કહ્યું હતું કે બંનેએ લગ્ન કરી લીધાં છે. આ પછી, 30 જુલાઈ 2020 ના રોજ નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ દંપતીએ 'અગસ્ત્ય' રાખ્યું છે.

ભારત-પાક મેચ બાદ હાર્દિકની બ્રાન્ડ વેલ્યુમાં 30-40%નો વધારો થયો

એશિયા કપમાં પાકિસ્તાન સામે વિજયી ઇનિંગ્સ રમનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની બ્રાન્ડ વેલ્યુમાં પણ વધારો થયો છે. પાકિસ્તાન સામેની મેચ બાદ તેમની બ્રાન્ડ વેલ્યુમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. 28 વર્ષીય હાર્દિક હાલમાં 8-10 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. પરંતુ આગામી દિવસોમાં તે 5-6 વધુ બ્રાન્ડ સાથે જોડાઈ શકે છે અને એન્ડોર્સ કરી શકે છે.

રિપોર્ટ અનુસાર, હાર્દિકની બ્રાન્ડ વેલ્યુમાં 30-40%નો વધારો થયો છે. કંપનીઓ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ફી તરીકે દરરોજ લગભગ રૂ. 2 કરોડ ચૂકવી રહી છે. હાર્દિકને દરેક બ્રાન્ડ માટે 2 દિવસ લાગે છે, જેથી તેને પ્રતિ બ્રાન્ડ ઓછામાં ઓછા 4 કરોડ મળે. આ સિવાય તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈપણ પ્રમોશનની ફી લગભગ 40 લાખ રૂપિયા પ્રતિ પોસ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...